કહેવત વિષે લખવાની વિચારણા ચાલતી હતી ત્યારે પ્રજ્ઞાબહેને કહ્યું, અમે મિત્રો એક વખત પાના રમવા બેઠાં ત્યારે કહેવતો થકી વાતો કરતાં, કેટકેટલી કહેવતો બોલી કાઢી! ગુગલમાં તો ઘણી કહેવતો આપી છે પરંતુ મારે માત્ર કહેવતો નહોતી લખવી. જેમ ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવાય છે તેમ મારી લખેલી કહેવત ગંગામાં ડૂબકી મારનાર કે તેનું આચમન કરનારને તેના જીવનમાં કોઈ ફાયદો થાય, એ મારા માટે મહત્વનું હતું. જોતજોતામાં 51 કહેવતો લખાઈ ગઈ, પરંતુ મન ભરાયું નથી. આ તમામ કહેવતોને સાંકળતી એક વાર્તા લખી. મિત્રો, મને ગમી, આશા રાખું, તમને પણ ગમશે.
વર્ષની કહેવતોને મેં અઠવાડીયાની સફરમાં સમાવવાની કોશિશ કરી. જાણું છું, “મન હોય તો માળવે જવાય” અને “આળસ એ જીવતા માણસની કબર છે”. વળી સફર પૂરી કરવી હતી. “આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય”. “ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે” માટે મેં ફરવાનું વિચાર્યું. “ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા” એ કહેવતને ખોટી પુરવાર કરવા બીજી ત્રણ બાળ સખીઓને સાથે લીધી. હું જાણું છું, “એકની મા મૂળો અને બાપ ગાજર હતો”. બીજી, “નારી તું તણાવને વરી” કહેવત સાબિત કરતી. તો વળી, ત્રીજીનો સ્વભાવ તો “પાણીમાંથી પોરા કાઢવા”, એ તો ભાઈ જેની “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ”. એક વાત તો સાચી કે “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પણ મને જોઈને ત્રણેયને થયું “લાલો લાભ વગર લોટે નહીં “. મેં તો ત્રણેયને “ચણાના ઝાડ પર ચડાવ્યા” કારણકે કોઈ કારણ વગર હું સફરમાં આવવાનું કહું તો “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. એટલે મેં તો “હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા” એ નાતે વાર્તા શરૂ કરી.
જુઓ સખીઓ, “પ્રેમ દેવો ભવ”. મારે મારી માને મળવું છે. “મા તે મા બીજા બધા વગડાના વા”. મારા બાપુને રિટાયર્ડ થવાની તૈયારી છે. તમને ખબર છે કે “ઉતર્યો અમલદાર કોડીનો”. એ જ્યાં સુધી પોસ્ટ પર છે ત્યાં સુધી, “ઓળખાણ મોટી ખાણ છે” અને “જેની લાઠી તેની ભેંસ”, તો આપણે ચારેય આપણે ગામ જઈએ, બાળપણ યાદ કરીએ. આપણે ચારેય સખીઓ છીએ. “સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ”. “માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ” અને આમેય “ઘરડાં ગાડા વાળે”. હું જાણું છું “કોઠી ધોયે કાદવ નિકળે” અને “બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી જાય તો ખાકની” પણ “જૂનું એટલું સોનુ”. “દૂધ ઢોળાઈ જાય પછી રડવાનો શો મતલબ”. તમારા ત્રણેયના મા-બાપ નથી. મારું પિયર તમારું. ત્રણેયને લાગ્યું “ચા કરતાં કીટલી ગરમ” છે. ત્રણેયને થયું “ઘેર બેઠે ગંગા” આવી છે. સૌ સફરમાં તૈયાર થયાં. “કર ભલા હોગા ભલા”. બધાને હતું “ઘર ફૂટે ઘર જાય” પણ આખરે તો મિત્રો હતાં. “સીદીભાઈને સિદકા વહાલા”.
