मेरे तो गिरधर गोपाल – ૦૨ : અલ્પા શાહ

મીરાંબાઈ : શબ્દ, સંગીત અને સાહિત્ય ને જોડતી કડીमेरे तो गिरधर गोपाल કોલમમાં આપનું સ્વાગત છે. આજે આપણે મીરાંબાઈનાં પદો અને મીરાંબાઈનાં જીવનચરિત્રનો અર્વાચીન યુગમાં સાહિત્યક્ષેત્રે જે પ્રભાવ જોવા મળે છે તેના વિષે જાણકારી મેળવીશું

મીરાંબાઈની ગણના મધ્યકાલીન યુગની એક અગ્રગણ્ય કવિયત્રી તરીકે થાય છે. મીરાંબાઈનાં પદોનો અભ્યાસ કરતા એમ લાગે છે કે, મીરાંબાઈએ પોતાના અનુભવ, ઉપદેશ અને પોતાના ગિરિધર ગોપાલ પ્રત્યેના તમામ ભાવને શબ્દ સ્વરૂપે તેમની રચનાઓમાં વહાવી દીધા છે. આપણી ગુજરાતીમાં એક પ્રખ્યાત કહેવત છે કે ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’. એટલે કે, જ્યાં સૂર્યનાં કિરણો પણ પહોંચવા અશક્ય છે ત્યાં કવિ તેમની કલ્પનાથી ગતિ કરી શકે છે. કવિ આ સ્થૂળ જગતમાં રહીને પણ આંતરમનનાં સૂક્ષ્મ જગત સાથે કવિતા દ્વારા જોડાણ કરાવે છે. કવિ તેમની કવિતા દ્વારા એક શાબ્દસૃષ્ટિની સાથે સાથે એક ભાવનાત્મક સૃષ્ટિનું નિર્માણ કરે છે. અને જયારે આ ભાવનાત્મક સૃષ્ટિમાં ભક્તિરસનો ઉમેરો થાય ત્યારે તો ભગવાન સાથે સીધું જોડાણ સધાય છે. એજ રીતે  મીરાંબાઈની રચનાઓ માં પણ ગિરિધર ગોપાલ સાથેનું તાદાત્મ્ય અનુભવાય છે.

મીરાંબાઈએ તેમના જીવનકાળ દરમિયાન લગભગ ૧૫૦૦થી વધુ પદોની રચના કરી. આ ઉપરાંત  ૧) બરસી કા માયરા ૨) ગીતગોવિંદ પર ટીકા ૩) રાગ સોરઠ અને ૪) રાગ ગોવિંદ નામના સંગ્રહ પણ તેમના દ્વારા રચવામાં આવ્યા છે.  મીરાંબાઈનાં પદોમાં એક નારી હૃદયની પોતાના પ્રિયતમ, પ્રાણનાથ, સ્વામી પ્રત્યેની દરેક સંવેદનાઓ એકદમ નક્કર સ્વરૂપે અનુભવાય છે. સાહિત્યની દૃષ્ટિએ મીરાંબાઈનાં પદો કદાચ સુરદાસ કે તુલસીદાસ જેટલાં ઉચ્ચ કોટીનાં ન હતાં પણ એમનાં પદોમાં જોવા મળતી નારી સહજ સંવેદના અને કોમળતા બીજે ક્યાંય જોવાં નથી મળતાં.

મીરાંબાઈની રચનાઓની ભાષા વિષે અમુક મતમતાંતરો પ્રસરેલા છે. મોટાભાગની તેમની રચનાઓ રાજસ્થાની ખડી બોલીમાં રચાયેલ છે તો અમુક પદોમાં વ્રજ ભાષાની પણ છાંટ જોવા મળે છે. તો પછી સ્વાભાવિક પ્રશ્ન થાય કે, મીરાંબાઈનાં ભજનો ગુજરાતી ભાષામાં કેવી રીતે પ્રચલિત થયાં. એક વાયકા પ્રમાણે, મીરાંબાઈ તેમના છેવટના જીવનકાળમાં દ્વારકાપુરીમાં આવીને વાસી હતી. તો તે સમયે તેમણે ગુજરાતીમાં રચનાઓ કરી હોઈ શકે. કાળક્રમે મીરાંબાઈનાં ભજનો બધી જ ભારતીય ભાષાઓમાં પ્રચલિત અને લોકપ્રિય થયાં.


