૪૯ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

મૃત્યુ… એક નિશ્ચિત સત્ય, જે આવવાનું છે એની સૌની ખબર છે.. માત્ર ક્યારે એની કોઈને ય ખબર નથી. હા, શક્ય છે કોઈને એના ભણકારા  વાગે છે કે સંકેત સમજાતા હોય છે અને ક્યારેક કોઈને એના પગરવની જાણ પણ નથી થતી અને એ આવીને ચૂપકીથી પળવારમાં વ્યક્તિને પોતાની આગોશમાં જકડી લે.  કદાચ એ વ્યક્તિને ય ખબર પડે એ પહેલાં એનો હસતો જીવંત દેહ ક્ષણભરમાં નિર્જીવ બનીને રહી જાય. કલ્પના માત્ર કંપાવી દે એવી છે. એણે કેટલું ય વિચાર્યું હશે, હ્રદયમાં કેટલીય લાગણીઓ હશે જે વ્યક્ત કરવાની રહી ગઈ હશે, ભાવિ માટે કેવા અને કેટલાય આયોજનો વિચાર્યા હશે અને એ બધું જ અવ્યક્ત રહી ગયું હશે?

મૃત્યુ શું છે? એ ક્ષણોનો અનુભવ કેવો હશે? મૃત્યુ પછી શું ? આ બધા જ પ્રશ્નોના ઉત્તર ક્યાં કોઈ આપી શક્યું છે? અને તેમ છતાં ક્યાંક એવું માનવામાં આવે છે કે વ્યક્તિનો આત્મા તેર દિવસ સુધી તો તે સ્થાન પર અથવા તો એના પ્રિયજનોની આસપાસ જ રહેતો હોય છે. સાચા ખોટાની તો કોઈને ય જાણ નથી પણ એ વાતને કદાચ પણ સ્વીકારીએ તો વિચાર આવ્યો કે એ આત્મા એના અંતિમ સંસ્કાર સમયે સૂક્ષ્મ સ્વરૂપે ત્યાં હાજર રહેતો હશે?

એક તરફ વ્યક્તિનો નશ્વર દેહ છે, એની એક બાજુ સંતાનો એના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના-વિધિ કરતાં હોય, બીજી તરફ જેની સાથે જીવનના ચાલીસ-પચાસ કે એથી ય વધારે વર્ષો વિતાવ્યા હોય એ જીવનસાથી આક્રંદ કરતી હોય અને પંડિત એમને સમજાવતા હોય કે

વાસાંસિ જીર્ણાની યથા વિહાય, નવાનિ ગૃહણાતી નરોપરાણી…

તથા શરીરાણિ વિહાય જીર્ણાન અન્યાનિ નવાનિ દેહી..

ત્યારે એમ થાય કે જીવનના એંશી, નેવુ વર્ષ થયા છે એમના જીવતરનું પોત જૂનું થયું હોય પણ હજુ તો તમામ જવાબદારીઓથી મુક્ત થઈને જેના માટે  જીવન માણવા યોગ્ય સમય આવ્યો છે એનું આયખાનું પોત જૂનુ કેવી રીતે? જેના જીવન પર કાળના થપેડા વાગ્યા છે એના આયખાનું પોત જીર્ણ-શીર્ણ થયું એ સમજાય છે પણ જેના જીવતર પર સમય-સંજોગોએ પ્રસન્નતાનો રંગ પૂર્યો છે એ તો આ સુખ-શાંતિના રંગોને માણવાની તૈયારી કરી રહી હોય એ વસ્ત્રને જૂનુ કેવી રીતે કહી શકાય? જ્યારે પંખીને એનું પિંજરું જૂનુ લાગે અને એ નવું માંગે એ સમજાય પણ હજુ તો જે  પિંજરનું કલેવર માણવા યોગ્ય રંગોની ભાતથી શોભી રહ્યું છે, ક્યાંય સમય સંજોગોના થપેડાએ એને ઝાંખું નથી પાડ્યું એને ત્યજીને જવું કેવું લાગ્યું હશે ?

