ધર્મ અને સાહિત્ય

ધર્મ અને સાહિત્યને ખૂબ ગહેરો સંબંધ છે.  ધર્મની સ્થાપના જ સાહિત્યથી થાય છે.  સાહિત્ય એટલે શું ?  અને સાહિત્યનું સર્જન કેવી રીતે થયું?  માં બાળકને હાલરડું ગાય – એ પોતાની માતૃ ભાષામાં , એની સાથે વ્હાલ કરે અને કાલીઘેલી ભાષામાં લાડ લડાવે એ સાહિત્યનું જ સર્જન થાય છે.  બાળક માં પાસેથી બોલતાં શીખે, શબ્દો શીખે અને આગળ જતાં જેમ બાળક મોટું થતું જાય એટલે માં-બાપ તેને સારાં -નરસાનું ભાન કરાવે.  આ બોલાય અને આ ન બોલાય.  વડીલોને વિવેકથી બોલાવાય.  મોટા થાય પછી ધર્મનું જ્ઞાન પણ માં-બાપ પાસેથી જ મળે છે.
 
તો ધર્મ એટલે શું?  ધર્મ એટલે તમારું આચરણ .  નિજ જીવન જીવવાની રીત.  માનવીનું જીવન એવું હોવું જોઈએ કે ધર્મ એમાંજ સમાય જાય.  જેવું કે સત્ય બોલવું, દુરાચારી ન હોવું, અન્યને દુઃખ ન દેવું, ચોરી ન કરવી, સેવા ભાવ કેળવવો, અપેક્ષા રહિત રહેવું, જીવ દયા કરવી, વીગેરે.
 
એટલે ધર્મને આપણે સામાન્ય જીવનમાં વણી લેતાં હોઈએ છીએ અને ધીમે ધીમે એને શબ્દોનું સ્વરૂપ આપી સાહિત્યનું સર્જન કરીએ છીએ.  મીરાંબાઈએ જે ભજનો અને પદો ગાયા છે એમાં શ્રી કૃષ્ણને શબ્દે શબ્દે વીણી લીધા છે.  ” માઇ મૈને ગોવિંદ લીન્હો મોલ, કોઈ કહે છાને, કોઈ કહે છુપકે, કિયો હૈ બજંતા ઢોલ ”   “પગ  ઘુંઘરુ બાંધ મીરાં નાચી રે, મૈં તો નારાયણ કી આપહી હો ગઈ દાસી રે “
” બોલ મા, બોલ મા, બોલ મા રે, રાધાકૃષ્ણ વિના બીજું બોલ મા, સાકર શેરડીનો સ્વાદ તજીને, કડવો તે લીમડો ઘોળ મા રે “
 
તો નરસિંહ મહેતાએ સમગ્ર ભાવ એનાં ભજન અને પદો થકી દર્શાવ્યા છે.
“વૈષ્ણ્વ જન તો તેને કહીએ, જે પીર પરાઈ જાણે રે,  પરદુઃખે ઊપકાર કરે તો ય મન અભિમાન ન આણે રે “
“અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત ભાસે
દેહમાં દેવ તું, તેજમાં તત્વ તું, શૂન્યમાં શબ્દ થઇ વેદ વાસે
જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઉમાં અટપટાં ભોગ ભાસે “
 
એ પછી બ્રહ્માનંદ થઇ ગયા- એમણે 8000 આઠ  હજાર પદો લખ્યા છે માનવીને અસત્ય, કપટ વીગેરે હલકા આચરણથી બચીને સુમાર્ગે જવાનો ઊપદેશ આપ્યો છે.  તેમણે રાધા-કૃષ્ણના કાવ્યો રચ્યા છે તેમજ જ્ઞાન -વૈરાગ્યનાં પદોમાં સંસારને મિથ્યા ગણાવ્યું છે.
એમનું એક પદ છે જે “બાળપણ તેં જીવ અજ્ઞાની, ખબર વિનાનું ખોયુજી, સારું ભૂંડું કાંઈ ન સૂઝ્યું , રમતમાંહી મન મોહયુ જી “
 
