હળવેથી હૈયાને હલકું કરો – ૨૧

આજે કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્કેનર, પેન ડ્રાઈવ, સ્કાય ડ્રાઈવ, કલાઉડ અને બ્લૂ ટૂથ જેવાં અનેક સાધનો અને ટેકનીક ધરાવતાં ડિજીટલ યુગમાં ઇપુસ્તકો, ઇસામયિકો અને ઇપુસ્તકાલયો અસ્તિત્વમાં છે. ત્યારે મને મારી જિંદગીનો એક પ્રસંગ યાદ આવે છે. પુસ્તકો ન હોત તો શું થાત એની ગંભીરતા મને એ વખતે સમજાઈ હતી.
ત્યારે હું ૭માં ધોરણમાં હોઈશ, અમે શાળામાં ચાર ખાસ મિત્રો. રોજ શાળાએ સાથે જવાનું અને સાથે આવવાનું, ચાલતાં આવતાં એટલે ટોળટપ્પા કરતાં અને મજા પણ ખૂબ આવે, ખાસ તો વરસાદનાં દિવસોમાં, રેઈનકોટ અને છત્રી હોવા છતાં, સાથે પલળવાનો ખૂબ આનંદ આવતો. મને આજે પણ યાદ છે કે હું નાની હતી ને જ્યારે પણ વરસાદ શરૂ થાય ત્યારે રેઇનકોટ પહેરીને મારા પપ્પાનો હાથ પકડીને બિલ્ડિંગની નીચે વરસાદમાં રમવાં જતી રહેતી. મને વરસાદના છાંટાનો સ્પર્શ ખૂબ જ ગમે છે. નાની હતી ત્યારે મારી બંને હથેળીઓને ભેગી કરીને તેમાં વરસાદને પકડવાનો પ્રયત્ન કરતી હતી.
તે દિવસે પણ હું મારા મિત્રો સાથે આમ જ વરસાદને માણી રહી હતી. ત્યારે અચાનક મારી એક મિત્રને શું સુઝ્યું કે એણે એક અળસિયું પકડી મારી ઉપર ફેક્યું અને હું ધ્રુજી ઊઠી! હું બૂમાબૂમ કરતી કૂદકા ભરવા માંડી. મારી બીજી બહેનપણી મારી મદદે આવી અને મારા શરીર પરથી અળસિયાને ફેંકી મને શાંત કરી. પણ હું ડરથી હીબકાં લેતી રહી. બધા મારી એ મિત્ર પર ખીજાયાં પણ એ તો હસતી રહી. એટલે બધાએ એને પકડી અને એની બેગ ખેંચી પાણીમાં તરતી મૂકી દીધી. હવે એ ખીજાઈ. ભાગીને બેગ લીધી પણ બધાં પુસ્તકો પલળી ગયાં. હવે રડવાનો વારો એનો હતો, એ રડતી રડતી ઘરે ભાગી ગઈ. આ પ્રસંગના બે દિવસ પછી ફરી સોમવારે હું શાળા એ જવાં નીકળી ત્યારે એને બોલાવાં ગઈ તો એ ન આવી પણ એનો ભાઈ આવી કહી ગયો હવેથી એ તમારી સાથે નહિ આવે.
અમને કંઈ સમજાયું નહિ પણ ઉપરથી એની બેન બોલી, “તારી મમ્મીને કહેજે મને મળી જાય.” આમ તો એ તેના મમ્મી હતાં પણ મમ્મીને એ બેન કેમ કહે છે તેની મને ખબર નહોતી. હું પૂછું તો કહે, “ઘરમાં એને બધા બહેન કહે છે એટલે હું પણ બહેન જ કહું છું.”
ખેર ! આ વાત કરતાં મહત્વની વાત એ હતી કે હું મમ્મી સાથે એમને મળવાં ગઈ ત્યારે વાસ્તવિક્તાએ મારી આંખ ખોલી નાખી.
બહેને મારી વાત મારી મમ્મીને કહેતાં કહ્યું, “તમારી છોકરીએ જુઓ શું કર્યું છે, આ છોકરીની બેગને પાણીમાં મૂકી બધાં પુસ્તકો ખરાબ કરી નાખ્યાં હવે એ ભણશે કેવી રીતે? સાચે જ એનાં બધાં પુસ્તકો ખરાબ થઇ ગયાં હતાં. નોટબુકમાં સહી ફેલાઈ જતાં લખાણ ભૂંસાઈ ગયું હતું અને પાઠ્યપુસ્તકો ભીનાં થતાં ફાટી ગયાં હતાં. ત્યારે મમ્મીએ એમની માફી માંગતાં કહ્યું, “બાળકો મસ્તીમાં શું કરે છે એની એમને ખબર હોત તો આવું કદાચ ના થાત. તમે કહો તો બીજા પુસ્તકો લાવી આપું.” પણ બહેન વધારે ખીજાયાં અને બોલ્યાં, “અમે ભીખ નથી માંગતાં પણ તમારી છોકરીને સારા સંસ્કાર આપો.” પછી તેમણે જે વાત કરી તેનાથી મારી મમ્મીએ પણ શરમ અનુભવી. “આ છોકરી મારી દીકરી નથી કે નથી મારી બહેન પણ એનાં માબાપનાં મૃત્યુ પછી એ અનાથ થઈ ગઈ હતી ત્યારથી મેં એને ઉછેરી છે. આ એક રૂમ રસોડામાં અમે બાર જણ રહીએ છીએ. હું બાળકોના વર્ગો લઈ ભણાવી ઘરના બે છેડા ભેગા કરું છું પણ આ રીતે પુસ્તકો ફાટી જાય તો એનું ભણતર રોળાઈ જશે. હવે એ આ વર્ષ કેવી રીતે પૂરું કરશે? પુસ્તકોનું મહત્વ તમારી દીકરીને ક્યારે સમજાશે?”
આટલાં વર્ષે હૈયાની વાત કરતાં શરમ અનુભવું છું. મારે લીધે એક છોકરીનું ભણતર અટકી ગયું હોત તો?શું હું મારી જાતને માફ કરી શકત? મસ્તીનું પરિણામ આવું પણ આવી શકે તેની મને કલ્પના પણ ન હતી. તે દિવસે મારી મમ્મીએ બીજાં પુસ્તકો એને લઈ આપ્યાં અને સ્કુલ માટે ભણવાની ફી પણ આપી. પણ આ બધું અમારી ભૂલ ઢાંકવા માટે નહિ પરંતુ મને મારી ભૂલનો અહેસાસ થાય તે માટે અને ભૂલનો હું સ્વીકાર કરું તે માટે તેમણે મને પાઠ ભણાવ્યો.
ભૂલનો સ્વીકાર કરવાથી કેટલું હળવું થવાય છે તેનો અહેસાસ મને આજે પણ છે.
મિત્રો, તમને પણ જિંદગીનો કોઈ પ્રસંગ યાદ આવે અને તેની વાતો કરી દિલને હળવું કરવું હોય તો હળવેથી તમારાં હૈયાની વાત અહીં મોકલજો. કદાચ તમારી વાત કોઈને દિશા દેખાડી જાય તો કહેવાય નહિ. આમ પણ સરળતા, સહજતા અને સ્વીકાર જિંદગીનાં ત્રણ સુત્રો યાદ રાખી વહેંચવાં જેવાં છે.

