હાં રે દોસ્તત હાલો અમારે દેશ -૨) લોક સાહિત્ય અને મેઘાણી !

લોક સાહિત્ય અને મેઘાણી !

“ એ હાલો ભાભી ! આજે તો આપણે જાગરણ કરવાનું છે “ફળિયામાંથી અડોશ પડોશની વહુ – દીકરીઓના સાદ સંભળાતા હતા . અષાઢ મહિનો એટલે વ્રત વરતોલાંનો મહિનો ! એમાંયે સૌરાષ્ટ્ર , અને તેમાંયે અમારી હાલારી ભોમનું આ જામનગર તો સવિશેષ પ્રખ્યાત ! અમારું ઘર ખુબ જ જાણીતા આણંદાબાવા ના આશ્રમ નજીક – ચકલામાં જ ! ગામનું ધબકતું હૈયું ગણાય તેવો જીવંત વિસ્તાર ! હડી કાઢો તો ચાર મિનિટમાં પાંચ મંદિરની પ્રદક્ષિણા થઇ જાય તેમ બરાબર ગામ વચ્ચે જ ! આમ પણ આ શહેરને છોટા કાશીનું બિરુદ કાંઈ અમસ્તું મળ્યું નો’તું ! શેરીએ શેરીએ મંદિરો અને ચૌટે ચૌટે ઘડવીઓ કે કથાકારોથી આ ગામ સમૃદ્ધ !

અહીં, અમારાં ફળિયામાં બધાં જ તહેવારો પુરી ધામધૂમ અને પ્રણાલી પ્રમાણે ઉજવાય ! લોકો પણ જાણેકે ચાર પાંચ પેઢીથી ત્યાંજ વસતાં એટલે બધું વરસોવરસથી ચાલ્યું આવતું !

રાતે જમી પરવારીને બધી સ્ત્રીઓ ભેગી થઇ પછી ગરબાની રમઝટ જામી !

આ એ સમયની વાત છે જયારે ટેલિવિઝનનું અસ્તિત્વ નહોતું ; લોકોની ઘેર ફોન પણ નોંધાવ્યા પછી દશ બાર વર્ષે આવે ! ત્યારે નવરાશના સમયે ગામનો ચોતરો કે ઘરનો ઓટલો જ ટાઈમ પાસનું સાધન હતાં!

સરખે સરખી સહેલડીઓ ભેગી થઈને ટોળટપ્પાં કરતી વાતોએ વળગી .. પછી કાઠિયાવાડી લ્હેકા સાથે મીઠાં મધુરાં અવાજમાં ગવાતાં ગરબા – ગીત – ભજન શરૂં થયાં ..હું વિસ્મયથી સાંભળી જ રહી ! કાંઈક જુદા વસ્તુ વિષયનાં બહુ જાણીતા નહીં એવાં એ ગીતો હશે!

પણ પછી રાત વધી તેમ થોડા સમયમાં તો મહિલા મંડળીમાં ઓર રંગત આવી !

હવે બધી જુવાનડીઓ ગરબે ઘુમવા શેરીની વચ્ચે આવી , વડીલ મહિલાઓ ઓટલે બેસીને સાદ પુરાવતી હતી ….

“ એક ઝાડ માથે ઝુમખડું!

ઝુમખડે રાતાં ફૂલ રે ;

ભમ્મર રે રંગ ડોલરિયો !

આ તો મારું પરિચિત ગીત હતું ! મને અંદરથી જ એક ઝણઝણાટી થઇ ગઈ !

એક સિંધુ – પાળે સાંજલડી,

સાંજલડીએ રાતા હોજ રે

ભમર રે રંગ ડોલરિયો !

“ઝવેરચંદ મેઘાણીનું આ ગીત છે , બહેનો !” હું મનોમન બોલી , જાણે કે પિયરનું પારેવું આંગણે આવ્યું !! મને એટલો બધો આનંદ થયો એ શબ્દો સાંભળતાં!

એક જણે હવે ગરબો શરૂ કર્યો ;

“ અષાઢી સાંજનાં અંબર ગાજે !

અંબર ગાજે મેઘ ડંમ્બર ગાજે ,

“ અષાઢી સાંજનાં અંબર ગાજે !

ભાભીની રાતી ચોળ ચૂંદડી ભીંજે

ચૂંદડી ભીંજે , ખોળે બેટડો રીઝે ..

અષાઢી સાંજનાં અંબર ગાજે !

વાહ ! મારાં પરિચિત ગરબાથી હું આનંદથી ઝૂમી ઉઠી !

મેઘાણીનાં ગીત ગરબા અમે કોલેજ જીવનમાં ખુબ માણ્યાં હતાં! એમનાં ગીતો એટલાં બધાં પ્રચલિત છે કે ક્યારેક એ અજાણ કવિના લોકગીતમાં ખપી જાય ! તો ક્યારેક એ લોક ગીતો મેઘાણીની કૃતિ તરીકે પ્રખ્યાત થઇ જાય !

