દ્રષ્ટિકોણ 48: મૂલ્ય ધર્મનું નથી પણ જીવવાના સિદ્ધાંત નું છે – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. છેલ્લા થોડા અઠવાડિયાઓ થી આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ કોલમ ઉપર યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, બુદ્ધ, શીખ, ઇસ્લામ અને હિન્દૂ ધર્મ ઉપર આપણે ચર્ચા કરેલી છે. ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.

દરેક ધર્મ નું સર્જન તે સમય અને સ્થાન ની ઈતિહાસિક વાસ્તવિકતામાં, તે સમયની સામાજિક હકીકતમાં, અને તે સમય ના બંધન માં થયું. દરેક ધર્મ ના સર્જક (અને સમર્પિત અનુયાયીઓ) એવી વ્યક્તિ હતા કે તેમના મનમાં માનવજાતિ પ્રત્યે ના દુઃખ માટે અપરંપાર કરુણા અને સહાનુભૂતિ હતી.
જેમ કે બુદ્ધે જયારે બીમાર, વૃદ્ધ અથવા મરણપથારીએ વ્યક્તિઓને જોયા ત્યારે તેમનું કોમળ હૃદય વ્યથા અને કરુણા થી ભરાઈ ગયું. ઈશુએ અનુભવ્યું કે રોમ ના રાજાઓ તેમના ગુલામો ને ખુબ દુઃખ પહોંચાડતા હતા અને તેમનો દુરુપયોગ કરતા હતા તે જોઈને સહાનુભૂતિશીલ ઈશુ નું દિલ દ્રવી ઉઠ્યું. પ્રોફેટે જોયું કે લોકો હિંસક ઝગડામાં જિંદગી વાપરી નાખતા હતા અને તેમાં પુરુષોના મૃત્યુ બાદ મહિલાઓ અને બાળકો રઝળી જતા હતા ત્યારે તેમને સામાજિક વ્યવસ્થા અને પાક અને નેક વિચારો લાવવાની જરૂર દેખાણી, તેમજ કૃષણે જોયું કે દૃષ્ટ દુર્યોધન અને શકુની ખોટી રાજનીતિ વાપરીને ગાદી પચાવી લેશે તો પ્રજાને ઘણું સહન કરવું પડશે કે તેઓ એ કર્મ ના સંદેશ સાથે અર્જુન ને ધૈર્ય આપ્યું અને યુદ્ધ માટેની હિમ્મત આપી. હું એમ માનું છું કે કોઈ પણ ધર્મ ઉપરથી કોઈએ આપ્યો નથી. દરેક ધર્મ પૃથ્વી ઉપર ની ઐતિહાસિક વાસ્તિવકતા ને ધ્યાન માં રાખીને તે સમયના સંદર્ભ માં કોઈ માનવીએ બનાવ્યો છે. 


તો સૌ પ્રથમ એ વિચારવા જેવું છે કે શું કોઈ પણ ધર્મ ને સનાતન સત્ય ગણી શકાય? એવો કોઈ ભગવાન હોય કે જે પૃથ્વી ના થોડા લોકોને સ્વર્ગ નો માર્ગ બતાવે ને બીજા બધાને નરક માં જવા દ્યે? અને જો કોઈ ધર્મ સનાતન સત્ય ન હોય તો શા માં તે એક ધર્મ ઊંચો અને બીજો નીચો ગણવો? તેટલુંજ નહિ પણ ઐતિહાસિક વાસ્તવિકતા બદલાય તો આપણે શા માટે ધર્મની વિધિઓ ને નિરંતર સત્ય સમજીને વળગી રહ્યા છીએ? 


બીજું એ કે માણસ ને હંમેશા મૃત્યુ ને સમજવાની, મૃત્યુ પછી કોઈ રીતે પોતાના જીવન ના વારસા ને કાયમ કરવાની અને આત્માને અમર બનાવવાની ઉત્કંઠા રહી છે. ઈજીપ્ત માં તેજ શોધ ને લીધે ફેરો પણ પોતાના મૃત્યુ બાદ વ્યવસ્થા કરીને જતા કે મૃત્યુ બાદ જે ઈચ્છા થાય તે બધું તેને હાંસિલ થાય. આજે આપણે તેમના રીતિરિવાજ ને જુનવાણી માનીએ છીએ. આવતી કાલ ની પેઢી આપણી જુનવાણી વિધિઓ ને તેજ દ્રષ્ટિ થી જોશે ને? (ભગવાન ને અન્નકૂટ ધરાવીએ, સુવાડીએ, જગાડીએ, ભગવાન માટે ઘી બોલીએ, જન્નત માં કુંવારીકાઓ ની આશા રાખીએ — આવી કેટલીયે માન્યતાઓ અને વિચારો ને વિજ્ઞાન ની પ્રગતિ થતા કેવી દ્રષ્ટિ થી જોવાશે)? ને એક માન્યતા ને નકારીને બીજી ત્રણ ને અપનાવીને આપણા ધર્મને ઊંચો માનીએ તેમાં શું સચ્ચાઈ છે? 

