વાત્સલ્યની વેલી ૪૯) ગૃહક્લેશ અટકાવતી સંસ્થા અને ગભરાયેલી ઇમિગ્રન્ટ માતા આબેદા!

ગભરાયેલી ઇમિગ્રન્ટ માતા આબેદા!
સ્ત્રીઓ અને બાળકોનાં રક્ષણ માટે કામ કરતી ડોમેસ્ટિક વાયોલન્સ પ્રિવેન્સન DVP સંસ્થામાં વોલેન્ટિયર સેવાઓ આપવાનું મેં જો કે વિચાર્યું નહોતું ; પણ એક દિવસ અચાનક જ હું ત્યાં જઈ પડી !
વાત જાણે એમ બની કે અમારાં ડે કેર સેન્ટરનાં કેટલાંક બાળકો ,જેમનાં કુટુંબને ગવર્મેન્ટ તરફથી આર્થિક સહાય મળતી હતી તેમાં , તેમનાં કેસમાં કાંઈ મુશ્કેલીઓ હતી; ફોન ઉપર એ બધાંનાં પ્રશ્નોના જવાબ મળી શકે તેમ નહોતા . એટલે એક દિવસ હું એ બધી ફાઈલ લઈને એ ઓફિસમાં ગઇ! ત્યાં મેં એ ઉંચા બિલ્ડિંગમાં ગૃહ ક્લેશ અને ઝગડાં વગેરેમાં અટવાયેલા સ્ત્રીઓને મદદ કરતી DVP સંસ્થાની ઓફિસ જોઈ ! હું મારું કામ પતાવીને માત્ર જીજ્ઞાશા વૃત્તિથી જ એ સંસ્થાના કાર્યાલયમાં ગઇ. એ સંસ્થા ‘ હમારા ઘર’ વિશેની માહિતી મેળવી .
આમ જુઓ તો મારું ક્ષેત્ર બાળકોને સાચવવાનું ! હું બાળકો સાચવું , જયારે આ સંસ્થા ઝગડાઓ અને મારામારીથી ત્રાસેલા મા અને બાળકને સાચવી લે! તેમને નવી દિશા દર્શાવે !
એટલે મને એ પ્રવૃત્તિમાં રસ પડ્યો !
હજુ એ સંસ્થા કદાચ નવી જ હતી! એમને મારાં જેવાં વોલેન્ટિયરની તો ખુબ જરૂર હતી! એ ક્ષેત્રમાં કામ કરવા અમુક તાલિમ લેવી જરૂરી હતી એટલે અઢી મહિના ( ૧૦ ક્લાસ ) ડી વી પી ની ટ્રેનિંગ લીધી! ડે કેર સેન્ટરની ઘણી જ જવાબદારીભરી પ્રવૃત્તિઓમાંથી થોડો સમય આ સામાજિક સંસ્થામાં વોલેન્ટિયર કામ કરવા માટે ફાળવવાનું નક્કી કર્યું .
હવે મેં દર અઠવાડિયે એક બપોર (૨ કલાક ) એ સંસ્થાને ફાળવ્યા !
આમ પણ , બાળકો સાથે કામ કરવાને લીધે આ ક્ષેત્રમાં પદ્ધતિ સરનું જ્ઞાન મેળવવું મારે માટે આશીર્વાદ સમું હતું! જયારે હું ત્યાં જાઉં ત્યારે મારું કામ ટોલ ફ્રી ફોન નંબર ઉપર કોઈ સ્ત્રીનો ફોન આવે તો તેને યોગ્ય માર્ગદર્શન આપવાનું હતું.ક્યારેક કોઈ ગભરાયેલ સ્ત્રી પોતાના ઇમિગ્રેશન સ્ટેટ્સ વિષે હૈયા વરાળ ઠાલવે તો ક્યારેક કોઈ સ્ત્રી અંગ્રેજી ભાષા આવડતી ના હોવાથી પોતાની મુશ્કેલી રજૂ કરે. સામાજિક પ્રશ્નો, આર્થિક સંકડામણ અને કાયદેસરના કે બિન કાયદેસર પરદેશી ઇમિગ્રન્ટ્સ કે ઘરના ઝગડાં વગેરે વિષયક ફોન હોય . સૌને સમજપૂર્વક જવાબ આપવાનો.
એ સંસ્થાનું એક છુપી જગ્યાએ એક ખાનગી ઘર પણ હતું!
જ્યાં ઘર છોડીને નાસી આવેલ દશેક બહેનોને રાખવાની સગવડ હતી!
નિયમ પ્રમાણે ત્રણ મહિના એ સ્ત્રીને ત્યાં રાખવામાં આવે અને તે દરમ્યાન એને પગભર કરવા કાઉન્સલરો – સલાહકાર અને જે તે એજન્સીઓ મદદ કરે, એને કોઈ કામ શીખવાડે ( બ્યુટી પાર્લર કે નર્સની મદદનીશ ,ક્લાર્ક વગેરે) સાથે બાળક હોય તો એને ડે કેર સેન્ટર શોધી આપે !
આવાં બાળકો અને આમ શેલ્ટર હોમમાં રહેલ કેટલીક યુવતીઓને નજીકથી જોવાનું મારે બનતું , કારણકે સિંગલ મધર્સ – એકલી માતા, જયારે બે વર્ષના બાળકને લઈને અમારાં ડે કેરે સેન્ટરમાં આવે ત્યારે પોતાનાં જીવનની મુશ્કેલીઓ અને પડકારની વાત બાળકના હિતને ધ્યાનમાં રાખીને મને જણાવે . જેથી કરીને બાળકના સર્વાંગી વિકાસને અનુરૂપ સંભાળ રાખી શકાય ! પણ હા , એ બધી મમ્મીઓ અહીંની , આ દેશમાં ઉછરેલી , આ જ સમાજમાં ઘડાયેલી અમેરિકન હોય. પણ આ DVP ની ઓફિસમાં તો મોટા ભાગે આપણાં દેશ તરફની સાઉથ એશિયન સ્ત્રીઓના જ ફોન આવે!
