કહેવત – ગંગા સમીક્ષા – ૧ કલ્પના રઘુ

કહેવત વિષે લખવાની વિચારણા ચાલતી હતી ત્યારે પ્રજ્ઞાબહેને કહ્યું, અમે મિત્રો એક વખત પાના રમવા બેઠાં ત્યારે કહેવતો થકી વાતો કરતાં, કેટકેટલી કહેવતો બોલી કાઢી! ગુગલમાં તો ઘણી કહેવતો આપી છે પરંતુ મારે માત્ર કહેવતો નહોતી લખવી. જેમ ગંગામાં સ્નાન કરીને પવિત્ર થવાય છે તેમ મારી લખેલી કહેવત ગંગામાં ડૂબકી મારનાર કે તેનું આચમન કરનારને તેના જીવનમાં કોઈ ફાયદો થાય, એ મારા માટે મહત્વનું હતું. જોતજોતામાં 51 કહેવતો લખાઈ ગઈ, પરંતુ મન ભરાયું નથી. આ તમામ કહેવતોને સાંકળતી એક વાર્તા લખી. મિત્રો, મને ગમી, આશા રાખું, તમને પણ ગમશે.

વર્ષની કહેવતોને મેં અઠવાડીયાની સફરમાં સમાવવાની કોશિશ કરી. જાણું છું, “મન હોય તો માળવે જવાય” અને “આળસ એ જીવતા માણસની કબર છે”. વળી સફર પૂરી કરવી હતી. “આપ મુઆ વગર સ્વર્ગે ના જવાય”. “ફરે તે ચરે બાંધ્યો ભૂખે મરે” માટે મેં ફરવાનું વિચાર્યું. “ચાર મળે ચોટલા તો ભાંગે કૈંકના ઓટલા” એ કહેવતને ખોટી પુરવાર કરવા બીજી ત્રણ બાળ સખીઓને સાથે લીધી. હું જાણું છું, “એકની મા મૂળો અને બાપ ગાજર હતો”. બીજી, “નારી તું તણાવને વરી” કહેવત સાબિત કરતી. તો વળી, ત્રીજીનો સ્વભાવ તો “પાણીમાંથી પોરા કાઢવા”, એ તો ભાઈ જેની “જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ”. એક વાત તો સાચી કે “પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં”. પણ મને જોઈને ત્રણેયને થયું “લાલો લાભ વગર લોટે નહીં “. મેં તો ત્રણેયને “ચણાના ઝાડ પર ચડાવ્યા” કારણકે કોઈ કારણ વગર હું સફરમાં આવવાનું કહું તો “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. એટલે મેં તો “હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા” એ નાતે વાર્તા શરૂ કરી.

જુઓ સખીઓ, “પ્રેમ દેવો ભવ”. મારે મારી માને મળવું છે. “મા તે મા બીજા બધા વગડાના વા”. મારા બાપુને રિટાયર્ડ થવાની તૈયારી છે. તમને ખબર છે કે “ઉતર્યો અમલદાર કોડીનો”. એ જ્યાં સુધી પોસ્ટ પર છે ત્યાં સુધી, “ઓળખાણ મોટી ખાણ છે” અને “જેની લાઠી તેની ભેંસ”, તો આપણે ચારેય આપણે ગામ જઈએ, બાળપણ યાદ કરીએ. આપણે ચારેય સખીઓ છીએ. “સંપ ત્યાં જંપ, કુસંપ ત્યાં કળિ”. “માની ગોદ એટલે સંતાનનું સ્વર્ગ” અને આમેય “ઘરડાં ગાડા વાળે”. હું જાણું છું “કોઠી ધોયે કાદવ નિકળે” અને “બાંધી મુઠ્ઠી લાખની ને ખુલી જાય તો ખાકની” પણ “જૂનું એટલું સોનુ”. “દૂધ ઢોળાઈ જાય પછી રડવાનો શો મતલબ”. તમારા ત્રણેયના મા-બાપ નથી. મારું પિયર તમારું. ત્રણેયને લાગ્યું “ચા કરતાં કીટલી ગરમ” છે. ત્રણેયને થયું “ઘેર બેઠે ગંગા” આવી છે. સૌ સફરમાં તૈયાર થયાં. “કર ભલા હોગા ભલા”. બધાને હતું “ઘર ફૂટે ઘર જાય” પણ આખરે તો મિત્રો હતાં. “સીદીભાઈને  સિદકા વહાલા”.

“ત્રેવડ ત્રીજો ભાઈ” એટલે અમે ચારેય બસમાં જવાનું નક્કી કર્યું. પૈસા બચે અને કસરત થાય એટલે ગામ બહાર ઉતરીને હાલતા થયાં કારણ કે “પહેલું સુખ તે જાતે નર્યા” અને “તમે જ તમારા ખુદા બનો”. બાળપણનાં દિવસોને યાદ કરતાં ગયાં. “સાપ ગયા અને લીસોટા રહ્યા”. પણ બાળમંદિરમાં માસ્તર સોટી મારતાં અને બોલતાં “સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ” એ કેમ ભુલાય? રસ્તામાં રંભામાસી મળ્યાં. છોડીઓ, કેમ હેંડીને જાઓ છો? એમના ખુદના “ઊંટના અઢારે વાંકા” અને ગામની પંચાતમાં શૂરા. “અતિ હંમેશા વિનાશ નોંતરે”. અને સલાહ આપતા ગયા, “ઉતાવળા સો બાવરા ધીરા સો ગંભીર”. પણ અમને ય આવડતું હતું “આડે લાકડે આડો વેર”. અમે તો હાલી નિકળ્યાં.

“ચાર દિવસની ચાંદની જાતા નહીં લાગે વાર” એમ અમારી ચારેયની જુવાની જતી રહી. પણ અમે ચારેય “બાપ કરતાં બેટા સવાયા” થઈને સાસરીમાં રહ્યાં. એક વાત સાચી “આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં”. વાત્યું કરતાં કરતાં ફળિયુ આવી ગયું. વાળુનો સમય હતો. માએ પૂછ્યું, કંઈ તકલીફ પડી? હા મા, ગામમાં એ તો રહેવાનું જ “હાથી પાછળ કૂતરા તો ભસે”. મા કહે તારા બાપુ આવતાં જ હશે. બાપુએ આવતાં જ કહ્યું “ધરમીને ઘેર ધાડ અધર્મીને ઘેર વિવાહ” પણ “દેવે સો દેવતા”, “ચેતતો નર સદાય સુખી” રહે. “સાચને ન આવે આંચ”. જ્યાં “ધર્મો રક્ષતિ રક્ષિતઃ” હોય ત્યાં શાંતિ જ હોય. બાપુએ ઘણી વાતો કરી અને સલાહ આપી અને બાપુ વાળુ કરીને ચાલવા નીકળ્યાં અને કહેતા ગયાં, “પચે તો જ બચે”. એક અઠવાડિયુ પિયરમાં મજા કરી. બાપુ હારે બહુ ફર્યાં. “પિતૃ દેવો ભવઃ”. ઘેર આવ્યા ત્યારે લાગ્યું કે “ધરતી નો છેડો ઘર”.

મિત્રો, કેવી લાગી કહેવતો ગુંથીને બનાવેલી આ વાર્તા? આ કહેવતો અંગેની વધુ ચર્ચા આવતા અંકે …