૪૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

સોટી વાગે ચમચમ વિદ્યા આવે ઘમઘમ

જૂના જમાનાની આ જાણીતી કહેવત છે. એ જમાનામાં મારવું એ શિક્ષકો અને વાલીઓ માટેનું શસ્ત્ર હતું. સોટી મારવી એટલે સજા કરવી. સોટી અને તે પણ નેતરની. કેટલી ચચરે! અરે સોળ પડી જાય! એની પીડા તો જેણે ચમચમતી સોટી ખાધી હોય તેને જ ખબર પડે.

કેટલાંક નટખટ છોકરાઓ માસ્તરને અવનવા ઉપનામથી ખીજવતા. કોઇ વાર માસ્તરની ખુરશી પર ગોખરુ ઘસતાં, રજીસ્ટર સંતાડતાં તો વળી શાહીના ખડીયા ઉંધા વાળતાં. આ થઇ ઓગણીસમી સદીની વાતો. લેસન ના કર્યું હોય, મોડા આવો, આંક ના આવડે, પલાખાં ખોટા પડે એટલે તીખા સ્વભાવના મહેતાજી હાથમાં નેતરની સોટી ચમચમાવતાં અને કહેતાં “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે ઘમઘમ”. ગળામાં પાટી ભેરવી, કપાળે શાહીનો ચાંદલો કરીને, વરરાજા બનાવી દરેક વર્ગમાં ફેરવે. ઊઠબેસ કરાવે, બેંચ પર ઊભા રાખે, કાન આંબળે, પગના અંગૂઠા પકડાવી, પીઠ પર ફૂટપટ્ટી મૂકી અને જો તે પડી જાય તો એ ફૂટપટ્ટી મારવી. તેનો ચચરાટ અને આંખમાં આંસુ ભૂલાય નહીં. અને એ કરેલી ભૂલનું ક્યારેય પુનરાવર્તન થાય નહીં. મગજ સતેજ બની જાય. નિયમિતતા અને શિસ્ત જીવનનું અભિન્ન અંગ બનીને રહી જાય. જે બાળકના જીવનની પાયાની જરૂરિયાત કહેવાય. જેનાથી માનવજીવનની ઇમારતનો પાયો મજબૂત રહે. આમ બાળકોને ધાકમાં રાખતાં.

કેટલાંક માસ્તરોની સોટી થકી અભ્યાસમાં મન પરોવાતું, વાંચનની ભૂખ ઉઘડતી. સોટીનો માર પડે છે ત્યારે વિદ્યાર્થી બેવડો વળી જાય છે અને શીખેલું તેને જીવનભર યાદ રહે છે. સારાં શિક્ષકોના દિશાસૂચને કંઈક સાહિત્યકારો, કવિ, લેખકો, નાટ્યકારો તેમજ કલાકારોને જન્મ આપ્યો છે. હિટલરને ખલનાયક બનાવનાર તેનો શિક્ષક હતો એવું ખુદ હિટલરે પોતાની આત્મકથામાં નોંધ્યું છે. વિનોદ ભટ્ટ તેમના પુસ્તક, “સોટી વાગે ચમચમ”માં લખે છે કે આમ તો “ટુ ટીચ”નો અર્થ ભણાવવું એવો થાય છે પણ આ “ટીચ” શબ્દનો અર્થ ટીચી નાખવું પણ થતો હોવો જોઈએ. કેમ કે અગાઉના વખતમાં સ્કૂલો પોલીસ સ્ટેશન જેવી હતી. અડફેટે ચડતાં છોકરાને ટીચી નંખાતો.

બાળકોને સજા કરવાથી તેઓ માનસિક તાણનો શિકાર બની જાય છે. અશિષ્ટભર્યું વર્તન કરવા લાગે છે. ક્યારેક બાળક આક્રમક બનીને ભાંગફોડિયું વર્તન કરે છે. તો વળી સંવેદનશીલ બાળક આપઘાતનો માર્ગ અપનાવે છે. જ્યારે વખાણ કે શાબાશી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. તાજેતરમાં મહારાષ્ટ્રનાં પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા અત્યંત મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિદ્યાર્થી ઉપર સોટી કે ફૂટપટ્ટીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સ્વ. અબ્દુલ કલામનું માનવું હતું કે શિક્ષક તેમના વિદ્યાર્થીઓ માટે દીવાદાંડી સમાન છે. વિદ્યાર્થીઓને માટે તેઓ રોલમોડલ બને તેવું, આદર્શ જીવન જીવે તેવું શિક્ષણ આપવું જોઈએ. વિદેશમાં બાળકો કે વિદ્યાર્થીઓ પર તમે હાથ ના ઉપાડી શકો.

