મિત્રો હું, દર્શના વારિયા નાડકર્ણી તમોને શબ્દોનુંસર્જન બ્લોગ ઉપર અને દ્રષ્ટિકોણ કોલમ ઉપર આવકારું છું. આ પહેલા આપણે એક વાર રેર ડીઝીઝ એટલે દુર્લભ અને અનોખા રોગો વિષે વાત કરેલી http://bit.ly/2IvHJtZ . આજે તેવાજ એક રોગ અને નવી ટેક્નોલોજી ઉપર થોડી વાતો શેર કરું છું.
નાના આંતરડા નો રોગ આ રોગ વિષે અને નવી ટેક્નોલોજી વિષે માહિતી આપતા પહેલા ચાલો આપણે જાણીએ કે આપણે ખાઈએ તે ખોરાક નું કઈ રીતે પેટ માં પાચન થાય છે.
પાચન ક્રિયા સામાન્ય રીતે પાચનની શરૂઆત ખોરાક મોઢામાં પંહોચે છે ત્યારે જ થાય છે. ખોરાક ને ચાવવાની સાથે, મોઢામાંનું થુંક અને લાળ ખોરાકને તોડવાનું શરૂ કરે છે. તે આગળ વધતા, અને અન્નનળીમાંથી પસાર થતાં, ખોરાક સંકોચાય છે અને તે સંકોચન ખોરાકને પેટ તરફ આગળ ધપાવે છે. પેટમાં, ખોરાક વધુ તૂટી અને પ્રવાહી અથવા પેસ્ટ ના સ્વરૂપ માં બદલે છે અને ત્યાં એસિડ્સ અને એન્ઝાય્મ (ઉત્સેચકો) સાથે ભળી જાય છે. પેટ ધીમે ધીમે તે બધું નાના આંતરડામાં ઠાલવે છે.
નાનું આંતરડું
આ ટ્યુબ આકારનું અંગ શરીર નું સૌથી લાબું અવ્યય છે. તે પેટ અને મોટા આંતરડા વચ્ચે સ્થિત છે. નાના આંતરડાને પાચક તંત્રના વર્કહોર્સ તરીકે ગણવામાં આવે છે. તે 20 ફૂટ લાબું અંગ છે અને તેમાં ડ્યુઓડેનમ, જેજુનમ અને ઇલિયમ નામના ત્રણ ભાગ છે.
ડ્યુઓડેનમ એ નાના આંતરડા નો પ્રથમ ભાગ છે જ્યાં સામાન્ય રીતે આયર્ન (લોહ) અને અન્ય મિનરલ્સ (ખનિજો) શોષાય જાય છે.
જેજુનમ એ મધ્યમ વિભાગ છે જ્યાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, અને મોટાભાગના વિટામિન્સ શોષાય છે.
ઇલિયમ એ નાના આંતરડા નો નીચલો ભાગ છે જ્યાં (પિત્ત) એસિડ્સ અને વિટામિન બી 12 શોષાય અને શરીર માં ઉતરે છે.
નાના આંતરડામાંથી ખોરાક મોટા આંતરડામાં જાય છે. મોટું આંતરડું પુખ્ત વયના લોકોમાં લગભગ 5 ફુટ લાબું હોય છે અને ત્યાં પાણી અને બાકીના પોષક તત્વો નું શોષણ થાય છે. તે પછી પ્રવાહીમાંથી તે ઘન પદાર્થમાં બદલાય છે અને શરીર ને ન જોઈતી વસ્તુઓ કુદરતી રીતે બહાર નીકળી જાય છે.
ટૂંકા આંતરડા નો રોગ
ટૂંકા આંતરડા સિંડ્રોમ અથવા Small Intestine Syndrome (SBS) એ બહુ ખરાબ રોગ છે. નાના આંતરડા ની અપૂરતી લંબાઈ મુખ્યત્વે પોષક તત્વો નું શોષણ અને પાચન થવા દેતી નથી. ક્યારેક રોગ અથવા ઈજા ને લીધે આંતરડું નાનું થાય છે અને ક્યારેક જન્મ થી આ રોગ લઈને બાળક જન્મે છે.
માલએબ્સોર્પશન
SBS વાળા લોકો ખોરાકમાંથી પૂરતા પ્રમાણમાં પાણી, વિટામિન, ખનિજો, પ્રોટીન, ચરબી, કેલરી અને અન્ય પોષક તત્ત્વોને ગ્રહણ કરી શકતા નથી. આ ખુબ ગંભીર વાત છે. તેઓને વારંવાર ઝાડા થાય છે, વજનમાં ઘટાડો અને આવશ્યક વિટામિન્સ અને ખનિજોના ન મળવાથી ખુબ શરીર માં નુકશાન થાય છે.