ત્રીજું, કે
આજે એક નવું વાતાવરણ સર્જાય રહ્યું છે તેથી દરેક લોકો પોતાના ધર્મ ને એક વિજ્ઞાન નું આવરણ પહેરાવીને ફરી તેનું માર્કેટિંગ કરે છે કે આ ધર્મ સૌથી ઉત્તમ છે. તેથી એ પણ સાંભળવા મળે કે જૈન ધર્મ સૌથી વૈજ્ઞાનિક ધર્મ છે અને તેમાં સમજાવવામાં આવ્યું છે તે પ્રમાણે શાકાહારી ખોરાક નો જ આહાર કરવો જોઈએ કેમ કે તે આરોગ્યપ્રદ છે. તો કોઈ કહેશે કે હિન્દૂ ધર્મ માં બધુજ વૈજ્ઞાનિક અને સમજશિલ દ્રષ્ટિ થી જોઈ શકાય છે — જેમકે દુર્ગાએ રાવણ નો વધ કરીને તેનું માથું ઉતાર્યું નતુ પણ એ તો તેનો અહંકાર કાપી લીધેલો તો ઇસ્લામ ધર્મપ્રેમી કહેશે કે ઇસ્લામ તો દુનિયા માં સૌથી શાંતિપ્રિય ધર્મે છે. પણ આ કોઈ પુરી સચ્ચાઈ નથી. જેમ કે હિન્દૂ ધર્મ થી લઈને ખ્રિસ્તી ધર્મ અને  ઇસ્લામ સુધીના દરેક ધર્મ માં આતંવાદીઓ વસે છે અને ધર્મના નામે અનેકવાર લોકોની હત્યા થાય છે. તેમજ જો રોજ પીઝા અને તળેલું ખાવાના શોખ ધરાવતા હોય તો શાકાહારી ખોરાક સૌથી બિનઆરોગ્યપ્રદ ખોરાક પણ હોઈ શકે છે. તેમજ આપણે એમ કહીએ કે રાવણ નું માથું નથી કાપ્યું, માત્ર અહંકાર કાપ્યો છે, પરંતુ ધર્મ ના નામે મહાભારત સર્જાય ગયું જેમાં અસંખ્ય માનવો માર્યા ગયા અને કલિંગા માં હૃદય દ્રવી ઉઠે તેવી તારાજી સર્જાઈ હતી. 


તેથી ધર્મના માર્કેટિંગ માટે સરસ આવરણ પહેરાવીએ પણ ખરેખર તો કોઈ પણ ધર્મ ને 360 ડિગ્રી ના પુરા દ્રષ્ટિકોણ થી જોઈએ તો તેમાં જેટલું સારું છે, તેટલું ખરાબ પણ છે જ. 


ચોથું, દિલ માં કરુણા હોવા છતાં વિચારશક્તિમાં થાપ ખાઈને દરેક ધાર્મિક નેતાઓએ કે તેમના અનુયાયીઓએ ભૂલો પણ કરીજ છે ને — જેમ કે શ્રી રામે તેમની પત્ની સીતા ને કોક સામાન્ય માણસ ની અમથી અફવા સાંભળી ને અગ્નિ પરીક્ષા કરી અને જુગાર માં યુધિષ્ઠિર બધું હાર્યા (એ ભગવાન હતા?) તેમજ ઈશુએ સાંભળ્યું હતું કે તેમને પકડી લેવામાં આવશે છતાં તેમને અડગ વિશ્વાસ હતો કે તેવું નહિ બને અને હુસેન ને કૈક અણધાર્યું બનવાનું છે તેવી જાણ હોવા છતાં સુરક્ષિત રહેવાની બદલે તે ત્યાં પહોંચી ગયા જ્યાં તેમને પકડી અને ક્રૂર રીતે તેમની હત્યા કરવામાં આવી, અને બુદ્ધ અને મહાવીર ને પણ મોત તો આવ્યું જ ને, ભલે તે માને કે મર્યા પછી તેમને મોક્ષપ્રાપ્તિ થશે.
જો આ ધર્મના નેતાઓ તેમને પોતાને કે તેમના અનુયાયીઓએ સંકટ માંથી બચાવી ન શકે તો તે આપણો ઉગાર કઈ રીતે કરવાના છે. 


