હળવે થી હૈયાને હલકું કરો-10

મિત્રો  15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ.
આ સ્વતંત્રતા એટલે શું?,આઝાદી એટલે શું?,
એક મહાન વિચારક અને તત્વચિંતક ડો.ભીમરાવ આંબેડકર સાહેબે
ખુબ જ ગહન અર્થમાં સાચુજ કહ્યું છે કે… “વૈચારિક સ્વતંત્રતા વાસ્તવિક સ્વતંત્રતા છે. જે વ્યકિત સાંકળોમાં બંધાયેલો નથી છતાં પણ તે માનસિક રીતે ગુલામ છે તો તે ખરા અર્થમાં ગુલામ છે, મુક્ત માણસ નથી. જેનું મન મુક્ત નથી, તે જેલમાં ન હોવા છતાં તે કેદી છે અને મુક્ત માણસ નથી. જે વૈચારિક રીતે મુક્ત નથી, તે જીવંત હોવા છતાં મૃત જેવાજ છે. વૈચારિક સ્વતંત્રતા આપણા અસ્તિત્વનો પુરાવો છે. “
હું નાનો હતો ત્યારે ગુલામી એટલે અંગ્રજોનું રાજ્ય એમ જ સમજ્યો હતો,આમ જોવા જઈએ તો સ્વતંત્રતા ખરો અર્થ પરાધીનતામાં સમજાતો હોય છે.લ્યોને આજે હૈયું ખોલી મારી જ વાત કરૂં, હું, બે બહેનો, બે ફૈબા અને મમ્મી એમ પાંચ સ્ત્રીઓ તથા પપ્પા વચ્ચે હું એક જ નાનકડો લાડકો દીકરો.કૉલેજમાં આવ્યો ત્યાં સુધી મને બધાં લોકોના લાડકોડ ગમતાં હતાં. મને મારા ઘરમાં એટલા બધા લાડકોડ કરવામાં આવ્યો છે કે આજે હું મારું એકપણ કામ જાતે નથી કરી શકતો. એક પણ નિર્ણય કોઈના વગર લઇ શકતો નથી.મને મારૂં અસ્તિત્વ જાણે કોઈનો સહારો ઝંખતું હોય એવું લાગ્યા કરે છે. હું સ્વતંત્ર રીતે કંઈ કરી જ નથી શકતો. મને એવું લાગે છે કે શ્વાસ લેવા સિવાય હું કોઈ જ જવાબદારી કે કામ મારી રીતે કે જાતે નથી કરતો. મને એટલો બધો રક્ષિત રાખવામાં આવ્યો છે કે મને પોતાને નથી સમજાતું કે મારી સાથે કેમ આવું કરવામાં આવ્યું? અમારા ઘરમાં મારા પપ્પાના જન્મ બાદ વર્ષો પછી દીકરા તરીકે મારો જન્મ થયો. વળી ઘરમાં અલગઅલગ ઉંમરની આટલી બધી સ્ત્રીઓ. હું તો તેઓ મને જેમ ઉછેરતાં હતાં એમ ઉછરી રહ્યો હતો. હવે મારામાં સમજ આવી છે ત્યારે મારી જાતને અધૂરી અને પરતંત્ર અનુભવું છું. વાંક કોનો હતો એ નથી સમજવું મારે. મને તો એટલી સમજ પડે છે કે છોકરો હોવા છતાં સ્વતંત્રતા કે પોતાની રીતે સમજ કેળવાય એવા કોઈ ગુણો મારામાં છે જ નહીં. પોતાની ઈચ્છા મુજબની કારકિર્દી બનાવતા મિત્રોને જોઉ છું ત્યારે એ બધું સમજાય છે.કોઈ મને રોકવા કે ટોકવાવાળું નથી. પૈસા માટે સંઘર્ષ કરવો પડ્યો નથી,પણ કૉલેજની જિંદગીમાં મારી સાથે ભણતાં બીજાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે મારી જાતને હું બહુ પાછળ છું એવું લાગ્યા કરે છે. મારામાં આત્મવિશ્ર્વાસનો અભાવ છે અને દેખાવમાં પણ હું સામાન્ય છું એટલે મારા મિત્રો મને પાછળથી બાબુડો કહીને ખીજવે છે.
જિંદગીમાં શરતોને આધીન ઘણુંબધું હોય છે. ન કહેવાય કે ન સહેવાય એવી સ્થિતિ હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે.પણ જ્યારે તમારી સમજ એ શરતોને આધીન ન થાય ત્યારે તમારે તમારી રીતે રસ્તો કાઢવો જ પડે.’ મેં હવે એક મનોવૈજ્ઞાનિકની સલાહ લીધી છે. એમની મદદથી હું ધીમેધીમે મારી એક જ પ્રકારે ઘડાયેલી માનસિકતા સામે હું લડી રહ્યો છું. બીજા ઉપરની મારી નિર્ભરતા મારે છોડવી છે. અલગ અનુભવો, અલગ પરિસ્થિતિઓમાં પણ નિર્ણયો લેવાની અને વર્તવાની મારી ઈચ્છા છે હવે એ જ એક જ ઘરેડમાં ન જીવવાની મને સમજ આવી છે પણ એ મારી જાતને ક્યારે ટટ્ટાર કરશે એની મને ખબર નથી.
મારો જે ઉછેર થયો એની સામે મને કોઈ ફરિયાદ નથી. હું જેવો છું એની સામે પણ મને કોઈ સવાલો નથી. પણ હવે મને મારી રીતે, મારી સમજ પ્રમાણે જિંદગી જીવવી છે. રોજિંદી જિંદગીમાં જે વસ્તુઓ ક્યારેય નથી તે કરી મારે શીખવું છે,ભૂલો કરવી છે. પોતાની જાતને શોધવાની એક યાત્રા મારે કરવી છે! મારી પાસે આમ દેખીતી રીતે જોવા જાઓ તો કોઈ કમી નથી. હું મારા પોતાની અંદરના જ અસ્તિત્વ સાથે પોતાની જ સ્વતંત્રતા માટે લડી રહ્યો છું. સ્વતંત્રતા એટલે કોઇની પણ રોકટોક સલાહવગર વિચારો કે દ્રષ્ટિકોણ રજૂ કરી શકું તેવો એક હકારાત્મક થરથરાટ મને જોઈએ છે.મારી જિંદગીના નિર્ણય હું ખુદ લઇ શકું તેવો એક અભિગમ મને જોઈએ છે.
મારી વાણી પોતાને નહીં મળતી સ્વતંત્રતાને કારણે કોઈવાર અસ્વસ્થ થઈ જાય છે. પણ મને મારી સમજદારી એને સ્વચ્છંદ થતાં રોકે છે. મુક્ત વાતાવરણમાં કે મોકળાશમાં જ ચિત્રકાર કેનવાસ પર પોતાની કળાને છૂટી મૂકીને અદભુત ચિત્ર રચી શકે અને સાહિત્યકાર બેનમૂન સાહિત્ય સર્જી શકે.એ વાત મને સમજાઈ ગઈ છે. આમ ગમતું કામ કરવાની આઝાદી માણસની અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાની તક પૂરી પાડે છે…
આજે ૧૫ઓગસ્ટે એટલું તો જરૂર કહીશ કે આઝાદી વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે, જીવનનું મૂળભૂત તત્વ સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છે એ ભુલવાનું નથી.સ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી,પરાધીનતા અસ્તિત્વને થતી ગૂંગળામણ પણ છે. એને કઈ રીતે દૂર કરવી, ક્યા રસ્તે આગળ વધવું એ નિર્ણય જ તમારી સમજદારીમાં સમાયેલો છે. સ્વાધીનતા લઇ જાય છે માનવીને એક મુકત મુકામ તરફ અને માટે જ સ્વતંત્રતા અપેક્ષિત છે.
આજે અહી ભારત દેશની વાત કરૂં તો સ્વતંત્રતા સાથે આજે આપણી પાસે વૈચારિક આઝાદી વર્તાય છે અને વૈચારિક આઝાદી જ આપણા અસ્તિત્વ નો પુરાવો છે.
મિત્રો અહી હળવે થી હૈયાને હલકું કરો, બસ તમારા ડૂમાને ખોલી વાત કરશો તો કદાચ તમારી વાત બીજાને માટે દીવાદાંડી બને અને કોઈને ઉજાસ મળી જાય, આમતો જિંદગી અનુભવે જ શીખાય છે. પછી એ તમારો અનુભવ હોય કે મારો.
પ્રજ્ઞા દાદભાવાળા

