ધરા ન્યુયોર્ક એરપોર્ટથી લોંગઆઈલેન્ડ તેની ખાસ સહેલી ગોપીની દીકરીના લગ્ન માટે તેના પતિ સાથે જઈ રહી હતી.કેટલા વર્ષો પછી તે ગોપીને આજે આમ અમેરિકામાં મળવાની હતી તેથી તે ખૂબ ખુશ હતી.ગોપી સાથે સ્કૂલ અને કોલેજમાં માણેલી અનેક ખાટીમીઠી યાદોને વાગોળતી તે લગ્નના સ્થળે પહોંચી ગઈ.ગોપીની એકનીએક દીકરીના ખૂબ ધામધૂમથી પાંચ દિવસના ફંક્શન સાથે લગ્ન હતા.આજે પંચતારક હોટલમાં સંગીતસંધ્યા હતી.તે પહેલા ગાલા ડીનર હતું.હોટલનાં રુમમાં સામાન મૂકતી હતી ત્યાંજ ધરાના આવવાના સમાચાર સાંભળી ગોપી તેને મળવા દોડી આવી.બંને જણા હર્ષના આંસુ સાથે ભેટ્યા અને ગોપીએ ધરાને જલ્દી તૈયાર થઈ ડીનરમાં આવવાનું કીધુ. શોકીંગ-પીન્ક અમદાવાદી શરારા સાથે વિલન્દી ગ્રીનને સફેદ જડતરના દાગીના અને ઢીલા અંબોડામાં પોતાના હાથે ગૂંથેલ ગુલાબની વીણી સાથે ધરા તૈયાર થઈને ડીનરનાં હોલમાં આવી રહી હતી.થોડા થોડા રુપે ઘડેલી ધરા ,કાજલ આંજેલ આંખ સાથે ખૂબ આકર્ષક લાગતી હતી. ડીનરની જગ્યાએ નીચે પહોંચતા જ સામે શેરડીનો તાજો રસ નીકળતો જોયો અને ધરાને અમદાવાદના અટીરા પાસે કોલેજના મિત્રો સાથે રોજ માણેલ એ શેરડીનો રસ યાદ આવી ગયો. એ વેઈટર પાસે મસાલો નાંખીને રસ માંગી જ રહી હતી અને એક અવાજ શેરડીના રસ ભરેલ ગ્લાસ સાથે તેને સંભળાયો, “ મધુ, લે આ શેરડીનો રસ તારા જેવો જ મધુર” ધરા બેઘડી માટે એકદમ અવાચક બની ગઈ!! “આકાશ……તું…… ?” અને આકાશ ધરાની સામે યુનિવર્સિટીના મેદાન પાસે આવેલ શેરડીના સંચા પાસેની લાકડાની બેંચ પર વર્ષો પહેલા ધરાને જેમ શેરડીનો રસ રોજ આપતો હતો તેવી જ રીતે રસ આપી રહ્યો હતો.ખાલી આકાશ જ તેને મધુ કહેતો હતો.આ વાતને આજે વર્ષોના વહાણા વીતી ગયા હતાં…….આકાશે રસ આપ્યો એટલામાં તો તેની પત્ની તેને શોધતી ત્યાં આવી ગઈ “આકાશ ,ચાલો બધા મિત્રો તારી રાહ જોઈ રહ્યાં છે”અને આકાશ તેની પત્ની સાથે જતો રહ્યો. એટલામાં ધરાનો પતિ પણ મિત્રોને મળતો મળતો ધરા પાસે આવી પહોંચ્યો.બંને ડીનર સાથેના સંગીતના ટેબલ પર મિત્રો સાથે ગોઠવાયા.બાજુનાં જ ટેબલ પર આકાશ પણ તેની પત્ની અને મિત્રો સાથે બેઠેલો હતો.બાજુમાં જ બાર હતો. સંગીતની સાથે લોકો ડ્રીંકની લિજ્જત પણ માણી રહ્યા હતા.એકાદ બે હળવા ડ્રીંક લઈ લોકો સંગીત સાથે હળવો ડાન્સ પણ કરી રહ્યા હતાં.પરતું સંગીતનાં બે ત્રણ કલાક થયા હશે અને ચિક્કાર દારુના નશામાં ધુત આકાશ ઘાંટાંધાંટી સાથે બેહુદુ વર્તન કરવા લાગ્યો.તેની આવી બેશરમી ભરી હરકતથી તેની પત્ની શરમ અને સંકોચ સાથે રડવા લાગી.બધાંની માફી માંગતી તે આકાશને ખેંચીને રુમમાં લઈ જવા લાગી.આકાશનાં ના કપડાંના ઠેકાણાં હતા ના એની જાત પર તેનો કાબૂ હતો.તેના મિત્રો અને તેની પત્નીઓનો પણ ગણગણાટ ચાલુ હતો કે “આકાશ દરેક પાર્ટીમાં આટલું બધું પીને તોફાન કરે છે.તેની પત્ની કે તેની પોતાની કે જેના ત્યાં લગ્નમાં કે પાર્ટીમાં આવ્યો હોય તેની ઇજ્જતનો વિચાર પણ કરતો નથી.તેની કીડની પણ હવે કામ કરતી નથી.જોબ છૂટી ગઈ છે.બિચારી તેની પત્ની ,બાળકો,ઘર પોતાની નોકરી અને આકાશના હોસ્પિટલનાં ધક્કા કેટલી જગ્યાએ પહોંચે?” ઘરાને સંગીત પત્યા પછી ઊંઘ નહોતી આવતી.તેને તેના લગ્નની એ આગલા અઠવાડિયાની રાતો યાદ આવતી હતી.