અર્વાચીન સમયમાં તો મીરાંબાઈનાં પદો અને ભજનો ભાષાઓના, દેશના સર્વે સીમાડા ઓળંગી ગયાં અને મીરાંબાઈનાં પદોનું અંગ્રેજીમાં ભાષાંતર થવાં માંડ્યું. ૧૯૮૦માં A.J. Alstonએ લગભગ ૨૦૦ જેટલાં મીરાંબાઈનાં પદોનું અંગ્રેજીમાં ભાષાંતર કરીને The Devotional Poems of Mirabai પુસ્તક પ્રગટ કર્યું (https://www.amazon.com/Devotional-Poems-Mirabai-English-Hindi/dp/8120804414).


મીરાંબાઈનાં જીવન પરથી પ્રથમ ફિલ્મ ‘મીરાં’ ૧૯૪૭માં બની. એમાં શાસ્ત્રીય સંગીતની પ્રખર ગાયિકા  M.S. Subbalakshmi એ પ્રમુખ અભિનેત્રી તરીકે અભિનય આપ્યો છે અને સાથે સાથે આ ફિલ્મમાં મીરાંબાઈનાં ૨૦ જેટલાં પદો M.S. Subbalakshmiના સુમધુર કંઠે ગવાયેલાં છે.

શબ્દોની સાથે સાથે મીરાંબાઈને સૂર અને તાલની પણ સ્વામીની માનવામાં આવે છે. તેમણે પોતે પોતાનાં મોટાભાગનાં પદોને સૂરબધ્ધ કરેલાં અને આજે પણ એ કર્ણપ્રિય ભજનો આખાં વિશ્વમાં પ્રસિદ્ધિને પામ્યાં છે. એક વાયકા પ્રમાણે, ‘મીરાંબાઈ કી મલ્હાર’ નામનો રાગ મીરાંબાઈ દ્વારા રચવામાં આવ્યો હતો. મહાન ગાયિકા શોભા મુદ્ગલ આ વાતનું સમર્થન આપી રહેલ છે. કહેવાય છે કે, જયારે રાણાએ મીરાંબાઈને ઝેરનો કટોરો મોકલ્યો અને રાણાનું મોકલેલ વિષ પીવા છતાં મીરાંબાઈનો વાળ પણ વાંકો ના થયો ત્યારે રાણાએ તેના સેવકને બે ટીપાં ઝેર પીવાનું કહ્યું, ઝેરની અસરકારકતા પુરવાર કરવા. અને સેવક ત્યાં જ મૃત્યુ પામ્યો. એ વખતે મીરાંબાઈ એ રાગ મલ્હાર ગઈને મેઘરાજાને આહવાન આપ્યું અને તરત જ મેઘરાજાનું આગમન થયું અને સેવક જીવિત થયો. મીરાંબાઈ કી મલ્હાર આજે પણ શાસ્ત્રીય સંગીતનો એક વિશેષ રાગ ગણાય છે.