એવી જ એક બપોરે ફોન રણક્યો , અને મેં ઉપાડ્યો .એક ધુંધવાયેલી સ્ત્રીએ ગુસ્સામાં ઘણું બધું કહી દીધું .. “મારાં સાસુ સસરા મને ખુબ હેરાન કરે છે.. “એણે પોતાનું નામ છુપાવીને આબેદા એમ બીજું નામ આપીને હિન્દીમાં બધી વાત કરી . “મારે અઢી વર્ષનો દીકરો છેઅને બીજું બાળક ફેબ્રુઆરીમાં જન્મશે હું અહીં મારાં સાસરિયાઓ વચ્ચે રુંધાઉં છું!” આબેદાએ કહ્યું . એનાં સસરાના ગ્રોસરી સ્ટોરમાં એ લોકો બધાં કામ કરતાં હતાં અને બાળકને પણ સ્ટોરની પાછળના એપાર્ટમેન્ટમાં જ દાદા દાદી બેબીસિટીંગ કરીને એને સાચવતાં હતાં.. “એ અઢી વર્ષનો થયો છતાંયે પ્રિસ્કૂલમાં મૂકતાં નથી અને પતિને પણ ધમકાવે છે, એટલે પતિ મારાં અને બાળક ઉપર પોતાની દાઝ કાઢે છે! આ દેશમાં મારું કોઈ જ નથી! બસ , મારે ઘર છોડીને ,ભાગીને ત્યાં , એ સંસ્થામાં રહેવા આવવું છે!”
એણે ગુસ્સામાં ને ગુસ્સામાં ઘણુંયે કહ્યું.
“ તને એ લોકો શારીરિક ત્રાસ આપે છે?” મેં પૂછ્યું .
“ ના, પણ સતત કામ કરાવે છે, સ્ટોરમાં! શારીરિક રીતે નહીં પણ માનસિક ત્રાસ ઘણો છે.મારા પતિની કચકચ અને રોકટોક, સાસુ સસરાનું જુનવાણી માનસ.. આબેદા બોલ્યે જતી હતી “મારે આ નર્કમાં નથી રહેવું! મારે તમારી સંસ્થામાં આવીને રહેવું છે, મારી જાતે મારા પગ ઉપર ઉભા રહેવું છે!”
હા! એની વાત તો ખોટી નહોતી ! પણ સમય ખોટો હતો !
એની વાતને પુરી સાંભળી અને તે દિવસે મેં એને એ જ સલાહ આપી જે હું મારી પોતાની અંગત વ્યક્તિને આપું !
શિકાગોની પાનખરની એ ઋતુ હતી. ભયન્કર ઠંડીના દિવસો તો હજુ હવે આવવાના હતા! ત્રણ મહિના આ સ્ત્રી સંસ્થામાં રહ્યાં પછી શું? અને એક બાળક હજુ એ જ વિન્ટરમાં જન્મવાનું હતું!
“ આબેદા, તેં આ બધી પરિસ્થિતિનો વિચાર કર્યો છે?” મેં અમારે ત્યાં ડે કેરમાં ખુબ સ્ટ્રગલ કરીને સવારે સાડા છ વાગે બાળકને મુકવા અને સાંજે લેવા આવતી અમુક મમ્મીઓની વાત કરી! ક્યારેક જૂની ગાડી સ્નોમાં ફસાઈ જાય ત્યારે અસહાય દશામાં ગાડીને ઉપડાવીને રીપેર થાય ત્યાં સુધી બસમાં, નાના બાળક સાથે ડે કેરમાં આવવું પડે, કારણ કે, નહીં તો નોકરી જતી રહે! એ શારીરિક શ્રમ અને માનસિક ખાલીપો અને બાળકની દાદા બા કે બાપથી વંચિત જિંદગીની વાત કરી.. “અને ત્રણ મહિના પછી તું ક્યાં જઈશ?” મેં એને ચેતવી .“ અને નવું જન્મનાર બાળકનું શું થશે ? શું તું બે બાળકો, ઘર, નોકરી બધું સાંભળી શકીશ ? આવીરહેલ ઠંડી અનેસ્નોના દિવસોમાં ?”
“એ તો મેં વિચાર્યું જ નહોતું!” આબેદા તદ્દન શાંત થઇ ગઇ!
ગુસ્સો ઓગળી ગયો !
પોતાની ઈચ્છા વિરુદ્ધ ,બળજબરીથી કોઈ કામ કરવું પડે તો ગુસ્સો થઇ જાય !
પણ એ જ કામ પોતાનાં બાળકના હિત માટે પ્રેમથી કરવાનું આવે તો સંતોષનો ઓડકાર આવે!
આબેદાની આખી વાત અચાનક સો ટકા બદલાઈ ગઇ!!
“દાદા દાદી આમ લાડ કરે છે,પતિ પણ મારી સાથે જ મહેનત કરે છે અને અમે બધાં જ આ દેશમાં સ્ટ્રગલ કરીએ છીએ .. વગેરે વગેરે વાતો એણે સિક્કાની બીજી બાજુથી જોઈ! સંતોષ અને ખુમારી સાથે એણે ફોન મુક્યો !
એક તૂટતું ઘર બચાવ્યાના સંતોષ સાથે મેં રિપોર્ટ લખવાનું શરૂ કર્યું!
આવી પ્રેમ મૂર્તિ માતાઓ જયારે ઘરડી થાય છે.. તેની એક વાત વાત્સલ્યની વેલીમાં આવતે અંકે !

