દ્રષ્ટિકોણ 46: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – ઇસ્લામ ધર્મ (દયાળુ શબ્દ દાન નો પ્રકાર છે) – દર્શના

હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આપણે દરેક ધર્મ માં શાંતિ નો સંદેશ કરી રીતે વણી લેવામાં આવ્યો છે અને તેના સાહિત્ય વિષે વાત કરીએ છીએ. આ પહેલા આપણે યહૂદી, ઝોરાસ્ટ્રીઅન, જૈન, શીખ, ખ્રિસ્તી, અને બુદ્ધ ધર્મો વિષે વાત કરી. આજે ઇસ્લામ ધર્મ વિષે વાત કરીએ.

ભારતીય ઉપખંડ વિશ્વના ચાર મોટા ધર્મોનું જન્મસ્થળ છે; હિન્દુ, બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ. ૨૦૧૧ ની વસ્તી ગણતરી મુજબ, ભારતની લગભગ 80 પ્રતિશત વસ્તી હિંદુ ધર્મનું પાલન કરે છે, 14 પ્રતિશત ઇસ્લામ, 2.3 પ્રતિશત ખ્રિસ્તી અને 1.7 પ્રતિશત શીખ ધર્મનું પાલન કરે છે. આશરે .36 પ્રતિશત લોકો જૈન અને લગભગ તેટલીજ સંખ્યામાં છે બુદ્ધિસ્ટ, ઝોરાસ્ટ્રીઅન અને યહૂદીઓ।. આપણા દેશની એ ખાસિયત છે કે ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે જે કોઈ એક ધર્મને પ્રમુખતા નથી આપતો। દરેક ભારતીય નાગરિક ને હક છે કે તે પોતાની જુદી અને વિવિધ ધાર્મિક માન્યતાઓ અને પદ્ધતિઓ દ્વારા ઈશ્વર, અલ્લાહ, પ્રભુ કે દેવી, દેવતાઓને પૂજી શકે.

ઇસ્લામ ધર્મ ની સાચી ઓળખ: ઇસ્લામ ધર્મ: ઇસ્લામ ધર્મ વિષે ઘણી ખોટી માન્યતાઓ ફેલાયેલી છે અને તેની સાચી ઓળખ કેળવવી જરૂરી છે. કુરાનમાં 114 એવી કળીઓ છે જેમાં પ્રોફેટ મહંમદ્દે તેમના અનુયાયીઓને શાંતિ ની પ્રેરણા આપી છે.  એક કળીમા કહ્યું છે કે “તમે જેની પૂજા કરો છો તેની હું પૂજા કરતો નથી અને ન તો હું જેની પૂજા કરું છું તેની તમે પૂજા કરો છો. તમને તમારો ધર્મ મુબારક અને મને મારો”. બીજી એક કળીમા કહેવામાં આવ્યું છે કે “જો કોઈ કારણ વગર કોઈ પણ વ્યક્તિ બીજા કોઈ માણસ ની હત્યા કરે તો તે આખી માનવજાત ની હત્યા કર્યા સમાન છે, અને જો કોઈ એક વ્યક્તિની જિંદગી બચાવે તો તે તમામ માનવજાત ને તાર્યા સમાન છે”. બીજે કહેવામાં આવેલ છે કે “કોઈ તમને પહેલા ઉશ્કેરે નહિ તો તમે તેમને પહેલા ઉશ્કેરો નહિ. અલ્લાહ ને આક્રમણ કરનાર વ્યક્તિ પસંદ નથી”. બીજે કહ્યું છે કે “જો કોઈ વ્યક્તિ તમને તમારી રીતે રહેવા દ્યે તો તેમની સાથે ઝગડા કરો નહિ અને શાંતિ સ્થાપો. કેમકે તેવી વ્યક્તિને હાનિ કરવાની પરવાનગી કોઈને આપવામાં આવી નથી”. 