હજુ તો આગળ વધીને પંડિત કહી રહ્યા છે……કે શરીર નાશવંત છે પણ આત્મા અમર, અવિનાશી, ચિરસ્થાયી છે. જેણે જન્મ લીધો છે એનું મરણ નિશ્ચિત છે તો પછી મરણનો શોક શાને? ત્યારે વિચાર આવ્યો કે ભલે આત્મા અમર છે પણ એ અમરત્વ પરિવાર માટે તો માત્ર આશ્વાસન જ ને? એમને તો જે જીવ સદેહે સાથે હતો એની સાથે જ લાગણીના સંબંધો, એનું જ મમત્વ ને?

એક પછી એક વિધિ આગળ વધી રહી હતી અને ઉચ્ચારણો અર્થ સહિત વાતાવરણમાં પડઘાતા હતા…

નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવક, ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ

અને મનમાં વિચારો પણ એની સાથે પડઘાતા હતા…સાચે જ જો એ વ્યક્તિનો આત્મા ત્યાં હાજર હશે તો આ જોઈને શું અનુભવતો હશે.. એનો અદ્ર્શ્ય હાથ સંતાનોને શાંત કરવા લંબાયો હશે? જીવનસાથીને આશ્વત કરવા વ્હાલથી વિંટળાતો હશે?

જેના ઉત્તરો આજ સુધી કોઈ આપી શક્યું નથી એ પ્રશ્નો ,એની કથા કે વ્યથા પણ એના નશ્વર દેહ સાથે જ પંચમહાભૂતમાં ભળી જવાના ને? પણ જો એ વ્યક્તિ સ્વસ્થ જીવન ભરપૂર જીવી હશે તો ત્યારે એના પરિવારને એવું કહેવા ઇચ્છતી હશે કે ….

હર્યુ ભર્યુ ઘાસ હોય, ખુલ્લુ આકાશ હોય

આછો અજવાસ હોય,પછી ભલે છૂટતા આ જીવતરના શ્વાસ હોય

હોય નહીં નર્સો અને નીડલના ઝૂમખા,

આમ તેમ વળગીને અંગે અંગ ચૂભતા

સ્વાર્થ અને સગપણના હોય નહીં ફૂમતા

હોય તો બસ એક

લીલેરા વાંસ હોય, ગમતીલી ફાંસ હોય, ઝાકળની ઝાંસ હોય …

હર્યુ ભર્યુ ઘાસ હોય??????

અને પરિવારજનોને વિધિકારકને એવું કહેવાનું મન થતું હશે કે. જાણીએ છીએ આ બધું જ…આ બધી વાતો વાંચી છે, વિચારેલી છે પણ આવું અચાનક મૃત્યુ જ્યારે સ્વજનને નજર સામે જ ઉપાડી લે ત્યારે આ બધું પોપટિયું રટણ સાચે જ વ્યર્થ લાગે છે. શાસ્ત્રો સાચા હશે પણ સંબંધો ય એટલા જ સાચૂકલા હોય છે ખરા હોં………

આ બધા જો અને તો છે…મનના વિચારો છે જે મારી જેમ તમારા મનમાં ય ઉદ્ભવતા હશે…..કદાચ…..

શાસ્ત્ર કે સમજણ બધું જ પચાવ્યું હોય પણ એ સમયે તો વ્યક્તિની સમજ વરાળ બનીને ઉડી જાય છે અને એનાથી ધૂંધળી થયેલી નજર સામે સ્વજનનો દેહ પણ ભસ્મીભૂત થઈ જાય છે.