4 thoughts on “વાત્સલ્યની વેલી ૪૯) ગૃહક્લેશ અટકાવતી સંસ્થા અને ગભરાયેલી ઇમિગ્રન્ટ માતા આબેદા!

 1. ગીતાબેન, આપની વાતો ખૂબ રસપ્રદ હોય છે! સમાજમાં બહાર આવે તે જરૂરી છે.તમારા જેવી અનુભવી વ્યક્તિએ ક્યારેય retired થવું જોઈએ નહીં એવું મારું માનવું છે! અભિનંદન!

  Liked by 1 person

  • Thanks !આપણામાં કહ્યું છે ને દ્રષ્ટિ એવી સૃષ્ટિ ! તમને મારો આ નિર્ણય – ગભરાયેલ અક્ળાયેલ યુવતીને મેં જે રીતે સમજાવ્યું એ ગમ્યું ; શક્ય છે કે બીજી વ્યક્તિને કદાચ ના પણ ગમે ! કોઈ વિચારે કે તે દિવસે મેં ઘર છોડી દીધું હોત તો સારું થાત ! પછી તો આગળ રસ્તો ખુલી જ જાતને ? જો કે મેં તો એ છોકરીને જરા વિચારવાનું જ કહેલું મારી એક મિત્રે મને વર્ષો પછી આ પ્રસંગ યાદ કરીને પોતાના જીવન સાથે સરખામણી કરતાં કહ્યું હતું ; “ ગુસ્સામાં અને જુવાનીના જોરમાં મેં ઘર છોડ્યું પછી એકલે હાથે છોકરાં ઉછેરતાં દમ નીકળી ગયો .. અને વિધિની વિચિત્રતા એ છે , કે મારાં સંતાનો એમના બાપને જેટલો પ્રેમ કરે છે ,( એને ઘેર આનંદ કરે છે )એટલો પ્રેમ હું એમનો મેળવી શકી નહીં ! Kalpnaben , you are a public speaker , this example will help our immigrant young generation when u share in Mandir !

   Like

 2. Geetaben very informative and an eye opening article re our seniors. How comes you also were taking care of older people when you were so busy with your children daycare center. This is really amazing you are very caring very impressive. I think younger generation mean well so bring their parents to nursing home to be cared for since they are not able to make ends meet they have to work to keep up with good life in USA. Parents feel abandoned. This is sad they need to visit them more often so they don’t get depressed. You have explained real well how they feel since you have seen first hand. we need more volunteers like you to help our indian seniors. Thanku for making us understand care and feelings of senior parents.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.