“ સબંધનો સરવાળો “-રેણુબેન વખારિયા

સબંધ શબ્દ જીવન સાથે બહુ જ સહજતાથી ભળી ગયો છે, જાણે કે જીવન નો પર્યાય શબ્દ જ સબંધ! શું માનવ જીવનની કલ્પના સબંધ વગર થઇ શકે ખરી? ખરૂં જોઈએ તો જીવન સમજમાં આવે એ પહેલાંજ સંબંધના તાણાંવાણાંથી ગુંથાઈ જાય છે. માંના ગર્ભમાંથી જ આવતાની સાથે કેટલાંક સબંધના તાર આપોઆપ જ બંધાઈ જતાં હોય છે.
જેમ કે માતાપિતા,દાદાદાદી,કકાકાકી,ભાઈ,બહેન આમ કેટલાક સબંધ આપોઆપ જ બની જાય છે જેને આપણે લોહીના સબંધ તરીકે ઓળખીયે છીએ  તો કેટલાક સબંધ બનવવા પડે છે તો કેટલાંક સબંધ બનાવતા જન્મારો વિતી જાય છે! માણસ એક સામાજિક પ્રાણી છે. કુંટુંબ કુંટુંબ વચ્ચેના સબંધ, કુંટુંબ અને સમાજ વચ્ચે, સમાજ અને રાષ્ટ્ર,અને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેના સબંધો, વ્યાપારીક સબંધો ,પ્રાકૃતિક સબંધો આમ જોઈ આ તો આખુંય જગત સંબંધોના તાણાંવાણાંથી ગુંથાયલું છે.
જીવનમાં જેવા અને જેટલા સબંધો સુંદર,સુંવાળાં ,મીઠા,મધુરા એવું જ જીવન મીઠું મધુરૂં અને સુવાળું બની જાય છે. પરંતુ સબંધો જીભના રસાસ્વાદ સ્વાદ જેવા છે. કેટલાંક ખાટા ,મીઠા,તુરા ,અને કડવાં તેમ જિંદગીમાં પણ જાતજાતના સબંધોના અનુભવ થાય છે.સબંધ જીવનમાં ઘણું શીખવી જાય છે. ખરેખર તો વિવિધતા ભર્યા ખાટા,મીઠાં ,કડવાં સબંધોથી જ જીવન નું ખરું ઘડતર થઇ છે. કેટલાક કેટલાંક સબંધો સદાબહારની જેમ હંમેશા ખીલેલા રહે,પુરબહાર પ્રેમની હેલીઓ ઉછળતી જોવા મળે છે.
 કયારેક સબંધ સુકા ભટ્ટ જેવા ભેંકાર બની જાય છે. કુટુંબ માં ભાઈ ભાઈ વચ્ચે ,માબાપ અને સંતાનો વચ્ચે ,પતિ પત્નીના સબંધો કડવાશ ભરેલા હોય છે! એકમેકની સામે જોવા તૈયાર નથી! ક્યાંક સંતાનો માબાપને છોડી દે છે તો ક્યાંય માબાપ સંતાનોના મોઢા જોવા તૈયાર નથી. આજે સમાજમાં વધારે ને વધારે વૃધ્ધાશ્રમ, સનિઅર સિટિઝન હોમનું પ્રમાણ વધી રહ્યું છે અને બાળકો માટે ડે કેર વધી રહયા છે.  આપણે સૌ વિભક્ત કુટુંબને વધાવી રહ્યા છીએ. સબંધોમાં તિરાડ પડે ત્યારે કુટુંબો તુટી પડે છે. આજે સમાજની એક મોટી સમસ્યા બની ગઈ છે!
સબંધની ઈમારતને મજબુત રાખવા ઘણી કુરબાની આપવી પડતી હોય છે. જ્યાં અતુટ વિશ્વાસ ,નિસ્વાર્થ પ્રેમ ,સાચી ભાવના હોય તે સબંધ દિર્ઘકાળ ચાલે છે પરંતુ જયારે સબંધોમાં જયારે શંકા ,સ્વાર્થ ,ઈર્ષા ,અહમ અને અપેક્ષા ભળે ત્યારે એ સબંધોની દીવાલો ખોખલી કરી નાખે છે. જેમ ઉધઈ પેસી જતા ધરખમ બિલ્ડીંગ ધરાશાયી બની જાય  તેમ સબંધોની દિવાલ ખોખલી કરી તેમાં ક્લેશ,કંકાસ પ્રવેશીને મજબુત દિવાલને ભસ્મીભૂત કરી નાખે છે.પોતીકા કુટુંબના માણસો ક્ષણભરમાં પારકા બની જાય છે.જીગરી દોસ્ત દુશ્મન બની બેસે છે. સબંધની ગહેરાઇને સમજવી સહેલી નથી. આખરે તો સબંધ માનવી ના મન અને હ્ર્દયથીજ ગુંથાય છે ને !કેટલાક અતૂટ લગતા સબંધ પાણીના પરપોટાની જેમ ક્ષણમાં તુટી જતા હોય છે. કેટલાક ઉપરછલ્લા તો કેટલાક વહેવાર  પુરતા હોય છે. કેટલાક સબંધો સમાજના શ્રેષ્ઠ ઊદાહણરૂપે પણ છે. રામલક્ષ્મણનો ભાતૃભાવ ,સીતાનો પતિ પ્રેમ,  એ પણ રામની સાથે જ રાજમહેલ છોડી વનવાસને વધાવે છે. આવા કેટકેલાય સબંધો યુગયુગાંતર અમર બની ગયા છે તો સ્વાર્થ ,ઈર્ષાને કારણે મહાભારત પણ રચાયું છે.આમ સબંધોના પાયા ક્યારે પલટાઈ જાય તે સમજવું સમજબહારની વાત લાગે છે. આમ સંસારના દરેક પાસામાં સબંધ સંકળાયેલ છે. લૌકિક,પરલૌકિક અને પ્રાકૃતિક! આપણે ભગવાન અને ભક્તના સંબંધને જાણીએ છીએ. નરસિંહ મેહતાની હૂંડી સ્વીકારવા શામળા શેઠ થઇ ને આવે છે તો મીરાંબાઈના ઝેર પણ પીધા. આમ આખુંય જગત સંબંધોના તાંતણે બંધાયેલ છે. અરે પશુ પક્ષીનો પ્રેમ જુવો, તમે ક્યારેય ચકલીને એના બચ્ચાને ચાંચમાં ચાંચ નાખી દાણા આપતી જોઈ છે ? ગાય પોતાના વાછરડાને દૂધ પાતી હોય ત્યારે જીભથી કેવી ચાટતી હોય છે ?ડો. જગદીશચંદ્ર બોઝે પણ સાબિત કર્યું છે કે વનસ્પતિ,ફૂલ છોડને પણ સંવેદના છે. જીવન આખુય સબંધના સથવારે જ પૂરું થાય છે તો શા માટે એની સુંદર સંબંધો થકી ગૂંથણી ન કરવી?
જીંદગીનું સરવૈયું એટલેજ સંબંધ, જીવન કે કુંટુંબમાં દરેકે દરેકને સાચા સારા સંબંધની ઝંખના  હોય છે. કુંટુંબમાં એક્બીજા ને સહન કરવાં પડે તેના કરતા એકબીજા ને પરસ્પર પ્રેમ સાથે એકબીજાની તાકાત, શક્તિ બની રહે તો દરેક કુટુંબ સુખી બની રહે.સંબંધ એટલે જ નિસ્વાર્થ ,નિર્મળ પરસ્પર પ્રેમ,સમજણ ,હુંફ, સંવેદના ,લાગણી ,વિશ્વાસનું સંયોજન એટલે જ સબંધ.

૪૧ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચણાના ઝાડ પર ચઢાવવું

ચણાનું ઝાડ હોતું નથી, તેનો છોડ હોય છે. આ વાત કાલ્પનિક કહેવાય. તો પછી આવી કહેવત કેમ? તેના માટે તેનો અર્થ સમજવો પડે. ચણાના ઝાડ પર ચઢાવવું એટલે લાયકાત વગરના માણસના ખોટા વખાણ, ખોટી પ્રશંસા કરવી, ખુશામત કરવી. ચણાના ઝાડ પર ચઢવાની વાત સૂચવે છે કે ખોટી પ્રશંસા એક એવી સીડી છે કે જે ઉપર ચઢાવે છે પણ લિફ્ટની જેમ સડસડાટ નીચે ઉતારે છે.