કાવ્ય પંક્તિ -દેવેન્દ્ર દવે


Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

4 thoughts on “૪૯ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

 1. very true…
  “શાસ્ત્ર કે સમજણ બધું જ પચાવ્યું હોય પણ એ સમયે તો વ્યક્તિની સમજ વરાળ બનીને ઉડી જાય છે અને એનાથી ધૂંધળી થયેલી નજર સામે સ્વજનનો દેહ પણ ભસ્મીભૂત થઈ જાય છે. “

  Like

 2. ખરેખર,જુદાજુદા ધર્મો પોત પોતાના શાસ્ત્ર મુજબ જુદુજુદ કહે છે પણ મૃત્યુ નું રહસ્ય એ મારા મતે તો એક રહસ્ય જ છે.મૃત્યુ પછી બીજા અનેક યોનીમાં કર્મ પ્રમાણે જન્મ ની વાત ,અણદીઠાં આત્માના શરીર બદલવાની વાત બધું સમજવું ખૂબ અઘરું છે. પણ માણસ જેવું માણસ આમ અચાનક સાથ છોડીને ચાલ્યું જાય ત્યારે ગમેતેટલો ધર્મ સમજવા કે સમજાવવા જઈએ પણ ખૂબ અઘરું છે પણ બધાંને એકવાર તો એમાંથી પસાર થવાનું જ છે.

  Like

 3. *એક🙏સરસ🙏રચના*

  👌 👇 👌

  *બળી જશે લાકડા*
  *ઠરી જશે રાખ…*

  *તારી ખુમારી*
  *તારી પાસે રાખ…*

  *જીવી લે જિંદગી*
  *મોજ મસ્તીની…*

  *તારી અક્કડ*
  *તારી પાસે રાખ…*

  *રોપી દે*
  *પ્રેમનું તરુ…*

  *હેતનું ખાતર*
  *એમાં નાંખ…*

  *ઉગશે ફળ*
  *મધ ભરેલું…*

  *વિશ્વાસના હોઠે*
  *એને ચાખ…*

  *પૈસો*
  *કાંઈ બધું જ નથી…*

  *માનવતાની*
  *બનાવ શાખ…*

  *દરિયો બનશે*
  *કદી તોફાની…*

  *ધીરજની નાવ*
  *તું હાંક…*

  *ખુલ્લી આંખે*
  *તું દુનિયા જુવે…*

  *ક્યારેક તો*
  *ભીતરે તું ઝાંખ…*

  *હારની શરણે*
  *ના થા…*

  *આપી છે તને*
  *હોંસલાની બે પાંખ…*

  *શ્વાસ આપ્યા*
  *પણ જીવે નહિ*
  *એમાં…*

  *ઈશ્વરનો શું વાંક…!!!*

  *(સર્જક 👆 અજ્ઞાત)*

  સ્નેહ વંદન 🙏🌺🌺🙏

  Liked by 1 person

 4. *બળી જશે લાકડા*
  *ઠરી જશે રાખ…*

  *તારી ખુમારી*
  *તારી પાસે રાખ…*

  *જીવી લે જિંદગી*
  *મોજ મસ્તીની…*

  *તારી અક્કડ*
  *તારી પાસે રાખ…*

  *રોપી દે*
  *પ્રેમનું તરુ…*

  *હેતનું ખાતર*
  *એમાં નાંખ…*

  *ઉગશે ફળ*
  *મધ ભરેલું…*

  *વિશ્વાસના હોઠે*
  *એને ચાખ…*

  *પૈસો*
  *કાંઈ બધું જ નથી…*

  *માનવતાની*
  *બનાવ શાખ…*

  *દરિયો બનશે*
  *કદી તોફાની…*

  *ધીરજની નાવ*
  *તું હાંક…*

  *ખુલ્લી આંખે*
  *તું દુનિયા જુવે…*

  *ક્યારેક તો*
  *ભીતરે તું ઝાંખ…*

  *હારની શરણે*
  *ના થા…*

  *આપી છે તને*
  *હોંસલાની બે પાંખ…*

  *શ્વાસ આપ્યા*
  *પણ જીવે નહિ*
  *એમાં…*

  *ઈશ્વરનો શું વાંક…!!!*

  *(સર્જક 👆 અજ્ઞાત)*

  સ્નેહ વંદન 🙏🌺🌺🙏

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.