અલબત્ત દરેક ધર્મ અને ધાર્મિક પુસ્તક ને તે સમયના ઐતિહાસિક સંદર્ભ માં જાણવાની જરૂર છે. જેમ મહાભારત અને રામાયણ જેવી લડાઈઓ સર્જાણી અને તેમાંથી શ્રી કૃષ્ણ ના ઉપદેશ આપણને મળ્યા, તે રીતે પ્રોફેટ મહમદ પણ એક લડાઈ જગડા વાળા હિંસક સમયે અસ્તિત્વમાં હતા.  તે વાતાવરણ ને ધ્યાન માં લઈને તેમણે ઝગડા નો સામનો ઝગડા થી કરવા માટે તેમના અનુયાયીઓને ઉપદેશ આપ્યો છે પરંતુ તેની સામે તેમને વારંવાર, ફરી ફરીને તેમના અનુયાયીઓને શાંતિ સર્જવા માટે પ્રથમ પગલું લેવાની પ્રેરણા આપી છે. સાલ 2017 ના અધ્યયન પ્રમાણે શાંતિ ના સંદેશને લીધે ઇસ્લામ સૌથી ઝડપથી દુનિયા માં વિકસી રહ્યો છે. મારી એક ગુજરાતી સખીએ આ કારણસર ઇસ્લામ ધર્મ ને અપનાવ્યો છે. કોઈ પણ મુસલમાને પ્રોફેટ ના ઝગડા ના સંદેશ ની ઉપર લક્ષ્ય રાખી આતંક કરવો અને તેમના શાંતિ ના સંદેશ ને અવગણવો તે ઇસ્લામ પ્રમાણે સરાસર ગુનો  ગણાય। તેજ રીતે બિન મુસલમાને તેમના વારંવાર આપેલા શાંતિના સંદેશને અવગણવો તે ઇસ્લામ ની સાચી ઓળખ નથી. 

ઇસ્લામ વિષે ચર્ચા કરતા એ પણ કહેવું જરૂરી છે કે ઇસ્લામ ની વિરુદ્ધ માં પણ ઘણા લોકો છે જે ઇસ્લામ નું પાલન કરતા ક્રૂર આતંકવાદીઓને લીધે ઇસ્લામ ને આતંકવાદ અને ક્રૂરતાનો ધર્મ માને છે. પણ લોકો એ ભૂલે છે કે 1.5 ટકા આતંકવાદો ની સામે 1.5 અબજ કરતા વધુ શાંતિપ્રિય લોકો ઇસ્લામ ધર્મ નું પાલન કરે છે. ક્યારેક આપણે એ પણ ભૂલીએ છીએ કે લોકોના પૂર્વગ્રહ અને નફરત ના કારણે કેટલાય નિર્દોષ મુસલમાનોની હત્યા થાય છે. જયારે એક કોમ ની સંખ્યા એક દેશ માં લઘુતા માં હોય છે ત્યારે તેમને ભાગે સહન કરવાનું આવે અને તેવી સ્થિતિનો રાજકારણીઓ તેમને યોગ્ય લાગે તે પ્રમાણે લાભ ઉઠાવી શકે છે.  જેમ કે બોસ્નિયા માં હજારોં ગામડાઓમાં વસતા મુસલમાનોની રીતસર ની હત્યા થયેલ। તેવી જ રીતે રશિયા એ ચેચન્યા માં મુસલમાનોની હત્યા કરેલ। અને 1995 માં સ્રેબેનીકા માં 8000 મુસ્લમાનો ની હત્યા થયેલ। ઘણા લોકો એ મનોમન સ્વીકારી લીધું છે કે મુસલમાનો ખરાબ જ હોય અને એવી પણ ક્યારેક માન્યતા છે કે મુસલમાનો અને હિંદુઓ ક્યારેય હળીને રહેશે નહિ પણ વાસ્તવિકતામાં એવું તો ઘણી વાર જોવા માં આવશે કે ઇતિહાસ માં હિંદુઓ અને મુસલમાનો અને યહૂદીઓ અને મુસલમાનો વગેરે ઘણી જગાએ પ્રેમ થી હળીમળીને રયે છે. વિશ્વ યુદ્ધ 2 દરમ્યાન અલ્બેનિયા ના 70 પ્રતિશત મુસલમાનોએ ત્યાંના યહૂદીઓને, નાઝી જર્મનો થી છુપાવીને બચાવેલા। આજે પણ ઘણા પેલેસ્ટાઇન મુસલમાનો અને ઈઝરાઈલના યહૂદીઓ શાંતિ સર્જવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ઇસ્લામ ની સાચી ઓળખ કેળવવા તે જાણવું જરૂરી છે કે સત્ય ના ઘણા પાસાઓ હોય છે. મેં વોટ્સએપ્પ ના ફોરવર્ડ વિચાર્યા વગર આગળ મોકલવા નથી તે ઉપર એક નિબંધ લખેલ। ફરી કહું છું કે દુનિયા માં ખોટી અફવા અને નફરત ફેલાવવી સહેલી છે અને તે એક ફોરવર્ડ માં પણ ફેલાય શકે છે. પણ માનવતા, મૈત્રી અને પ્રેમ ની ભાવના ફેલાવવી કઠિન છે અને તેના માટે લોકોના સંપર્ક માં રહી અને તેમને નજીકથી ઓળખવાની જરૂર પડે છે. 

