૫૧ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

ક્યારેક સાવ અચાનક, સાવ ઓચિંતુ કોઈ એવું મળી જાય કે જેની સાથે આમ જોવા જઈએ તો કોઈ સીધો સંબંધ હોતો નથી, એ વ્યક્તિ આજે મળી પણ ભવિષ્યમાં ક્યારેક મળશે કે નહીં એની ય કોઈ ખાતરી નથી હોતી અને તેમ છતાં એ આપણને, આપણા મનને ક્યાંક સ્પર્શી જાય છે, અને એની એ મુલાકાત જીવનભર આપણી સ્મૃતિમાં જડાઈ જાય છે.
એ દિવસે એવું જ કંઈક બની ગયું, સામાન્ય રીતે અહીં દર વર્ષે એન્યુઅલ ચેકઅપ માટે ડૉક્ટરની મુલાકાતે જવાનો શિરસ્તો છે. કોઈક વાર જો ડૉક્ટરને સ્વાસ્થ્યમાં કંઈક વાંધાજનક લાગે તો એ આગળ અન્ય સ્પેશ્યાલિસ્ટને બતાવવાની સલાહ આપે અને આપણે એ મુજબ આગળ અન્ય ડૉક્ટરને મળતા રહીએ.
ગયા વર્ષે આવી જ એક સમસ્યાને લીધે સ્પેશલિસ્ટને બતાવાનું, વારંવાર ફૉલોઅપ ચેકિંગ માટે જવાનું થતું. અહીં ડૉક્ટર આવે એ પહેલાં ટ્રેઇન નર્સ આવીને આપણું વજન, ઊંચાઈ, બ્લડપ્રેશર, ઑક્સિજન લેવલ વગેરે ચેક કરી લે. આપણી રોજીંદી દવાઓ વિશે પૂછપરછ કરી લે, વગેરે વગેરે….
હવે જ્યારે ગયા વખતે ડૉક્ટરની ઓફિસની નર્સ મેલિસાને મળવાનું થયું ત્યારે ડૉક્ટર આવે ત્યાં સુધીની બધી ફોર્માલિટી પતાવીને બહાર જતા પહેલાં એણે સરસ મઝાના હૂંફાળા સ્માઈલ સાથે સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે શુભેચ્છા આપી. બસ એ દિવસ પછી ઘણા લાંબા સમય સુધી મેલિસાના બદલે બીજી જ નર્સની હાજરી રહેતી.
મેલિસાના મઝાના વ્યક્તિત્વના લીધે એની ગેરહાજરી સાલતી પણ અહીં કોને પૂછાય?
વળી પાછો થોડો સમય એમ જ વહી ગયો અને ફરી એ જ ડૉક્ટરની ઓફિસના વેઇટિંગરૂમમાં મેલિસા મળી ગઈ. એની સાથે વ્હીલચેર પર એની વૃધ્ધ માતા હતી. લાંબા સમય સુધી સતત મેલિસાને મળતા રહેવાના લીધે એક જાતની આત્મીયતા બંધાઈ ગઈ હતી. એ પણ અમને જોઈને ખુશ થઈ ગઈ.
ડૉક્ટર બોલાવે એ વચગાળાના સમય દરમ્યાન મેલિસા સાથે વાત થતી રહી અને જે વાત થઈ એમાં મેલિસાના વ્યક્તિત્વનું એક સાવ અજાણ્યું પાસુ ખુલી ગયું.
મેલિસાએ કોઈના ભલા માટે પોતાની મરજીથી આ જોબ છોડી હતી. વર્તમાન સમયમાં કેટલાય લોકોને જોબ પરથી લે ઑફ મળે છે. આ ડિપાર્ટમેન્ટમાંથી પણ કેટલાકને લે ઑફ મળવાનો હતો જેમાં ચેલ્સિયા એક હતી. નાના ત્રણ બચ્ચાની સિંગલ મૉમની જોબ છુટી જાય તો શું થાય એની તો કલ્પના કરવી ય એના માટે કપરી હતી અને ચેલ્સિયાને જોબ પર ચાલુ રાખવાની શરત સાથે મેલિસાએ રાજીખુશીથી રાજીનામુ આપી દીધું.
રોજ સવાર પડેને પોતાની નોકરી માટે ફફડતા રહેતા, નોકરી માટે સતત ઉચાટમાં રહેતા લોકોની વચ્ચે મેલિસાની આ વાત સાંભળીને ગજબનું આશ્ચર્ય થયું.
“ શું ફરક પડ્યો મને?..એ કહેતી હતી. અમારો ડેરીનો ફેમિલી બીઝનેસ છે. વરસ દરમ્યાન અમારી પોતાની ગાયોનું પાલન કરીએ છીએ અને એમના દૂધમાંથી પ્રિઝર્વેટિવ વગરના નેચરલ આઇસ્ક્રીમ બનાવીને વેચીએ છીએ. બસ, મારા પતિ સાથે જોડાઈ ગઇ.?
હવે અહીં સૌ જાણે છે આ આઇસ્ક્રીમ પાર્લર ઉનાળાના માત્ર છ મહિના જ ખુલ્લુ હોય છે એટલે બાકીના છ મહિના એમના કેવા જતા હશે એના માટેનો મનમાં ઉચાટ થયો. એટલે બોલાઈ ગયું, “ અરે પણ, આટલી સરસ જોબ, ઈન્સ્યોરન્સનો લાભ….તું અહીં જોબ કરતી હતી ત્યારે પણ એ બીઝનેસ તો ચાલતો જ હતો ને?”
અમે આગળ બોલીએ એ પહેલા ઉપર આંગળી કરીને બોલી.. “God is great. He will take care of us. ઈશ્વર દયાળુ છે….ચેલ્સિયાને મારા કરતા વધારે જરૂર હતી. હું જોબ છોડું તો એની ટકી રહે એ વાતે મને મારી જોબ છોડ્યાનો કોઇ રંજ નથી.. મઝાનું જીવન છે. પતિ સાથે રહેવાનુ મળે છે. કેટલા વર્ષો પછી સાથે જમીએ છીએ એનો આનંદ છે..જાણતી હતી કે આર્થિક ખોટ સાલવાની શક્યતા ઉભી થશે. બીજી ઘણી બધી રીતે ઘણા લાભ પણ નહીં મળે…But that’s ok….”
આ બોલતી વખતે મેલિસાના ચહેરા પર મિશ્ર ભાવ હતા. ક્યાંક કશું છોડ્યાના, છુટ્યાના વસવસા કરતાં હવે જે છે એને વધાવી લેવાની મક્કમતા હતી. ચહેરા પર જાણે ફકીરીનો ભાવ હતો. જ્યારે જે મળશે એને રાજીખુશીથી માણી લઈશુ એવી તટસ્થતા હતી. ઈશ્વર પરની શ્રદ્ધા અચળ હતી. દરેક દિવસો એક સરખા હોતા નથી, ક્યારેક મધ્યાને તપતો સૂર્ય આથમી જશે ત્યારે પણ ઈશ્વરની કૃપાનું છત્ર છે તો આપણે હેમખેમ છીએ એવો વિશ્વાસ પણ અકબંધ હતો. જાણે ફાટેલા ખીસ્સાની આડમાં મુકેલી મલકાતી મોજ છાલકની જેમ છલકાતી હતી.
અવાજમાં વ્યક્ત થતો ભાવ જાણે કહી રહ્યો હતો કે
સૂરજ તો ઊગે ને આથમી યે જાય
મારી ઊપર આકાશ એમનેમ છે
ઓચિંતુ કોઇ મને રસ્તે મળે ને
કદી ધીરેથી પૂછે કે કેમ છે ?
આપણે તો કહીએ કે દરિયા શી મોજમાં
ને ઉપરથી કુદરતની રહેમ છે…….
કુદરતની આ રહેમને સમજવા માટે મેલિસાએ આ વાત ક્યાંય વાંચી હશે? ના રે…અને છતાંય એની વાતમાંથી ઉઠતા સૂર આ શબ્દોમાં એમ જ પડઘાતા હતા.
ફાટેલા ખીસ્સાની આડમાં મૂકી છે અમે
છલકાતી મલકાતી મોજ…..
તાળું વસાય નહીં એવડી પટારીમાં
આપણો ખુશીનો ખજાનો હેમખેમ છે….
કોણ કહે છે કોઈ એક કવિની અભિવ્યક્તિ કે કોઈપણ ભાષાના શબ્દોમાં વ્યક્ત થતી વાત માત્ર એટલા પુરતી જ સીમિત રહેતી હશે? સાચૂકલી લાગણીઓ કે ભીતરની ભીનાશ તો ક્યાંય પણ કોઇને ય પણ ભીંજવીને જ રહે છે…એનો હિસાબ થોડો માંડવાનો હોય?
કાવ્ય પંક્તિ- ધ્રુવ ભટ્ટ
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

