હળવેથી હૈયાને હલકું કરો -૨૦

અનુભૂતિનું અત્તર- ૩

આયુષ

વસંતઋતુના આગમન સાથે પ્રકૃતિ સોળે શણગાર સજી મહોરી ઉઠેલી .  કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતી , યૌવનના ઉંબરે દસ્તક દેતી હું એટલે કે પ્રકૃતિ , પર્વતમાંથી નીકળતી ઉછળકૂદ કરતી નદી સમાન અને મારી મનોસ્થિતિ પણ કોઈ રંગબેરંગી પતંગિયા સમ. મારું સુખી કુટુંબ ને લાડકોડમાં ઉછેર.  વેદનું   કુટુંબ  અમારા માટે વર્ષોથી પરિચિત. વેદ જોતા જ ગમી જાય એવો ફૂટડો જુવાન. અભ્યાસ પૂરો કરી ફેમિલી બિઝનેસમાં ગોઠવાઈ ગયેલ. તેમના તરફથી મારા માટે માગું આવ્યું અને બંને પક્ષે બધું જ યોગ્ય. ના પાડવા માટે કોઈ કારણ નહીં . મુલાકાતો ગોઠવાઈ ને ગોળધાણા પણ ખવાઈ ગયા. એવું નક્કી થયું કે  મારો અભ્યાસ પૂરો થાય પછી લગ્ન કરવા. બસ, પછી તો યુવાનીનો થનગનાટ અને અમે તો માનો કે આકાશમાં જ ઉડવા લાગ્યા. અમે રંગીન કલ્પનાની દુનિયામાં ખોવાઈ જતાં. એવો એક પણ દિવસ ન હોય જ્યારે અમે એકમેકને મળ્યા ન હોઈએ. અમને જોઇને લોકો કહેતા પણ ખરા કે આને કોઈની નજર ના લાગે. દિવસો…મહિનાઓ…વર્ષો વીત્યાં .. મારો અભ્યાસ પૂર્ણ થયો , મને બેંકમાં જોબ મળી અને અમે લગ્નબંધનમાં જોડાઈ ગયા.
            માતા-પિતા સમ સાસુ-સસરા, પાણી માંગો ત્યાં દૂધ હાજર થાય એવું સંપન્ન કુટુંબ, આંખોના ઈશારામાં મારી વાત સમજી જાય એવો મારો પ્રેમાળ વાલમ.સુખમાં વધારો કરવા આવી ગયા અમારા બે બાળકો- મારી જ નાની આવૃત્તિ સમી રૂપકડી દીકરી ઝંખના અને વેદની નાની આવૃત્તિ સમો અમારો રાજકુમાર આયુષ. સમય પાણીના રેલાની માફક કોઈ આફત કે અવરોધ વગર વહી રહ્યો હતો.
             આયુષનો પ્રથમ જન્મદિવસ જરા ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું. અમે બંનેએ સાથે મળી બધું પ્લાનિંગ કર્યું. હોંશથી તૈયારીઓ કરી. ને એ દિવસ આવી ગયો. એ દિવસ નહિ પણ હતી કાળરાત્રિ. મારા પર તો જાણે આભ તુટી પડ્યું. સવારનું કામ આટોપી લીધું છતાં આજે વેદ કેમ ના ઉઠ્યો માટે તેને જગાડવા ગઈ તો તેનું શરીર ઠંડું લાગ્યું . તેને જગાડવા પહેલા તો બૂમ પાડી પછી ઢંઢોળ્યો પણ કોઈ જવાબ નહિ . કશુંક ન બનવાનું બની ગયું હોય તેવી ભીતિ લાગી . હ્રુદયનો ચિત્કાર ચીસ બની ગળામાં જ સમાઈ ગયો. હું અવાક બની ગઈ.ડોકટરે કહ્યું કે હૃદયરોગના હુમલામાં વેદ પરલોક સિધાવી ગયો છે. જન્મોજન્મ સાથે રહેવાના વાદા કરીને વેદ 32 વર્ષની વયે મને આ જગતના મહાસાગરમાં મધદરિયે મૂકી ચાલી ગયો. મારી તો પૂરી દુનિયા લૂંટાઈ ગઈ. મારું પૂરું અસ્તિત્વ કાચના ટુકડાની માફક વિખેરાઈ ગયું. હું સાનભાન ગુમાવી એક જીવંત લાશ બની ગઈ.