તો કયો ધર્મ સનાતન સત્ય છે? કે પછી બધા ધર્મ ખોટા છે? કે પછી બધા ધર્મ સાચા છે? અને બધા ધર્મ સાચા હોય તો શા માટે આપણે એક ધર્મ ને પકડી ને બેસીએ છીએ? અને શા માટે બહાર થી કહીએ કે આપણને દરેક ધર્મ માટે માન છે પણ અંતર થી એક ધર્મ સિવાય બીજા બધા ધર્મ ને ખોટા માનીએ છીએ? 


નાના મોઢે મોટી વાત કરવા જેવું છે પણ કરી નાખું છું.
મારા માનવા પ્રમાણે સચ્ચાઈ તો એ છે કે ખરા ઈશ્વર ને આપણે કોઈએ જોયા નથી, બલ્કે ઈશ્વર છે કે નહિ તેનો કોઈ પાસે કઈ પુરાવો નથી. પરંતુ પોતાની રીતે અને સમજણ પ્રમાણે અને ઐતિહાસિક સંદર્ભ માં  માનવીએ પોતાના ઈશ્વર ને શોધ્યા છે. દરેક ધર્મ ના સર્જક ને માનવજાતિ પ્રત્યે અને માનવજાતિ ને સહન કરવાના દુઃખ માટે કરુણા અને સહાનુભૂતિ જાગતા તેઓએ જીવન જીવવાના સિદ્ધાંત અને ઉપદેશ તેમના અનુયાયીઓને એ સમજાવીને આપ્યા કે આ સિદ્ધાંતો નું પાલન કરી અને સારા કર્મો કરવાથી તમને મૃત્યુ બાદ મોક્ષ, સ્વર્ગ, હેવન કે જન્નત હાંસલ થશે તેમ સમજાવવામાં આવ્યું છે. તેથી દરેક ધર્મ માં સારી જિંદગી જીવવાના સુંદર સિદ્ધાંતો મળે છે. અને દરેક ધર્મ માં તે સિદ્ધાંતો સીધી ભાષામાં, જટિલ ભાષામાં, કાવ્ય અને સાહિત્યની મદદ થી સમજાવવામાં આવ્યા છે જેથી દરેક ની સમજ માં આવે અને દરેક ને રસ પડે અને તે રીતે સમજાવવામાં આવ્યા છે. 


મારુ માનવું છે કે કોઈ ધર્મ સનાતન સત્ય નથી. દરેક ધર્મ ના રિતીરિવાજોને મૂકી ને આગળ વધીએ અને મારી આશા છે કે કોઈ પણ ધર્મ ને ઊંચો કે નીચો ગણવાને બદલે, દરેક ધર્મ માંથી આપણે કૈક સારું શીખીએ અને પ્રાપ્ત કરીએ જે આપણને સરસ જિંદગી જીવવાનો માર્ગ બક્ષે. અને જો ધર્મ ના પ્રવચન ની બદલે ટેડ ટોક માંથી સારું ગર્હણ કરીએ તો પણ તેમાં કઈ ખોટું નથી.  


જૈન ધર્મ માંથી અહિંસા નો પાઠ લઇ શકીએ , હિન્દૂ ધર્મ માંથી ફળ ની આશાને છોડી ને ફરજ પ્રમાણે કર્મ કરવાનું શીખી શકીએ (કેમકે પરિણામ શું આવશે તે આપણા હાથ માં નથી), શીખ ધર્મ માંથી સેવાનો પાઠ શીખી શકાય, ઇસ્લામ ધર્મ ના સંદેશમાંથી ઉદારતા કેળવી ને હંમેશ અમુક રકમ ગરીબોની મદદ માટે ફાળવીએ, ખ્રિસ્તી ધર્મ માંથી કરુણા નો પાઠ ભણીએ, યહૂદી ધર્મ પાસેથી ખરા દિલ થી ક્ષમા માંગતા અને પર્યાવરણ નો આદર કરતા શીખીએ, ઝોરાસ્ટ્રીઅન ધર્મ માંથી પર્યાવરણ mate પૂર્વજો તરફ આદર ની ભાવના કેળવીએ અને જિંદગી માં કૃતજ્ઞતા અપનાવીએ તો તેમાં ખોટુંજ શું છે?  મારા બાળકો મોટા થયા ત્યારે તે રીતે જ અમે બધા ધર્મો ને ઉજવતા અને ચોક વડે દરેક ધર્મો ના સુવાક્યો અમારા અંદર ના આંગણા માં લખતા. 


