૫૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

જૂનું એટલું સોનું
સોનું ગમે તેટલું જૂનું થાય, એ સોનું જ રહે છે. જૂનું એટલું સોનું એ કહેવત આજના સમયમાં ગહન વિચાર માંગી લે છે. જૂની વસ્તુ, પરિસ્થિતિ કે જૂની વ્યક્તિ, શું સોનાની જેમ આજની સરખામણીમાં કિંમતી કે સારી છે? પ્રશ્ન બહુ મહત્વનો છે.
હમણાં એક વાર્તા વાંચી. એક યુવતીએ નવું રસોડું બનાવ્યું. જૂના વાસણો જે નવા હતાં, છતાંય કાઢીને ઢગલો બાજુ પર મૂકયો. આધુનિક વાસણોથી તેના રસોડાને સજ્જ કર્યું. કામવાળી આવીને આ ઢગલો જોઈને ચિંતિત બની. આટલા બધા વાસણ મારે આજે ઘસવાના છે? યુવતીએ કહ્યું, આ તો ભંગારમાં આપવાના છે. તેણે એક તપેલી માંગી. યુવતીએ કહ્યું, બધું જ લઈ જા. મારે આ વાસણોની જરૂર નથી. તેનું મન નાચવા માંડ્યું. આંખોમાં ચમક આવી. જલ્દીથી કામ પતાવી ઘરે ગઈ. જાણે ખજાનો મળ્યો. તેના ઘરમાં જૂના વાસણો કાઢી નવા ગોઠવ્યાં. વિચાર્યું, ભંગારવાળાને જૂના વાસણો આપી દઈશ. ત્યાં જ એક ભિખારી આવ્યો. તેણે પાણી માંગ્યું. તપેલી ભરીને પાણી આપ્યું. ભિખારીએ તૃપ્ત થઈને તપેલી પાછી આપી તો કામવાળીએ કહ્યું લઇ જા. ફેંકી દેજે. ભિખારીએ પૂછ્યું, તમને આની જરૂર નથી? તો હું રાખી લઉં? કામવાળીએ બધો જ ભંગાર ભિખારીને આપી દીધો. આજે તેની ઝોળી ભરાઈ ગઈ. તે તૃપ્ત થઈ ગયો. આ આખી વાર્તા ઘણું બધું કહી જાય છે.
પરિસ્થિતિ બદલાતાં એકના માટે પિત્તળ બની ગયેલી વસ્તુ બીજાના માટે સોનાની બની જાય છે. શું આપણા જીવનમાં પણ આ નથી? સમાજમાં, દેશમાં, દુનિયામાં જ્યારે યુગ જે ગતિએ ફાળ ભરી રહ્યો છે ત્યારે નવી વસ્તુ જૂની બનતાં એટલે કે આજને ગઈકાલ બનતાં વાર નથી લાગતી.
હા, માનવ ઉત્પત્તિના મૂળમાં જે સંસ્કાર રહેલા છે, જે ધર્મ અને આધ્યાત્મ સાથે જોડાયેલા છે, એ જ માત્ર સોનું કહી શકાય. જ્યાં સુધી માનવ તેના મૂળ સાથે જોડાયેલો છેત્યાં સુધી તેને તેની કિંમત છે બાકી વિજ્ઞાન ગતિમાન છે. અનેક શોધોને પરિણામે મંગળ સુધી પહોંચનાર આજનો માનવ બળદગાડું કે ઘોડાગાડીમાં ક્યાંથી મુસાફરી કરવાનો? હા, અમુક સમય માટે જૂની વાતો યાદ કરીને મ્હાલવી એ તરોતાજા બનવા માટે જરૂરી છે, પરંતુ એ સોનુ નથી જ.
આ સંદર્ભે આજ અને ગઈકાલ, સોનુ અને પિત્તળની સરખામણી અનાયાસે થઈ જાય છે. આજે રોજિંદા જીવનમાં મશીનનો પ્રવેશ અને પરિણામે શારીરિક કસરતે જાકારો લીધો છે. જેને કારણે શારીરિક ફિટનેસ માટે વર્કઆઉટ જરૂરી બન્યું છે. જૂની શિક્ષણ પદ્ધતિ ખર્ચાળ અને અટપટી ન હતી. માતૃભાષાને મહત્વ અપાતું અને ભારતીય સંસ્કૃતિનાં મૂળભૂત મૂલ્યો જળવાઈ રહેતાં. આજે જ્યારે ભણતરના ભાર તળે દબાઈને વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસો જોવા મળે છે ત્યારે જૂની અને નવી શિક્ષણપ્રથાની સરખામણી વિચાર માંગી લે છે.
આપણા પૂર્વજોએ કહેલી, મજબૂત દાંત માટે મીઠું ઘસવાની વાત, બ્રશની જગ્યાએ ઔષધિય વનસ્પતિનું દાતણ કરવાની વાત આજે પુનર્જીવિત થતી જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિ જૂનીપુરાણી છે. જે આયુર્વેદ તેમ જ યોગનો સ્ત્રોત છે. હોમીઓપથી, એક્યુપ્રેશર તેમજ અનેક પથી શારીરિક તેમજ માનસિક ઉપચારની પદ્ધતિઓ ભારતીય સંસ્કૃતિ અને ઋષિઓની દેન છે. માટીનાં વાસણો તેમજ પતરાળાની જગ્યા ડિસ્પોઝેબલ પેપર અને થરમોકોલ પ્રોડક્ટોએ લીધી. જે રોગોને આમંત્રણ આપે છે. હરીફરીને દુનિયા હવે માટીના વાસણો તેમજ પતરાળાને અપનાવે છે. વિદેશોમાં તેની માંગ, પ્રચાર અને પ્રસાર મોટા પ્રમાણમાં જોવા મળે છે. આજના યુગની દેન છે કેન્સર જેવી મહાબિમારીઓ, તો વળી તેનું ઓસડ પ્રાચીનમાંથી મળે છે.
