હળવેથી હૈયાને હલકું કરો-૨૩

હું જાણું છું હળવેથી હૈયાને હલકું કરતા ઘણો ભાર હળવો થાય છે.તે દિવસે તો હું રોઈ પણ નહોતો શક્યો.
આમ તો એક પણ ગુનાને જાતો ન કરે એને ન્યાયાધીશ કહેવાય,મારી ન્માયાયાધીશ ની કારકિર્દીમાં મારી પાસે જાત જાતના મુકદમા આવે અને તેની વિગતો ચકાસી, સાબિતીઓ અને સાક્ષીઓને તરાસી હું ન્યાય આપું. મારું એ ધ્યેય કે લોકોને યોગ્ય અને સાચો ન્યાય મળે અને આજે હું પાછળ નજર નાખું છું ત્યારે તે વાતનો સંતોષ છે કે ભાગ્યે જ કોઈને અન્યાય થયો હશે.
મારા પરિવારમાં મારી મા, પત્ની અને બે બાળક. કહેવાય સુખી ઘરસંસાર પણ અંદરની વેદના કોને કહેવાય?
સાસુ-વહુના સંબંધો માટે જમાનાઓથી જે સાંભળીએ છીએ તે મેં મારા જીવનમાં પ્રત્યક્ષ અનુભવ્યું છે. મા તેના લગ્ન બાદ ગામડેથી શહેરમાં આવી. ભણતર ખાસ નહીં એટલે સાસુ તરીકેનું તેનું વર્તન સમજી શકાય પણ મારી પત્ની એક ગ્રેજ્યુએટ હોવા છતાં અને સમજદાર હોવા છતાં પણ તેને માટે આ સાસુગીરી અસહ્ય બની હતી. બીજી બાજુ માને પણ કશું કહેવાય નહીં. રોજરોજની આ રામાયણે હવે મારા દીકરાઓ ઉપર પણ અસર કરી અને તેઓ પણ તેમની દાદીની અવગણના કરતાં થઇ ગયા. તેઓ હવે નાના ન હતાં અને કોલેજમાં જતાં હતા એટલે બહુ વિચારને અંતે મારે કઠિન નિર્ણય લેવો પડ્યો અને માને વૃદ્ધાશ્રમમાં મુકવાની વ્યવસ્થા કરી.
વૃદ્ધાશ્રમના ચોકીદાર સાથે મિત્રતા કરી અને મારી માનો ખયાલ રાખવા ભલામણ કરી. તે માટે તેને દર મહિને હું જુદા પૈસા આપીશ તેમ પણ કહ્યું. એક ન્યાયાધીશ જે લાંચરુશ્વતની વિરુદ્ધ હતો તેને સંજોગેને આધીન આવું કામ કરવું પડ્યું. વાહ નિયતિ!
બીજે દિવસે હું માને મળવા ગયો ત્યારે ચોકીદારને પણ મળ્યો. મને કહે કે સાહેબ, આપ તો એક ન્યાયાધીશ છો. આપ તો કોઈ પણ કેસમાં ન્યાય કરતાં પહેલા સાબિતીઓ અને સાક્ષીઓને ધ્યાનમાં રાખી ન્યાય કરો છો અને તમે ન્યાયપ્રિય છો. તો તમારી માના કેસમાં બધી સાબિતી અને માહિતી વિરુદ્ધ જઈ કેમ આવો નિર્ણય લીધો? તમે અન્યોના કેસમાં ન્યાય કેવી રીતે કરી શકશો?
આ સાંભળી હું ચોક્યો. મારા વિષેની આ બધી માહિતી ક્યાંથી મળીના જવાબમાં તેણે કહ્યું કે તમારી મા પાસેથી જ આ બધી માહિતી મળી. મને તે જાણી બહુ દુ:ખ થયું અને તમને મારું મન જણાવવાની ગુસ્તાખી કરી.
કોઈ જવાબ આપવાની મારામાં ક્ષમતા નથી એમ માની હું ઘરે ગયો પણ તે રાતે અને બીજી રાતે પણ મને ઊંઘ ન આવી. જમવાનું પણ બંધ કર્યું અને ન તો મારા રૂમની બહાર ન આવ્યો ન કોર્ટમાં ગયો. પત્નીના ધ્યાનમાં આ બધું આવ્યું અને સવાલ કર્યો કે શું કોઈ કેસ બાબત ચિંતા છે? હા, એટલો જ જવાબ આપ્યો કારણ આ કેસ મારો જ હતો અને તેમાં ગુનેગાર તો હું જાતે જ હતો તે તેને કેમ કહેવાય?
બે દિવસના મનોમંથન બાદ હું એક નિર્ણય પર પહોંચ્યો અને રૂંમની બહાર આવ્યો ત્યારે જમવાના ટેબલ પર પત્ની અને દીકરાઓ મારી રાહ જોતા બેઠા હતાં. કશું બોલ્યા વગર મેં એક કવર મારી પત્નીને આપ્યું અને બંને દીકરાઓને અલગ અલગ કવર આપ્યાં. પત્નીએ કવર ખોલ્યું તો તેમાં અમારા છૂટાછેડાનાં કાગળ હતાં. આ વાંચી તે ખુરશીમાં ફસડાઈ ગઈ.