ઇસ્લામ અને સાહિત્ય: પ્રોફેટ મહમ્મદ તે સમયે પણ 10,000 લોકોના નેતા હતા અને ઇસ્લામ ના તેમના સંદેશ ને ઘણી ભાષાઓમાં કહેવામાં આવ્યો છે. પણ પહેલા અરેબિક અને પછીથી ઉર્દુ ભાષા નો ઉપયોગ ખાસ થયો છે. કુરાન કાવ્યાત્મક રીતે લખવામાં આવેલ છે અને અને શાસ્ત્રીય અરબી સાહિત્યમાં તે એક શ્રેષ્ઠ પુસ્તક ગણાય છે. 23 વર્ષના ગાળામાં પ્રોફેટે આપેલ સંદેશ ને તેમના અનુયાતિઓએ કુરાન માં સાંકળી લીધો છે. શાંતિથી ઇસ્લામ ની પ્રાર્થના સાંભળીએ તો ખુબજ સુંદર કાવ્યમય વાણીમાં પ્રસ્તુત કરવામાં આવેલ શબ્દો ન સમજવામાં આવે તો પણ સુંદર લાગે છે. પ્રોફેટ ના મૃત્યુ બાદ બે જૂથ વચ્ચે તેમના ઉત્તરાધિકારી પદવી માટે વિવાદ થયો અને મહાભારત જેવી રીતે એક વિશાળ કરબલા ના યુદ્ધમાં પરિણમ્યો. આખરે ઇસ્લામ ના બે સંપ્રદાય ઉભા થયા, શિયા અને સુન્ની. શિયા પંથના નેતા અને પ્રોફેટ ના પૌત્ર હુસેન ઇબ્ને અલી ની ક્રૂર રીતે હત્યા થઇ. આજે મોટા ભાગના ઇતિહાસકારો માને છે કે હુસેન તે પદવી ના ખરા હકદાર હતા અને તે શાંતિપ્રિય વ્યક્તિ હતા. તેમણે તેમના સિદ્ધાંતોને માટે મૃત્યુ ને સ્વીકારી લીધું. હુસેન માટે આજે પણ જે ગીતો ગવાય છે અને શાયરીઓ લખવામાં આવી છે તે અતિ સુંદર, કર્ણપ્રિય, મધુર અને કરુણ હોય છે  આ લિંક ઉપર તમે એક તેવું સુંદર ગીત સાંભળી શકો છો. https://tinyurl.com/y452tmpe 

