મેં ઉગતા આકાશને માણ્યો છે પણ આ આથમતો સુરજ અને હું એકલો, મારા ભીડાયેલા હોઠ અને મારી ઝાંખી પડેલી આંખો જિંદગીના અનેક દ્રશ્યો મારી સમક્ષ ચોખ્ખા દેખાડે છે.કોઈના વગર જીવન આટલું એકલું લાગે એનો અહેસાસ મને હવે તારી ગેરહાજરીમાં થાય છે.
હું એકલો પાનખરના વૃક્ષ જેવો અને ત્યારે અનુભવું છું હું ખાલીપણું, હું પાનખરનું વૃક્ષ છું એ વાત ની સભાનતા મને છે.હવે હું માણસ નહિ જાણે મેડીકલ રીપોર્ટ, શરીર પણ સાથ નથી આપતું. એક્સરે થઇ ગયો છું.જેટલું છે એટલું લોહી બ્લડ ટેસ્ટ લઇ જાય છે.કાર્ડિયોગ્રામ ,ઇકોટેસ્ટ,ડૉ.ની વિઝીટ આવી હડીયાપટ્ટી એક માળેથી બીજે માળે, આ રીપોર્ટ અને ફાઈલને ગોઠવવાના, ડૉ.ના પ્રિસ્ક્રિપ્શન્સ બદલાતા જાય, બદલાતા જાય અને હું એનો એજ. બધું સાચવવાનું,..માણસ મટીને જાણે મેડીકલ ફાઈલ.તું હોત તો વાત પણ કરત હવે હું એકલો માત્ર તો જીવવાના વલખા કેમ ?મેં જીવન જીવી લીધું છે ખુબ સરસ.
હું મૌનની કોઈ અજાણી ક્ષિતિજને સ્પર્શવાનો પ્રયત્ન કરું છું પણ એકલા એકલા પણ તારી જ સાથે વાતો કરતો હોઉં તેવું લાગે છે.હું પાનખરનું વૃક્ષ છું એ સત્યને હું છુપાવતો નથી મારી જાતને છેતરીને હવે શું ફાયદો થવાનો ?મને મારી દીકરી હૈયા ધારણ આપે છે પણ સાચું કહ્યું હવે મારી ડાળને ફૂલ-પાંદડા ફૂટશે એવી કોઈ વ્યર્થ આશા અને પ્રતીક્ષા તો હું પણ નથી કરતો તો મને શા માટે લીલાછમ પાંદડા પહેરવાનો આગ્રહ રાખો છો.સ્ટફ કેરેલા પંખી ફરી ઉડતા નથી! હું જે છું તે ઠીક છું.
આમ પણ માણસને ઉપકારવશ જીવવું ક્યાં ગમે છે ?કોઈનો ઉપકાર ધિક્કાર કેળવે એ પહેલા ખંખેરી નાખવું છે બધું! જેથી આકાશમાં નવો સૂર્યોદય જોઈ શકું.હું તારા ફોટા સામે જોઇને આડીઅવળી, સવળીઅવળી વાતો કરીને આસપાસના વાતાવરણને અને અંદર -બહારના વિશ્વને સમજવાનો પ્રયત્ન કરું છું.તને ખબર છે હવે હું પુસ્તક વાંચતો હોઉં એમ તેમ મારી પોતાની જિંદગીને વાંચી શકું છું હવે મને જીંદગીમાં મળેલી,માણેલી દરેક ક્ષણ દેખાય છે.મને હવે આ વૃક્ષો, પહાડો,ટોળાનો ઘોંઘાટ,પર્વતનું મૌન બધું જ ગમે છે.હવે છોડવાનું છે ત્યારે એ બધું જ વ્હાલું લાગે છે. બધા જ સારા છે. અને બધા થકી હું છું એ વાતની મને ખાતરી થઇ ગઈ છે.વૃક્ષને ખાલીપાણાનો અહેસાસ અને આનંદ હવે છે.હવે હું એકાંતને માણતા જીવનને ઝાંખી આંખે પણ સ્પષ્ટ જોઈ શકું છું.જીવન પીધા પછી ખાલી ગ્લાસ તરફ જોવું મને ગમે છે.કારણ એ ખાલીપણામાં મારી તૃપ્તિનો અહેસાસ છે.loniness અને solitude વચ્ચે આજ ભેદ છે.જલકમલવતત થઇ જીવનના સૌદર્યને માણવાનું.
જે માણસ મરણથી નાસભાગ કરે છે તે મરણ પહેલાજ મરી જાય છે.સત્ય તો આપણે આપણી મેળે જ પામવું જોઈએ.સમયનો સ્વભાવ સરવાનો છે.નદી પાસે વહેવા માટે નકશો હોતો નથી એ બસ આપમેળે વહે છે અને ત્યારે આનંદના પુષ્પો ફૂટે છે. ફૂલો પોતાની ફોરમ વહેતી કરે છે અને એની ફોરમને હવા પાલખીમાં બેસાડી દુર દુર સુધી લઇ જાય છે. દરેક પાસે પોતાની શક્તિ છે જેમાં કોઈ ગર્વ ન હોય અને કોઈ કારણ પણ નહિ અને છતાંય દરેક ક્ષણમાં એક આનંદ હોય એને ઈશ્વરની લીલા કહેવાય.
હૈયાને પણ હળવું કરવા કયાં કારણની જરૂર છે?
પ્રજ્ઞા દાદભાવાળા
મિત્રો વાસ્તવિકતાને સ્વીકારવી એ નમ્રતા અને પરિપક્વતાની નિશાની છે.પણ હા હૈયાને કોઈ પાસે ઠાલવવાથી હૈયું જરૂર હળવું થાય છે તમારી પાસે પણ કોઈ વાર્તા કે વાત હોય તો લખી મોકલશો.
તમારી સંવેદના ગમી. જીવન એટલે પ્રશ્નો અને જવાબનું ગણિત..ઉકેલેલા અને વણ ઉકેલેલાં કોયડાની વણ થંભી વણઝાર! કિનારો નજીક દેખાવાનો આભાસ થાય એટલે સ્થિતપ્રજ્ઞ બનીને પરિસ્થિતિ જોયા કરવામાં આનંદ લેવા જેવું સુખ બીજા કશામાં નથી, કારણકે મનઃ સ્થિતિ પાણીના પ્રવાહની જેમ બદલાતી હોય છે.મારા ગુરુ કહે છે, “હર હાલ મેં.ખુશી “.
LikeLike
વાસ્તવિકતાનો સ્વીકાર અને હિંમત બંને જો હોય તો પહાડ સાથે ટકરાઈ જવાની હામ થાય છે. જે જિંદગી ધીરે ધીરે શીખવાડી દે છે બા હિંમત રહેશો તો ફતેહ આગળ છે
LikeLike