કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 02

કનૈયાલાલ મુનશીનો પરિચય.

વ્હાલા વાચકમિત્રો,

ક, ખ, ગ….. ગુજરાતી મૂળાક્ષરો ‘ક’થી શરૂ થાય છે. બાળકને જ્યારે કક્કો શીખવાતો ત્યારે ‘ક કમળનો ક’ અથવા ‘ક કલમનો ક’ એમ શીખવાતો.  જ્યારે સાહિત્યની વાત હોય ત્યારે તો ‘ક કલમનો ક’ હોય. એ કલમ; જેમાંથી શબ્દો ઝરે અને સાહિત્ય રચાય, જેની તાકાત તલવાર કરતા પણ વધુ કહેવાય છે, જેની પવનપાવડીએ ઊડી કવિ કે લેખક એક નવી સૃષ્ટિનું સર્જન કરે, જે કક્કાના છત્રીસ વ્યંજનો અને બાર સ્વરોનો ઉપયોગ કરી થોકબંધ સાહિત્યનું સર્જન કરે છે, જે ક્રાંતિની વાહક બને, જે લાગણીઓને વાચા આપે, જેમાં તણખાંની જેમ બાળવાની તાકાત છે તો ચંદનલેપ કરવાની પણ તાકાત છે, જે હાંફતા માણસને શાતા આપી શકે છે, જે મનનાં તળિયાંને સપાટી પર લાવી શકે છે, જે સત્તા પલટી શકે, જે બે હૈયાને જોડી શકે કે તોડી શકે છે. આ છે કલમની તાકાત. કસબી એટલે આવી તાકતવર કલમમાં જે કુશળ છે, નિપુણ છે તેને આપણે કલમનો કસબી કહીએ. જ્યારે ગુજરાતી સાહિત્યની વાત હોય તો કલમના કસબી તરીકે જે પહેલું નામ હોઠે ચડે તે છે કનૈયાલાલ મુનશી.

શ્રી કનૈયાલાલ મુનશી એક બહુમુખી પ્રતિભાના ધની હતા. તેમનાં સર્જનની વાત તરફ આગળ વધીએ એ પૂર્વે તેમનો વ્યક્તિગત પરિચય કરવો જરૂરી છે. આમ તો, તેમની ખ્યાતિ એટલી છે કે ભાગ્યેજ કોઈ એવી વ્યક્તિ હોય જે તેમનાં નામ અને કામથી પરિચિત ન હોય પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે બહુ જાણીતી વ્યક્તિનું નામ તો સૌ જાણતાં હોય પણ તેમની અંતર્ગત સિદ્ધિઓ, તેમની લાક્ષણિકતાઓ કે તેમની વિશેષ ઉપલબ્ધિઓ વિશે જાણકારી કદાચ ન પણ હોય.

કનૈયાલાલ માણેકલાલ મુનશી કે જેઓ ક. મા. મુનશી તરીકે જાણીતા હતા . તેમણે ઘનશ્યામ વ્યાસનાં નામથી લેખનની શરૂઆત કરી હતી, જેની બહુ ઓછાં લોકોને જાણ હશે. વિધિની વિચિત્રતા કહીએ તો પ્રથમ શિષ્ટ – સંસ્કારી સાપ્તાહિક ‘ગુજરાતી’એ જ્યારે તેના લેખકને ગુજરાતી વાચકવર્ગ સમક્ષ પ્રથમ વાર રજૂ કર્યા, ત્યારે તેઓ પોતાનું ખરું નામ જાહેર કરતાં ડર્યા હતા કે તેમની કૃતિને ગુજરાતી વાચકવર્ગ સ્વીકારશે કે કેમ અને તેને સફળતા મળશે કે કેમ! તેથી તેમણે ‘ઘનશ્યામ’ તખલ્લુસ ધારણ કર્યું હતું. 30 ડિસેમ્બર 1887માં ભરૂચમાં જન્મ અને 8 ફેબ્રુઆરી 1971માં મુંબઈમાં નિધન. 83 વર્ષના તેમના જીવનકાળમાં તેમના મેઘધનુષી વ્યક્તિત્વનાં સપ્તરંગી કિરણો નિખરી ઊઠ્યાં.

પહેલો રંગ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના  લડવૈયા તરીકેનો.

બીજો રંગ, તેઓ એક વિદ્વાન ધારાશાસ્ત્રી હતા અને કાયદાનું ઊંડું જ્ઞાન ધરાવતા હતા.

ત્રીજો રંગ, તેઓ ભારતની બંધારણ સભાના સભ્ય હતા. ભારત સ્વતંત્ર બન્યું એટલે નવાં રાષ્ટ્ર માટે કેવું બંધારણ હોવું જોઈએ તે માટે બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ બંધારણ સભાની રચના થઈ જેના સભ્ય તરીકેનું સન્માનનીય સ્થાન તેમને મળ્યું.