શાંતિ ના સંદેશ જોડે, માનવજાતિ માટે ઉદારતા થી દાન કરવા માટેની ખાસ ભલામણ ઇસ્લામ માં કરવામાં આવી છે. ઇસ્લામ ના પાંચ પાયાના સ્તંભો છે 1) શહાદા એટલે કે હૃદયપૂર્વક ધર્મ ની પાર્થના અને અલ્લાહ ને સ્વીકારવા; 2) સલાત એટલે કે પાંચ વખત દિવસ ના પ્રાર્થના કરવી; 3) ઝકાત એટલે કે બચત ના 2.5 પ્રતિશત જેટલા પૈસા ગરીબોને હર સાલ દાન માં આપવા; 4) સોમ એટલે કે રમાદાન ના મહિનામાં ઉપવાસ કરવા અને 5) હજ એટલકે દરેક મુસલમાન ધર્મપ્રેમીએ મક્કા ની યાત્રા કરવી. 

Cairo, Egypt - December 2 2018: Aerial view of Cairo city from Salah Al Deen Citadel (Cairo Citadel) with Al Sultan Hassan and Al Rifai Mosques, Cairo, Egypt

ઇસ્લામ શિલ્પકામ (પ્રખ્યાત ઇસ્લામ ધર્મની મસ્જિદો): મેકકા માં આવેલ અલ હરામ મસ્જિદ દુનિયાની સૌથી મોટી અને સૌથી જાણીતી અને જૂની મસ્જિદ છે. કુરાન માં તેને માનવજાતની અલ્લાહ પ્રત્યેની પૂજા માટે નું પહેલું ઘર તરીકે માનવામાં આવે છે. 4 લાખ સ્કવેર મીટર ના વિસ્તાર માં આવેલ આ મસ્જિદ માં એક સાથે 4 મિલિયન લોકો સલાત (પૂજા) કરી શકે છે. જેરુસલેમ માં આવેલ અલ અક્સા મસ્જિદ મેં ઈઝરાઈલ ની સફર વખતે જોયેલ છે. ધરતીકંપ માં ઘણી વખત ઇજા પામતી આ મસ્જિદ ઉપર વારંવાર કામ કરવામાં આવ્યું છે. તે ખરેખર એક અદભુત અને ભવ્ય મસ્જિદ છે. ઇસ્લામ માટે તે ખુબ પવિત્ર જગ્યા ગણાય છે કેમ કે માન્યતા અનુસાર પ્રોફેટ મહમદ ને  અલ હરામ મસ્જિદ થી અહીં લાવવામાં આવેલ અને અહીંથી તેઓ જન્નત ના માર્ગે રવાના થયા. મોરોકકોની કાસાબ્લાન્કા ના દરિયા કિનારે આવેલ હસન 2 મસ્જિદ ખુબજ સુંદર અને ભવ્ય છે અને મેં તે પણ જોયેલ છે. તેની મિનારાતો દુનિયા માં સૌથી લાંબી છે અને 200 મીટર થી ઉપર ની ઊંચાઈ પર પહોંચે છે. અંદર કાચ ની જમીન માંથી બહાર દરિયા ના દર્શન થાય છે. ટર્કીની બ્લુ મસ્જિદ ને પણ મેં જોયેલ છે. તે ખુબજ સુંદર મસ્જિદ છે. તેની અંદર સીલિંગ ઉપર 20,000 બ્લુ ટાઇલ ઉપર સુંદર ફૂલ, ઝાડ અને ભૌમિતિક અધભુત પેટર્ન ના ચિત્રો છે. 

CORDOBA, SPAIN - MARCH 02: The Great Mosque or Mezquita cathedral interior on March 02, 2015 in Cordoba. Mezquita is a very popular tourist destination in Spain.

