સંવેદનાના પડઘાની ભીતરમાં

સંવેદનાના પડઘાની ભીતરમાં – ૧
સંવેદનાના પડઘા કોલમ લખવાની વાત પ્રજ્ઞાબેને મને કરી અને કીધું “ તારે એકાવન અઠવાડિયા દર બુધવારે વાર્તા સ્વરુપે તારી સંવેદના રજૂ કરવાની” પહેલાં તો હું વિચારમાં પડી કે પ૧ વાર્તા હું લખી શકીશ? પણ મારી અંદર ડોકિયું કર્યું તો સંવેદનાનો સાગર હિલોળા લેતો હતો.પ૧ અઠવાડિયા પૂરાં થયા પણ હજુ બીજા ૫૧ અઠવાડિયા લખી શંકુ તેમ મને લાગે છે..જ્યારે પહેલી વાર્તા લખવાની શરુ કરી ત્યારે જ મારા જનસેવક પિતાના નિસ્વાર્થ સેવાનાં અનેક કાર્યો મારી નજર સમક્ષ આવી ગયાં.કોઈપણ અપેક્ષા વગર સમાજ માટે,દેશ માટે કામ કરવું તે તેમની દૈનિક પ્રવૃત્તિનો જ હિસ્સો હતો.
મેં પહેલી વાર્તા “વસમા વળામણા “ લખી.જેમાં મોરબીનાં મચ્છુ ડેમ તૂટવાથી થયેલ હોનારતમાં પપ્પાએ હજારોની સંખ્યામાં મડદા બાળવાનું કામ કર્યું હતું. તેની વાત તેમની પાસેથી સાંભળેલ અને અમે મોરબી ગયા ત્યારે નજરે જોયેલ તે હોનારતનો તાદ્રશ્ય ચિતાર આપવાનો પ્રયત્ન હતો.સંવેદનાના પડઘા-૧ વાંચીને જ જયશ્રીબેન મર્ચન્ટ ની ખૂબ સુંદર કોમેન્ટ વાંચી કે “તારી સંવેદના સભર સત્યઘટના પર આધારિત વાર્તા વાંચી મારી આંખો ભીંજાઈ ગઈ.તારા શબ્દોએ મારા હ્રદયને રડાવી દીધું.તારા પિતાને સલામ.”
આવા સાક્ષર વ્યક્તિની કોમેન્ટથી હું ખૂબ ખુશ થઈ ગઈ.પછી તો દાવડાસાહેબે “માનવતાની મિસાલ”
ને નામે તે જ વાર્તાને દાવડાનાં આંગણામાં મૂકી,તે વાર્તા રાષ્ટ્રદર્પણ છાપામાં પણ આવી.મારા ‘બેઠક’ના ગુરુઓ અને સાથીઓએ મને તેમની કોમેન્ટોથી વધાવી.આનાથી મારો લખવાનો ઉત્સાહ વધ્યો.મેં ત્યારબાદ તેમની જિંદગીના જુદા જુદા સેવાના કાર્યો જેવા કે અમે રક્ષાબંધનમાં જેલના કેદીઓને રાખડી બાંધવા જતા ત્યારે પપ્પા અમને તેવા બહેનને મળાવતાં કે જેના પતિનું ખૂન થયું હોય અને પોતાના પતિના ખૂનીને તે રાખડી બાંધવાના હોય.તે જેલમાં જોયેલ ગામડાની ભાષા બોલતા બહેનની ભાષાની લઢણને અને તેની દિલેરીથી દુશ્મનને માફ કરી દેવાની ભાવનાને રજૂ કરવાનો પ્રયત્ન મારી વાર્તા “જ્યોત સે જ્યોત જલાતે ચલો” માં કર્યો છે.મારા પિતાની જીવન કિતાબને પાછી વળી વાંચવા પ્રયત્ન કરું છું તો આવા અનેક પ્રસંગો આંખ સામે આવી જાય છે.
એક શિયાળાની કડકડતી ઠંડીની રાત હતી.રાતનાં લગભગ બે વાગ્યા હશે.હું ત્યારે કોલેજમાં ભણતી હતી.
અમારો બંગલો રોડ ઉપરનાે અને રાત્રે લકઝરી બસને અમારા બંગલાની બહાર જ પંચર પડ્યું.ગરબાનો શો કરીને બરોડાથી ગ્રુપ પાછું આવ્યું હતું.બસમાં એકલી પંદર -સોળ છોકરીઓજ હતી.ડ્રાઈવર ઓર્ગેનાઈઝર બહેનને રાત્રે પંચર થાય નહીં કહી બસમાંથી છોકરીઓને ઉતારી ચાલ્યો ગયો. બધી છોકરીઓ પોતાના માતા-પિતા તેમની રાહ જોશે તેની ચિંતામાં જોર જોરથી બૂમાબૂમ કરી રડવા લાગી .તે સમયે મોબાઈલ હતા નહી.શિયાળાની કડકડતી ઠંડી રાતમાં આટલો કોલાહલ સાંભળી પપ્પા બહાર આવ્યા.છોકરીઓનું ગભરામણ અને રડવાનું કારણ પૂછ્યું.બધી છોકરીઓને ઘરમાં લાવી પાણી આપી શાંત રાખી.પોતાની ગાડી બહાર કાઢી બે ફેરામાં બધી છોકરીઓને તેમનાં ઘેર પહોંચાડી.આજુબાજુનાં બધાં બંગલાવાળા બહાર આવીને તમાશો જોતા હતાં જ્યારે મારા પિતા બીજાની દીકરીઓને પોતાની સમજી અડધી રાત્રે તેમના ઘેર પહોંચાડતા હતા.રસ્તામાં છોકરીઓને મૂકવા જતા ખબર પડી કે ગુંજન ગરબા ગ્રુપ ચલાવતા પ્રતિક્ષા ઝવેરી તો અમદાવાદના મેયર નરોત્તમ ઝવેરીના પુત્રવધુ હતા.બીજે દિવસે પપ્પાને નવાજવા મેયરનો ફોન આવ્યો પણ પપ્પાને તો માન,પદ,પ્રતિષ્ઠાની જરુર જ નહતી.મારા પિતાને તો કોઈ અજાણી દીકરીમાં પોતાની દીકરી જોવાનો જ આનંદ હતો.હું મારી અનેક સંવેદના જુદી જુદી રીતે દર્શાવી શકી છું કારણકે હું લોકકલ્યાણ માટે પોતાની જાત ઘસી નાંખનાર માતા-પિતાને ત્યાં હું ઉછરી છું.તેમના અમદાવાદમાં હુલ્લડ વખતનાં પ્રસંગો પણ મેં આલેખ્યા છે.આમ મારી સંવેદનાની ભીતર જાણે એક આખું વિશ્વ છુપાએલું છે.
બીજી એક વાર્તા “અગલે જનમ મોહે બિટીયા ન કીજો” વાંચીને ગીતાબેને જે કોમેન્ટ લખી તેનાથી મને લાગ્યું કે મારા વાચક તેમની જાતને વાર્તાના પાત્ર સાથે લાગણીથી જોડી દે છે.જે મારા લેખનનું એક સબળપાસુ હતું અને ગીતાબેન જે મારા માટે એકદમ અજાણ્યા હતા તેમણે બેઠકમાં આવીને પૂછ્યું કે આ વાર્તા લખનાર બેનને મારે મળવું છે અને આમ મારા સંવેદનાના પડઘા થકી મને એક સરસ મિત્ર મળી.તેમજ અમેરિકાના જુદા જુદા શહેરના અનેક વાચકો સુધી મારી વાત હું પહોંચાડી શકી.તરુલત્તાબેને પણ હમેશાં મને તેમની કોમેન્ટ થકી વધુ સારું લખવા પ્રેરી છે.મારા દેશના લોકો જે અંધશ્રદ્ધા અને ખોટી ઘર કરી ગયેલ વજૂદ વગરની માન્યતાઓમાં માને છે તે અંગેની મારી ભીતર સળગી રહેલી સંવેદના અંગે વાત હવે પછી………