તેના માતપિતાએ તેના માટે સમીર જેવો સરસ ખાનદાની છોકરો શોધ્યો હતો. માતપિતાએ લગ્ન નક્કી કર્યા અને પછી ધરાએ કીધું ‘મને આકાશ ગમે છે.’મોટાભાઈ અને મમ્મી -પપ્પાએ તેને સમજાવી કે “આકાશ તારા માટે કોઈ રીતે યોગ્ય નથી.ત્રણ ભાઈ અને ત્રણ બહેનોનો મોટો પરિવાર ,તેના પપ્પાની એક બેંકની જોબ પર નભે છે.નથી તેનામાં એવું કોઈ ભણતર કે કોઈ એવી આવડત .એક નાના ટેનામેન્ટમાં આઠ જણ રહે છે.પ્રેમના આવેશમાં તને અમે આંધળી દોટ નહી મૂકવા દઈએ.તું જે રીતે આપણા પરિવારમાં ઉછરી છું તે આ પ્રેમનો રંગ ઉતરી જશે પછી તને ભારે પડશે .બેટા અમે તને તારા હિત માટે જ કહીએ છીએ.” ધરાને ટીનએજમાં થઈ રહેલા પ્રેમરસનાં સ્ત્રાવની અસર હતી.પોતે મનમાંને મનમાં દુખી પણ થઈ રહી હતી.આકાશનાં પ્રેમ ભર્યા ગળચટાં શબ્દોમાં તે ઓળઘોળ થઈ ગઈ હતી.સોળ વરસની બાલી ઉંમરમાં તે પ્રેમમાં પાગલ થઈ ગઈ હતી.તેને મીંઢળ બાંધતા હતા ત્યારે મનોમન ગણપતિને રડતાં રડતાં હ્રદય નિચોવીને કરેલી વાત પણ યાદ આવી રહી હતી.રચના તો શુકદેવ પંડયાની હતી પણ જાણે ધરા તે દિવસે ગાઈ રહી હતી… “ભીંતે ચીતરેલ રુડા ગરવા ગણપતિ તમે બોલો આ મીંઢળ બાંધું? આખા તે આયખાના મઘમઘતાં કંચવાને પારકી ગાંઠથી કાં ગાઠું? આગળના રસ્તાને ભાળે શું આંખ ,મળે વીત્યાના પડછાયા સામા કાંડું તો બાંધું દેવ તમારા કહેવાથી,હૈયાને કેમ કરી બાંધું? પાનેતર પારકું તો ઓઢીને બેસું પણ મનની ચોપાટ કેમ માંડું?” પ્રેમમાં પાગલ કલ્પનાઓને ઘોડે સવાર મન તેને આકાશ સાથે ભાગી જવાનું કહેતું હતું અને દિમાગ તેને વાસ્તવિકતા દર્શાવી રહ્યું હતું.પરતું ધરા પણ બુધ્ધિશાળી છોકરી હતી .દુ:ખી મન સાથે વાસ્તવિકતા અને માતપિતાની આબરૂ અને તેમની સાચીવાત સાંભળી તેણે સમીર સાથે લગ્ન કર્યા .આજે તેના લગ્નના વીસ વર્ષ પછી આ દશામાં આકાશને જોઈને અને તેની પત્નીની સાથેના તેના વર્તનને જોઈને તેને થયું કે “હે ગણપતિબાપા ! તમે મને તે દિવસે સારા અને સાચા માર્ગે વળાવી.”
જીવન જયારે પ્રશ્નોપનિષદ થઈને ઉભું રહે છે ત્યારે પરિસ્થિતિ નો સ્વીકાર જ આગળનો માર્ગ સુજાડે છે.દરેક વ્યક્તિનો ઈશ્વર સાથે સંબધ હોય છે.પરંતુ તેનો અહેસાસ ક્યારેક જ થતો હોય છે.સરળ ભાષામાં સરસ રજૂઆત
ક્યારેક પ્રેમના કેફમાંથી બહાર આવીને માતા-પિતાની વાત માની લેવામાં ય સમજદારી છે ખરી.
આ વાતને સરસ અને સરળ રીતે વણી લીધી છે.
સમય અને સંજોગો સામે નમતું જોખી દેવામાં સાર તો ખરો એ વાત સમજાય ત્યારે જ સાચો નિર્ણય લીધાનું સુખ સમજાય.
જીવન જયારે પ્રશ્નોપનિષદ થઈને ઉભું રહે છે ત્યારે પરિસ્થિતિ નો સ્વીકાર જ આગળનો માર્ગ સુજાડે છે.દરેક વ્યક્તિનો ઈશ્વર સાથે સંબધ હોય છે.પરંતુ તેનો અહેસાસ ક્યારેક જ થતો હોય છે.સરળ ભાષામાં સરસ રજૂઆત
LikeLike
ક્યારેક પ્રેમના કેફમાંથી બહાર આવીને માતા-પિતાની વાત માની લેવામાં ય સમજદારી છે ખરી.
આ વાતને સરસ અને સરળ રીતે વણી લીધી છે.
સમય અને સંજોગો સામે નમતું જોખી દેવામાં સાર તો ખરો એ વાત સમજાય ત્યારે જ સાચો નિર્ણય લીધાનું સુખ સમજાય.
LikeLike
Very nice message ! Depicted in a right manner ! Teenage love is blind ; and listening to parents is the right way to make a final decision!
LikeLike