આખરે સ્પેઇન માં આવેલ કોર્દોબા ની મસ્જિદ નો ઉલ્લેખ તો કરવો જ રહ્યો. મારા અનુભવ માં હું આ મસ્જિદ માં સૌથી વધુ પ્રભાવિત થયેલી. સૌ પ્રથમ આ 6ઠી સદીમાં બાંધેલ ચર્ચ હતું. 8મી સદીમાં તેને મસ્જિદ માં ફેરવવામાં આવી. અને 16મી સદીમાં ફરી ખ્રિસ્તી ધર્મ પ્રખ્યાત થયો. પરંતુ તે સમયે બંને ધર્મ પ્રચલિત હતા. તેથી મસ્જિદ ની અંદર જ ચર્ચ પણ બનાવવામાં આવ્યું. હવે ત્યાં મસ્જિદ અને ચર્ચ બંને એક જ ઇમારત માં છે. એક જ ઇમારત માં આપણને બે જુદા ધર્મ નું વિવિધ દ્રષ્ટિકોણ અને બે જુદા ધર્મ અનુસાર મનુષ્ય ના ઈશ્વર સાથે ના જુદા સંબંધ ને જોવા મળે છે. ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વર માનવ થી દૂર અને મોટા સ્ટેજ અને પેડેસ્ટલ ઉપર છે અને ત્યાંથી જ ખ્રિસ્તી ના ફાધર ઉપદેશ આપે છે. જયારે ઇસ્લામ ધર્મ અનુસાર ઇસ્લામ ના ઇમામ લોકો ની બરોબર હાર માં હોય છે અને તેમની પ્રાર્થના ની જગ્યા મિહરાબ માં ઝાડ, પાન અને ફૂલો નું ચિત્રકામ છે તે મિહરાબ શિલ્પકળાની ઉત્કૃષ્ટ કૃતિ છે. ત્યાંથી ઇમામ બોલે ત્યારે પડઘો પડે અને બધાને સંભળાય તેવી રીતનું બાંધકામ છે. મસ્જિદ ની દીવાલો ઉપર કુરાન ના સ્તોત્ર ચીતરેલા છે અને ત્યાંનું ચર્ચ પણ અતિ સુંદર છે અને તેમાં ઈશુ અને મેરી ના મોટા સ્ટેચ્યુ છે. 

આવતા અઠવાડિયે શનિવારે આપણે હિન્દૂ ધર્મ વિષે વાત કરીશું.
Tags https://tinyurl.com/y452tmpe 

2 thoughts on “દ્રષ્ટિકોણ 46: ધર્મ, સાહિત્ય, શાંતિ નો સંદેશ – ઇસ્લામ ધર્મ (દયાળુ શબ્દ દાન નો પ્રકાર છે) – દર્શના

  1. દર્શના ઇસ્લામ ધર્મ વિષે આટલું સચોટ અને સુંદર આલેખન મેં પહેલા વાંચ્યું નથી. તને ઇસ્લામ વિષે ઘણું જ્ઞાન છે. કોઈપણ ધર્મ નફરત શીખવાડતો નથી. આપણે કોઈ એક ગ્રુપને લીધે પુરા ધર્મને બદનામ કરી શકીએ નહિ. આવું ઝેર ફેલાવનારા પોતે આતંકવાદી છે એવું મારું માનવું છે. જે દિલોની વચ્ચે દીવાલ ચણે છે. જે એકાદ વ્યક્તિના કુકર્મને ધર્મની સાથે વણી લે છે. આપણી સમક્ષ એવા ઘણા કિસ્સા છે જેમા માનવતાની હત્યા થયેલી છે પણ એમાં ધર્મને દોષી ગણવામાં નથી આવતો પણ જો કોઈ મુસ્લિમે કુકર્મ કર્યું હોય તો પુરા ઇસ્લામને દોષી ગણવામાં આવે છે આવું કેમ હશે? આનો જવાબ તો ખુદા જ આપી શકે અથવા ધર્મને દોષ દેવાવાળા!!! પણ ઇસ્લામ વિષે સુંદર માહિતી આપવા બદલ ખૂબ ખૂબ આભાર

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.