વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

વિદેશમાં  ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા

1 / 1

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે

– કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને તેમણે અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો, જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.

નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

બુદ્ધિ, મેધા, અક્કલ, જ્ઞાન, ડહાપણ, સમજશક્તિ, બુદ્ધિશાળી સ્ત્રી…. આ તમામ શબ્દોનોનો એક પર્યાય છે -પ્રજ્ઞા. એવી જ રીતે અનેક સંદર્ભ એક નામ સાથે જોડાય એ નામ છે પ્રજ્ઞા દાદભાવાળા. પ્રજ્ઞાબેન વર્સેટાઈલ-સર્વતોમુખી પ્રતિભા ધરાવે છે.
૧૯૫૭ની સાલમાં રાજકોટમાં જન્મેલી આ બાળાનું નામ પ્રજ્ઞા રાખ્યું એ ક્ષણે જ એની કુંડળીમાં સફળતાના ગ્રહો આવીને ગોઠવાઈ ગયા હશે. મુંબઈની તે સમયની જાણીતી અમુલખ અમીચંદ ભીમજી વિદ્યાલય અને SIES કોલૅજમાંથી ફિલોસોફી અને સાઈકોલૉજિના ભણતરે એમની પ્રતિભા નિખારી. એમણે કાવ્ય રચના લખવાની શરૂઆત કરી જે કુમાર માસિકમાં પ્રગટ થઈ. SNDT યુનિવર્સિટીમાંથી પત્રકારના કોર્સ દરમ્યાન સુરેશ દલાલ, હરિન્દ્ર દવે તેમજ પ્રદીપ તન્ના જેવા પ્રખ્યાત સાહિત્યકારોનો સંપર્ક થયો જેના લીધે એમની વિચારશક્તિને એક નવો આયામ મળ્યો.

સાહિત્યની સાથે સાથે તેમણે સ્વ.દીના પાઠકના માર્ગદર્શનમાં અભિનય શીખવાનું શરુ કર્યું. રેડિયો પર નાટક ભજવ્યા. સંગીત સ્પર્ધામાં પુરુષોત્તમ ઉપાધ્યાયને હસ્તે ઈનામ મેળવ્યું. સાહિત્ય-સંગીત- અભિનય- નૃત્યની સાથે કમર્શિઅલ આર્ટ, ફેશન ડિઝાઈનિંગ અને બ્યુટી પાર્લરનો કોર્સ પણ કર્યો.

૧૯૮૦માં શરદભાઈ દાદભાવાળા સાથે લગ્નગાંઠે બંધાયા પછી મુક્ત વિચારસરણીવાળા પતિ અને પરિવારના સાથને લીધે એમનું વ્યક્તિત્વ, આવડત અને શક્તિ વધુ નિખરતા ગયા. એમના વાચાળ સ્વભાવે વીમા એજન્ટની કારકિર્દીમાં સફળતા અપાવી. ફેશન ડિઝાઈનિંગના કૌશલ્યને કામે લગાડીને ઘરમાંથી જ જાતે ડિઝાઈન કરેલા વસ્ત્રોનું પ્રદર્શન અને વેચાણ શરુ કરીને એમાં પણ સફળતા મેળવી. સાવ જ અલગ જ ક્ષેત્રનું ખેડાણ કરવા માટે જે ખંત જોઈએ એની તો પ્રજ્ઞાબેનમાં ક્યાં ખોટ હતી?
દિકરીઓના જન્મ પછી દિકરીઓ પણ એમના જીવનમાં પ્રગતિ કરે એ ઉદ્દેશથી સહકુટુંબ અમેરિકા આવ્યા. સાવ અજાણી ધરતી, અજાણી સંસ્કૃતિ, સાવ અજાણ્યા લોકો વચ્ચે રહીને પણ પોતાનું સ્વત્વ જાળવવાની મથામણમાં એ પાર ઉતર્યા. સંઘર્ષની શરૂઆતમાં સાવ સાદી સેફ વે ની આઠ કલાકની નોકરીથી શરૂઆત કરીને બેંકની વ્હાઈટ કૉલર જોબ સુધી પહોંચ્યા.