ભક્ત દયારામ ભક્તિયુગનો છેલ્લો પ્રતિનિધિ કવિ તરીકે ઓળખાય છે.  દયારામ ગરબી માટે પ્રખ્યાત છે એની ગરબીમાં મિલનનો તલસાટ અને મિલનનો આનંદ દૃષ્ટિગોચર થાય છે.  “પ્રગટ મળે સુખ થાય ” આ પદમાં દયારામે સાકાર અને નિરાકાર ભક્તિનો ભેદ સચોટ દૃષ્ટાંત અને દલીલો વડે સમજાવે છે.
“પ્રગટ મળે સુખ થાય, શ્રી ગિરિધર પ્રગટ મળ્યે સુખ થાય
અંતરયામી અખિલમાં છે તેથી કહો કોનું દુઃખ જાય “
 
હરીન્દ્ર દવેની નવલકથા :” માધવ ક્યાંય નથી ”  અને એમનું કાવ્ય માધવ ક્યાંય નથી મધુવનમાં , ફુલ કહે ભમરાને, ભમરો વાત વહે ગુંજનમાં : માધવ ક્યાંય નથી મધુવનમાં ”  ખૂબ જ રસપ્રદ રીતે રજુ કર્યું છે એમાં કવિહદયનો ધબકાર સંભળાય છે.  સમાજનાં અગત્યના પ્રશ્નોને માનવીય દૃષ્ટિકોણથી નિહાળી સહજભાવે એમણે રજુ કર્યા છે.
 
તો પ્રીતમના આ પદે આપણને ભક્તિરસની ચુનોતી આપી છે કે :  હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
                                                                                        પરથમ પહેલું મસ્તક મૂકી વરતી લેવું નામ
 
એટલે સાહિત્ય, કાવ્યો અને પદોને ધર્મ ની સાથે સીધો સબંધ હતો, છે અને રહેશે.
 
સેવા – સેવા ધર્મનો જ એક ભાગ છે.  તમે કોઈને માટે કંઈક કરો, અપેક્ષા વગર, નિસ્વાર્થપણે તો તે સેવા ગણાય.  આપણા ભારતમાં એવા અનેક મહાનુંભૂતિ થઇ ગયા જેઓએ સમગ્ર જીવન સેવા ભાવે અર્પી દીધું.  બાળકોને થતો અન્યાય ખૂબ પ્રચલિત છે કૈલાસ સત્યાર્થીએ આ બીડુ ઝડપ્યું અને નાની વયનાં બાળકોની પાસે કામ ન કરાવતા, નિશાળે મોકલવાનું નક્કી કર્યું.  ગામડે ગામડે ફરી તેઓ આ કાર્ય કરતા રહયા.  અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો.  બાળકોનો ઊપયોગ કરી તેઓની પાસે શોષણવૃત્તિથી કામ લેવું એ જરાપણ ઊચિત ન હતું.  કૈલાસ સત્યાર્થીએ  અસંખ્ય બાળકોને આ દોજખમાંથી બચાવ્યા અને શાળામાં દાખલ કરાવ્યા.
અત્યારે પણ એમનું કામ તો ચાલી જ રહ્યું છે.  સેવા ધર્મનો જ એક વિભાગ છે.
 
સાહિત્ય દ્વારા સમાજ સુધારકનું કાર્ય પણ હંમેશ થતું રહયું છે.  દેશની સેવા કરવી, એને માટે બલિદાન દેવુ એ ધર્મ અને સંસ્કૃતિનો ઉચ્ચત્તમ દાખલો છે.  કવિ નર્મદાશંકર લાલશંકર દવે એ સહુને જીવનનો સંગ્રામ લડતા શીખવાડ્યું.  જીવન એક સંગ્રામ છે.  નર્મદ નું જીવન એક મહાસંગ્રામ હતું.  વહેમ, અજ્ઞાન, પાખંડ, કુરૂઢિ વિગેરે અનિસ્ટો સામે એને ઝઝૂમવાનું હતું.  જુનું તોડીફોડીને નવું સર્જન કરવાનું હતું.  એટલે આ સુધારક કવિ નર્મદાશંકર ગુજરાત અને ગુજરાતી પ્રજાનો સર્વદેશીય ઊત્કર્ષ અને વિકાસ ઈચ્છે છે તો તેઓ શું લખે છે : ”  સહુ ચાલો જીતવા જંગ “
સહુ ચાલો જીતવા જંગ,  યાહોમ કરીને પડો,  ફતેહ છે આગે
કેટલાક કર્મો વિષે ઢીલ નવ ચાલે, શંકા ભય તો બહુ રોજ હામને ખાળે
 
