માયાબેનનાં બંને દીકરાઓ ભણી ગણીને પોતાની જિંદગીમાં વ્યસ્ત થઈ ગયા હતા.માયાબેન અને તેમના પતિ નરેશભાઈ ભરી દુનિયામાં જાણે એકલા પડી ગયા હતા.બે બાળકો અને સાથે સાથે પોતાનો ધમધમતો વ્યવસાય અને માયાબેનની બેંકમાં જોબને લીધે તેમનું આખું જીવન ખૂબ વ્યસ્ત વ્યતીત થયું હતું.માયાબેનને બેંકમાંથી ઉંમર સાથે નિવૃત્તિ મળી ગઈ.અને મિલો બંધ થવાથી મિલમાં કોટન સપ્લાયનો નરેશભાઈનો ધંધો પણ ધીરે ધીરે પડી ભાંગ્યો .આખી જિંદગીની બચત અને બંને દીકરાઓ ઉચ્ચ ભણતરને લીધે સરસ સેટ થયેલ હોવાથી તેમનેઆર્થિક તકલીફ કોઈ નહતી.બસ નિવૃત્તિના ખાલીપાએ તેમનું જીવન નીરસ બનાવી દીધું હતું. વ્યવસાયને પ્રાધાન્ય આપીને ક્યારેય પોતાના કોઈ મોજશોખને તેમણે પોષ્યા ન હતા.પોતે ઘરડા થઈ ગયા છે તેમ વિચારીને બે ટાઈમ સાદું જમીને આખો દિવસ ટીવી જોયા કરે .પ્રવૃત્તિ વગરના નિવૃત્ત જીવને તેમને ઉંમરથી વધુ ઘરડા બનાવી વૃદ્ધત્વને કોસતા કરી દીધા હતા.એવામાં તેમના મિત્રના માતા ગુણવંતીબેનની ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીનું નિમંત્રણ આવ્યું. બંને પતિપત્નીતો ૧૦૦મી વર્ષગાંઠની ઉજવણીની વાત સાંભળીને જ આભા બની ગયા હતાં તેઓ તો ૬૫ની ઉંમરે રોજ,“આજે મારી કમર દુખે છે અને મને ચાલતા શ્વાસ ચડે છે.ભગવાન અટકી જઈએ તે પહેલા લઈલે તો સારું ,હવે જીવનમાં કંઈ મઝા નથી.” હમેશાં આવીજ વાતો કરતા.
ગુણવંતીબેનની પાર્ટીમાં જઈને તો તેઓ આશ્ચર્ય ચકિત થઈ ગયા. તેમના વિચારો તેમનું રહનસહન તેમના દીકરાઓએ બનાવેલ તેમની ફિલ્મ ,ફોટા અને પુત્ર,પુત્રવધુઓ અને તેમના પૌત્ર-પૌત્રીએ તેમના અંગે કરેલ વાતોએ માયાબેન અને નરેશભાઈને વિચારતા કરી મૂક્યા.
૧૦૦ વર્ષની ઉંમરે તેમનો જીવન જીવવાનો ઉત્સાહ નવજુવાનને શરમાવે તેવો હતો.સંગીતમાં ડબલ વિશારદ અને અંગ્રેજી સાથે મુંબઈની વિનસેંટ કોલેજમાંથી ગ્રેજયુએટ ગુણવંતીબેનનું અંગ્રેજી પરનું પ્રભુત્વ પણ કંઈ નોખું જ હતું.તેમની જીવન જીવવાની રીત અને જીવન પ્રત્યેનો અભિગમ લાજવાબ હતો.સોવર્ષની ઉંમરે ગીતો ગાવા,કોઈપણ વાજીંત્ર હોય તાનપૂરો,હાર્મોનિયમ કે સરોદ વગાડી પોતાની જાત સાથે મગ્ન બની આનંદિત રહેવું.ગરબા અને નૃત્યના પ્રોગ્રામ સ્ટેજ પર ભજવવા.બધીજ બોર્ડ ગેમ,પત્તા ,કેરમમાં ભલભલાને હરાવી દેવા.સિનિયરોની સોસાયટીનીઅને ઉમંગ અને રોટરી ,લાયન્સ જેવી સંસ્થામાં સક્રિય રહી સમાજને ઉપયોગી થવું.રોજ પલાળેલા ડ્રાયફ્રુટ ખાઈને કસરત કરવી. પોતાના પૈસા સંભાળવા ,ચેકો ભરવા ,પોતાના પૈસાનો વહીવટ પોતે જ કરવો,પોતાનું બેંકનું કામ પોતે જ સંભાળવું.ઘરડાં થયા હવે શું કપડાંને દાગીના એવો વિચાર જરા પણ કર્યા વગર રોજ નવી સાડી પહેરી અને પોતાના બગીચામાંથી ફૂલો તોડી સાડીને મેચીંગ મોગરા,ગુલાબ અને કોયલની વીણી બનાવી અંબોડામાં નાંખવી.મિત્રો સાથે મળી નિત નવી વાનગી આરોગવી.આઈસક્રીમ પાર્ટી કરવી,રોજ નિયમિત ચાલવું અને કસરત કરવી.નવા નવા ભજનો જાતે બનાવી ગાવા,નાટકને સંગીતના સમારંભોમાં જવું.તેમના જીવનની વાત સાંભળી માયાબેન અને નરેશભાઈતો વિચારમાં પડી ગયા!