8 thoughts on “૫૧ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

  1. સુંદર હ્રદયસ્પર્શી કથાનક. જો સૌ કોઈ મેલીસાની જેમ અન્ય માટે વિચારે તો…..

    Liked by 1 person

  2. આજે આ વાંચીને થયું કે હું તમારી ટપાલ ન ખોલી મેંજ કંઈક ગુમાવ્યું છે! મારા જેવા બીજા હશે? ચાલો જાગ્યા ત્યારથી સવાર! સુઈ ન જૌ એ માટે તમારા સારા લેખોથી જગાડતા રહેશો એ આશા સાથે, ઘન્યવાદ.

    Liked by 1 person

  3. રાજુ આજે આ વાંચીને ટાગોરની એક પંક્તિ યાદ આવી ગઈ
    સંચાર કરો સકલ કર્મે
    શાંત તોમર છંદ,
    કર્મ ખરું પણ કર્મનો ઘોંઘાટ નહી,એનો કોઈ કોલાહલ નહી અને ત્યારે તે કર્મ દીપી ઊઠેછે.અને મલીસા જેવા નિજાનંદી લોકો જ આ કરી શકે અને તેમનું મળવાનું આપણા દિલને અડી જાય….

    Liked by 1 person

  4. Rajulben, tamari vaat atli gami ke n pucho vaat! There are people like Malissa in this world but you don’t come across often. Sacha arthma sachi seva! Khub gamiyu🙏

    Liked by 1 person

  5. રાજુલ બેન, આપે પૂછ્યું,કે મેલીસાએ ગીતાજી નું વાંચન કર્યું હતું? આવા લોકોથી જગત ઊજળું છે, એ માનવું જ પડે. સરસ અભિવ્યક્તિ!

    Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s