૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા

આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. પરંતુ ચાવવાના દાંત તો હાથી મોઢું ખોલે અને તમે તેની નજીક હોય તો જ તેની દંતમાળા જોઈ શકો. એ તો ભાગ્યે જ કોઈએ અથવા તો તેના મહાવતે કે જે તેની સંભાળ રાખતો હોય તેણે જ જોયા હોય.

હાથી શક્તિશાળી, કદાવર પ્રાણી કહેવાય. ચાલે તો ધરતી ધમ ધમ થાય. “હાથીભાઈ તો જાડા…” બાળ કવિતા સૌમાં લોકપ્રિય છે. હાથી પાસે નાના મચ્છર, જીવજંતુ કે પ્રાણીઓની કોઈ તાકાત નથી હોતી. પરંતુ જ્યારે નાનો મચ્છર હાથીના કાનમાં ઘૂસી જાય કે કોઈ તણખલુ કદાવર હાથીની આંખમાં પડે તો ભારે જોવા જેવું થાય છે. મદમસ્ત હાથીનો મદ ચકનાચૂર થઈ જાય છે. પણ હિન્દુ ધર્મમાં ગણેશજીની યાદ અપાવતું આ વિશાળકાય પ્રાણી પૂજનીય બન્યું છે. તેના કિંમતી હાથીદાંતની માંગને લીધે અને જંગલોમાં લાકડાની હેરાફેરી માટે હાથી કિંમતી છે. તેમાં કોઈ બે મત નથી. માનવની દશા અને હાથીમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. માટે આ કહેવત વિષે લખવાનું મન થઇ આવ્યું  કે જે બોલચાલમાં લોકપ્રિય છે.

દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરેને લાખોકો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા”. દિલ અંદર હોય છે, ચહેરો બહાર. દિલને પારખવાની તાકાત માત્ર ઈશ્વરમાં હોય છે. જેમ હાથીના અંદરના દાંતનું છે. ચહેરો માનવના બાહ્ય રૂપનો અરીસો છે, જેને ફેશિયલ કરીને માણસ ચમકાવવા પ્રયત્ન કરે છે. બહારના બે હાથીદાંત ખૂબ જ કિંમતી હોય છે. માનવ આ ચહેરો જોઈને ફસાય છે. સંબંધ બાંધી બેસે છે. બહારના દાંત જોઈને દોસ્તી બાંધીને અંદરના દાંત જોવા મોઢું ખોલવાની રાહ જોઈને નજીક જાય છે ત્યારે  દુર્ગંધ, લાળ એટલે કે અસલી ગુણોના દર્શન થાય છે. પરિણામે ઘૃણા, નફરત, ટકરાવ અને વર્ષોના સંબંધો જે પ્લસ-માઇનસ કરીને જાળવ્યા હોય, તે ચકનાચૂર થઈ જાય છે. બહારથી દેખાતી મિત્રતા, નાના અમથા કારણસર સ્ફોટક થઈને તૂટી જાય છે. બધી કડવાશ જે શરૂઆતથી સંગ્રહાયેલી હોય તે સામટી બહાર આવે છે. પરિવાર, પડોશી કે મિત્રો વચ્ચે આવું સામાન્ય રીતે બનતું હોય છે. પડદા પાછળની, બાહ્ય દેખાવ પાછળની વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે પારાવાર પસ્તાવો થાય છે. આવે સમયે સામેની વ્યક્તિમાં રહેલાં સારા ગુણો જોઈને ખરાબ ગુણ તરફ આંખ આડા કાન કરીએ તો જ સંબંધ ટકે છે.

હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલેકે દગો કરવો. આપણી આસપાસ જ એવી વ્યક્તિઓ હોય છે જે જાણે અજાણે બોલે છે એ કરતાં નથી અને જે કરે છે તે બોલતા નથી. પોલિટિશિયનો માટે તો આ સદીઓથી ચાલ્યું આવે છે. તે ઉપરાંત ધર્મગુરુઓ પણ આ રીતે વર્તે છે. ફિલ્મોમાં જોવા મળે છે કે ધર્મગુરુઓ ભગવા પહેરી ભક્તોની અંધશ્રદ્ધાનો લાભ લઇ, બહાર ચમત્કારો કરે અને અંદર રંગરેલિયા મનાવે. સમય પ્રમાણે દાંત બતાવે એ માણસની પ્રકૃતિ બની જાય છે.

