૨ – સદાબહાર સૂર રાજુલ કૌશિક

એ દિવસ મને આજે પણ બરાબર યાદ છે. છ વર્ષની ઉંમર હતી અને પપ્પા અમને એ દિવસે રજૂ થયેલી ગુજરાતી ફિલ્મ  “ મેંદી રંગ લાગ્યો” જોવા લઈ ગયા હતા. ફિલ્મ જોવી એ મારા માટે એ સમયે ખાસ કોઈ મઝાની વાત હતી એવું ય નહોતું હા ! જરા નવી વાત જરૂર હતી પણ પછી તો એમાંય ખાસ કોઈ નવિનતા રહી નહી કારણકે પપ્પા એ સમયે પણ જાણીતા પત્રકાર, વિવેચક, સમીક્ષક, નાટ્ય લેખક અને ફિલ્મની સાપ્તાહિક પૂર્તિના સંપાદક હતા.

અમદાવાદ શહેરના અને મુંબઈના કંઇ કેટલાય લેખક, ગાયક, ગીતકાર, સંગીતકાર, કલાકાર, નાટ્યકાર સાથે ઘરોબો એટલે આ બધા કલાકારોને જોતા, ઓળખતા ઓળખતા જ હું મોટી થતી રહી.

ગુજરાતી ફિલ્મ “ મહેંદી રંગ લાગ્યો”ના પ્રિમિયર શો પછીના બીજા જ દિવસની વાત છે. એ સમયના જાણીતા અભિનેતા રાજેન્દ્રકુમારનો મારા પપ્પા ઈન્ટર્વ્યુ લેવાના હતા. આ હિન્દી ચલચિત્રના અભિનેતાએ ગુજરાતી ફિલ્મમાં કામ કર્યું હતું એટલે ગુજરાતી ફિલ્મમાં અભિનય દરમ્યાનના અનુભવ વિશે જ વાત હતી. જો કે એ ૬ વર્ષની ઉંમરે તો એ ભઈ મને આ પ્રિમિયર શો કે ઈન્ટર્વ્યુની પણ ક્યાં ખાસ સમજ હતી અને એમની સાથેની વાતોમાં ય ખાસ તો એવું કંઈ કે મઝા પડે એવું કંઈ નહોતું. એ સમયે તો કોઈપણ અભિનેતા કે અભિનેત્રીને મળવું એ પણ મારા માટે ખાસ કોઈ રસપ્રદ વાત નહોતી. રસ હતો તો માત્ર એ જ કે એ ઇન્ટર્વ્યુ  હતો અમદાવાદના કાંકરિયાના બાલવાટિકામાં….. ઇન્ટર્વ્યુ તો ટેપ થવાનો જ હતો સાથે જે ફોટા લેવાય એમાં પણ બેક-ગ્રાઉન્ડ સુંદર હોય તો એ ફોટા પણ શોભી ઉઠે એટલે એના માટે પસંદ કરવામાં આવ્યું એ સમયનું બાળવાટિકા અને એ બાળવાટિકાનો નકશીકામવાળો ઝૂલો.  

એ ઉંમરે બાલવાટિકા, એનું અરીસાઘર, બોટહાઉસ તો મારી પ્રિય જગ્યાઓ અને એનો પેલો નકશીકામવાળો હિંચકો, એ તો મને બહુ જ ગમતો જેની પર બેસી ઝૂલતા ઝૂલતા રાજેન્દ્રકુમારનો ઇન્ટર્વ્યુ લેવાનો હતો. આપણા રામને પણ નકશીકામવાળા ઝૂલા પર ઝૂલવામાં જ રસ હતો.

ઈન્ટર્વ્યુ સમયે રાજેન્દ્રકુમારની સાથે વાતોની વચ્ચે એ ગુજરાતી ફિલ્મના ગીતો પણ ટેપ રેકોર્ડર પર વાગતા હતા. બાકી બધું તો ભૂલાઈ ગયું પણ એ સમયે સાંભળેલો ગરબો જે બહુ ગમી ગયો જે આજ સુધી મારી યાદમાં જડાયેલો છે…

“મહેંદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત રે મહેંદી રંગ લાગ્યો….”

આગલા દિવસે પરાણે જોયેલી ફિલ્મમાંથી પણ આ ગરબો જ મને બહુ ગમી ગયેલો જે ઇન્ટર્વ્યુ સમયે ફરી સાંભળવા મળતા હું તો રાજી રાજી કારણકે એ ગરબામાં માથે જાગ અને બેડા સાથે સાથે થયેલી એન્ટ્રી એ મારા માટે કંઇક નવું હતું. માથે આવો ભાર લઈને કેવી રીતે ગોળ ગરબે ઘૂમી શકાય એ સાચે જ મારા માટે કોયડો હતો અને પછી તો ત્રણ તાળી સાથેની રમઝટમાં મને ખુબ મઝા પડી ગઈ. ઘરે આવીને અરીસા સામે ઊભા રહીને આપણે તો એવી રીતે માથે નાની ઘડુલી મુકીને ગરબે ઘૂમી પણ લીધું… 

ઘણા બધા સમય પછી સમજાયું કે જે ગરબો ગમ્યો હતો એ તો લખ્યો હતો કોઈએ, ગાયો હતો કોઈએ અને એના તાલે ઘૂમ્યા હતા અન્ય કોઈ. એ દિવસે ઇન્ટર્વ્યુ દરમ્યાનની વાતોમાં રાજેન્દ્રકુમાર સાથે ઉષા કિરણ, લતા મંગેશકર એવા બધા નામ સાથે એક બીજું નામ પણ અવારનવાર સાંભળવા મળતું એ ય યાદ રહી ગયું હતુ. એ નામ હતું અવિનાશ વ્યાસ અને એ નામ સમજણ આવ્યા પછી તો અવારનવાર મારા કાને પડવા માંડ્યુ.  