મીરાંબાઈનું જીવન અને ખાસ કરીને તેમની એક સ્ત્રી તરીકે જીવનમાં આવેલા સંઘર્ષની નોંધ સાહિત્ય જગતે  પણ લીધેલ છે.  અનેક  સાહિત્યકારો એ મીરાંને પોતાની કલમ દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના સાહિત્યમાં જીવિત કરી છે. વિશ્વકવિ  રવીન્દ્રનાથ ટાગોરની ટૂંકી વાર્તા “સ્ત્રીર પત્ર” (A Wife’s Letter)માં જયારે નાયિકા પોતાના પતિને છોડીને જાય છે ત્યારે પત્રમાં આ લખી ને જાય છે: Do not fear that I will kill myself. I am not going to play that old joke on you. Meerabai too was a woman like me, and her chains were by no means light, but she did not seek death in order to live. આ સ્ત્રી પાત્ર પણ મીરાંબાઈનાં જીવનમાંથી અનેક મુશ્કેલીઓ સામે ઝઝૂમીને પણ એક નવું જીવન શરૂ કરવાની પ્રેરણા લે છે. તો અમેરિકા સ્થિત ભારતીય લેખિકા Tanmeet Sethiએ પોતાની નવલકથા Blue Tyrstમાં મુખ્ય નાયિકાનું ચિત્રણ પણ મીરાંબાઈનાં જીવન ચરિત્ર પરથી કરવામાં આવ્યું છે. એમાં મીરાંબાઈને  પ્રાચીન અને અર્વાચીન વિચારધારાની જોડતી કડી તરીકે નિહાળવામાં આવી છે. આવા તો બીજા ઘણા સાહિત્યકારો છે જેને મીરાંબાઈનાં જીવનચરિત્રનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પોતાના સાહિત્યમાં સમાવેશ કર્યો છે.


આમ જોઈ તો, મીરાંબાઈ એક એવું જીવન જીવી ગયાં કે જેની સુવાસ હજુ સુધી અર્વાચીન યુગમાં પણ એટલી જ તાજી રહેલ છે. એક સોળમી સદીની રાજપૂત ઘરાનાની સ્ત્રી જે પિતાંબરધારી મુરલીધર ગિરિધર પાછળ પ્રેમદિવાની થઈ ગયેલ હતી અને જેનું સમગ્ર જીવન જ સંઘર્ષનો પર્યાય હતો છતાંય એ સંઘર્ષો સામે ઝઝૂમતો પોતાની પસંદગી મુજબનું જીવન જીવી ગઈ.  અને કદાચ એટલે જ દેશ વિદેશના સાહિત્યકારો એ પણ તેમનાં જીવનચરિત્રની નોંધ લીધી છે.

મીરાંબાઈ કે જે તેમના પોતાના અતરંગીઓએ પાથરેલા આટાપાટા વચ્ચે પણ,  તેમના શબ્દો, સંગીત અને શ્રદ્ધાના સથવારે અમર થઈ ગયા.


તો ચાલો આવતાં અઠવાડિયાથી આપણે આ અમરત્વ અપાવનાર મીરાંબાઈનાં પદો કે જે તેમની તેમના ગિરિધર ગોપાલના પ્રેમની ઉત્કૃષ્ટ પરાકાષ્ટાને છતી કરે છે તેને જરા વધુ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કરીશું અને આજના અર્વાચીન યુગના લેન્સથી નિહાળવાનો પ્રયત્ન કરીશું. મીરાંના ગિરિધર ગોપાલના ચરણોમાં આ શબ્દ પુષ્પો સમર્પિત કરી વિરમું છું.

અંતરંગીઓ એ પાથરેલા બેરંગી આટાપાટા વચ્ચે પણ,
તુજ કૃપા થી મેઘઘનુષના રંગો પૂરાયા મુજ જીવનમાં.
ઓ ગિરિધર, મને તારાં મોરપીંછનો એક રંગ બનાવી લે.— અલ્પા શાહ

1 thought on “मेरे तो गिरधर गोपाल – ૦૨ : અલ્પા શાહ

  1. Interesting ! And nicely said ! “”Do not fear that I will kill myself. I am not going to play that old joke on you. Meerabai too was a woman like me, and her chains were by no means light, but she did not seek death in order to live”. “ સરસ રજુઆત !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.