બહારના દાંતની ઝાકમઝાળથી અંદર જઈને સામેની વ્યક્તિની નજીક જાય ત્યારે તેની અસલિયત છતી થાય છે. બહારનો આંચળો, મુખવટો હટી જાય છે ત્યારે બીજા દાંતના એટલે કે અસલી રૂપના દર્શન થાય છે. બાકી ચહેરા પર મહોરું કે બે પ્રકારના દાંત રાખવા અને ક્યારે શું બતાવવું એ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારની પ્રતિભાથી કોઈપણ વ્યક્તિ બાકાત રહી શકતી નથી કારણ કે આખરે તો એ માનવ છે ને? માટે તેના વિચાર, વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર હોય છે. હા, સત્સંગથી કે સજાગ રહેવાથી સુધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા પોતાનામાં સુધારો કરીને, સ્વયં પરિવર્તિત થઈને બીજાને માફ કરી શકે છે. બીજાનો દ્રષ્ટિબિંદુ સમજી શકે છે અથવા તો આંખ આડા કાન કરી શકે છે. સમાજમાં સાથે રહેવા સરળતા, સહજતા અને સમતા કેળવવી જરૂરી છે. સૌથી સારી વાત તો એ છે કે રસ્તે ચાલતા હાથી જેવા મહાકાય, મદમસ્ત પ્રાણીથી દૂર રહેવું સારું. પ્રણામ કરીને બહારના દાંત જોવા. અંદરના દાંત જોવા કે ગણવા પ્રયત્ન ના કરવો અને આગળ વધવું.

કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવત સમજાવતી આ ગીતની પંક્તિ વિચાર માંગી લે છે, “કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે. દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ. જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ…!

11 thoughts on “૫૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. કલ્પનાબેન સરસ લખ્યું છે. પણ આ જરૂર જોજો …

    ભલે કહેવતમાં હાથીના દાંત (બહારના, દેખાડવાના) કહેવાયા હોય પણ મારી સમજ પ્રમાણે તે નીચેની તરફ જતા શિંગડા જ છે.

    બીજી પણ એક કહેવત છે,

    હાથી જીવતો લાખનો , મરે તો સવા લાખનો.

    ગુજરાતીમાં એક કહેવત છે કે “હાથીના દાંત ચાવવાના જુદા અને બતાવવાના જુદા”. જેને આ કહેવત પર વિશ્વાસ ના હોય એ નીચેનો ફોટો જોઇ લે અને કહેવતને માની લે.https://krunalc.files.wordpress.com/2011/05/dscf37601.jpg

    Liked by 2 people

  2. Thanks Pragnaben. મારી સમજ પ્રમાણે મરી જાય પછી આપે જે શિંગડા કહ્યા તે હાથીદાંત ખૂબ કિંમતી હોય છે માટે તેની કિંમત વધી જાય છે.હાથીદાંત માટે લોકો તેનો શિકાર કરે છે.લગ્ન પર હાથીદાંત નો ચૂડો..કેટલો મોંઘો હોય છે? વળી જીવંત હાથીનો ખોરાક…! બીજું, ફોટો મેં જોયેલો છે .માટે જ મેં અંદરના દાંત ગણવાની, લાળ અને ગંધની વાત લખી છે.માણસ સાથે સરખામણી કરવાનું માટે જ લખ્યું.