કેટલાંક લોકોને તેમને કોઈ તેમની પ્રશંસા કરે એ ગમે છે. હમણાં જ ફેસબુક પર એક યુવાન મિત્રએ લખ્યું, મારામાં રહેલાં ગુણો લખો. માત્ર લાઈક ના કરતાં. આ શું સૂચવે છેશું વ્યક્તિએ બીજાએ કરેલી પ્રશંસાથી ખુશ થવાનું છે? જે વ્યક્તિ મિત્ર બનીને આજે પ્રશંસા કરે છે તે કાલે દુશ્મન પણ થઈ શકે. કાલે તેનો તમારા માટેનો અભિપ્રાય બદલાઈ પણ શકે! બીજાના અભિપ્રાય પર આપણે આપણી જાતને શા માટે મૂલવવી? ખોટી પ્રશંસા કરીને ચણાના ઝાડ પર ચઢાવનાર આ સમાજમાં ઘણાં છે. ખુશામત આપણને ક્યાંય લઈ જતી નથી. સર થોમસે કહેલું કે ફ્લેટરરને જગલર કે જાદુગર કહે છે. તે સત્યથી અળગો હોય છે.  અને ડાહ્યો માણસ તેનાથી મૂરખ બનતો નથી. જીવનમાં ખુશામત કરતા મિત્રોથી પણ ડરવું રહ્યું. ખુશામતખોર લાંબે ગાળે સમાજમાં પોતાનું સ્થાન ગુમાવે છે. જી હજૂરિયા, મસ્કાબાજ, ચમચાઓ આ દુનિયામાં ઘણાં છે. આ પણ એક કળા છે. પરંતુ આમાં કોણ ફાયદામંદ છે, કોને કેટલું નજીક રાખવું, તે જાણવું એ પણ એક કળા છે.

કેટલાંક લોકો એવા પણ હોય છે કે જે માનતા હોય છે કે, મરી જઈશ પણ કોઈની ચાપલૂસી તો નહીં જ કરું. શું આને જીવન જીવવાનો પ્રેક્ટીકલ વે કહેવાય? રીડગુજરાતી બ્લોગ પર એક વાત વાંચવામાં આવી. ગ્રીસનો મહાન ફિલોસોફર ડાયોજીનસ પોતાની સ્વતંત્ર મસ્તીમાં જીવનારો હતો. ચાપલૂસી કરીને રાજાનું માનપાન અને શ્રીમંતાઈને વરેલો તેનો એક મિત્ર વહેલી સવારે ડાયોજીનસને મળવા નીકળી પડ્યો. ઘોડા પર સવાર મિત્ર જ્યારે ડાયોજીનસના ઘેર પહોંચ્યો ત્યારે તે સુકું અનાજ ખાંડી રહ્યો હતો. તેની દરિદ્રતા જોઈને તેના મિત્રે કહ્યું કે માણસમાં જો થોડી પણ ખુશામત કરવાની આવડત હોય તો આમ સૂકું અનાજ ફાકવાનો સમય ન આવે. પોતાની ધૂનમાં પ્રવૃત્ત ડયોજીનસે માર્મિક જવાબ આપ્યો, “સૂકું અનાજ ખાઈને પણ જો જીવી શકાતું હોય તો ખુશામતની કોઈ જરૂરિયાત રહેતી નથી .”

જો કે સમાજમાં એવી ઘણી વ્યક્તિઓ છે કે જે હું સાચો છુંની ખોટી માન્યતાનો આંચળો ઓઢી, વિદ્રોહી સ્વભાવ ધરાવનારા અને સૂકું અનાજ ખાઈને પણ જીવન જીવતા જોવા મળે છે. નીજી હઠને કારણે પોતે પછડાય છે અને લાગતા-વળગતાને પણ તેની સજા ભોગવવી પડે છે. છેવટે તેમનો પડછાયો પણ તેમનો સાથ છોડી દે છે. સબળ કારણ વગર કોઈ વ્યક્તિનું હજુરીયાપણું કરવાની જરૂર નહીં, પણ જો ખુદાને પણ ખુશામત પ્યારી હોય તો, જરૂરી અને યોગ્ય વ્યક્તિની પ્રશંસા તો કરવી જ રહી.

કાગડાની એક બાળવાર્તા કેટલું કહી જાય છે. કાગડાનું મોંઢામાં પૂરી લઈ ઝાડ પર બેસવું, લુચ્ચા શિયાળનું કાગડાના કંઠનું વખાણ કરવું, કાગડાનું ફૂલાઈ જવું, કાગડાનું ગાવું, મોઢામાંથી પૂરી નીચે પડી જવી, અંતે શિયાળનું પૂરી ખાઈ જવું! આ વાર્તા આજે પણ ઠેરઠેર જોવા મળે છે. પરંતુ ટેકનીકલ યુગમાં યુવાન કાગડાને ખબર છે કે ગાતી વખતે પૂરી પગ નીચે દબાવીને મોં  ખોલવાનું. શિયાળ ચઢાવે તેમ ચણાના ઝાડ પર ચઢવાની તૈયારી તેની નથી હોતી. છતાંય માણસ છે ત્યાં દુર્જન છે. તે તેની તરકીબો કરે રાખશે. ક્યાં કેટલું બચવું તે તેને નક્કી કરવાનું છે, જે આજનો યુવાન શીખી ગયો છે!

સંવેદનાના પડઘા-૪૨ ગેરકાયદેસર ઈમીગ્રન્ટની વ્યથા

પ્રિતમ આજે અમેરિકા જવાનો હતો.તેની ચારે બહેનોને ભાભી ઉમાએ સવારમાં જ ફોન કરીને કીધું કે તમારા ભાઈ આજે અમેરિકા જાય છે..બહેનોને ખબરતો હતી કે ભાઈ અમેરિકા જવાની વિધિ કરી રહ્યો છે પણ જવાનો દિવસ આમ અચાનક આવી જશે તેવી ખબર નહોતી.સવારથી ચારે બહેનો આવી ગઈ હતી.માતા-પિતાના ગુજરી ગયા પછી એકનો એક ભાઈ જ બહેનો માટે પિયરનો વિસામો હતો.સવારથી બહેનો ખૂબ રડતી હતી કે હવે તેમને ક્યારેય ભાઈનું મોં જોવા નહી મળે! હા,કારણકે ભાઈ સાબરમતીવાળા એજન્ટને ૨૮ લાખ રુપિયા આપી ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહ્યો હતો.તેની પત્ની અને દીકરો પણ અમદાવાદમાં જ રહેવાના હતા.પરતું પત્ની ઉમાને પ્રિતમે કહ્યું હતું કે હું અમેરિકા જઈશ પછી કમાઈને તારા માટે પૈસા ભેગા કરીશ પછી તને પણ એજન્ટને પૈસા આપી બોલાવી લઈશ.

દીકરો એન્જિનયરીંગમાં છે તે ભણવા આવશે એટલે પછી આપણે સાથે રહીશું. પાંચ વર્ષ તકલીફ ભોગવી જુદા રહીશું પછી આખી જિંદગી શાંતિ…….તેમને અમેરિકન ગેરકાયદેસર લોકોના જીવનમાં કેટલો અને કેવો સંઘર્ષ કરવેા પડે તેની ખબર કયાં હતી!!!!

ઉમાભાભી અને તેમનો દીકરો તો પોતાના ભવિષ્યના અમેરિકા જવાના સપના જોઈને પિતાની વિદાયના ગમ સાથે આમ બહારથી ખુશ હતા.પણ એકપણ બહેન પાસે વિઝા નહતા તેથી ભારે હૈયે ભાઈને વિદાય આપી બધી બહેનો હૈયાફાટ રુદન કરતી હતી.

અમેરિકાની ધરતી પર સ્વર્ગ મળવાનું હોય તેવું આકર્ષણ,કેટલાય પૈસા માટે વલખાં મારતા ભારતીય પરિવારોને હોય છે.