“ત્રેવડ ત્રીજો ભાઈ” એટલે અમે ચારેય બસમાં જવાનું નક્કી કર્યું. પૈસા બચે અને કસરત થાય એટલે ગામ બહાર ઉતરીને હાલતા થયાં કારણ કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને “તમે જ તમારા ખુદા બનો”. બાળપણનાં દિવસોને યાદ કરતાં ગયાં. “સાપ ગયા અને લીસોટા રહ્યા”. પણ બાળમંદિરમાં માસ્તર સોટી મારતાં અને બોલતાં “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ” એ કેમ ભુલાય? રસ્તામાં રંભામાસી મળ્યાં. છોડીઓ, કેમ હેંડીને જાઓ છો? એમના ખુદના “ઊંટના અઢારે વાંકા” અને ગામની પંચાતમાં શૂરા. “અતિ હંમેશા વિનાશ નોંતરે”. અને સલાહ આપતા ગયા, “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”. પણ અમને ય આવડતું હતું “આડે લાકડે આડો વેર”. અમે તો હાલી નિકળ્યાં.
“ચાર દિવસની ચાંદની જાતા નહીં લાગે વાર” એમ અમારી ચારેયની જુવાની જતી રહી. પણ અમે ચારેય “બાપ કરતાં બેટા સવાયા” થઈને સાસરીમાં રહ્યાં. એક વાત સાચી “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં”. વાત્યું કરતાં કરતાં ફળિયુ આવી ગયું. વાળુનો સમય હતો. માએ પૂછ્યું, કંઈ તકલીફ પડી? હા મા, ગામમાં એ તો રહેવાનું જ “હાથી પાછળ કૂતરા તો ભસે”. મા કહે તારા બાપુ આવતાં જ હશે. બાપુએ આવતાં જ કહ્યું “ધરમીને ઘેર ધાડ અધર્મીને ઘેર વિવાહ” પણ “દેવે સો દેવતા”, “ચેતતો નર સદાય સુખી” રહે. “સાચને ન આવે આંચ”. જ્યાં “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” હોય ત્યાં શાંતિ જ હોય. બાપુએ ઘણી વાતો કરી અને સલાહ આપી અને બાપુ વાળુ કરીને ચાલવા નીકળ્યાં અને કહેતા ગયાં, “પચે તો જ બચે”. એક અઠવાડિયુ પિયરમાં મજા કરી. બાપુ હારે બહુ ફર્યાં. “પિતૃ દેવો ભવઃ”. ઘેર આવ્યા ત્યારે લાગ્યું કે “ધરતી નો છેડો ઘર”.
મિત્રો, કેવી લાગી કહેવતો ગુંથીને બનાવેલી આ વાર્તા? આ કહેવતો અંગેની વધુ ચર્ચા આવતા અંકે …
wah bahena wah khub saras
LikeLiked by 1 person
આભાર હેમંતભાઈ! તમારા જેવા લેખકનું મંતવ્ય મારા માટે મહત્ત્વનું અને પ્રોત્સાહક છે. ફરીથી આભાર.
LikeLike
કલ્પનાબેન,કયા બાત હૈ!! ખુશ ખુશ થઈ ગઈ હું તો……શું સરસ તમારી જ વર્ષ આખાની કહેવતોને સમાવીને વાર્તા બનાવી છે.આ કલ્પનાબેન જ કરી શકે! પ્રજ્ઞાબેન શાબાશી તો તમને પણ આપવી જોઈએ કે જુદાજુદા સાહિત્યને અનોખી ,પોતાની રીતે સજાવી લખનાર ને તમે ઓળખીને અમારી સમક્ષ રજૂ કર્યા છે.
LikeLiked by 1 person
જિગીષા, જોજે હોં, પાછી મને ચણા ના ઝાડ પર ના ચઢાવતી.ના બસ વાંચનારને ગમે અને મને ગમે એટલે બંદા ખુશ! આભાર. મઝા આવી ગઈ.પ્રજ્ઞાબેન નો આભાર તો ખરો જ. મને આવી તક આપવા માટે!
LikeLike
કલ્પનાબેન ખુબ સરસ. મજા પડી ગઈ અમે પણ ખુબ શીખ્યા તમારી સાથે, કહેવત એટલે લાંબી વાતને ટૂંકમાં કહેવી તે અને તમે તો કહેવતો જોડીને વાર્તા બનાવી, કહેવું પડે ને !
LikeLike
કલ્પનાબેન એક વધુ homework આપું ..