જોબ તો અમેરિકામાં આર્થિક સ્થિરતા માટે જરૂરી હતી પણ અંદરના સાહસી અને સાહિત્યિક જીવને કંઇક નવું કરવું હતું. કેલિફોર્નિયામાં આવીને એમણે વૃદ્ધ નાગરિકોને ઉપયોગી થવા ટ્રેનિંગ લઈને સમાજસેવાની શરૂઆત કરી. આ પ્રવૃત્તિના અનુસંધાનમાં એમણે અમેરિકાના ‘રેડિયો જિંદગી’ પર વાર્તાલાપ આપ્યો જેનાથી વડીલોને જરૂરી માર્ગદર્શન મળે. સમાજસેવાની સાથે સાહિત્યસેવાની જે શરૂઆત કરી એ ગુજરાતી સંસ્થાઓ ‘બે એરિયા ગુજરાતી સમાજ’ અને ‘ડગલો’- Desi American of Gujarati Language Origin’માં પરિણમી. ડગલો દ્વારા ગુજરાતી સાહિત્ય,સંગીત અને ભાષાને જીવંત રાખવાના પ્રયાસની સફળતાએ વિદેશની ધરતી પર સ્વદેશી ભાષા, સંસ્કૃતિને ઉજાગર કરવાના એમના આયાસમાં પતિ શરદભાઈનો સાથ મળ્યો. છેલ્લા નવ વર્ષોથી પ્રજ્ઞાબેન ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે છે.

૨૦૧૪માં પ્રસ્તુત કરેલા ‘નરસૈયો’ કાર્યક્રમ એમની કલાકુશળતાની સિધ્ધિ હતી. બે એરિયાની ‘પુસ્તક પરબ’ની શરૂઆત કરી એમણે માતૃભાષાનું ગૌરવ કર્યું.કલા-સંગીતને પ્લેટફોર્મ આપ્યું. લગભગ ૨૦૧૪થી મિલપીટાસના ગુજરાતીઓને સાહિત્યમાં રસ લેતા કર્યા એટલું જ નહીં પણ પ્રતાપભાઈ પંડ્યાની પ્રેરણાથી શરૂ કરેલી ‘પુસ્તક પરબ’ની પ્રવૃત્તિને હ્યુસ્ટનના વિજયભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એક અલગ સ્વરૂપમાં ઢાળી. નામ આપ્યું ‘બેઠક’. જેમાં એમના પ્રોત્સાહનથી અનેકને કલમ દ્વારા-“શબ્દોના સર્જન” બ્લોગ પર પોતાના વિચારોને વ્યકત કરતા કર્યા અને ‘બેઠક’ના લેખકોના લેખોનું સુંદર રીતે સંપાદન કરીને એમણે એમેઝોન પર ૨૬થી વધુ પુસ્તકો પબ્લિશ કર્યા. દર મહિનાના છેલ્લા શુક્રવારે યોજાતી આ બેઠકમાં પોતાના મૌલિક વિચારો રજૂ કરવાની સૌને તક આપી. બેઠકના સદસ્યો અહીં આવીને સ્વલિખિત રચનાઓનું વાચિકમ કરી શકે એટલો આત્મવિશ્વાસ પ્રજ્ઞાબેને સૌમાં જગાવ્યો. કેલિફોર્નિયાના બે એરિયા અને હ્યુસ્ટનના સાહિત્યરસિકો સાથે મળીને અનેક લેખકોના કાર્યને સંકલિત કરીને લગભગ બાર હજાર પાનાનો ‘સંવર્ધન માતૃભાષાનું’ નામનો મહાગ્રંથ તૈયાર કર્યો જેમાં વાર્તા, નિબંધ, નવલિકા, નવલકથા, ચિંતન લેખો, ગીત, કાવ્ય, ગઝલ જેવા અનેકવિધ સાહિત્ય પ્રકારો આવરી લીધા છે.વિદેશની ધરતી પર આપણી સંસ્કૃતિ, આપણા સાહિત્યનું નામ ઉજાળતા પ્રજ્ઞાબેનના “શબ્દોના સર્જન” બ્લોગ ઉપરાંત “કસુંબલ ગીતોનો વૈભવ”, “સંભારણા” જેવા ય બીજા બ્લોગ છે. મૌલિકતાભર્યા વિચારો ધરાવતા પ્રજ્ઞાબેન અચ્છા વક્તા છે. કોઈ વિષયને લઈને ઊંડી જાણકારી સાથે બોલે એટલી જ સરળતાથી પૂર્વ તૈયારી વગર પણ એ વ્યક્ત થઈ શકે છે. જે વ્યક્તિ સૌને લખતા કરે એનું તો લેખન પર પ્રભુત્વ હોય જ ને? કેનેડાના “ગુજરાતી ન્યુઝ લાઈન”માં “ આ મુંબઈ છે” નામની તેમની કોલમ પણ પ્રસંશા પામી. પ્રજ્ઞાબેનની આ કાર્યસિદ્ધિ ને બિરદાવવા કોંગ્રેસના મેયરે એમને નવાજ્યા છે.

