૧-કવિતા શબ્દોની સરિતાની સાથે-સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

એક સવારે પ્રજ્ઞાબેન રણક્યા…ફોન પર સ્તો. અને મને ‘હકારાત્મક અભિગમ’ વિશે લખવાનું કહ્યું.
“ અરે આ તો મારો મનગમતો વિષય..” હું તો રાજી રાજી …કારણકે સાવ નાનપણથી એવી વાતો વાંચવી ગમતી જે સાવ સરળતાથી આપણને કશુંક કહી જાય. કંઈક શીખવી જાય, આપણા મનને કોઈક સંદેશો આપી જાય. સાચું કહું તો આજે પણ આવી સાવ નાનકડી પણ અર્થસભર વાતો હજુ પણ એટલી જ વાંચવી ગમે છે. એ વાતના અનુસંધાનમાં અવનવા વિષયને લઈને દર સોમવારની ઉઘડતી સવારે એક વર્ષ સુધી લેખ આપ્યા. એક વર્ષ તો આંખના પલકારામાં વહી ગયું.
વળી એક સવાર અને પ્રજ્ઞાબેન રણક્યા.. ફોન પર સ્તો…અને મને કાવ્યો, કાવ્યો થકી થતી અનુભૂતિ વિશે લખવાનું કહ્યું.
જો જો મઝા…મૂળ રહી હું ગદ્યની વ્યક્તિ..
વાંચવામાં પણ મારું ધ્યાન સૌથી પહેલા ગદ્ય તરફ જ ખેંચાય. ગીત, ગઝલ કે કાવ્યો ય વાંચવા ગમે તો ઘણા, માણવાની પણ મઝ્ઝા આવે. સંગીતની મહેફિલ માણવી ય ખુબ ગમે પણ લખવાની વાત આવે એટલે મારી અભિવ્યક્તિ આપોઆપ ગદ્ય સ્વરૂપે જ પ્રગટે.
એક નવી, અલગ માનસિક સફર શરૂ થઈ. નવો વિચાર, નવો અભિગમ અને એને એવી રીતે મુકવાનો જેમ ખળખળ વહેતી સરિતા.
પદ્યના પણ કેટલા સ્વરૂપ? આપણે જન્મથી જ માતાના હાલરડા સાંભળતા જ મોટા થયા ને? પછી જોડકણા, બાળગીતો અને સૌના શિરમોર જેવી પ્રાર્થનાઓ પણ ખરી જ…એ તો  સૌ કોઈના પણ જીવનના આરંભથી માંડીને અંતે પ્રાર્થનાસભા સુધી…. આમ એક નહી અનેક સ્વરૂપે પદ્ય આપણા જીવનમાં જન્મથી જ જોડાયેલું અને વણાયેલું રહ્યું છે.
આપણે વાત કરતા હોઈએ, કોઈ સરસ દ્રશ્ય નજર સામે આવે ત્યારે, એ સમય-સંજોગો અનુસાર કોઈ ગીત, ગઝલ યાદ આવી જતી હોય એવું ય ઘણીવાર નથી અનુભવ્યું? અરે, ખુબ ખુશ હોઈએ ત્યારે ગણીગણી ઉઠીએ છીએ ને? પણ એ સાવ સ્વભાવિક સ્થિતિ હોય એટલે કદાચ કોઈ ગીત ગણગણીને આપણે આગળ વધી જઈએ અને એ ક્ષણ ત્યાં જ સ્થિર થઈને રહી જાય એવું બને. હવે એ જ વાતને જ્યારે એક સ્વરૂપ આપવાનું નિશ્ચિત થયું ત્યારે ફરી એ તમામ ક્ષણો મનમાં સળવળી.
મઝાની વાત તો એ બની કે ‘કવિતા શબ્દોની સરિતા’ લખવાનું  શરૂ થયું એ સમય હતો સરી જતા શ્રાવણનો. આ શ્રાવણ પણ ભારે મોજીલો હોં…. મનમાં આવે તો જતા જતા ય હળવેથી આવીને ક્યારેક આપણને વહાલથી વળગી પડે.  શ્રાવણની એ ઝરમરમાં તો ભલભલા શુષ્ક જીવો ય ખીલી ઉઠે. હળવી થપાટે વહેતો પવન હોય, શ્રાવણના સરવડિયા હોય અને ચારેકોર નજરની સામે ધરતી લીલીછમ ઓઢણી ઓઢીને રૂમઝુમ થતી હોય તો આપણું મન પણ ઝૂમી જ ઉઠે ને?