સારા સિદ્ધાંત માટે કોઈ રીતિરિવાજ કે નિયમિત મંદિર, ચર્ચ કે મસ્જિદ ના ફેરા કરવા જરૂરી છે તેવું પણ નથી. અને ફરી કહીશ કે જો ધર્મ ના પ્રવચન ની બદલે ટેડ ટોક માંથી કે ઓપ્રા ના પ્રોગ્રામ માંથી કે બિલ ગેટ્સ અને અઝીમ પ્રેમજી ના જીવન માંથી સારું ગર્હણ કરીએ તો પણ તેમાં કઈ ખોટું નથી. તો મિત્રો કોઈ પણ ધર્મ ને નહિ પણ સારી રીતે જિંદગી જીવવાના દરેક સિદ્ધાંત ને ખરા દિલ થી શત શત  પ્રણામ.

6 thoughts on “દ્રષ્ટિકોણ 48: મૂલ્ય ધર્મનું નથી પણ જીવવાના સિદ્ધાંત નું છે – દર્શના

  1. કોઈપણ ધર્મમાં માનવતાનો ધર્મ તો સર્વશ્રેષ્ઠ જ છે પણ આજે તમારી દરેક ધર્મમાંથી જે સર્વોત્તમ છે એ સ્વીકારવાની વાત ગમી.

    Liked by 1 person

  2. આપણે ધર્મનો ખુબ સંકુચિત અર્થ કરી દીધો છે.પણ તે દર્શના નવા દર્ષ્ટિકોણને પ્રસ્તુત કરી એક સુંદર વિચાર આપી આનંદ અને શાંતિનો માર્ગ આપ્યો છે. ધર્મનો અર્થ છે જગત સાથે સંબધ રાખીને જાત સાથેનું અનુસંધાન જાળવવું.આપણે ધર્મના નામે ગળું દબાવીને આપણને જ ગૂંગળાવી દઈએ છીએ. દરેક ધર્મમાંથી જે સર્વોત્તમ છે એ સ્વીકારવાની વાત મને પણ ગમી.અભિનંદન

    Liked by 1 person

    • પ્રજ્ઞાબેન તમે સરસ અર્થ તારવી લીધો. ખરેખર ધર્મ સંકુચિત બની જતા ધર્મ ના નામ ઉપર લડાઈ, જગડા કરવાની બદલે સારા જીવન જીવવાના સિદ્ધાંત લઈને જીવી જવું પછી શું થશે અને ક્યાં ઈશ્વર કોને મળશે તે કોણ જાણે છે? 🙏🙏

      Like

  3. ધર્મ એટલે ‘વે ઓફ લિવિંગ’ તો તારી વાત સાચી છે કે બધા ધર્મના સારા સિદ્ધાંતોને લઈને જીવીએ તો આખી દુનિયામાં શાંતિ ફેલાઈ જાય. અને યુદ્ધની ભાવના દિલમાંથી નીકળી જાય અને દુનિયામાં ભાઈચારાની ભાવના ફેલાઈ જાય. કોઈ પણ પ્રશાસન ધર્મની ઈંટ પર ના મુકાય અને કોઈપણ વ્યક્તિ ફલાણા ધર્મનો છે એટલે નફરતને પાત્ર છે કે આતંકવાદી છે એ ભાવના નીકળી જાય. આ બધા લેબલ નફરતને લીધે લગાડાય છે. એટલે તારી વાત સાચી લાગી કે સર્વ ધર્મમાંથી સારા સિદ્ધાંતો અપનાવી અને જિંદગીને ઊંચા સ્તર પર લઇ જવાની જરૂર છે.કોઈને પણ વાગે છે તો બધાનું લોહી લાલ જ નીકળે છે જો ઈશ્વર કે અલ્લાહ ભેદ નથી કરતો તમે કોણ ભેદ કરવાવાળા? જ્યારે કોઈ તરફ એક આંગળી કરીએ તો ચાર તમારા તરફ હોય છે.તારા વિચાર તારા જેવા જ સુંદર છે આભાર

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.