                મારા દાદી એમ કહેતા કે “દુઃખનું ઓસડ દહાડા”. પણ આ દુઃખ એવું હતું જેનો કારમો ઘા કેમે કરીને ભરાય એવો ન હતો. આંખના આંસુ સુકાતા ન હતા. આંસુના પડળ સાથે હવે મને નજરે પડ્યું વૃદ્ધ માતાપિતાનું એ દુઃખ, જેમણે પોતાની એકનો એક લાડકવાયો ગુમાવ્યો હતો. હું જોઈ શકી 3 વર્ષની ઝંખના અને 1 વર્ષના આયુષની આંખોના પ્રશ્નો અને મુંઝવણ કે કિલ્લોલ કરતું ઘરનું વાતાવરણ અચાનક કેમ બદલાઈ ગયું. મારા માતાપિતાએ મને તેમના ઘેર લઈ જવા કહ્યું. પણ મને લાગ્યું કે  જીવનમાં અત્યાર સુધી વાંચેલું અને મેળવેલું તમામ જ્ઞાન આચરણમાં મૂકવાનો સમય હવે આવી ગયો છે. તે રાત આંખનું મટકું પણ માર્યા વગર મેં ભવિષ્યની રૂપરેખા આલેખી. પોતાની જાતને સંતુષ્ટ કરવાથી ખુશી નથી મળતી. ખુશી મળે છે યોગ્ય હેતુ માટે પ્રતિબદ્ધતાથી. મારા હ્રુદય પર પથ્થર મૂકી મેં નિર્ણય લઈ લીધો.  મારા સાસુ-સસરાને મેં જણાવ્યું કે હું અહી તમારી સાથે જ રહીશ. હવે હું તમારો દીકરો, તમારી વૃદ્ધાવસ્થાની લાકડી બનીશ. હું જ બંને બાળકોના માતાપિતા બનીશ. ખબર નહિ મેં ક્યાંથી આટલી હિંમત સમેટી પણ મારું જીવન એક અર્થસભર હેતુ માટે સમર્પિત કર્યું. મારો અંતરનો ખાલીપો, વલવલાટ છુપાવી સામાન્ય જીદંગી તરફ ડગ માંડ્યા.
          સમય વહેતો રહ્યો. હું પણ આખરે તો એક માનવી ને. ભલે બહાર ન બતાવું પણ ક્યારેક હું થાકી જતી, હારી જતી. સદાય હસતો ચેહરો હંમેશા ચિંતાની લકિરોથી નિસ્તેજ લાગવા માંડ્યો. બેંકમાં મારી કેશિયરની કેબિનમાં હું ચૂપચાપ મારું કામ કરતી રહું તો ક્યારેક અતીતમાં ખોવાઈ જાઉં. મારા સહકર્મીઓની  સહાનુભૂતિ હંમેશા મારી સાથે હતી. છતાં મારી બાજુની કેબિનમાં બેસતો ઈશાન  મને ખૂબ સપોર્ટ કરે. આમ તો એ સ્વભાવે ધીર ગંભીર પણ ખૂબ સહૃદયી. મારે એકલા હાથે બંને બાળકો અને સાસુ-સસરાની જવાબદારી સંભાળવાની . ક્યારેક બેંકમાં વધુ કામ હોય તો ક્યારેક બાળકોની શાળાએ જવાનું હોય તો ક્યારેક વૃદ્ધ સાસુ-સસરાની ડોક્ટરની એપોઇન્ટમેંટ હોય.  મારી મદદ માટે મેં પૂછ્યું ન હોય છતાં મારી જરૂરતના સમયે ઈશાન એ રીતે મદદ કરે કે મને ખબર પણ ન પડે. આમ મારી મુશ્કેલીના સમયમાં એક દિવાલ બનીને ઊભો રહેતો ઈશાન અને હું ખૂબ સારા મિત્રો બની ગયા. પડકારોનો સામનો કરવા એક સાથી મળવાથી મારા ચેહરા પરનું સ્મિત પણ ધીરે ધીરે પાછું આવ્યું. મારું મૌન તેને સમજાઈ જતું ને તેની આંખોના ભાવ હું પારખી લેતી.ઘેર પણ કોઈ ને કોઈ કામ અંગે તેની અવરજવર રહે. ઘરના સૌની સાથે પણ તે આત્મીય બની ગયો.