વળી એમાં ઉમેરાયા આપણા ઉત્સવો.. રામ-કૃષ્ણ કે મહાવીર જન્મના ઉત્સવો..ત્યારે મનમાં વિચાર આવ્યો કે આ સૌના જન્મ અને જીવનને આપણે કેવા અનેરા ભાવથી જોઈએ છીએ ?આપણું જીવન પણ ઈશ્વરીય ભેટ જ છે ને? તો ચાલો આપણે પણ આપણા જન્મ અને જીવનને એક ઉત્સવની જેમ જીવી લઈએ અને જ્યાં ઉત્સવ હોય ત્યાં તો ગીત-ગુંજન તો હોય જ ને?
અમસ્તા ય આપણી સંસ્કૃતિમાં દરેક પ્રસંગ માટે કેટલા બધા ગીતો લખાયેલા છે? જન્મ, મરણ, લગ્ન—અરે લગ્નના પણ કેટલા ગીતો? કંકોતરી લખાય, ગણેશ સ્થાપન થાય ત્યારથી માંડીને દરેક વિધિના વિવિધ ગીતો. માણેકથંભ, માંડવા મુરત, પીઠી, ફેરા, છેડાબંધી, મંગળગીત, વિદાયગીત…
આપણી સંસ્કૃતિ, આપણા રીત-રિવાજો, સઘળું ય કાવ્યમય.
વળી આ જન્મોત્સવની પાછળ પાછળ આવતી નવરાત્રી તો ઉત્સવની રાણી અને બસ પછી તો મન પણ હેલે ન ચઢે તો જ નવાઈ.
મનની સાથે મોસમ પણ ખુલી. અને હા! અહીંની મોસમ સાવ અનોખી. એની રૂખ બદલતા જરાય વાર ન લાગે.  તે સમયે નજર સામે વેરાયેલી આ વનરાજીએ પણ રંગ બદલવા માંડ્યા હતા અને આજે અત્યારે આ સમયે પણ એ જ નજારો છે. નજર સમક્ષ આપણા જીવનના નવરસની જેમ પ્રકૃતિએ નવરંગ ધારણ કર્યા છે. આ સામે દેખાતા સુગર મેપલ, સૂમૅક, ડૉગવુડે પણ કેવી અનોખી રંગછટા ધારણ કરી છે?  આ લીલાછમ વૃક્ષોએ લાલ-પીળી, શ્યામ ગુલાબી ઓઢણી ઓઢી છે. તો કોઈએ પીળા પિતાંબર પર કેસરી ખેસ ધારણ કર્યો છે.
નજર ભરાઈ જાય એવા સમયે તો આપણું મન પણ ગણગણી જ ઉઠે ને? માટે જ તો એ ભાવને ગીત-ગઝલ કે કાવ્યના સ્વરૂપે ઢાળવામાં આવતા હશે ને? મનમાં ઉઠતા તરંગોને વહેતા મુકવા કાવ્યમય રજૂઆતથી વધીને બીજું શું હોઈ શકે ભલા? થોડામાં ઘણુ કહી જતી પદ્ય રચનાઓ વિશે વાત કરવાની ક્ષણને મેં સ્વીકારી લીધી અને આમ વહેતી થઈ મારી ‘કવિતા શબ્દોની સરિતા’..
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

2 thoughts on “૧-કવિતા શબ્દોની સરિતાની સાથે-સ્વ આનંદની સ્મૃતિઓ-રાજુલ કૌશિક

  1. રાજુલ એક વાત અહી મુખ્ય એ લાગી કે તે નવો અભિગમ સ્વીકાર્યો.આપણા બધનો એક સામાન્ય અનુભવ રહ્યો છે કે નવું કરતા ખચકાટ થાય પણ તે એને સ્વીકારી નવા વિચારો સાથે કવિતા શબ્દોની સરિતાને જાણે વહેતી કરી અભિનંદન

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.