પ્રિતમ માત્ર એક જોડી કપડાં થેલીમાં લઈને ઘેરથી અમેરિકા આવવા નીકળ્યો હતો. અમદાવાદથી મદ્રાસ અને મદ્રાસથી સ્ટીમરમાં સાઉથ અમેરિકા .ઘેટાં-બકરાંની જેમ ગેરકાયદેસર રીતે અમેરિકામાં ઘૂસવા તૈયાર લોકોને સ્ટીમરના ભોંયરામાં પૂરીને  સાઉથ અમેરિકા ઉતારે…દિવસો સુધી ખાવા -પીવાના કોઈ ઠેકાણાં નહી.

સાઉથ અમેરિકાથી નાની બોટમાં ઘાસની અંદર છુપાવી તેમને મેક્સિકો લાવવામાં આવે પછી મેક્સિકોથી માલસામાન વચ્ચે બંધ ટ્રકોમાં ગૂંગળાતા ,ભીંસાતા બોર્ડર નજીકના વેરાન વિસ્તારમાં લાવવામાં આવે.રાતનાં અંધારામાં,નદીમાંથી,ઠંડી,ગરમી કે વરસાદમાં પકડાઈ જવાની બીકથી થરથરતા દોડવાનું.બોર્ડર પર પહોંચે એટલે સિક્યોરીટી ઓફીસરની નજર બચાવીને જાન બચાવી એક સાથે હજારો લોકો દોડે જે પકડાય તે જેલમાં અને જે બચે તે અમેરિકામાં ઘૂસી જાય.અમેરિકામાં ઘૂસ્યા પછી પણ પકડાઈ ન જવાય માટે પોતાને જે જગ્યાએ પહોંચવાનું હોય તે પણ મહિના પછી પહોંચાય. ગુજરાતી વેજીટેરીઅન વ્યક્તિને સ્ટીમરમાં અને મેક્સિકોમાં નોનવેજ કે કાચુંપાકું શું ખાવા આપે તેતો ભગવાન જાણે!!!!! ત્રણ મહિના પછી ઘેરથી નિકળ્યા પછી પોતાને ઠેકાણે પહોંચે.આવીરીતે વતનથી પોતાના લોકોને અને કુટુંબીજનોને કાયમ માટે છોડીને આવતી વ્યક્તિ શું વિચારીને અમેરિકા આવી જતી હશે???

તેમના સંઘર્ષનો અહીં અંત નથી આવતો.પ્રીતમના જે મિત્ર નરેશે તેને આવીરીતે અમેરિકા આવવાનું કહ્યું હતું તેણે તેને કીધું હતું કે અમેરિકા આવી જાય એટલે હું તને મારા ડોલર સ્ટોરમાં નોકરી આપી દઈશ.નરેશને તો મફતમાં વૈતરો મળી ગયો.ગેરકાયદેસર હિસાબે સૌથી ઓછું વેતન એ જમાના પ્રમાણે કલાકના પાંચ ડોલર એમાં ઘરનાં બેઝમેન્ટમાં સુવાના અને ખાવાનાં પૈસા પગારમાંથી કાપી લે અને સાતે સાત દિવસ સ્ટોર ખોલવાથી બંધ કરવા સુધી કામ કરવાનું તે જુદું .આમ આપણા ભારતીય લોકો આપણા જ લોકોને આમ ચુસે અને પોતે નોકરીએ રાખી તેને સેટ કર્યો હોય તેવો ઉપકાર જતાવે.સ્ટોર આખો પ્રિતમ ચલાવે અને તેની બધી કમાણી નરેશ ખાય. આવા ગેરકાયદેસર લોકો થકી એક માંથી ૧૧ સ્ટોર કરે….પોતાની પાસે સ્ટેટસ ન હોવાથી  પ્રીતમ પોતાનું ઘર ખરીદી ન શકે,ગાડી ચલાવી ન શકે,પ્લેનમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જઈ ન શકે.ઈન્શ્યોરન્સ લઈ ન શકે .આખી જિંદગી ઓછા પગારની નોકરી મજૂરની જેમ કર્યા કરે …..

એવામાં શિકાગોની ઠંડીમાં દિવસ-રાત કામ કરી એકવાર પ્રિતમ ખૂબ માંદો પડ્યો.આખો દિવસ તાવમાં સબડતો અને પેઈનકીલરો ખાઈને તેનું શરીર સાવ નંખાઈ ગયું હતું.એકલો એકલો પથારીમાં પડ્યો પડ્યો પોતાના કુંટુંબીઓ અને વતનને યાદ કરતો તે પોતાના લોકોની હૂંફ અને પ્રેમના ઝૂરાપામાં ઝૂરી રહ્યો  હતો.નરેશ તેને પંદર દિવસ પછી સરકારી હોસ્પિટલમાં લઈ ગયો પણ ત્યારે જીવલેણ રોગ તેના આખા શરીરમાં પ્રસરી ગયો  હતો અને પરાયા દેશમાં પરાયા લોકો વચ્ચે એકલા અટૂલા પ્રીતમે હતાશાની ગર્તામાં ડૂબીને દમ  તોડ્યો.અમેરિકાના સ્વર્ગના સપનામાં મરણના સ્વર્ગે સિધાવ્યાે……

પ્રિતમ જેવા કેટલાય લોકો અમેરિકાની ઝાકમઝોળ દુનિયામાં ડોલરમાં ૧ નાં ૭૦ રૂપિયાની લાલચે આવ્યા છે
અને આવી સંઘર્ષભરેલી જિંદગી જીવે છે…….કે આવીરીતે  હતાશાનાં કૂવામાં ધકેલાઈ મોતને વહાલું કરે છે.

શું આના કરતા આપણાં દેશમાં પોતાના લોકો સાથે પોતાની રીતે અમેરિકામાં કરતાં હોય તેટલું કામ કરીને બહેતર જીવન ન જીવી શકાય? શું ગુલામીના દૂધપાક કરતા સ્વતંત્રતાનો રોટલો નહીં સારો??

Sent from my iPad

વાત્સલ્યની વેલી ૪૨) માછલી ઘર કેમ નહીં ?

માછલી ઘર કેમ નહીં ?

જયારે આપણે કોઈ નાનકડા બાળકને રમતા જોઈએ છીએ ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઇ જાય છે, બરાબર ને ? પણ એ સિવાય બીજો કયો વિચાર આવે છે?

ગમ્મે તેટલું નાનકડું બાળક હોય, પણ આખરે તો એ એક માણસ જ છે – હા , આ માણસ નાનકડું છે અને હજુ એનો પૂર્ણ વિકાસ નથી થયો ; શું એવો વિચાર આવે છે ખરો ? હું માનું છું કે કદાચ એ ક્યૂટ બાળકની નિતાંત નિખાલસતા જોઈને એટલો ગંભીર વિચાર આવતો નહીં હોય!

પણ બાળઉછેર સાથે સંકળાયેલ સંસ્થાઓ અને તેનાં ડિરેકટરોની જવાબદારી એ જ હોય છે;

શું કરવાથી આ ભવિષ્યનાં નાગરિકોને યોગ્ય દિશા ચીંધી શકાય ? અમારી ડિરેક્ટર મીટીંગોમાં લગભગ દર વખતે એ પ્રશ્ન મુખ્ય હોય!

કુંભાર હોય તો ચાકડા ઉપર માટીમાંથી ઘડો ઘડે ; પણ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું ? માર્ગરેટ મીડ Margaret Mead નામની પ્રખ્યાત સમાજશાસ્ત્રીએ કહ્યું કે બાળકોને શું વિચારવું એવું શીખવવાને બદલે કેવી રીતે વિચારવું એમ શીખવાડો ! અર્થાત એક ઢાંચાનાં બીબાંઓ બહાર પડવાને બદલે ( એક જ પ્રકારનાં માણસો ઊભાં કરવાને બદલે) કેવી રીતે માણસ બનાય તે શીખવાડો!

આ આપણી સંસ્કૃતિથી તદ્દન વિરુધ્ધ વિચાર ધારા થઇ!

બાળક જન્મે ત્યારથી આપણે નિયમ પ્રમાણે બધું કરીએ ! ભણી ને પછી આ લાઈનમાં આગળ વધો ; પછી પરણીને નિયમ પ્રમાણે મા – બાપ બની જાઓ !

અલબત્ત , ત્રણેક દાયકા પહેલાં તો દેશમાં એવું જ હતું!

પણ, મેં તો આ દેશનાં બાળકોને ઉછેરવાનું બીડું ઝડપ્યું હતું! બે સંસ્કૃતિ વચ્ચે ક્યારેક હું ગોથાં ખાઈ જાઉં ! અથવા તો બે સંસ્કૃતિના સમન્વયથી કોઈ વધુ સુંદર ફૂલ પણ ખીલી શકે ને?