રોગનો વ્યાપ
અમેરિકામાં દર વર્ષે આશરે 8 હજાર નવા કેસ થાય છે. પીડિયાટ્રિક દર્દી બાળકો 3 વર્ષની વયે પહોંચે તે પહેલા મૃત્યુ પામે છે. તેમનું ટૂંકું જીવન એક બેકપેક જોડે બંધાયેલ હોય છે અને તેમાંથી એક સોય દ્વારા બાળકોની નસ માં તેમને ન્યુટ્રિશન પંહોચાડવા માં આવે છે. આ રીતે પોષક તત્વો જઠર માર્ગને બાયપાસ કરીને સીધા લોહીના પ્રવાહમાં આપવામાં આવે છે.
એક્લીપ્સ રીજેનેસિસ સોલ્યુશન આ પહેલા ના દુર્લભ રોગો વિષે ના આર્ટિકલ માં મેં કહેલું કે જે કંપની આવા અનોખા રોગો ઉપર કામ કરી રહી હોય તેમના રસ્તા માંથી સરકાર અને FDA બધા વિઘ્નો દૂર કરી અને તેમનો રસ્તો સાફ કરી આપવા માંગે છે. ખાસ કરીને જો બાળકોને રાહત મળે તેવી ટેક્નોલોજી હોય તો તેવી કંપની નો રસ્તો થોડો આસાન બને છે.
એક્લીપ્સ રિજેનેસિસ કરીને કંપનીએ એક નવું સંશોધન કર્યું છે તેમાં શરીર ની કુદરતી તાકાત નો ઉપયોગ કરેલ છે. એક નાની નિટીનોઇલ કોઇલ નાના આંતરડામાં એક નળી દ્વારા દાખલ કરવામાં આવે છે. પછી તે આઘીપાછી ન થાય તે માટે તેટલા ભાગમાં નાના આંતરડાને બહારથી સુચર્સ લગાવીને સાંકડું કરવામાં આવે છે. આ કોઇલ 2 થી 3 અઠવાડિયા સુધી ત્યાં રહેવા દેવા માં આવે છે. તે દરમ્યાન કોઇલ ને ધીમે ધીમે લાંબી કરવામાં આવે છે. આ સમજવા માટે તમને એક ઉદાહરણ આપું। કોઈના દાંત સીધા કરવા માટે બ્રેસિસ લગાડવામાં આવે ત્યારે તે બ્રશીસ ધીમે ધીમે, દર અઠવાડિયાની વિઝિટ માં ડોક્ટર ટાઈટ કરતા જાય છે અને ધીમે ધીમે તે પ્રમાણે દાંત ને જોઈએ તેવી દિશામાં ફેરવે છે.
તેજ રીતે અહીં કોઇલ ધીમે ધીમે લાંબી કરતા, સાથે સાથે આંતરડું પણ ધીમે ધીમે લાબું થતું જાય છે. મજાની વાત એ પણ છે કે આ 2-3 અઠવાડિયા દરમ્યાન પોશાક તત્વો પણ આંતરડામાંથી નિયમિત રીતે વહેતા રહે છે. લગભગ ત્રણ અઠવાડિયા ના અંતે સુચર્સ ઓગળી જાય છે અને કોઇલ ખોરાક સાથે વહેવા માંડે છે અને કુદરતી રીતે તે શરીર માંથી નીકળી જાય છે. અત્યાર સુધી આ ભયજનક, દયાજનક, અને વિનાશકારક રોગ નું કોઈ સારું નિવારણ જ નહોતું. આ રોગ થી પીડાતા લોકોનું નાનું જીવન પણ ક્યારેક અતિશય પીડામાં ગુજરતું। અને તેમને જીવિત રાખવાનો વાર્ષિક ખર્ચ ત્રણ લાખ ડોલર્સ થી ઉપર આવતો હતો. અને આ કેટલું સુંદર અને સરળ સોલ્યૂશન છે. શરીર ની પેશીઓ અને સ્નાયુઓ ને ધીમે ધીમે થોડી મદદ વડે અને બાકી તેમની કુદરતી તાકાત વડે લંબાવી અને આંતરડા ને લંબાવવાના। અત્યારે આ કંપનીએ ઉંદર અને ડુક્કર ઉપર પ્રયોગો કરેલ છે અને તેમાં તેમને સફળતા મળી છે. ધીમે ધીમે લંબાયેલ આંતરડામાં બધાજ પોષણો શોષણ કરવાની તાકાત છે અને તે પાછું સંકુચિત થતું નથી. અને વારંવાર (થોડા થોડા મહિનાના અંતરે) થોડું થોડું લંબાવીને બહુજ નાના આંતરડાને જોઈતી લંબાઈ આપી શકાય છે.
દુર્લભ રોગો ઉપર કામ કરનારાઓને FDA ખાસ રસ્તો સાફ કરી આપે છે તેથી આ કંપની માને છે કે તુરંત નાના બાળકો ના શરીર માં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે। આપણે ઇચ્છીયે કે તેમને સફળતા મળે.
ખુબ માહિતી સભર
LikeLike
આભાર પ્રજ્ઞાબેન.
LikeLike