તો જ્યોતીન્દ્ર દવે જેવા લેખકો તેમની હાસ્યકાર શૈલીથી સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકૃતિ ધરાવતાં માનવીઓ હોય છે જેમના વર્તનથી માનવી ત્રાસી જાય છે.  એમણે આ વર્ગના માનવીનાં વર્તનનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી એના નિબંધમાં આ નબળાઈ તરફ વેધક કટાક્ષ કર્યો છે.
 
તો કાજલ ઓઝા વૈદ્ય એ ધર્મ અને સાહિત્યને પૂરો ન્યાય આપ્યો છે.  એમણે માણસ થઈને જીવેલા ઈશ્વરની વાત એમના લેખનથી,
સાહિત્ય દ્વારા સમાજને આપી છે.  અહીં કેટલાકનો ઊલ્લેખ કરું?   સાહિત્યનાં ક્ષેત્રે અસંખ્ય કવિઓ અને સાહિત્યકારો છે જેઓએ ધર્મને સાહિત્યમાં વણી લીધો છે.
 
વિદેશોમાં ધર્મને રિલિજન તરીકે ઓળખાવે છે.  આપણે એવું નથી કહેતા.  હિંદુ ધર્મમાં જે તત્વો છે તે તત્વો આખું વિશ્વ સ્વીકારશે કારણકે એ જડ તત્વો નથી.  જ્ઞાન, વિજ્ઞાન અને અધ્યાતમ ઉપર નિર્ભર છે.  આપણે માટે ધર્મ એ આપણું આચરણ છે.  વે ઓફ લિવિંગ એ ધર્મ છે.  તમારું નૈતિક જીવન કેવું જીવો છો !!  સંસ્કારમય જીવન એજ ધર્મ……….
 
જયવંતી પટેલ
 

2 thoughts on “ધર્મ અને સાહિત્ય

  1. જયવંતી બેન તમે ખરા અર્થમાં ધર્મ અને સાહિત્યનું વિવરણ કર્યું છે. ધર્મ એટલે ફક્ત હિન્દુતો ધર્મ એટલે શું? ધર્મ એટલે તમારું આચરણ . નિજ જીવન જીવવાની રીત. માનવીનું જીવન એવું હોવું જોઈએ કે ધર્મ એમાંજ સમાય જાય. જેવું કે સત્ય બોલવું, દુરાચારી ન હોવું, અન્યને દુઃખ ન દેવું, ચોરી ન કરવી, સેવા ભાવ કેળવવો, અપેક્ષા રહિત રહેવું, જીવ દયા કરવી, વીગેરે.ધર્મ ના હોવો જોઈએ। દુનિયામાં ઘણા ડર્મ છે અને એ બધા ધર્મમાં સાહિત્ય સંકળાયેલું છે. અને સાચી વાત છે અને બધા ધર્મ આજ શીખવે છે સરસ લેખ ખુબ ગમ્યો।

    Like

  2. “સાહિત્યનાં ક્ષેત્રે અસંખ્ય કવિઓ અને સાહિત્યકારો છે જેઓએ ધર્મને સાહિત્યમાં વણી લીધો છે”. – તદ્દન સાચી વાત. જયવંતીબેન તમે સાહિત્યકારોના સર્જન ને સરસ રીતે વણી ને લેખ લખ્યો છે તે માટે અભિનંદન.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.