આમ તો ઝવેરચંદ મેઘાણીએ એમનાં ટૂંકા એકાવન વર્ષનાં જીવનમાં ખુબ લખ્યું છે ; પણ માત્ર એ માટે જ આપણે એમને યાદ નથી કરતાં. એમ તો ગાંધીયુગનાં કવિઓમાં ઉમાશંકર જોશી કે કનૈયાલાલ મુન્શી વગેરેએ પણ માતબર પ્રદાન કર્યું છે . પણ લોકસાહિત્યની સૌ પ્રથમ વાર સમજ સુજ્ઞ સમાજને જો કોઈએ આપી હોય તો તે મેઘાણીએ ! લોક સાહિત્ય એટલે લોકોની જીભ પર જીવંત રહેલું સાહિત્ય ! ઝવેરચંદ મેઘાણીએ ગાંધી યુગના વિદ્દ્વાન સાહિત્યકારો અને શિક્ષિત સમાજને સમજાવ્યું કે ગામડામાં રહેતાં ગ્રામ્ય સમાજમાં પણ સાહિત્ય પડ્યું છે , જેની આપણને ખબર નથી ! અને એ સાહિત્ય પણ મૂલ્યવાન છે !

સૌ પ્રથમ તો એમણે સૌરાષ્ટ્રનાં આ લોક સાહિત્યને સાંગોપાંગ પુરા પ્રેમથી જોયું અને માણ્યું! પછી એને કાગળ પર લખીને અ ક્ષર દેહ આપ્યો ! તે માટે તેઓ ગામડે ગામડે અને નેસડે નેસડે ફર્યા !લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિનો અનમોલ ખજાનો સાચવવાનું ભગીરથ કાર્ય એકલે હાથે કર્યું !

લોકગીતો એટલે લોકોની જીભે સચવાયેલ ગીતો ! એમાં લય હોય , ઢાળ હોય , પ્રાસ હોય , એમાં ગેય તત્ત્વ હોય જે એને ચિરંજીવી બનાવે ! જો કે; ગેય તત્ત્વ ના હોય તોયે એમાં આવતાં અટક – ખટક કે પ્રાસ કે રવ – સ્વરની ગુંથણી પણ આપણને ગમી જાય એવુંયે બને ! ઉદાહરણ તરીકે :

માં મને કોઈ દિ સાંભરે નહીં !

પંક્તિને અંતે જે અટક આવે છે તેનાથી સમગ્ર કાવ્ય કરુણ બની જાય છે .. અથવા તો :

“ચૂંદડી –

ચાર લોકમાં ગોતું ! આભમાં ગોતું ! ..”

અહીં જાણે કે ખોવાયેલ ચૂંદડી સાદ પાડી બોલાવતાં હોઈ એ તેવો સુંદર ભાવ પ્રગટ થાય છે ..

હું એવાં વિચારોમાં ખોવાઈ હતી ત્યાં અવાજ આવ્યો ;

“ ભાભી , હવે તમારો વારો , કોઈ ગીત ગવડાવો!” બધાં ઉમળકાથી ફળિયાની બધી વહુવારુને આગ્રહ કરીને ગીત માટે તૈયાર કરતાં હતાં ..

મારું પ્રિય ગીત ;

“ ભેટે ઝૂલે છે તલવાર , વીરાજી કેરી ભેટે ઝૂલે છે!

ભીંતે ઝૂલે છે તલવાર બાપુજી કેરી ભીંતે ઝૂલે છે !”

મેં ગવડાવ્યું ; અને તેની વાર્તા પણ કહી !

કેડ ઉપર રાખેલી તલવાર રક્ષણ કરવા માટે તૈયાર છે , અને ભીંત ઉપર લટકાવેલી તલવાર શોભામાં અભિવૃદ્ધિ કરવા લટકાવેલ શો પીસ છે!” મેં નાનું લેક્ચર ( સ્વભાવ પ્રમાણે ) આપી દીધું ..

મોટો જીવ્યો છે પાય શત્રુના પુજતો ;

નાનેરો સૂતો સંગ્રામ !

અને પછી

‘ મોટાનાં મોત ચાર ડાઘુએ જાણિયા,

નાનાની ખાંભી પૂજાય ..

મેં મેઘાણીનું આ પ્રચલિત ગીત ગરબાના ઢાળમાં ગવડાવ્યું . આ ગીત માટે કહેવાયું હતું કે એની એટલી બધી રેકર્ડ વેચાઈ હતી કે એ સમયે સમગ્ર સાહિત્ય પુસ્તકોના વેચાણ કરતાં એની વીસ ગણી વધારે આવક થઇ હતી ..

મને લાગ્યું કે મને જેમ એમનાં ગીત ગરબામાં રસ રુચિ હતાં તેવાં રસ રુચિ એ સૌને મારાં આ ગીત ગરબા પિષ્ટપેશણમાં હતાં . મારી અમદાવાદની બોલીથી ઘડીભર શાંતિ છવાઈ ગઈ હતી પણ હવે મને લાગ્યું કે બસ મને એ સહેલીવૃંદમાં સહેલાઈથી પ્રવેશ મળી ગયો ! આમ તો અમે વીસેક જુવાનડીઓમાંથી અડધા ઉપરાંત બહેનો હાઈસ્કૂલ પાસ પણ નહોતી ; પણ બધી જ બહેનોના ઉત્સાહ ઉમંગ અનેરાં હતાં , અને ગીતો ગાવામાં જાણેકે બધાં એક બીજાની હરીફાઈ કરતાં હતાં! અને આ બધાં સાથે વડીલ મંડળનાં મંગળાબેન અને દકીબેને પણ મને આશીર્વાદ સહ વધાવી લીધી .