જ્યારે દીકરાઓએ કવર ખોલ્યા ત્યારે તેમાં મારી જાયદાદનું ગીફ્ટડીડ હતું જેમાં બંનેને સરખે ભાગે મળે તેવી વ્યવસ્થા હતી.હવે તેઓનો આશ્ચર્યચકિત થવાનો વારો હતો. મને પૂછ્યું કે આમ કેમ? મેં જવાબ આપ્યો કે હું મારી માને અજાણ્યા લોકો વચ્ચે છોડી આવ્યો અને તમે સૌ કારણ પૂછો છો? તમે ત્રણેય જણ ક્યારેય મા સાથે સીધી વાત કે વ્યહવાર કરતાં ન હતાં તે મારી જાણ બહાર ન હતું પણ હું લાચાર હતો.મારી મા માટે આ બધું દિવસે દિવસે અસહ્ય થતું ગયું એટલે રોજ હું કોર્ટમાંથી ઘરે આવતો ત્યારે મારી મા મારી આગળ રડતી અને કહેતી મને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ. મારી પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે ના છૂટકે મારે તેને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવી પડી. પણ ત્યાંના ચોકીદારે મને જે કહ્યું તેનાથી મારી આંખ ખુલી ગઈ.
હું, જે શહેરનો નામાંકિત જજ અને મને લોકો માનની નજરે જુએ, તેની માની આ હાલત? જે માએ મને જજ બનાવવા પેટે પાટા બાંધી મને ભણવા પ્રોત્સાહન આપ્યું તેની સાથે હું કેવું વર્તન કરી બેઠો. બીજા માટે ફેસલો કરનાર વ્યક્તિ આજે ખુદ હારી ગઈ. મેં જે કહેવાતો ગુનો કર્યો છે તે કદાચ કાનૂનની દ્રષ્ટિએ હું નિર્દોષ સાબિત થાઉં પણ ઉપરવાળાની કોર્ટમાં હું તો ગુનેગાર જ રહેવાનો. એટલે બે દિવસના મંથન બાદ મેં આ નિર્ણય તમારા સર્વે માટે લીધો છે. હવે મારા પાપના પ્રાયશ્ચિત માટે એક જ રસ્તો છે અને તે છે બધું છોડી હું મારી મા પાસે રહું જેથી તેની પાછલી જિંદગીમાં તેની સંભાળ લઇ શકું. બસ તમે અમારા બે માટે વૃદ્ધાશ્રમ રહેવા આર્થિક વ્યવસ્થા કરશો તેમ માનું છું.     
પછી મારાથી બોલ્યા વગર ન રહેવાયું એટલે મારી પત્નીને કહ્યું કે તું પણ એક મા છે. જેમ તેં મારી માને વૃદ્ધાશ્રમમાં મુકવાની જીદ કરી હતી તેમ એક દિવસ તારા દીકરાઓ પણ તેવું પગલું ભરતાં અચકાશે નહીં અને ત્યારે તને મારી વાતનો સાચો અર્થ સમજાશે. 
આટલું કહી હું મારી મા આગળ વૃદ્ધાશ્રમ પહોંચ્યો. આટલી મોડી રાતે મને જોઈ ચોકીદાર પણ ચમક્યો અને પૂછ્યું કે આમ અચાનક આટલી મોડી રાતે? મેં તેને કહ્યું મને મારી મા પાસે લઇ જા. તે  મને તેની રૂમમાં લઇ ગયો અને જોયું તો મા પોતાની છાતી સરસી પૂરા પરિવારની તસ્વીરને વળગીને સૂતી હતી. તેના ગાલો પર સુકાયેલા આંસુ જોઈ મારું હૃદય હચમચી ગયું.
તે જ વખતે આશ્રમના સંચાલક પણ આવી ગયા કારણ ચોકીદારે તેમને મારા આવ્યાની જાણ કરી હતી. મારા ધ્યાનમાં આવ્યું કે મારી પત્ની અને દીકરાઓ પણ માની રૂમમાં આવી ગયા હતાં. મેં પૂછ્યું કે તમે કેમ આવ્યા તો જવાબમાં પત્ની બોલી કે અમને અમારી ભૂલનો અહેસાસ થઇ ગયો છે અને તેનો પસ્તાવો પણ છે. પછી તેમણે સંચાલકને કહ્યું કે અમને અમારી માને ઘરે લઇ જવા દો.
સંચાલકે કહ્યું કે અમે તમને તમારી સાસુ પાછી ન સોંપી શકીએ, કદાચ ઘરે લઇ જઈ તમે તેની સાથે ગેરવર્તન કરો તો? મારી પત્ની બોલી કે નાં સાહેબ, અમે તેનું જીવન છીનવવાનું નહીં પણ નવું જીવન આપવાનું વિચારીને આવ્યા છીએ.
આ બધી ધમાલમાં આશ્રમના અન્ય વૃદ્ધજનો પણ જાગી ગયા હતાં અને માની રૂમ બહાર ભેગા થયા હતાં. બધી વાતો સાંભળી તેમની આંખોમાં પણ હર્ષાશ્રુ વહેવા લાગ્યા.
નિરંજન મહેતા  

મિત્રો ભૂલનો અહેસાસ થવો અને ભૂલ સ્વીકારવાથી ભૂલ જાય …સ્વીકારવી, એ નમ્રતા અને પરિપક્વતાની નિશાની છે.પણ હા હૈયાને કોઈ પાસે ઠાલવવાથી હૈયું જરૂર હળવું થાય છે તમારી પાસે પણ કોઈ વાર્તા કે વાત હોય તો લખી મોકલશો

2 thoughts on “હળવેથી હૈયાને હલકું કરો-૨૩

  1. ભૂલ સ્વીકારવાથી મન અને જીવન બંને હળવાફૂલ બની જાય .
    આજની ખુબ હ્યદયસ્પર્શી વાત.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.