દોઢેક દાયકા પહેલાંની વાત છે : બાળકોને જરૂરી તમામ ચીજ વસ્તુઓનો ઓર્ડર મુકવાનો હતો . વાસ્તવમાં અમારાં ડે કેર સેન્ટરને ઉચ્ચ ગુણવત્તા માટેનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ ( NAEYC accreditation )મળી રહ્યો હતો; અને તેનાં જ અનુસંધાનમાં શિકાગો સ્થિત એક પાર્ટનર સંસ્થા ( PQCC) ડે કેરનું સંપૂર્ણ રિમાડલિંગ કરી આપતી હતી . અમે બધાં સ્ટાફ અને વાલી સૌ ખુશ હતાં. નિયમ પ્રમાણે દરેકેદરેક ચીજ વસ્તુની બાળકોનાં જીવનમાં શું જરૂરિયાત છે, અને એ ચીજ વસ્તુથી બાળકોનો વિકાસ કેવી રીતે થશે ,કેવી રીતે અમે( સ્ટાફ- ટીચર્સ ) એનો ઉપયોગ કરીશું અને એને માટે જો કોઈ ટ્રેનિંગ વગેરે લીધી હોય તો તે , એમ વગેરે વગેરે લખીને હું રિપોર્ટ તૈયાર કરી રહી હતી. આ એક ખુબ જ આનંદ અને ઉત્સાહનું કામ હતું ! આજે પણ આ લખતાં એ રોમાંચ અનુભવું છું ! જાણે કે સીલ -૬ ની જેમ , અમને કાંઈ પણ ખરીદવાની મંજૂરી (એમણે મંજુર કરેલ નેશનલ પચ્ચીસ કંપનીઓના કેટલોગમાંથી ) ગમે તે ખરીદવાની મંજૂરી મળી હતી!

મેં એ આનંદના સમાચાર ડે કેરનાં બધાં પેરેન્ટ્સને આપ્યા અને સૌનાં સજેશન્સ – સૂચનો પણ માંગ્યા .કોઈએ – જાણે કે ડે કેરમાં રમકડાં ઓછાં હોય તેમ – વધારે લેગો બ્લોક્સ , કે વધારે મ્યુઝિકના ઇન્સ્ટરયુમેન્ટ્સ ખરીદવા સૂચવ્યું . કોઈએ ડે કેરનાં પ્લેગ્રાઉન્ડને નવેસરથી સજાવવાનું કહ્યું ; કોઈએ બાળકોનાં પ્રિટેન્ડ પ્લે એરિયા માટે મપેટ – પપેટ થિયેટર જેવું કંઈક વસાવવા સૂચવ્યું. કોઈએ અમુક સૂચનો કર્યા ને કોઈએ તમુક ; બધાનાં સૂચનો મેં ધ્યાનમાં લીધાં.

એમાં બે ત્રણ ઉત્સાહી પેરેંટ્સનાં સૂચનો સુંદર હતાં: ઘણી પ્રિસ્કૂલમાં પાળેલાં પંખી કે પાળેલાં કાચબા કે હેમસ્ટર ( છછૂંદર ) હોય છે. બાળકો સવારે આવે એટલે એ પંખીને હલો કરે , હેમસ્ટરને કંઈક ખવડાવે અને ઘણાં બાલમંદિર માછલી ઘર પણ વસાવે છે. રંગ બે રંગી માછલીઓ ! નાની નાની એક બે ઇંચની માછલીઓ માછલી ઘરમાં દોડાદોડી કરે એટલે બાળકોને ગંમત થાય !

‘આપણે પણ આપણા ડે કેર માટે નાનકડું ( ચારેક ગેલનનું ) માછલીઘર વસાવ્યું હોય તો કેવું ? ‘બે ત્રણ વાલીઓનું સૂચન હતું .

સૂચન સારું હતું;

વ્યાજબી હતું. અમારાં સ્ટાફને પણ એ વિચાર ગમી ગયો !

બીજાં પેટ્સ કરતાં આ માછલીઓ નિરુપદ્રવી ! સાચવણી પણ ઝાઝી કરવાની નહીં! એમાંયે મીઠાં પાણીની નાની ઝીણી ઝીણી ગોલ્ડફિશ વગેરે જોતાં જ દિલ ખુશ થઇ જાય!

પણ મારૂં મન માછલી ઘર માટે તૈયાર નહોતું !

આમ તો એ વિચાર ઉમદા હતો; અમુક ડે કેર સેન્ટરોમાં મેં એક્વેરિયમ જોયાંય હતાં ! નાનાં નાનાં ભૂલકાં ઉત્સાહથી સ્કૂલે આવે અને દિવસ દરમ્યાન ગમે ત્યારે એ ફિશ ટેન્કની પાસે ઊભાં રહીને કાલી કાલી ભાષામાં માછલીઓ સાથે વાતો કરે! કેવું મનોહર દ્રશ્ય ! માછલીઓ અવાજ કરે નહીં ; પણ પાણીમાં સર સર ફરે એટલે બાળકોને ગમ્મ્ત થાય !

ખાસ કરીને નવાં આવતાં બાળકોને આ રંગ બે રંગી માછલીઓ એક જાતની હૂંફ આપે ! નાનકડી માછલીઓ સાથે એ પાણીની ટેન્ક પણ રંગીન લાઈટોથી એવી સુંદર લગતી હોય કે નાનું બાળક જેને મમ્મીથી છૂટાં પડવાની એન્ઝાયટી હોય અને ભેંકડા તાણીને રડતું હોય એ પણ સ્તબ્ધ થઇને રડવાનું ભૂલી જાય! માછલીઓ ઊંઘે નહીં એટલે આખો દિવસ એકવેરિયમમાં ફરતી જ હોય! બાળકોનેય પ્રાણી જગત વિષે જાણવાનું મળે !સહેજ મોટાં બાળકો એ માછલીઓ જોઈને પેલી મર્મેઈડને યાદ કરે – કે જે માછલી અડધી માણસ અને અડધી માછલી હતી!

લો ! આ તો શા માટે માછલી ઘર ખરીદવું તે માટેનો લેસન પ્લાન પણ તૈયાર થઇ ગયો !

પણ વરસો પહેલાંના એ દિવસની યાદે મેં માછલીઘરનો વિચાર પડતો મુક્યો !

‘Why not ? Whats wrong to have a small fish tank ?’

જેમનું સૂચન હતું એમને જાણવું હતું.

ત્યારે તો મેં ;”શનિ રવિ સ્કૂલમાં હીટર પંચાવન કે સાહીઠ ડીગ્રીથીયે ઓછું હોય છે એટલે માછલી ઘરનો આઈડિયા બરાબર સેટ નથી થતો “એમ જણાવ્યું , પણ ખરું કારણ શું હતું?

ચારેક દાયકા પહેલાં, જયારે અમે હજુ આ દેશમાં નવાંસવા આવેલાં હતાં અને કોઈ કાર્નિવલ – મેળામાંથી ગોલ્ડફિશ અમને ઇનામમાં મળેલી ! મેળામાં તો જાત જાતની રમત હોય; બોલ લઈને સામેના ટેડીબેરને આંટી દો અને ઇનામમાં નાનકડી એક બે ઈંચની ગોલ્ડફિશ મેળવો ! બે સુંદર સોનેરી માછલીઓ નાનકડી ડબ્બી જેવા કશાકમાં લઈને અમે ઘેર આવ્યાં .આપણે ત્યાં દેશમાં તો આવું બધું ક્યાં જોયું હોય? અરે એની કલ્પનાય કરવી મુશ્કેલ! હા ,મેળામાં ફજેત ફાળકામાં બેસો અને પછી આવી કોઈ રમતો રમો અને ઇનામમાં શંકરનું ડમરુ કે વાંસની સળીયોમાંથી બનાવેલ સાપ જેવા કોઈ રમકડાં ઇનામમાં મેળવો ! આ બધું શ્રાવણ મહિનાનાં સાતમ આંઠમના મેળામાં ખાસ માણવા મળે !