પ્રજ્ઞાબેન આ પ્રયાસોનું કારણ આપતા કહે છે કે આપણા વડીલો અમેરિકા આવ્યા પણ એ સૌનો માતૃભાષા સાથેનો સંબંધ ઓછો થતો ગયો. ભાષા તો એક એવો પટારો છે જેમાં આપણા સાહિત્ય અને સંસ્કૃતિનો ખજાનો જળવાયેલો રહે છે. ભાષા સમાજની સભ્યતા, સંસ્કાર અને સંસ્કૃતિની રખેવાળ છે. વડીલોએ આ વારસો ભાષાની સંદૂકમાં આવતી પેઢી માટે સુરક્ષિત રીતે સોંપતા જવાનું છે. આ માટે જરૂરી છે કે વડીલો પણ પોતાના વિચારોને વાચા આપે. એમની સર્જન શક્તિ ખીલશે તો એમના માર્ગદર્શનથી આગલી પેઢી જાગૃત બનશે. સમૃધ્ધ બનશે.

પ્રજ્ઞાબેન પોતાની સિદ્ધિનો યશ પતિ અને પરિવારને આપે છે. ‘બેઠક’ પરિવારના સદસ્યોને સર્જન કરતા,આગળ વધતા જોઈને એ ગૌરવ અનુભવતા કહે છે,


શબ્દો જ મારું વસિયતનામું
જે છે એ બધું તમારું ન લ્યો તો બધુ જ મારું
શબ્દો તણા છાંટણાથી બે ચાર ક્ષણો હું રંગી જાણું
જીવનને ગમતી ક્ષણોને કંડારી મેં શબ્દોમાં
સાચવશો તો સચવાશે, 
નહીં તો ખાલીખમ છે વસિયતમાં
લ્યો શાહી વિનાના કાગળ પર લખ્યું 
મેં મારું વસિયતનામું

This entry was posted in રાજુલ કૌશિક, news by Rajul Kaushik. Bookmark the permalink.

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954

14 thoughts on “વિદેશમાં ગુજરાતી સાહિત્ય-સંસ્કૃતિને આગળ ધપાવતાં મહિલા: પ્રજ્ઞા દાદભાવાળા- નવગુજરાત સમય > પ્રતિભા (રાજુલ કૌશિક)

 1. રાજુલ બેન, બે એરિયા ની એક પ્રતિભાશાળી સ્ત્રી વ્યક્તિત્વને આપે યોગ્ય શબ્દોથી નવાજી છે.અભિનંદન.તેમના વિષે જેટલું લખો, ઓછું પડે.સાહિત્ય જગતમાં તેમનો અમૂલ્ય ફાળો છે.બેઠકમાં તેમની સાથે કામ કરવાનો મને ગર્વ છે.એમની આંગળી પકડીને અનેકને પોતાનો માર્ગ મળ્યો છે.પ્રજ્ઞાબેન, અભિનંદન!

  Liked by 1 person

  • સાચી વાત કલ્પનાબેન…. કોઇને આગળ લાવવાનું નિમિત્ત બનવું એ પણ એક શુભકાર્ય છે.
   પ્ર્જ્ઞાબેને અનેકને બેઠકનું પ્લેટફોર્મ આપી અંદરની પ્રતિભા બહાર લાવવાનું નિમિત્ત બન્યા છે.