હવેનાં માસ્તરો મારી શકતાં નથી અને ભણાવતાં પણ નથી. માસ્તરોનું સ્તર નીચે આવતું ગયું છે. ભણવું હોય તો અમારું ટ્યૂશન રાખવું પડશે. શિક્ષકો બાળકો પર અત્યાચાર કરે છે પરિણામે વાલીઓ તેમનાં બાળકોનો પક્ષ લઇને શિક્ષકોને મારે છે. શિષ્ટતા અને સંસ્કાર છાપરે મૂકાઈ ગયાં છે. ગુરુ શિષ્યનાં સંબંધો વકરતાં જાય છે. ગુરુદક્ષિણામાં અંગૂઠો કાપવાનું તો બાજુ પર છે પરંતુ આધુનિક એકલવ્ય ગુરુ દ્રોણાચાર્યનું નાક કાપવા તૈયાર થઈ જાય છે.

ભારતીય જ્યારે વિદેશ યાત્રાએ જાય છે ત્યારે પૂરી નિષ્ઠાથી ત્યાંના કાયદાનું પાલન કરે છે. શિસ્ત અને સ્વચ્છતા અંગે ત્યાંના કાયદા કડક અને દંડનીય હોય છે. હાલમાં ભારતીય સરકાર દ્વારા નાગરિકો માટે વાહનો અને દસ્તાવેજો અંગે કડક કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે. રસ્તા પર સીસીટીવી લગાવી, ટ્રાફિક નિયમોનો ભંગ કરતાં લોકોને દંડ કરવામાં આવે છે. આ કાયદાની સોટી વિંઝવામાં આવી રહી છે જેથી જનતાની સાન ચમચમતી સોટીથી ઠેકાણે આવી જશે. આ બતાવે છે કે જ્યાં સ્વયંશિસ્ત ના હોય ત્યાં દંડની સોટી જરૂરી બને છે.

શિક્ષક એક શિલ્પી છે. તે માનવીને તરાશીને મહાપુરુષ બનાવે છે. શિક્ષક એક શક્તિ છે કે જે મડદામાં પણ પ્રાણ પૂરી શકે છે. શિક્ષક મરજીવા છે. આજે પણ વિદેશમાં મંદિરોમાં, મીલપીટાસ હવેલીમાં વિદ્યામંદિર થકી બાળકોને અપાતી કેળવણી દાદ માંગી લે છે. વાર-તહેવારે પ્રસંગોની ઉજવણી દ્વારા ગુરુ શિષ્ય વચ્ચે ઘનિષ્ઠતા કેળવાય છે. “સોટી વાગે ચમચમ” કહેવતને ભૂલીને ગુરુ-શિષ્ય વચ્ચે સન્માનનો સેતુ સર્જાય છે. વિવેક, સદ્‍ભાવના, શિષ્ટાચાર અને જ્ઞાનની સરવાણી વહેતી જોવા મળે છે. અવનવા ક્લાસીસના ગુરુજનો વિદ્યાર્થીઓમાં પ્રિય હોય છે, ત્યારે વગર સોટીએ વિદ્યાનું આદાન-પ્રદાન કરનાર ગુરુ-શિષ્ય માટે શીશ ઝૂકે છે.

3 thoughts on “૪૮ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

  1. સાચી વાત હવેનાં માસ્તરો મારી શકતાં નથી અને એટલે જ કદાચ સીધે સીધા ભણાવતાં પણ નથી. ઘણા સમયથી ટ્યુશનનો ટ્રેન્ડ સેટ થવા માંડ્યો છે એ પણ હકિકત છે એનો અર્થ એ કે માસ્તરની સોટી વિદ્યાર્થીને સીધી નથી વાગતી પણ વર્તમાન સમયની આ સોટી વાલીઓના ખીસાને વાગે એવી હોય છે.

    Like

  2. Khub Saras lekh! Kalpanaben.
    Tamara lekhma ghanu Janvanu
    male Che. Nowadays you can’t even touch your own grandchildren, forget about students! Eye opener👍

    Like

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.