પણ જીવતી જાગતી માછલી? આવું સરસ ઇનામ તો અમારી કલ્પનાનીએ બહાર હતું!આનંદ ઉત્સાહથી અમે પેટ સ્ટોરમાં ગયાં અને માછલી માટેનો ખોરાક અને નાનકડું માછલીઘર ખરીદ્યું ! વાહ ! અમારી ખુશીનો પાર નહીં ! ઘેર આવ્યાં. એને ટ્રાન્સફર કરી, થોડું ફિશ ફૂડ – પાવડર જેવું કંઈક- ખવડાવ્યું અને ઘેર મહેનાન આવ્યાં હોય તેમ, અમારાં નાનકડાં બેઉ બાળકોએ એની આસના વાસના કરી. બે ત્રણ દિવસમાં એ માછલીઓ જાણેકે ઘરની – કુટુંબની સભ્ય બની ગઈ !

પણ ચોથે દિવસે ગજબની વાત બની!

એક માછલી પાણી ઉપર સ્થિર ,પણ આંખો ખુલ્લી , બસ એમને એમ તરતી રહી! મોડેથી ખબર પડી કે એ નાજુક નમણી માછલીનો જીવ ચાલ્યો ગયો છે! સુંદર સ્વાદિષ્ટ રસોઈમાં કાંકરો આવે તેમ આનંદના વાતાવરણમાં શોક ફેલાઈ ગયો! ત્રણ અને ચાર વર્ષનાં અમારાં સંતાનો સાથે અમે પણ દુઃખ શોકની લાગણી અનુભવી ! અને બીજે દિવસે બીજી માછલીયે સ્વધામ સીધાવી!

ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તેવો ઘેરો શોક વ્યાપી ગયો! જે જગ્યાએ માછલીનું એકવેરિયમ હતું એ જગ્યા જાણેકે ભેંકાર લગતી હતી ! આમ પણ આપણે બધાં શાકાહારીઓએ આવું થોડું જ જોયું હોય? આપણે ત્યાં દેશમાં તો એ વખતે કુતરાં પાળવાનોયે રીવાજ નહોતા !( જો કે, આજે આ લખતાં એ દિવસોને યાદ કરીને રમૂજ થાય છે: ) અમે તો જાણે એની શોકસભા ભરી !!

બસ! એ જ વિચારે એક્વેરિયમનો આઈડિયા પડતો મુક્યો. બાળકો માછલી સાથે રમે , વાતો કરે, એને ખવડાવે ને પછી આ માછલીઓ એટલી નાજુક હોય કે સહેજ વધુ ફિશ ફૂડ ટેન્કમાં નંખાઈ જાય તો એ મરી જાય! બાળકોને ઘણી વખત તેમની પ્રિય ઢીંગલી કે ટ્રક ભાંગી જાય કે ખોવાઈ જાય તો યે દુઃખ થતું હોય છે તો માછલી મરી જવાનું દુઃખ થાય જ ને? ખીલતાં ઉછરતાં બાળકોને આવા શોકની લાગણીથી દૂર રાખ્યાં હોય તો કેવું?

શા માટે એ કુમળા મગજમાં’ “તને ગમતી ફલાણી ઢીકણી માછલી તો મરી ગઈ !”એમ મૃત્યુ વિષે કારણ વિના સમજાવવું ? મેં વિચાર્યું .

કેટલાક વાલીઓ મારાં એ વિચારો સાથે સંમત નહોતાં થયાં , કહે ,મૃત્યુ વિષે જાણવું પણ જરૂરી છે, એ વાસ્તવિકતા છે!

જે હોય તે! અમે માછલીઘર વસાવ્યું નહીં!

હા, પણ તેને બદલે બધાં બાળકો, વાલીઓ અને સ્ટાફને ખુશ કરવા અને ડે કેરનાં એવોર્ડને સેલિબ્રેટ કરવા એક નવો જ માર્ગ લીધો !

અમે બધાંયે બાળકોના મ્યુઝિયમમાં ગયાં હતાં.. વાત્સલ્ય વેલીમાં બે સંસ્કૃતિનો સમન્વય કરવાનો એ નમ્ર પ્રયાસ હતો ..

( kids & staff; Geeta Bhatt in the middle.)

૪3- કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

ઘર માત્ર જ નહીં પણ શહેરથી ઘણે દૂર એક એવું વિશ્વ છે જ્યાં ઘરની યાદ તો આવે છે પણ ઘરની ખોટ નથી સાલતી કે નથી ઘર ઝૂરાપો સાલતો. અહીં નિરાંત છે, નિતાંત શાંતિ છે, એક આહ્લાદક અનુભૂતિ છે. આ વિશ્વ એવું છે જે આપણું નથી અને તેમ છતાં એ ક્યારે આપણામાં આવીને વસી જાય છે, આપણામાં આવીને પ્રસરી જાય છે એની જાણ સુધ્ધા નથી થતી પણ  હા, અનુભવી જરૂર શકીએ છીએ. એ વિશ્વના પ્રસારનો જરાય ભાર નથી લાગતો. આપણે હતા એનાથી પણ હળવાફૂલ થઈને એમાનાં જ એક બની રહીએ છીએ.

આસપાસ ઘણા બધા લોકો છે પણ ક્યાંય કોલાહલ નથી. એ ટોળા આપણને ક્યાંય અડતા નથી, ક્યાંય નડતા નથી. સૌની વચ્ચે રહીને પણ એમનાથી અલગ રહી શકીએ છીએ. અનેકાંત વચ્ચે પણ એકાંત શું હોઈ શકે એ પણ સમજાઈ જાય છે આ એકાંત પણ ખુબ ગમે એવું છે કારણકે એમાં જરાય એકલતા નથી, શાંતિ હોવા છતાં સૂનકાર નથી. સતત સૌની સાથે હોવા છતાં પણ માત્ર પોતાની જાત સાથે જ છીએ એ અનુભવ કેવો અદ્ભૂત હોઈ શકે?

અહીં જે છે એમાંનું કશું જ આપણું નથી તેમ છતાંય આપણે આ વાતાવરણનો જ એક અંશ છીએ એટલા એની સાથે એકરૂપ થઈ શકીએ છીએ. નજર પહોંચે ત્યાં સુધીની મોકળાશમાં પણ આપણે ભરપૂર થઈ જઈએ છીએ. તરબતર થઈ જઈએ છીએ. અહીં જે છે એમાનું કશું જ સાથે લઈ જઈ શકવાના નથી એવી જાણ છતાં મનથી , ચિત્તથી સમૃદ્ધ બનતા જઈએ છીએ.

માનવજાતે કરેલા વિભાજનો કરતાં અહીં સાવ ભિન્ન રીતે થયેલા વિભાજન છે જેમાંય એકરૂપ થઈને એકમેકને પૂરક બની રહેતી પ્રકૃતિ છે. દૂર દેખાતી આકાશ અને અવની વચ્ચે ખેંચાયેલી પેલી ક્ષિતિજરેખાનો એમને અલગ કરવાના બદલે એકાકાર કરી દે એવો નજારો છે. જમીનથી દીવાલનો કાટખૂણો માપવાનો ઓળંબો તો આપણે બનાવ્યો પણ આ આકાશ અને અવની વચ્ચેનો કાટખૂણો માપવાનો ઓળંબો ક્યાંય જોયો નહીં અને તેમ છતાં આકાશ અને અવનીએ પોતાનું પ્રાકૃતત્વ જાળવી જાણ્યું છે.

દૂર દૂર સુધી દેખાતા બરફાચ્છાદિત ધવલ પર્વતોએ પોતાનામાંના એક હોવા છતાં પોતાની ગોદથી અલગ  અસ્તિત્વ સ્થાપિત કરવા નિકળી પડેલા એ રમતિયાળ ઝરણાઓને પકડી રાખવાના બદલે વહી જવાની મોકળાશ આપી છે. એ વિખૂટા પડી ગયેલા ઝરણાઓને નદી સ્વરૂપે વહી જવું છે તો એનો ય માર્ગ કરી આપ્યો છે અને સરોવર સ્વરૂપે જ રહી જવું છે તો એ ઝરણાંઓના પાણીને એટલી જ સ્થિરતા અને સલામતી ય આપી છે ખરી હોં..  અહીં એકમેકના સંબંધને સાચવાનું સાતત્ય છે પણ બંધન નથી.

સરોવરના નીલવર્ણા પાણીએ પણ આસમાન સાથે એકરૂપતા જાળવી રાખવા એ જ રંગ જ ધારણ કરી રાખ્યો છે અને આકાશ પણ જાણે ઝળૂંબીને એમાં પોતાની સ્વીકૃતિની છાયા જોઈને રાજી રાજી….