આરસના મહેલમાં રહેતા હોય પણ થોડા દિવસ ગારાના ઘરમાં રહેવું, ખુલ્લા આકાશમાં ફળિયામાં ખાટલા પર સૂતા સૂતા આભના તારા ગણવા, ગમાણની વાસ મહેસૂસ કરવી, પરોઢના વલોણાના અવાજ સાથે પ્રભાતિયાના સૂરની સંગત ભલા કેમ ભુલાય? ગામડામાં કે પોળમાં રમતા નિખાલસ બાળકોની કોઈ નિયમ કે રોકટોક વગરની રમતો, સૂરજના કિરણોને લીધે ક્યાંય વિટામિનની ઉણપ નહોતી દેખાતી. આજે દોમદોમ સાહેબી અને સગવડતા વચ્ચે ઉછરનાર બાળકો, અનેક ઉણપો અને રોગો સાથે મોટા થતાં જોવા મળે છે. ગામડું છોડીને શહેરમાં અને પોળ છોડીને સોસાયટીમાં તેમજ વિદેશમાં લોકો વસવા માંડ્યા. પરંતુ નવા આવાસોમાં જૂની વસ્તુઓ જેને ફેશનમાં એન્ટિક કહે છે તેની છાંટ વગર ઘરવખરી શોભતી નથી, એ હકીકત છે.
આજના પરિવર્તનશીલ યુગમાં વોટ્સએપ, ફેસબુક અને મોબાઈલ ફોને માણસને સ્થગિત બનાવી દીધો છે. સ્થગિત પાણીમાં લીલ થાય છે. વહેતુ પાણી ચોખ્ખું હોય છે. આ દશા માણસના શરીર અને મનની થઈ ગઈ છે. ટેકનોલોજીનો ગુલામ, જન્મેલા બાળકની પણ દરકાર કરતો નથી તો પરિવારનો તો પ્રશ્ન જ પેદા થતો નથી. પહેલાંની વ્યક્તિ આત્મનિર્ભર હતી. આજે પરિસ્થિતિ બદલાઈ છે. આજે નવા મશીનો, આધુનિક ટેકનોલોજી અને આદતોએ માણસોને એકબીજાથી દૂર કરી દીધા છે. યુવાનો માટે જ્યાં થનગનાટ અને ભાગદોડ છે ત્યાં આ ટેકનોલોજી ચોક્કસ મદદરૂપ થાય છે. પરંતુ બાળપણ અને ઘડપણમાં જૂનું તેમના જીવનમાં પ્રાણ પૂરે છે. જ્યારે હુંફની, સંગતની જરૂર ખાસ હોય છે ત્યારે આ કહેવત વહાલી લાગે છે.
જૂની રીતભાત, રહેણીકરણી, રિવાજો, દૈનિક ક્રિયાઓ, ઉત્સવ, મેળાવડા, ગીત-સંગીત આપણે છોડી શકવાના નથી. જૂના સંસ્કારો ભલે રૂઢીગત સંકુચિત હતાં, પરંતુ એ આમન્યા અને સામાજિક બંધનોને કારણે ઘર તૂટતા ન હતા. સુખ-દુઃખ વહેંચીને સંતોષનો ઓડકાર  જૂના લોકો ખાતાં. આજે “હું અને મારો પરિવાર”માં વ્યક્તિનું વિશ્વ સમાઇ જાય છે. જરૂર હોય ત્યારે જ એકલતાનો અજગર ભરડો લે છે. માનવ શરીર અનેક રોગોનો ભોગ બને છે. અંતે માણસને ભરખી જાય છે. બીમારી અને તેનો ઈલાજ જાણે મેરેથોનમાં ઉતર્યા હોય!
શ્રીકૃષ્ણના કહ્યા મુજબ “પરિવર્તન એજ જીવનનો નિયમ છે”. જીવનનું કામ છે, વહેવું. વહેવામાં બદલાવ આવે છે. જે ઉગે છે તેનો અસ્ત નક્કી છે. નામ તેનો નાશ હોય છે. એ આધારે વિજ્ઞાન ગતિમાન છે. આજની કાલ બને છે. પરંતુ સોના જેવું કિંમતી અને સારું શું છે તે સમય, સંજોગો અને પરિસ્થિતિ બતાવે છે. અમુક સ્થાપત્યો માત્ર હેરિટેજ બનીને રહી જાય છે. પ્રાચીન સિક્કાઓ અને સ્ટેમ્પસનું તેમજ જૂની શરાબનું મૂલ્ય ઘણું હોય છે. પ્રાચીનતાને ધિક્કારવાની ભૂલ ના કરવી. મા-બાપ ક્યારેય જૂના થતા નથી. જેનું લોહી અને ડીએનએથી આપણા શરીરનું બંધારણ બન્યું છે તેની કિંમત સોનાથી વિશેષ હોય છે. નવીનતાને અપનાવવી રહી, પરંતુ મૂળથી વિખૂટાં પડીને નહીં.