મારા બાળપણ, કિશોરાવસ્થા, તરુણાવસ્થાથી માંડીને એ નામ સાથેનો જોડાયેલો સંબંધ આજ સુધી અકબંધ છે.  જ્યારે હું સપ્તપદીના ફેરા લઈ રહી હતી ત્યારે ગવાતા મંગળાષ્ટક અને વિદાયગીતમાં અવિનાશ વ્યાસ શબ્દરૂપે ગૂંજતા હતા. એક સરસ મઝાના પત્ર પર લખેલા એ મંગળાષ્ટક અને વિદાયગીતની નીચે હસ્તાક્ષર સાથે લખેલું હતું…….“ચિરંજીવ રાજુલ માટે સસ્નેહ …અવિનાશ વ્યાસ” અને મંગળાષ્ટક કે વિદાયગીત તો હંમેશ માટે કુમકુમપત્રિકા જેટલા જ ચિરસ્મરણીય ને?

મઝાની વાત તો એ પછીની છે.. લગ્ન પછી ફરવા જવા અમે ટ્રેનમાં સફર કરતા હતા એ સફરમાં ટ્રેનના કંપાર્ટમેન્ટની ચાર વ્યક્તિઓ પૈકી એક હતા અવિનાશ વ્યાસ…

બોલો…ચાર દિવસ પહેલા લગ્ન સમયે જે વડીલે સદા સુખી રહે એવા આશિષ વચનો સમા મંગળાષ્ટક અને વિદાયગીત લખ્યા હોય એમની સાથેની સફર કેવી હોય? સાચું કહું તો મને એટલું તો અજુગતું લાગતું હતું પણ શ્રી અવિનાશ વ્યાસ તો એક ધ્યાનસ્થ ઋષિની જેમ શાંતચિત્ત બેઠા હતા.

એમને જોઈને એવી કલ્પના પણ ન આવે કે મને ખુબ ગમતા  “તારી બાંકી રે પાઘલડીનું ફૂમતું રે મને ગમતું રે, આ તો કહું છું રે પાતળિયા તને અમથું રે’ જેવી મસ્તીભર્યા ગીત  કે ‘ હે હૂતુતુતુ’ જેવું ચિંતનાત્મક અને તેમ છતાં ગુજરાતી ભાષાના સૌ પ્રથમ રેપસોંગની કક્ષામાં મુકાય એવા ગીતના એ રચયિતા હશે.

શ્રી અવિનાશ વ્યાસ એક નથી અનેક છે. એ ગીતકાર છે, એ સંગીતકાર છે. ગુજરાતી સંગીતને સુગમ બનાવવામાં, સામાન્યથી માંડીને સાક્ષર સુધીની કક્ષાએ લોકપ્રિય બનાવવામાં એમનું પ્રદાન અનન્ય છે. ઘર ઘરમાં વ્યાપેલા એમના ગીતો સદાબહાર છે. એમના નામની જેમ જે એમના ગીતો પણ અવિનાશી છે. એ અનેક નથી એ એક છે એ અવિનાશી અવિનાશ છે.

મને ,તમને સૌને ગમે એવા શ્રી અવિનાશ વ્યાસ વિશે ખુબ વાતો કરવી છે.


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

.

5 thoughts on “૨ – સદાબહાર સૂર રાજુલ કૌશિક

 1. રાજુલબેન ખુબ આનંદ થયો તમારી પોતાની વાતો સંભાળતા અવિનાશભાઈ ને પણ જાણ્યા..આટલું મોટું વ્યક્તિત્વ અને છતાય સરળ અને ધ્યાનસ્થ ઋષિ જેવા …વાહ

  Liked by 1 person

 2. વાહ રાજુલબેન,
  તમે ખરેખર નસીબદાર કે અવિનાશ વ્યાસનો આટલો નજીકથી પરિચય… કદાચ એટલે જ તમારા તેમના વિશેના લેખ ખૂબ સુંદર છે અને નવા લેખનો ઇન્તજાર રહે છે.

  Liked by 1 person

 3. “…ચાર દિવસ પહેલા લગ્ન સમયે જે વડીલે સદા સુખી રહે એવા આશિષ વચનો સમા મંગળાષ્ટક અને વિદાયગીત લખ્યા હોય એમની સાથેની સફર કેવી હોય? “
  વડીલને જોઈને સંકોચ જરૂર થયો હશે , પણ મહાન વ્યક્તિઓની એ જ તો ખૂબી છે કે એ આપણને હળવાં બનાવી દે .. તમારી જેમ અમારે એવાં છમકલાં થયેલ .. હજુ આજેય એની યાદથી શેરડાં પડે છે ..

  Liked by 1 person

 4. રાજુ,આ લેખમાળા મને ખૂબ ગમશે કારણ આમાં પપ્પાજી પણ હશે અને તારી યાત્રા સાથે હું પણ સતત જોડાએલ હોવાથી મને ક્યાંક ક્યાંક હું પણ દેખાઈશ.તારા લગ્નનું મંગલાષ્ટક તો આંખ બંધ કરું તો હજી મને સંભળાય છે.આ લેખમાળામાં તારા અનુભવની વાણી હોવાથી સહજતા સંભળાય છે.અને અવિનાશભાઈ તો ગુજરાતી સુગમસંગીતનો જાણે પર્યાય છે અને તારા કુંટુંબથી આટલા નજીક એટલે કોલમની મઝાને ચાર ચાંદ લાગશે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s