ચોથો રંગ, તેઓ એક રાજકારણી હતા. તેઓ સંસદ સભ્ય બન્યા એટલું જ નહિ, પણ કૃષિ અને ખાદ્ય મંત્રાલય પણ સંભાળ્યું.  પાછળનાં વર્ષોમાં તેમણે ઉત્તરપ્રદેશના ગવર્નર તરીકે પણ સેવા આપી. મુંબઈ રાજ્યના ગૃહ મંત્રી,  હૈદરાબાદ સ્ટેટના એજન્ટ જનરલ ઓફ ઇન્ડિયા તરીકે સેવાઓ આપી. તેઓ સ્વરાજ પાર્ટી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, સ્વતંત્રતા પાર્ટી અને જનસંઘના સભ્ય રહેલા .

પાંચમો રંગ, તેઓ એક શિક્ષણવિદ્ હતા. 1938માં ભારતીય વિદ્યાભવનની સ્થાપના કરી.

છઠ્ઠો રંગ પત્રકારિતાનો. તેઓએ એક ગુજરાતી માસિક ભાર્ગવ પણ શરૂ કરેલ. તેઓ યંગ ઇન્ડિયાના  સહતંત્રી પણ રહ્યા. તો ભારતીય વિદ્યાભવને ભવન્સ જર્નલ પણ શરૂ કરેલ જે આજ સુધી ચાલે છે.

સાતમો અને સૌથી શિરમોર રંગ એક સાહિત્યકાર તરીકેનો. ગુજરાતી સાહિત્યમાં તેઓ ખૂબ પ્રખ્યાત છે. તેમણે ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ ત્રણ ભાષામાં લેખન કર્યું છે. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના  પ્રમુખ પણ હતા. તો હિન્દી સાહિત્ય સંમેલનના પણ પ્રમુખ હતા. ઐતિહાસિક વિષય પર તેમણે ઘણું સાહિત્ય રચ્યું. ખાસ કરીને 10મી સદીનું ગુજરાત, માળવા અને દક્ષિણ ભારત. તેમની નવલકથા ‘પૃથ્વીવલ્લભ’ પરથી ફિલ્મ પણ બની.

કહેવાય છે કે વિચાર જ વ્યવહાર બને છે અને વિચાર અને સંસ્કારનો પાયો છે બાળપણ. બાળકની સમૃદ્ધિનો ઇતિહાસ માતાના પાલવથી જ શરૂ થાય છે અને બાળપણની યાદોનાં બીજમાંથી સર્જન થાય છે વિચાર અને વ્યવહારનું. આ વિચાર અને વ્યવહાર જ્યારે વ્યક્તિત્વ બને છે ત્યારે એ વ્યક્તિ બને છે વ્યક્તિવિશેષ. તેથી જ મુનશીનું બાળપણ આપણને દોરી જાય છે તેમના વ્યક્તિત્વની સમૃદ્ધિ તરફ. મુનશીનાં બાળપણના પ્રદેશમાં વિહરવાં માટે કદાચ આપણે અડધે રસ્તે છીએ… તો આપણો વિરામ છે હવે અડધે રસ્તે…
પ્રિય વાચકો,
આપણે મળીશુ હવે અડધે રસ્તે..
મારા.. તમારા.. અડધે રસ્તે…
મુનશીના સર્જન ‘અડધે રસ્તે’માં…

— રીટા  જાની

 

 

 

10 thoughts on “કલમના કસબી : કનૈયાલાલ મુનશી – 02

  • આભાર દર્શના. આપ સૌનું પ્રોત્સાહન મને લખવાનું બળ પૂરું પાડે છે.

   Like

 1. વાહ રીટાબેન તમે તો મુન્શીજીની કેવી સરસ ઓળખ કરાવી! તેમના અડધે રસ્તે ને મળવા ઉત્સુક અમે સૌ…..

  Like

 2. “આ વિચાર અને વ્યવહાર જ્યારે વ્યક્તિત્વ બને છે ત્યારે વ્યક્તિ બને છે વ્યક્તિ વિશેષ! “ Nice introduction .. waiting for the next one ..

  Like

 3. વાહ ……કોઇ કહેશે નહી કે આ નવી કલમ છે.તમે મુનશી ને જાણે જીવંત કરી રહ્યા છો

  Like

 4. કનૈયાલાલ મુનશીએ એમની દર એક નવલકથાના પાત્રો અને કૃષ્ણાવતારને એવા આયામ પર મુક્યા છે કે એમના પાત્રો પણ અમર થઈ ગયા છે.
  ફરી એકવાર કનૈયાલાલ મુનશીને માણવા ગમશે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.