લોકસાહિત્ય ભેગું કરવાના મારાં શોખને અનુકૂળ હવા મળી હતી .. હું ભવિષ્યના વિચારોમાં ખોવાઈ રહી હતી ..રાત હજુ નવોઢાની જેમ ધીમે ધીમે ઘૂંઘટ ખોલી રહી હતી .. મેં નોંધ્યું કે મને આશીર્વાદ આપનારાં મંગળાબેન અને દકીબેન ક્યાંક ગાયબ થઇ ગયાં હતાં .. મારાં આશ્ચર્ય વચ્ચે હવે પછી જે બન્યું તે સુજ્ઞ વાચકો , તમારી કલ્પના બહારનું છે ! એ સુંદર લોકસાહિત્યની રસલ્હાણ આવતા અંકે !

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

8 thoughts on “હાં રે દોસ્તત હાલો અમારે દેશ -૨) લોક સાહિત્ય અને મેઘાણી !

 1. ગીતાબેન, ખૂબ મજા આવી ગઈ. નાનપણમાં ખૂબ ગાયેલ ગીતો ને કાવ્ય પંક્તિઓ કેટલા વર્ષો પછી માણી ને હું એ સમયખંડમાં પહોંચી ગઈ.

  Liked by 1 person

  • Thank you , Ritaben !આવી જ મઝા આપણે આખું વર્ષ કરીશું ! તમારી જેમ હું પણ એ દિવસોની યાદમાં ખોવાઈ ગઈ ! પણ સાથે સાથે અમારાં સ્વજનો જેમણે મને આ બધાં પ્રસંગોમાંથી આનંદ , આશ્ચર્ય , ઉત્સાહ , ક્યારેક બંડ પોકારતાં ( એ પણ આગળ આવશે : લોકસાહિત્યમાં અંધ શ્રદ્ધા અને વ્હેમની વાતો કરતાં) વગેરે રીતે જોઈ છે તે સૌ આ કોલમ વાંચે છે અને ફોન દ્વારા અભિપ્રાય પણ જણાવે છે ! અને એક વડીલ મુરબ્બીએ મને કહ્યું ;” એ મધુર દિવસો …. ते हि न: दिवसा गता: !
   તમારા અભિપ્રાય અને સૂચનો જણાવતા રહેજો ..

   Like

 2. ગીતાબેન,
  મેઘાણી તો બુલંદ અવાજે ઘેર ઘેર ગાજતા કવિ… એ લોકગીતો વચ્ચે જીવ્યાનો આનંદવૈભવ કેવો હશે એ સમજે શકાય છે.

  Liked by 1 person

  • ખરેખર રાજુલબેન ,
   એટલું બધું લોકસાહિત્ય અને મેઘાણીનું વાંચન કરવાની તક મળી છે કે જાણે ફરીથી કોલેજમાં પ્રોફેસરની જોબ મળી ગઈ હોય તેવો આનંદ થાય છે , આ કોલમમાં લખતાં .. તમારાં સંસ્મરણો સૂચનો પણ અહીં જરૂર નોંધશો ..Thanks !

   Like

 3. આ ભવ્ય વારસાની અનેક વાતો સાંપ્રત કાળમાંપણ એટલીજ પ્રસ્તુત છે.માત્ર સંભાળવાની જવાબદારી આપણી છે.

  Liked by 1 person

 4. ગીતાબેન,હંધાય ભેગા મળીને તમારી હારે મેઘાણીની વાત્યું કરવા તમારે દેસ જાવું પડસે નહીં? કે પછી L.A જ આવી
  પ્હોંચીએ.એક અસલ કાઠિયાવાડી ભાષામાં થવા દો…મઝા પડશે….હે…..હે….એ સાંજને …..સમે …જ્યારે સૂરજ નમે ત્યારે સૌ હારે મળીને રાહડા લઈએ……

  Liked by 1 person

  • ઝવેરચં મેઘાણીની પ્રતિભા એટલી તો ભવ્ય હતી! એટલેતો એમને રાષ્ટ્રીય કવિનું ઉપનામ મળ્યું હતું .. જેમ જેમ એમના વિષે વિચારવા – લખવા બેસું છું તો શબ્દો છેક પાછળ રહીજાય ને હું વિચારોમાં આગળ દોડી જાઉં !! લોકસાઇહિત્યનો ખજાનો પણ અઢળક! દર્શનાબેન , પ્રજ્ઞાબેન , જિગીષાબેન ! એ હાલો .. એ હાલો રાજુલબેન
   ને રીટા બેન ,
   ઓલા ફળિયામાંય રાહડા લેવાય છે , વાં ઝટ હડી કાઢીને આવો.

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s