4 thoughts on “૫૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. કલ્પનાબેન, ખૂબ સુંદર છણાવટ. મોટા ભાગે લોકો એક વિચારધારાથી દોરવાઈ જતા હોય છે – જૂનું બધું જ શ્રેષ્ઠ અને નવું એટલે વિચારહીન અથવા નવું એટલે બધું જ શ્રેષ્ઠ અને જૂનું એટલે અંધશ્રદ્ધા. આ બંનેથી ઉપર ઊઠીને તમે સુંદર સંદેશ આપ્યો – ” નવીનતાને અપનાવવી રહી, પરંતુ મૂળ વિખૂટા પડીને નહીં. અભિનંદન.

    Like

    • આભાર, રીટાબેન! આનંદ થયો આપનો અભિપ્રાય વાંચીને.

      Like

  2. બહુ સરસ રીતે કહેવતને સમજાવી. પરિવર્તન એ તો જગતનો નિયમ છે . પણ પ્રવાહ સાથે તરવું કે તણાવું તે વિવેક બુદ્ધિ પર આધારીત છે . કહેવત છેકે પીળું એટલું સોનું નહિ. જૂનું બધુ જ ઉત્તમ માનનારા કોઇ વાર આ પીળાશને કારણે જ દુરાગ્રહી બની રહે છે . પિત્તળને સોનું સમજી લે છે . જીવન મૂલ્યો પણ સમય સાથે બદલાય છે . તમારી મૂળથી વિખૂટા નપડવાની વાત લાખ ટકાની છે .

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.