-કવિતા શબ્દોની સરિતા સમાપન- રાજુલ કૌશિક

પ્રિય વાચક મિત્રો,

કવિતા શબ્દોની સરિતા શરૂ થઈ ૨૦૧૮ની આઠમી ઓક્ટૉબરે. જો સમય અને સંજોગો અનુકૂળ રહ્યા હોત તો કદાચ આ સરિતાની પરિક્રમા બરાબર એક વર્ષે સંપૂર્ણ થઈ જ હોત, પણ સમય કે સંજોગો ક્યારે આપણા આધિન હોય છે? આપણે એના આધિન….

આ શબ્દોની સરિતા ખરેખર કહું તો એ કોઈ એક વિષયને આધિન નહોતી એ તો હતી ભાવજગતની સાથે સંકળાયેલી પરિક્રમા. ક્યારેક કોઇ એવી ક્ષણ આવે, કોઈ એક અનુભવ થાય ત્યારે મનમાં ઉઠતા વિચારોની સાથે જ એ ક્ષણે વર્ષો પહેલાં લખાયેલા, કાવ્ય સ્વરૂપે પ્રગટેલા શબ્દો ખરતા તારાના તેજ લિસોટાની જેમ મનમાં ઝબૂકી જાય.

તો ક્યારેક કોઈ કાવ્ય વાંચતા એની સાથે જોડાઈ જાય મારા મનમાં ઉઠતા વિચારો કે જીવનની કોઈ એવી ઘટના જે ક્યારેક જીવી હતી. શબ્દો સાથે જોડાઈ જાય એવો કોઈ અનુભવ કે લાગણી જે વિસ્મૃતિમાં સરી ગઈ હોય અને અચાનક પાણીમાં ઉઠતા પરપોટાની જેમ મનની સપાટી પર ઉઠી આવે, લાગણીના તરંગોની લહેરની જેમ ધસી આવે.

આ પદ્ય-ગદ્યની શબ્દયાત્રામાં માનવ, માનસની સાથે કુદરત પણ જોડાઈ હતી. એના વગર તો વળી શબ્દોના સાથિયા કેવા? ક્યારેક કવિતા પાનખરના રંગે રંગાઈ તો ક્યારેક વસંતની જેમ મહેકી. ક્યારેક ઝરમર વરસી તો ક્યારેક હેલી બની. ક્યાંક સૂકા રણની તરસ તો ક્યાંક ઝાંઝવાનું જળ બની. ક્યારેક ફૂલો પરનું ઝાકળ તો ક્યારેક હીરાની કણીની જેમ વિખરાઈ.   

વળી વર્ષમાં આવતા, આપણી આનંદની અવધિ વધારતા વાર-તહેવારોની ઉજવણીઓએ પણ રંગત અને સંગત જમાવી અને આ ભાવજગતને જીવંત બનાવ્યું.

અને આ માત્ર ક્યાં મારું જ હતું ? એ તો હતું મારું, તમારું, આપણા સૌનું ભાવજગત. ક્યાંક કોઈનો આનંદ, ક્યાંક કોઈની પીડા, કોઇની કથા તો કોઇની વ્યથા, કોઈની આશા-અપેક્ષા-કોઈની આરત તો ક્યારેક ઈશ્વરની આરતી સ્વરૂપે એ શબ્દોમાં મુકાતું ગયું અને આપ સૌના પ્રતિભાવોથી છલકાતું રહ્યું.

ક્યારેક શબ્દો સાચા લાગ્યા હશે તો ક્યારેક કાચા પણ પડ્યા હશે પણ મનની વાત તો સાવ જ સાચૂકલી હતી હોં કે…..

એક સવારે જ્યારે પ્રજ્ઞાબેને આ વિષય પર વિચારવાનું, લખવાનું કહ્યું ત્યારે પદ્યના ઊંડાણને સમજવાની, એમાંથી જીવનના અર્થ-અર્ક પામવાની તક સમજીને એ સૂચન સ્વીકારી લીધું અને સાચે જ આજે આ સફરના વર્ષાંતે એ અનુભવ મઝાનો રહ્યો એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી.

કવિતા શબ્દોની સરિતાના પ્રારંભે સાથે વહેવાનું આમંત્રણ આપ્યું હતું આજે સમાપન સમયે એટલું કહીશ કે આ એક વહેણ હતું જેના રસ્તા-વળાંકો બદલાશે આપણે નહીં. આપણે તો ફરી મળતા જ રહીશું કોઈ અન્ય સફરે, કોઈ અન્ય મુકામે. આપણી હવેની સફરનું નિમિત્ત ફરી કોઈ કવિની કૃતિઓ કે લેખકનું સર્જન જ હોવાનું કારણકે વર્તમાન સમયે પાશ્ચાત્ય સંસ્કૃતિની વચ્ચે રહીને પણ આપણે ગુજરાતી ભાષાની, ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિમાં વૃદ્ધિ કરવાની છે.

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

7 thoughts on “-કવિતા શબ્દોની સરિતા સમાપન- રાજુલ કૌશિક

  1. રાજુલ બેન દિવાળી આવી અને આપે શબ્દોની રંગોળી પૂરીને કોલમ નું સમાપન કર્યું.ખૂબ સરસ! આપના શબ્દોની સરિતાના બદલાતાં વહેણની રાહ જોઈએ છીએ. અભિનંદન.

    Liked by 1 person

  2. આભાર કલ્પનાબેન.
    આપ સૌ સુજ્ઞ વાચકોના પ્રતિભાવે મારામાં પ્રોત્સાહનનો પુરવઠો પુર્યો …..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.