   Like

 2. 1. jugalkishor | November 15, 2019 at 6:53 pm

  સરસ પરિચય આપ્યો છે.
  એમના સૌના આ યજ્ઞના સાક્ષી બનવાનું થયું છે. એકધારું કોઈ આવાં ભાષા-સાહિત્યના
  કાર્યમાં લાંબો સમય કાર્યરત રહે એ જ મોટી વાત છે જ્યારે એમાં સફળતા મેળવવી એ
  તો યજ્ઞના ફળસ્વરૂપ જ ગણાય.
  આમ સરસ પરિચય આપીને એક વ્યક્તિ અને એમનાં અનેક કાર્યોને સમાજ સમક્ષ મૂકવા
  દ્વારા તમે પણ સમિધકાર્ય કર્યું છે.
  કાર્યકર્તાઓને અભિનંદન સાથે અનેક શુભકામનાઓ !!

  નોંધઃ
  કોમેન્ટબોક્સમાં પ્રગટ ન થવાથી અહીં મૂકું છું. બહેનને શુભકામના પહોંચાડશો.

  પ્રજ્ઞાબેન, જુગલકિશોરભાઈએ આ પ્રતિભાવ મારા બ્લોગ રાજુલનું મનોજગત પર મુક્યો છે જે હું અહીં મુકુ છું.

  Like

 3. ખુબ સરસ. પ્રજ્ઞાબેન ની પ્રતિભા પ્રભાવ અને સ્વભાવનું સુંદર આલેખન. મે તેમને માટે આ જ ભાવ થી મેં એક કવિતા લખી છે જે ‘બેઠક’માં રજુ કરીશ.

  Liked by 1 person

 4. રાજુ, પ્રજ્ઞાબેનની સર્વતોમુખી પ્રતિભાને તારા આગવા અંદાજમાં સરસ રીતે આલેખી છે.અત્યાર સુધીની જીવનયાત્રામાં અનેકવિધ ક્ષેત્રોમાં તેમનું યોગદાન પ્રેરણાદાયી અને સરાહનીય છે. શબ્દોના સર્જન અને બેઠક થકી કેટલીયે પ્રતિભાઓના પ્રેરણામૂર્તિ બનવાનું શ્રેય તેમને જાય છે.માત્ર સાહિત્ય જ નહી સંગીત અને રંગમંચ તરફ પણ તેમની પાસે એક આગવી દ્રષ્ટિ છે.આટલા વર્ષો સુધી અનેક વંટોળનો સામનો કરી સાહિત્યની સેવા કરતી બેઠક જેવી સંસ્થાનું સંચાલન કરવું અને ગુજરાત ડે કરવો એ નાનીસુની વાત નથી જ.આપણે સૌ ભેગા મળીને તેમની દરેક પ્રવૃત્તિમાં આપણો ખભો આપી તેમને તન ,મન ,ધનથી મદદરુપ થઈશું તો સાચા અર્થમાં તેમને સરાહયા કહેવાશે.પ્રભુ તેમને સદાય આવીજ હિંમત અને શક્તિ આપે તેવી પ્રાર્થના. ખૂબ ખૂબ અભિનંદન પ્રજ્ઞાબેન.
  વસિયતનામુ સરસ કવિતા…..

  Liked by 1 person

 5. રાજુલબેન, પ્રજ્ઞાબેનની પ્રતિભાની સુંદર જાણકારી માટે આભાર.. તેમના પરિચયમાં આવનાર કોઈ પણ વ્યક્તિ તેમના મોટીવેશનથી અછૂતી ન રહી શકે તેવો મારો પણ અનુભવ છે. તેમનામાં સરલતા, સહજતા સાથે નેતૃત્વની અદભૂત શક્તિ છે.” બેઠક” તેનું તાદૃશ ઉદાહરણ છે. તેની સાથે જોડાવાનો મને ખૂબ આનંદ છે.. સુંદર પ્રસ્તુતિ.

  Liked by 1 person

  • આભાર રીટાબેન,
   સર્વતોમુખી પ્રતિભા છે પ્રજ્ઞાબેન.
   આગળ આવવાની મહેચ્છા સૌને હોય પણ સાથે કોઈને આગળ લાવવાની ઇચ્છા તો આવી પ્રજ્ઞાબેન જેવી બહુ ઓછી વ્યક્તિઓમાં હોય.