    Like

  3. ખુબ સરસ કલ્પનાબેન. મારા કાવ્યમાં મેં તેનો થોડો ઉલ્લેખ કરેલ છે. તે શેર કરું છું તમારી કહેવાતો ના લેખન ઉપરથી ઘણું જાણવાનું મળે છે. – http://bit.ly/21O8Rag

    Like

  4. દર્શનાબેન, આભાર.મે કાવ્ય વાંચ્યું. દરેકે વાંચવા જેવું છે.કહેવતને લગતો ઉલ્લેખ ગમ્યો.પણ તેથી વિશેષ મને આખું કાવ્ય ગમ્યું.ખૂબ જ સરસ.આપના કાવ્યમાં શરણાગતિ ની સુવાસ આવે છે. ‘હું તો ચપટીભર ધૂળ’ કહીને નમ્રતાની ભાવના દેખાય છે.પણ સાથે ‘હું ઈશ્વર રજ ‘કહીને સમર્પણ અને શરણાગતિ નો ભાવ વ્યક્ત કર્યો છે.પછી કંઇજ બાકી રહેતું નથી.એકત્વ નો અનુભવ! અદ્દભૂત!

    Like

  5. કલ્પનાબેન,

    હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા એ વાત આજ સુધી અનેકવાર અનેક જગ્યાએ કહેવાઈ ગઈ છે અને આજે તમે પણ કહેવતને લઈને વાત તો સરસ સવિસ્તાર સમજાવી છે.

    પણ આજે કોને ખબર મને આજે આ વાતને જરા અલગ રીતે વિચારવાનું મન થયું. આ વાતને જરા વિસ્તારથી વિચારી તો એનું અલગ પાસુ પણ દેખાયુ…

    પ્રત્યેક વ્યક્તિની પ્રકૃતિના અલગ સ્વરૂપ હોય છે જ ને? જેમકે એક મા- જેનું સ્વરૂપ ઘરમાં અલગ હોય, એક પત્નિ, પુત્રવધુ તરીકે એની ભૂમિકા સાવ અલગ હોય. જ્યારે એ જ વ્યક્તિ પ્રોફેશનલ એપ્રોચ ધારણ કરે, વર્કપ્લેસ પર હોય ત્યારે એનો મિજાજ કંઇક અલગ જ હોય. વળી મિત્રમંડળ સાથે હોય ત્યારે ? એ સ્વરૂપ તો સાવ હળવું.

    વળી એ જ વ્યક્તિ આજે આપણી સામે મનની કઈ દશામાં હોય એના પર પણ આપણી સાથેનો વ્યહવાર નિર્ભર તો થાય છે જ ને? ક્યારેક આપણે ખુબ સરસ મુડમાં હોઈએ ત્યારે ( વ્હલાથી) વરસી પડીએ અને ક્યારેક આપણો મુડ ઠેકાણે ન હોય ત્યારે પણ (અકળાઈને )વરસી પડીએ. તો આપણુ કયું સ્વરૂપ સાચુ?

    Like

    • રાજુલ બેન, આપની વાત ગમી.પણ આ કહેવત માટે એ દ્રષ્ટિકોણ મારી દૃષ્ટિએ બંધબેસતો નથી.આમ જોઈએ તો કોઈ પણ વાતને અનેક રીતે વિચારી શકાય. આપે જે વિચાર્યું એ વિચાર તરીકે સારું છે.પણ અહી કહેવત જે કહેવા માંગે છે.અને આ કહેવત જ્યાં વપરાય છે તે તમે કહ્યું ત્યાં ન વપરાય

      Liked by 1 person

      • વાત તો તમારી કહેવતની દ્રષ્ટિએ સાચી જ છે . રાજકારણીઓ કે કોર્પોરેટ જગતની આ જ વાસ્તવિકતા છે .
        પણ એ સમયે આપણા રોજિંદા જીવનને અનુલક્ષીને મનમાં જે વિચાર આવ્યો એ વ્યક્ત કરવાનું મન થયું ને લખ્યું બાકી કહેવતને ખોટી ઠેરવવાનો જરાય હેતુ નથી .

        Liked by 1 person

  6. Hathi na chavvana juda ane Batavvana juda – Saav sachi vaat che. Darek vyaktima Aa guun jova male che. Pan Namrata ane vivek jivanma bahu jaruri che. You can’t go wrong if you have these two qualities in you. Darshana’s beautiful poem also reveal the same two qualities which is very admirable. Kalpanaben, very good article.

    Like

  7. રાજુલ બેન, આપની વાત સાચી છે.આભાર. હું સમજી છું આપ જે કહેવા માંગો છો.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.