એથીએ વિશેષ જ્યારે તેમના જમાનાથી ખૂબ આગળ કોઈ જ્ઞાની ગુરુ જેવી તેમની વિચારસરણીની વાત તેમની પૌત્રીઓએ કરી ત્યારે તો પાર્ટીમાં આવેલ સૌ વાહ વાહ પોકારી ઊઠ્યા.
તેમની પૌત્રીએ કીધું” જ્યારે હું સ્કૂલમાં જતી ત્યારે મારા ક્લાસનાં બધા છોકરાઓ પહેલાં પાના પર તેમના દાદીના કહેવા પ્રમાણે નમ:શિવાય કે શ્રી રામ કે જય સાંઈબાબા લખતા ત્યારે મારા દાદી મને લખાવતા “હું બધાંથી વિશિષ્ટ છું”આજની secret પુસ્તક કે ગુરુઓના હકારાત્મક અભિગમની વાત તેમણે ૫૦ વર્ષ પહેલા તેમના બાળકોને શીખવી છે.તેમજ તેમના પૌત્ર-પૌત્રીને લખેલા તેમના પત્ર જે તેમના જ મોતીના દાણા જેવા અક્ષરમાં નીચે મુજબ પાર્ટીનાં પરિસરમાં લગાવેલ હતા.
1. દુ:ખી થવાના દસ રસ્તા
2. તમારી જ વાત કર્યા કરો.
3. તમારો જ વિચાર કર્યા કરો.
4. કદર કદર ઝંખના કરો.
5. કોઈ ઉપેક્ષા કરે તો બળ્યા કરો.
6. બંને તેટલીવાર “ હું” વાપરો.
7. બીજાઓ માટે બંને તેટલું ઓછું કરો.
8. તમારા સિવાય કોઈનોય વિશ્વાસ ન કરો.
9. બંને ત્યાં તમારી ફરજમાંથી છટકી જાઓ.
10. દરેક બાબતમાં તમારો જ કક્કો ઘૂંટ્યાં કરો.
11. તમારી મહેરબાની માટે લોકો આભાર ન માને તો મનમાં સમસમ્યા કરો.
આવા તો અનેક પત્રો ત્યાં મૂકેલા જોઈ અને પુત્રવધુઓને તેમની વ્યવસાયીક પ્રગતિ માટે લખેલ પ્રશંસાના પત્રો જોઈ સૌને તેમના વિશિષ્ટ અને બધાંથી અલગ તરી આવતી વિચારસરણી માટે અનેરું માન ઊપજ્યું.
ગુણવંતીદાદીની પાર્ટીમાંથી ઘેર ગયા ત્યારે માયાબેન અને નરેશભાઈ જેવા અનેક સિનિયરો પણ પોતે પોતાની જાતને વૃદ્ધ નહી સમજી ,જીવનને કોઈપણ શારીરિક,માનસિક કે સામાજિક ફરિયાદ વગર અંત સુધી નિજાનંદી બનીને રસસભર રીતે કેવીરીતે જીવી શકાય તેની પ્રેરણા લેતા ગયા.સાથેસાથે વૃધ્ધાવસ્થાનો
સહર્ષ સ્વીકાર કરવાનું પણ શીખતા ગયા.
જીગીષા પટેલ
જિગિષા,
વૃદ્ધાવસ્થાના સ્વીકાર માત્રની વાત કરીને બેસી રહેતા સૌ માટે ગુણવંતીદાદી તો એક અનોખા આદર્શ પુરવાર થાય એમ છે. એમની જાત સાથે પણ આનંદથી મગ્ન રહેવાની, જીવનને એક ઘરેડરૂપ માનીને જીવવાના બદલે ઉત્સવની જેમ જીવી લેવાની વાત તો સૌ માટે ઉત્તમ સંદેશ છે. આવી વ્યક્તિને ૧૦૦ વર્ષના જીવનનો ક્યારેય ભાર ન લાગે કે આવી વ્યક્તિના ૧૦૦ વર્ષ કોઈની ઉપર ભારરૂપ પણ ન બને.
LikeLiked by 1 person
સરસ ,વૃદ્ધાઅવસ્થાને લીલીછમ રાખવાના સચોટ ઉપાય દેખાડી આપ્યા
LikeLike
સુંદર આલેખન અને સંદેશ. જીવન જીવવાનો સાચો અભિગમ જે મહદ અંશે ઉમર વધવાની સાથે વિસરાઈ જાય છે, તે ગુણવંતીદાદી ના વ્યક્તિત્વ માં ભારોભાર છલકે છે.
LikeLiked by 1 person
સાવ સાચી વાત. અને… આમ જીવવું શક્ય જ નહીં , સહેલું પણ છે. પણ…
ઔથી અઘરી વાત અભિગમ બદલવાની છે.
LikeLike
સોરી… સૌથી અઘરી વાત.
LikeLike