     એક દિવસ જ્યારે ઈશાન બાળકોને પાર્કમાં ફેરવીને મૂકી ગયો પછી મારા સાસુ સસરા એ પૂછ્યું કે તમે બંને શા માટે લગ્નથી જોડાઈ નથી જતા? તારું કન્યાદાન અમે કરીશું. આ પહેલાં માતા, પિતા, મિત્રોએ ઘણીવાર મને મુવ ઓન કરવા પૂછેલું અને કાયમ મેં ના પાડેલી. પણ આજે મને વિચાર કરતી કરી દીધી. મેં ઈશાન સાથે વાત કરી. તેને તો આ ક્ષણનો જ ઈન્તેજાર હતો. પણ મારી કેટલીક શરત હતી. આ બે બાળકો જ અમારા બાળકો રહે અને લગ્ન પછી મારે નવું બાળક ન જોઈએ. મારા સાસુ સસરા ની જવાબદારી પણ અમારી રહેશે. ઈશાને મારી બંને વાત સહર્ષ સ્વીકારી લીધી. વેદના માતાપિતાએ મારું કન્યાદાન કરી દીકરીની જેમ મને ઈશાન સાથે વળાવી.
          નવા વાતાવરણમાં ગોઠવાતા અમને થોડો સમય જરૂર લાગ્યો પણ ઈશાનના પ્રેમ અને  સૂઝબૂઝના કારણે તકલીફ ન પડી. બંને બાળકો અભ્યાસમાં વેદ જેવા જ તેજસ્વી હતા. ઝંખના તો બોર્ડમાં પણ નંબર લાવી. વધુ અભ્યાસ માટે તેઓ અમેરિકા ગયા અને ત્યાં જ લગ્ન કરી વસી ગયા. અમે પણ બેંકમાંથી નિવૃતિ થયા ને ક્યારેક ઇન્ડિયા તો ક્યારેક અમેરિકા આવતા જતા.અમે અમેરિકા દીકરા આયુષને ત્યાં હતા ને ઇન્ડિયા જવાનું વિચારતા હતા.આયુષ નો એવો આગ્રહ હતો કે તેના દીકરા રાહીલની 4 થી બર્થડે ઉજવીને જ જઈએ. તેથી અમે રોકાઈ ગયા. રાહીલના બર્થડે માટે સાંજે 150 લોકોની પાર્ટી રાખી હતી. બધા ખૂબ ખુશ હતા. બર્થડેની સવારે રાહીલ કૂદતો કૂદતો ઉઠ્યો. તે અને તેની મમ્મી લજ્જા આયુષને જગાડવા ગયા. ઇતિહાસનું પુનરાવર્તન…લજ્જાની કાળજું કંપાવતી ચીસ… હેબતાઈ ગયેલો રાહીલ…હું દોડી….પણ 34 વર્ષના આયુષના આયુષ્યની દોરી હાથમાંથી સરકી ગઈ….તે પણ પિતાની જેમ અકાળે અમને રડતાં, બિલખતા છોડી અનંતની વાટે ચાલી ગયો….મને સમજ નહોતી પડતી કે હું જાતને સંભાળું, લજ્જાને સાંત્વના આપુ કે રાહીલને  આશ્વાસન…મારી રડીને લાલઘૂમ થયેલી આંખો આકાશમાં તાકીને આ અનુત્તર પ્રશ્નોના જવાબ શોધતી રહી…

રીટા જાની

1 thought on “હળવેથી હૈયાને હલકું કરો -૨૦

  1. સમય અને સંજોગોએ શું નિરધાર્યું છે અને શા માટે તે કોઈ સમજી શકતું નથી. માત્ર પ્રાર્થના સિવાય ત્યારે બીજું કઈ કહેવાનું શક્ય નથી. ઈશ્વર પિતા પુત્ર ના આત્મા ને શાંતિ આપે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.