જીગીષા પટેલ 

4 thoughts on “સંવેદનાના પડઘાની ભીતરમાં

 1. સતત એકાવન સપ્તાહ સુધી ભીતર સળવળતી સંવેદનાઓને ખુબ સરસ રીતે મુકી છે જીગીષા.
  વ્યક્તિગત, પારિવારિક અને સામાજિક જેવી અનેકવિધ બાબતોને રસાળ ભાષામાં લખવી એ અભિનંદનને પાત્ર છે.
  પૂજ્ય પપ્પાજી જે રીતે જીવન જીવ્યા એ સમાજ માટે ઉત્તમ ઉદાહરણરૂપ જીવન હતું અને તું નસીબદાર છુ કે આવી સાત્વિક વ્યક્તિનું તું સંતાન છું.

  Liked by 1 person

 2. રાજુ,ખૂબ ખૂબ આભાર ,તું લખવા માટે સરસ કોમેન્મટ આપી હમેશાં મને પ્રોત્સાહિત કરે છે.તું બેએરિયામાં અને બેઠકમાં નહી હોઈને પણ હમેશાં અમારી સાથેજ હોય છે તેવો અનુભવ અમને થાય છે. ગુજરાત ગૌરવ દિવસ હોય ,રોજની તારી કોલમ હોય કે અનેકવિધ લેખન કે વાર્તા સ્પર્ધાની તું હમેશાં વિજયી થઈને અમારી આસપાસ જ ઝળકતી હોય…..

  Liked by 1 person

 3. જીગીષા તારી સંવેદના એને તેની અનુભૂતિનો અહેસાસ તે અમને દરેક પ્રકરણમાં કરવ્યો છે સામાન્ય માણસની કથા અને વ્યથા તે રજુ કરી સાચ્ચે જ પડઘા પાડ્યા છે,માટે આજે તારી એક અલગ ઓળખ અને અસ્મિતા અમને જોવા મળી છે.અભિનંદન .
  બીજું ખાસ પૂજ્ય પપ્પાજી જે રીતે જીવન જીવ્યા એ સમાજ માટે ઉત્તમ ઉદાહરણરૂપ જીવન હતું અને તું નસીબદાર છો કે આવી સાત્વિક વ્યક્તિની છત્ર છાયામાં તારો ઉછેર થયો. જેના પડઘા અમને દેખાનાં છે.તે કયારેય લખતી વખતે કે કામ કરતી વખતે વાચકો તરફથી અપેક્ષા નથી રાખી માટે કદાચ વાચકોએ તને વાધાવી છે., બાકી તો ભાવકની અપેક્ષા માનવના જીવનને આજે ઊધઈની જેમ કોરી ખાતી હોય છે,……. લખતી રહેજે …

  Like

 4. જીગીષાબેન,તમારા સંવેદનાસભર લખાણમાં તમારા પિતાજીની છાયા દેખાય છે.જેથી આસપાસ બનતી ઘટના જોઇને તમારી સંવેદના જાગીને લેખ બની જાય છે. “મોરનાં ઇંડાને ચીતરવા ન પડે.”તે તમે પૂરવાર કર્યું છે.આમ મોર બનીને તમારી કળાનો લાભ અન્યને આપતા રહો તેવી શુભેરછા!

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.