૨ -કવિતા શબ્દોની સરિતા સાથે સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એ સમય હતો દિવાળીના દિવસોનો. મોટાભાગે એવું ય બનતું હોય છે કે જ્યારે આપણે જ્યાં નથી હોતા એની યાદ આપણને વધુ આવતી હોય. તમે પણ જો જો, ઘણા બધા લોકો આપણી દિવાળી પહેલા કેવી હતી એની મીઠી યાદો વાગોળતા રહેતા હોય છે. કારણ એનુ માત્ર એ કે એ ભૂતકાળની મીઠી-મનગમતી યાદો આજે પણ આપણને એટલી જ વહાલી લાગે છે અને જે વહાલું લાગે એ વાગોળવાનું તો સતત મન થયા જ કરે.
આજે પણ એવી જ એક યાદની વાત કરવી છે.
આજથી લગભગ  એક વર્ષ પહેલા એટલેકે દિવાળીના દિવસની જ આ વાત છે. આમ તો દિવાળી હોય એટલે આપણે દેવદર્શને તો જવાના જ. એ દિવસે અમે મંદિર પહોંચ્યા ત્યારે મંદિરના બારણા અંદરથી લૉક હતા પણ કાચના બારણાની પેલે પાર ઘણા બધા લોકો હિલચાલ કરતા તો દેખાયા. અમારી સાથે વડીલ હતા એટલે એમની અવસ્થાને લીધે અમને લૉક ખોલીને અંદર લીધા અને ત્યારે જોયું તો અહીં વડીલો માટેની પ્રવૃત્તિ ચાલતી હતી. જરા વધારે તપાસ કરતા જાણવા મળ્યું કે અહીં વયસ્ક લોકો માટે યોગ, અલગ અલગ વ્યક્તિઓને બોલાવીને વડીલોને રસ પડે એવી વાતો, ક્યારેક ગીત -સંગીત તો ક્યારેક રાસ-ગરબા અને ક્યારેક વડીલોના વાંચન-જાણકારી કે જ્ઞાનને અનુરૂપ ક્વિઝનું આયોજન થતું હોય છે. વળી વડીલોને પ્રિય એવા ભજનની સાથે ભોજનની પણ વ્યવસ્થા પણ ખરી હોં…. દર સપ્તાહે અલગ અલગ જગ્યાએ પિકનિક અને શોપિંગ પર પણ ખરું. અહીં એને  સિનિઅર ડે કેર સેન્ટર કહે છે. ઢળતી ઉંમરે પહોંચ્યા પછી ય આવું પ્રવૃત્તિથી ભરપૂર , તેજીલું જીવન કોને ના ગમે?
મઝાની વાત હવે આવે છે. અમે ખાસ જેમના માટે દેવદર્શને ગયા હતા એ વડીલ તો આ જાણીને રાજી રાજી અને એ તો જોડાઈ ગયા આ ડે કેર સેન્ટરમાં અને હવે તો મળીએ ત્યારે એમની રોજ-બરોજની પ્રવૃત્તિ વિશે એટલા તો ઉત્સાહથી એ વાતો કરતા હોય છે કે જાણે એક નવું જીવન શરૂ થયું.
વાત જાણે એમ હતી કે દેશમાં એમનું પોતાનું સરસ મજાનું ગ્રુપ હતું જેમાં અનેકવિધ પ્રવૃત્તિથી એમના દિવસો સરસ રીતે પસાર થતા હતા. પાછલી ઉંમરે જીવનસાથીની ચિરવિદાય પછી પરિવાર અહીં અમેરિકામાં હોવાથી  એમને અહીં લઈ આવ્યા. ઘરનું સ્નેહભર્યું વાતાવરણ, પુત્ર અને પુત્રવધુ બંને ડૉક્ટર એટલે એમના દ્વારા સંપૂર્ણ કાળજી છતાં જાણે જીવનમાં કશુંક ખુટતું હોવાનો સતત અહેસાસ રહ્યા કરતો. સ્વભાવિક છે જીવનના ૬૦ વર્ષ જેની સાથે ગાળ્યા એની વસમી વિદાય તો એક કારણ હતું જ પણ આ ડે કેરમાં જોડાયા પછી અમને સમજાયું કે એમના જીવનસાથીની સાથે સાથે એમને હમઉમ્ર સાથીઓને પણ ખોટ સાલતી હતી.  જે ખોટ પુરાવાની નથી એના માટે તો કોઈ ઉપાય નહોતો પણ જે ઉપાય મળ્યો એનાથી એમનું અહીં રહેવું સહ્ય જ નહીં સરળ બન્યું.
એ સમયે મંદિરમાં જે જોયું, અનુભવ્યું ત્યારે મારા મનમાં સાગમટે આપણી દિવાળી, આપણા ભજન,ગીત-ગરબા જે સાવ નાનપણથી સાંભળતા આવ્યા હતા એ તો યાદ આવ્યા, જાણે મનનું તળ વિંધીને ઉગી આવ્યા. એના પરથી પ્રેરાઈને જે લખ્યું એ મારી અભિવ્યક્તિ હતી પરંતુ જે આજ સુધી જોઈ રહી છું, અનુભવી રહી છું એ સત્ય તો ખરેખર ખુબ સુંદર છે. કાવ્યો સાથે આપણા મનનો મેળ સધાય એના કરતાંય મધુર કાવ્યમય જીવન જીવાય એ મઝાની વાત નથી?
આજના દિવસે પણ એ વડીલના સૂરમાં એ ગીતોનો ગુંજારવ સંભળાય છે અને ત્યારે સાચે જ મન પ્રસન્ન થઈ જાય છે. એમની પ્રવૃત્તિની વાત કરતા હોય ત્યારે એમના ચહેરા પરની ચમક અને મન મોર બની થનગાટ કરે ગીત પર એમનો થનગાટ જોઈએ છીએ ત્યારે એમનો રાજીપો અંતરને ઉજાળી જાય છે. એ એક દિવસની ઘટના જીવનભરના આનંદમાં તબદીલ થતી જોઈ. કોઈક ઘટના એવી હોય જેનો આનંદ ક્ષણિક હોય અને કેટલીક ઘટનાઓનો આનંદ ચિરસ્થાયી.. આ ચિરસ્થાયી ઘટનાઓને જ આપણે પ્રસંગનું નામ આપતા હોઈશું ને?
“કવિતા શબ્દોની સરિતા”એ મને આવી તો અનેક ચિરસ્થાયી યાદો આપી છે. એની પણ વાત કરીશું…..

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.