5 thoughts on “હળવેથી હૈયાને હલકું કરો – ૨૧

 1. વાત સાવ નાની, નાના બાળકોની સહજ છે. પરંતુ નાના, મોટા સૌએ શીખવા જેવી છે. આ વાતમાંથી વિચારતાં અનેક ફણગા ફૂટે તેવી આ ઘટના છે!

  Like

  • કલ્પનાબેન વાત સાચી છે. નાની છે પણ વિચાર માંગી લે છે.આભાર લેખ વાંચવા અને પ્રતિભાવ આપવા માટે .

   Like

 2. પ્રજ્ઞાબેન,જીવનમાં આગળ વધવા માટેની ખૂબ સુંદર વાત.આપણે આપણી ભૂલને સ્વીકારીએ એટલે અહમને ઓગાળવાની વાત થઈ.આ ખૂબ મોટી વાત છે. ખરા અર્થમાં હલકા ફૂલ થવાની વાત છે.

  Like

  • જીગીષા આ કોલમ જ હળવેથી હૈયું હલકુ કરવા માટે છે.અને આ સ્વીકારથી અહમ ઓગળે છે ભૂલ માટે જાગૃત પણ થઈએ છે.
   આભાર વાંચવા માટે અને તમારા અભિપ્રાય ગમ્યા

   Like

 3. શક્ય છે કોઈ એવી ક્ષણે સાવ અજાણતા જ એવી નાદાની થઈ જાય જેનો વસવસો જીવનભર રહી જાય પણ જે ક્ષણે એ નાદાની માટે,એ ભૂલ માટે મનમાં પીડા જાગે, આપણી ભૂલ પર પસ્તાવો થાય તો એ ક્ષણ સાચી…આપણી ભૂલનો સ્વીકાર કરતા શીખીએ એ જ મનની સાચી જાગૃતિ…
  જે વ્યક્તિ અહમથી પર છે એ જ પોતાની ભૂલ સ્વીકારી શકે છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.