ક્યાંક પત્થરીલા પર્વતોને પોતાના સૂકાપણાનો સંતાપ ન રહી જાય એના માટે પેલા ઊંચા ઊંચા વૃક્ષોમાં પોતાની લીલાશથી એને આવરી લેવા છે, છાવરી લેવા છે એવો સંપીલો ભાવ પણ છે.

અહીં ઊંચાઈ પણ છે અને ઊંડાઈ પણ છે. ખુબ સુંદર અને મનોહર છે બંને કારણકે ઊંચાઈને ઊચ્ચતાનો અહં નથી, આડંબર નથી અને નથી ઊંડાઈને પોતાની ગહનતાનો વસવસો કે ઊંચાઈઓથી અલગ હોવાનો, દૂર રહેવાનો અહંગરો.  કોઈનામાં પોતાની સુંદરતા કે મનોહરતાનો ગર્વ પણ નથી બસ છે તો બંનેમાં સૌને સ્પર્શતી આત્મીયતા. અહીં આવનાર સૌ અહીંની આ અફાટ વેરાયેલી કુદરતના એક અંશ છે એવી પ્રસન્ન અનુભૂતિ આપતી ઉદારતા છે.

અહીં કોઇનામાં કોઈનાથી ચઢિયાતા સાબિત થવાની, પોતાની મહત્તા દર્શાવવાની હોડ નથી અને એટલે જ અહીં સૌની ગરિમા સચવાયેલી રહે છે. અહીં ક્યાંકથી ધરતીની સ્થળસીમાથી આગળ વધીને કોઈ એક નવો જ વિસ્તાર શરૂ થવાનો છે એની જાણ હોવા છતાં ધરતીએ તો પોતાની કોઈ સીમાઓ આંકી નથી.   

અહીં આવીને આપણા અસ્તિત્વને આ સૌ સાથે અભાનપણે, અજાણપણે એકાકાર કરી દેવાની સભાનતા આપણામાં પણ અનાયાસે આવી ઊગે છે. આપણે પણ આ પ્રકૃતિ સાથે ખીલી ઉઠીએ છીએ. ચિત્તના તમામ કોલાહલો સ્થિર થઈ જાય છે, શમી જાય છે. ધ્યાનસ્થ મુદ્રામાં ઉભેલા શાંત વૃક્ષોની ધ્યાનાવસ્થાની અસર આત્મા સુધી પહોંચે છે. ઊંચાઈને આંબેલા બર્ફીલા પર્વતો પર ઉઘડતી સવાર સાથે, સૂર્યના કિરણોના ઉજાસથી રેલાતો ચારેકોરનો ઉજાસ આપણી અંદર અજવાસે છે અને એક અનોખી અનુભૂતિ સાથે મન છલોછલ બની જાય છે. જાણે ખુલ્લી કે બંધ આંખે પણ પરમતત્વનો પરિચય થઈ જાય છે અને મનમાં પડઘો ઉઠે છે……

કે મારી ભીતર, મારી અંદર તો એવું અજવાળું, અજવાળું……..
સળવળતી હોય આંખ જેને જોવાને, એ મીંચેલી આંખે ય ભાળું.
અંદર તો એવું અજવાળું, અજવાળું …….

ઊંડે ને ઊંડે ઊતરતાં જઇએ, ને તો ય લાગે કે સાવ અમે તરીએ.
મરજીવા મોતીની મુઠ્ઠી ભરે ને એમ ઝળહળતા શ્વાસ અમે ભરીએ.
પછી આરપાર ઉઘડતાં જાય બધાં દ્વાર, નહીં સાંકળ કે ક્યાં ય નહીં તાળું
અંદર તો એવું અજવાળું……

સૂરજ કે છીપમાં કે આપણમાં આપણે જ ઓતપ્રોત એવાં તો લાગીએ,
ફૂલને સુવાસ જેમ વાગતી હશે ને તેમ આપણને આપણે જ વાગીએ.
આવું જીવવાની એકાદ ક્ષણ જો મળે તો એને જીવનભર પાછી ના વાળું.
અંદર તો એવું અજવાળું.

કાવ્ય પંક્તિ- માધવ રામાનૂજ

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

.

પ્રેમ પરમ તત્વ : 37: નફરત કે પ્રેમ ? સપના વિજાપુરા

 પ્રેમ  અને નફરતની વચ્ચે એક પાતળી લકીર  હોય છે. જ્યારે લોકોના દિલમાં નફરતનું ઝહેર રેડતાં  જાઓ રેડતાં  જાઓ તો પ્રેમ હૃદયમાંથી એવી રીતે ઓગળી જાય છે જે રીતે અગ્નિ સામે મીણ  ઓગળી જાય છે. હા મીણ ના તો લિસોટા રહી જાય છે પણ પ્રેમનો તો એક અંશ બાકી રહેતો નથી.

દર્શનાબેન નો લેખ બંદૂક વિષે વાંચ્યો અને એમની સલાહ પણ સાચી લાગી. કે આપણે ચૂંટણીના સમયે આ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે કોણ ગન  કંટ્રોલમાં માને છે. 19 થી 25 વરસની અંદરના યુવાનોના હાથમાં ગન પકડાવી દો  જેને પ્રેમ અને નફરત વિષે બરાબર જ્ઞાન પણ નથી. જેના હાથમાં કલમ હોવી જોઈએ એના હાથમાં ગન હોય તો એ દુનિયાભરની  નફરત ગોળી વાટે  લોકોના કલેજામાં ઉતારી દે. અમેરિકામાં ગયા અઠવાડિયામાં ત્રણ જાનલેવા એટેક થયા. જેમાં 34 લોકો ગુજરી ગયા અને 65 લોકો  જખમી  થયા. એક એલ પાસો ટેક્ષાસ  અને ડેટોન ઓહાયો અને ગીલરોય કેલિફોર્નિયા.  આવું પગલું ભરવા વાળા ગોરાયુવાનના દિલમાં બીજા રંગના લોકો અને ઇમિગ્રન્ટ પ્રત્યે કેટલી નફરત. જે ગોરાએ આ નફરતનું કામ કર્યું છે એની મા એ અઠવાડિયા પહેલા પોલીસ ને જાણ કરેલી કે મારા દીકરા પાસે ગન છે. પણ પોલીસે આ વાતને ગંભીરપણે નહોતી લીધી. અને આ ઘાતક બનાવ બન્યો.

બાળપણથી દિલમાં નફરત રોપવાની બદલે જો પ્રેમ બી રોપવામાં આવે તો નફરત ના બાવળ ને બદલે પ્રેમના ફળ મળશે
કોઈના દિલમાં કેટલી નફરત ભરી હશે કે એ રાઇફલ કાઢીને ધડ ધડ ગોળી ચલાવી 26 માણસોને મોત નર ઘાટ ઉતારી દીધા
ઈશ્વરે બધા માણસોને જુદા જુદા રંગના અને ઘાટના બનાવ્યા છે કોઈ ગોરા છે, કોઈ ઘઉંવર્ણા છે, કોઈ કાળા છે કોઈ ઊંચા નાકવાળા કોઈ ચપટા, કોઈ ઊંચા કોઈ નીચા પણ બધા ઈશ્વરના બનાવેલા છે અને ઈશ્વરની બનાવેલી  મખલુક માં દોષ કાઢવા વાળા આપણે કોણ ? તમે ગોરા છો તો તમને કોઈ હક નથી કે તમે બીજા રંગના લોકોને મારી નાખો. જુદો રંગ જોઈ ગોરા લોકો આફ્રિકન અમેરિકનને  ગુલામ તરીકે લઇ આવ્યા. અને પછી ગુલામ બનેલા લોકોને ખૂબ  ખરાબ રીતે ટ્રીટ કરવામાં આવ્યા. પણપછી માર્ટિન લ્યૂથર કિંગની ચલવલથી  આઝાદ થયા.ઇસ્લામમાં ગુલામોને આઝાદ કરવા માટે ખૂબ પુણ્ય મળે છે એમાં ગણવામાં આવે છે.
ગુલામી વરસો પહેલા નાબૂદ થઇ ગઈ કોઈ નો દરજ્જો તમારાથી નીચો નથી કોઈ પણ માણસ જન્મથી ગુલામ નથી એને ગુલામ બનાવવામાં આવ્યો છે.