   Like

 6. રાજુલ કાલે તારી સાથે વાત કરવાની મજા પડી. પ્રજ્ઞાબેન માટે જેટલું કહીએ એટલું ઓછું છે. એ સિનિયર સિટિજનમાં જીવનનો સંચાર કરે છે. જિંદગીમાં ઉલ્હાસ આપે છે. દિલ ખોલવાની તક આપે છે. બે એરિયામાં પ્રજ્ઞાબેન જેવી કોઈ વ્યક્તિ જોવા મળતી નથી જેના હૃદયમાં લોકો પ્રત્યે પ્રેમ અને કરુણા હોય !! અને પ્રેમ અને કરુણા હોય તો જ તમે નિસ્વાર્થભાવે આ કામ કરી શકો. લોકોને સાહિત્ય માં રસ લેતા કરવા, લખતા કરવા, અને એક સરખો પ્રેમ વરસાવતો રહેવો એ નાની સુની વાત નથી. અને જો કોઈ આવું સરસ કામ કરતુ હોય તો એને સપોર્ટ કરવાને બદલે એના કામમાં કાંટા બીછાવવાનું હીણું કામ લોકો કરતા હોય ત્યારે દિલમાં દુઃખ થાય છે., પણ પછી વિચાર આવે છે કે સારા કામ કરવાવાળાને જ લોકો રોકવાની કોશિશ કરતા હોય છે. ઇતિહાસ એનો ગવાહ છે. તારા સુંદર લેખન માટે અભિનંદન અને પ્રજ્ઞાબેન તો અમારા ક્લોઝ ટુ માય હાર્ટ છે જ !!

  Liked by 1 person

  • આભાર સપનાબેન,

   પ્રજ્ઞાબેન એક એવો સેતુ છે જેમણે બે એરિયાથી ૮૦૦ માઈલ દૂર છું તેમ છતાં મને તમારા સૌ સાથે જોડી રાખી છે. ગઈકાલે તમે સૌ મળ્યા અને મને પણ મળ્યા, મને પણ તમને સૌને મળ્યાનો હરખ થયો.

   હું હંમેશા કહું છું કે મને તમારા સૌની મીઠી ઇર્ષ્યા આવે છે. મઝા કરો છો બધા પણ આવી રીતે તમારી મઝામાં સહભાગી બનવાનો ય આનંદ તો છે જ.
   પ્રજ્ઞાબેન વિશે તો એ જે છે એનો પરિચય માત્ર છે. ઈશ્વર એમની યશકલગીમાં અનેક યશસ્વી પીછાં ઉમેરે એવી મારી શુભેચ્છા.

   Like

 7. રાજુલ તારા આ પ્રેમ ભર્યા શબ્દો માટે મારી પાસે શબ્દો નથી,પણ સાચું કહું તે મારી મને ઓળખાણ કરાવી છે. હું નાની હતી ત્યારે મારા પપ્પાએ મને શીખવ્યું હતું કે હંમેશા ગુણગ્રહી થવાનું, “તારી અંદર ગ્રહણ કરવાની ઉકંઠાને જીવંત રાખજે, જે બીજાના ગુણને ગ્રહણ કરે છે તે કયારેય નથી હારતા, એમનું જીવન એક સતત વહેતી ધારા હોય છે”. ..બધાનું સૌથી બેસ્ટ શોધી એને માત્ર મુકવાનો મારો નમ્ર પ્રયત્ન હોય છે. બાકી તો ‘બેઠક’ બધાના સાથ સહકાર સાથે જ ચાલે છે.આપ સૌના સાથ અને સહકાર માટે હૃદયથી તમારી ઋણી છું. જેમના સ્નેહની ઝરમર મારી ઉપર અવિરત વરસી છે એવા સર્વ ભાવકો અને જેમણે મને પોતાની માની પોંખી છે એવી રાજુલને અને સૌ મિત્રોનો આભાર માની અળગા નથી કરવા.

  Liked by 1 person

  • આભાર તો એક ઔપચારિકતા છે અને આપણી વચ્ચે હવે ક્યાં ઔપચારિક વ્યહવારની જરૂર છે?

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.