આપણે ઘણી કહેવતો વાપરીએ છીએ, જે અધૂરી છે અથવા ખોટી છે. મૂળ શબ્દો ક્યારેક જુદા હોય છે, ક્યારેક એ શબ્દો સદીઓથી ઘસાઈ ઘસાઈને આપણી પાસે આવે છે. અર્થહીન બની જાય છે અથવા અનર્થ કરે છે અથવા દ્વિતીય અર્થ કરે છે. અહીં થોડી કહેવતો લખી છે, જેમાં એક ભાગ કે એક અંશ આપણે ખોટો બોલીએ છીએ. થોડાં દૃષ્ટાંતો : (કૌંસમાં છે એ ભાગ ભુલાઈ ગયો છે.)
તમાશાને તેડું નહિ (ને બાવળિયાને ખેડું નહિં)
પારકે પૈસે પરમાનંદ (ને ખાઈપીને કરો આનંદ)
(અણવીધેલું મોતી) નીવડે વખાણ.
આવ બલા પકડ ગલા (એ બલાસે ભાગના ભલા)
અશક્તિમાન ભવેત સાધુ (અને કુબ્જા નારી પતિવ્રતા)
ઈન મીન ને સાડા તીન (આધા રહ્યા સો લિયા છીન, ફિર તીન કે તીન)
એક નૂર આદમી ને દસ નૂર કપડાં (હજાર નૂર ઘરેણાં ને લાખ નૂર નખરાં)
(કસાઈને ઘેર કુશળ)ને ધર્મીને ઘેર ધાડ
કાશીનું કરવત (આડુંએ વહેરે ને ઊભુંએ વહેરે)
(ખરી બપોરે બમગું ને) પોપાંબાઈનું રાજ.
ખાટલે મોટી ખોડ (એ કે પરથમખોયો જ નહીં).
ખાધું પીધું તે આપણું (હાકળને ભર્યા ફોક, જીવ લઈ ગયો જમડો ત્યારે ખાઈ ગયા લોક).
નામ તેનો નાશ (ને કાગડા પામે વાસ)
દુકાળ ને વળી અધિક માસ (ભૂખ્યો ને વળી ટાઢી છાશ)
દિગ લગા ગધ્ધી સે તો (પદ્મિની કુબ્જા) (અથવા પરિ ક્યા ચીજ હૈ).
ઢમ ઢોલ માંહે પોલ (ઉપર વાઘા ને માંહે નાગા).
ડુંગરા દૂરથી રળિયામણા (ને પાસ જાય તો બિહામણા).
ટકાના તેર (ને ઉપર બે માગ્યા)
ઝાઝા હાથ રળિયામણા (ને ઝાઝા મોં અદીઠ).
જંગલમાં મંગલ (ને વસતિમાં કડાકા)
ઠંડા પહોરના ચટાકા (કેટલાક ખાટા ને કેટલાક મીઠા).
(ધોલ્યા!) ધાડ આવા તો કે’ ધણીને ઘેર.
ન બોલ્યામાં નવગુણ (ને બોલે તો થાય અવગુણ) (કે બોલે તેમાં થાય ખૂન?)
જ્યાં ધણી-ધણિયાણી રાજી ત્યાં શું કરે (કોતવાલ ને) કાજી?
(ગરીબમાં ગરીબ બે) દીકરી ને ગાય, જ્યાં દોરે ત્યાં જાય.
ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગેય તેલંગ (ગાંગો તેલી નહીં).
ચોરનો ભાઈ ગંઠી ચોર (ઘંટી ચોર નહીં).
ન કરે નારાયણ (તે ગઢવી ગાડે ચડે).
છોરુ કછોરુ થાય (પણ મા-બાપથી કઠોર ન થવાય).
ગામ ત્યાં ઢેડવાડો (નદી ત્યાં ઓવારો).
નદી નાવ સંજોગ છે (કોઈનું છે ન કોઈ).
ગોળાને મોઢે ગળણું બંધાય (ગામને મોઢે ન બંધાય).
ગાંડી ગુજરાત (આગે સે લાત, પિછે સે બાત).
નાકા લીટી તાણી (કે નાક લીટી?)
જે જાય જાવે તે (દાંતે દહીં ચાવે ને) કદી નહીં પાછો આવે.
(ચાર બેસે પાઘડી તો વાત કરે પાધરી), ચાર બેસે ચોટલા તો વાળી ઊઠે ઓટલા.
મા મૂળી (મૂળો નહિ)ને બાપ ગાજર
બાંધી મુઠ્ઠી લાખની (ને ઉઘાડતાં વા ખાય).
બોડી બામણીનું ખેતર (ને બાવો ટોયો).
રાઈના પાડ રાતે ગયા (કે ભાવ?)
સોંઘી સુખડી ને સિદ્ધપુરની જાત્રા (સસ્તું ભાડું ને…?)
ખાલી ચણો વાગે ઘણો (ને તે ચણા પર દમામ ઘણો).
ઘઉં ખેત મેં, બેટા પેટ મેં (ને લગન પાંચમનાં લીધાં).
ઘરમાં હાંલ્લેહાલ્લાં લડે (ને બહાર તો લાલજી મણિયાર).
ખોટો રૂપિયો ચમકે ઘણો (અને ભૂંડો ભૈયો ભડકે ઘણો).
ઘરડી ઘોડી ને લાલ લગામ (ને કોઈ નહીં આપે બે બદામ ને જુઓ રે ઘરડીના દમામ).
ધરમના કામમાં ઢીલ નહીં (ને અડબોથનો ઉધારો નહીં).
ધૂળધાણી (ને વા પાણી).
ધોબીનો કૂતરો નહીં ઘરનો, નહીં ઘાટનો (કે નહીં બહારવટનો).
નવી વહુ નવ દહાડા (ને તે જ કરે ત્રણ દહાડા).
ધુળ પર લીંપણ (ને કાગળ પર બીબાં).
(તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની, રામભગત એમ ભણે કે) દે દાલ મેં પાની.
નહીં લેવા નહીં દેવા (ને કરો વાઘોડિયે વિવાહ).
વાતનું વતેસર કરવું (અને કાંટાનું કટેસર કરવું).
ખરી વાતમાં શાનો ખાર (માંગતું આપે તો શાને પાડ)?
(કબાડા ટાણે) તેરી બીચૂપ ઔર મેરી બી ચૂપ.
જૈસી કરની વૈસી ભરની (હુી, ન હુી, કર દેખે).
કમજોર ઔર ગુસ્સા બહોત (માર ખાને કી નિશાની).
(કણબી પછવાડે કરોડ, ને કણબી કોઈ પછવાડે નહીં, પણ મૂળમાં મોટી ખોટ કે) ઉહુંનું ઓસડ નહીં.
અંધેર નગરી ગંડુ રાડા (બાર કોહરાં ને તેર દરવાજા) (અથવા ટકે શેર ભાજી ને ટકે શેર ખાજા).
અંધારી રાતે મગ કાળા (ને નહીં જણાય સસરા કે સાળા).
એક મ્યાનમાં બે તલવાર નહીં માય (અને એક મુલકમાં બે બાદશાહ નહીં સમાય).
અલેલ ટપ્પુ (ઘેર મુકામ).
(અચ્છે દિન પીછે ગએ, ઔર હરસૂ કિયો ન હોત, અબ પછતાએ ક્યા હોવે કે) ચીડિયાં ચુન ગઈ ખેત.
(જો મેં એસો જાનતી કે પ્રીત કિયો દુઃખ હોય, નગર ઢંઢેરો પીટતી કે) પ્રીત ન કિજો કોઈ.
આંધળા સામે આરસી (હિંદ ઘેર પારસી, માંદા પાસે લાપસી, બહેરાની વાતે ટાપસી, સંન્યાસી પાસે નાલસી, ખોટા સામે ખલાસી).
જાન કોઈ જાણે નહીં ને હું બી વરની ફૂઈ (ગાડામાં કોઈ લિયે નહીં ને દોડી દોડી મૂઈ).
આવી કહેવતો બેશુમાર છે, જેનો એક જ ભાગ કે હિસ્સો વધારે વપરાય છે અને બાકીનો હિસ્સો અવપરાશને લીધે કે કાળક્રમે લોપ પામ્યો છે. જોકે હવે પહેલો ભાગ કે હિસ્સો પણ ધીરેધીરે લોપ થતો જાય છે…!
-https://www.khabarchhe.com/
LikeLiked by 1 person
વાહ કલ્પનાબેન ખુબ મૌલિકતાથી તમે વાર્તા કરી અને કહેવતોને વણી લીધી. Very original and well done!! 👏👏❤️
LikeLiked by 1 person
આભાર દર્શનાબેન.
LikeLike