 કોઈપણ આતંકવાદીને  ધર્મનું લેબલ ના આપવું જોઈએ અને ધર્મ ને બદનામ ના કરવો જોઈએ અલ પાસો ના  પોલીસે જણાવ્યુંહતું કે આ હેઈટ ક્રાઇમ છે અને એ પણ એક જાતનો આતંકવાદ  છે જે ગોરા લોકો બીજી જાતના લોકો પર કરી રહ્યા છે.
કોઈ ગરીબ તો કોઈ અમિર હોય છે કોઈ અમેરિકન તો કોઈ અહીં ઇમિગ્રન્ટ છે પણ એનો અર્થ એ નથી કે તમે હાથમાં ગન લઇ લોકોને મારી નાખો.  રેસિઝમ ને નામે  ગોરા લોકો માં એટલું  નફરત નું ઝેર ભરી દેવામાં આવ્યું છે કે એ લોકોને બીજી જાતની વ્યક્તિ નું અસ્તિત્વ સહન નથી થતું.

પ્રેમ અને નફરત વચ્ચે આ ફર્ક છે. પ્રેમ કુરબાની આપે છે જીવ લેતો નથી. પ્રેમ બીજાની મદદ કરવાનું કહે છે. બીજાને જખમ આપવાનું કામ નફરત કરે છે. બાળકને બચપણથી  અહિંસાના પાઠ ભણાવવા જોઈએ. દરેક જ્ઞાતિ જાતિ અને રંગને પ્રેમ કરતા શીખવાડવું જોઈએ. કોઈનું ભલું ના થાય તો કાંઈ નહિ પણ કોઈનું બૂરું ના થવું જોઈએ.  પ્રેમ ને  ધર્મ બનાવો. એ ધર્મ સાચો અને એ પરમ તરફ લઇ જશે. હું માનું છું કે ઈશ્વર એ પ્રેમ છે અને પ્રેમ એ ઈશ્વર છે. ઈશ્વર સુધી પહોંચવાનો સીધો માર્ગ પ્રેમ સિવાય બીજો કોઈ હોય  ના શકે.

સપના વિજાપુરા

૪૦ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

કહ્યો કુંભાર ગધેડે ના ચડે

માણસને ઘણું સમજાવવા છતાં યોગ્ય વસ્તુ ન સમજે અને તેનું ધાર્યું જ કરે પછી પાછળથી સમજાય. કહોને કે વાર્યા વળે નહીં, હાર્યા વળે. પણ જ્યારે જીવનમાં યુ ટર્નની કોઇ શક્યતા જ ન રહે ત્યારે શું થાય?

હમણાં ચીનના વાઇલ્ડલાઇફ પાર્કનો એક વીડિયો વાયરલ થયો છે. પાર્કમાં ઘણાં બોર્ડ પર લખેલું હોય છે કે કારને બરાબર લોક કરવી અને કારમાંથી કોઈએ ઊતરવું નહીં. પણ એક પરિવારની એક મહિલા કારમાંથી ઉતરી અને બીજી બાજુથી ગાડીમાં બેસવા જતાં વાઘ આવીને તેને ઢસડીને લઈ ગયો. બીજી મહિલા પર પણ આ જ થયું. પરિણામે બંને જાન ખોઈ બેઠાં. ઘણી વખત થાય કે ભણેલા-ગણેલા પણ યોગ્ય વાતને સમજવા તૈયાર ના થાય અને ધાર્યું જ કરે, ત્યારે કહેવાય કે, કહ્યો કુંભાર ગધેડે ના ચડે. જ્યારે જાન જાય ત્યારે યુ ટર્નની શક્યતા જ નથી હોતી.

બાળપણમાં વડીલો પાસેથી ઘણી વખત સાંભળેલી આ કહેવત છે. “કહ્યો કુંભાર ગધેડે ના ચડે”. પણ હમણાં વાંચવામાં આવ્યું કે ખરેખર તો કહેવત આ છે કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે”. તેની એવી વાર્તા છે કે, કુંભાર પોતાના ચાર ગધેડા લઈને જતો હતો. એક ઉપર પોતે બેઠો હતો ને બીજા ત્રણ પર કોઈ બેઠું ન હતું. રસ્તામાં ત્રણ વટેમાર્ગુ મળ્યાં. કુંભારે પૂછતાછ કરતાં બધાની મંઝિલ એક જ હતી. રસ્તો બહુ લાંબો કાપવાનો હતો તેથી કુંભારે કહ્યું, તમે ચાલીને થાકી જશો. આ ત્રણ ગધેડા પર તમે સવાર થઈ જાવ. પેલા ત્રણેય લોકોએ શરમ અનુભવી અને ના બેઠાં. અમુક કિલોમીટર અંતર કાપ્યા પછી થાક્યા હોવાથી તે ત્રણેય મુસાફરો ગધેડા પર બેસી ગયાં અને કુંભારને પૂછવા પણ ના રોકાયા. આના પરથી કહેવત પડી કે, “કીધે કુંભારે કોઈ ગધેડે ના ચડે.” પરંતુ સમય જતાં “કીધે કુંભારે” માંથી “કીધે કુંભાર” એટલે કે “કહ્યો  કુંભાર” ચલણમાં આવ્યું, જે ઘણી વખત વપરાશમાં લેવાય છે.

ગધેડો કુંભારનું વાહન કહેવાય. ગધેડાને બુદ્ધિ વગરનું પ્રાણી કહેવાય છે માટે તો બિચારો ભાર વઢેરે છે. ડફણા ખાય છે. કુંભાર નદીએથી ગધેડા પર માટી ભરીને લાવે. જ્યારે ગધેડા પર માલ ના હોય અને લાંબુ અંતર કાપવાનું હોય ત્યારે જો તેને કહીએ કે તું ગધેડા પર બેસી જા અને એ ના બેસે, અંતે હારી-થાકીને બેસે.

આજના યુવાનની દશા કુંભાર જેવી છે. પોતાના મનની અશાંત દશા તેને બદલવી છે પણ જીવનની ખોટી દિશા બદલવા તે તૈયાર નથી. દિશા બદલ્યા વિના દશા બદલાય એ શક્ય નથી. દુનિયાની દરેક વસ્તુ એવી હોય છે જે ઠોકર ખાઈને તૂટી જાય છે, પણ એક સફળતા જ એવી વસ્તુ છે જે ઠોકર ખાઈને જ મળે છે. યુવાનીને કામયાબી સાથે ઠોકરનો પણ નશો જોઈએ છે. એક ૩૫ વર્ષની છોકરીએ મને કહ્યું,” આંટી, અમારે પણ અનુભવ કરવા હોય છે. કેમ, વડીલો કહે તે જ કરવાનું? ભલે પછી તેનું પરિણામ સારું આવે કે ખરાબ. અમને અમારી રીતે આગળ વધવું છે.” વાત વિચારવા જેવી છે! બાળક સમજતું થાય ત્યારથી સ્વતંત્ર વિચાર ધરાવતું થઈ જાય છે. આજની હવામાં, શ્વાસમાં સ્વ લે છે, તો બહાર પણ એ જ આવશેને? કારણ કે તેના ઘટઘટમાં સ્વનો વાસ જોવા મળે છે. પરંતુ શા માટે જાતે ઠોકર ખાઈને પીડા અનુભવવી? શું બીજાની ઠોકરો અને પીડા જોઈને આપણે સફળતા હાંસીલ ના કરી શકીએ? જો કે, આ દરેકની અંગત બાબત છે. સમય અને સંજોગો એને શીખવાડી દે છે. પરંતુ ક્યારેક મોડું થઈ ગયું હોય છે.

જો કે હવેનો જમાનો એ નથી કે કોઈના કહે કરવું. જીવનમાં ઠોકરો ખાવાનું માણસને ગમે છે. તરતા શીખવું હોય તો પાણીમાં ઊતરવું જ પડે. પરંતુ ભણતરની સાથે કોઠાસુઝ જો આજનો યુવાન કેળવે તો સોને પે સુહાગા જેવી પરિસ્થિતિ ઊભી થાય. માત્ર પુસ્તકના કીડા બનવાથી જીવન જીવવાની કળા નથી શીખાતી. અને પછી ભાગ્યને દોષ આપવાનો કોઈ અર્થ રહેતો નથી. વિવેકબુદ્ધિને સૂક્ષ્મ, સંવેદનશીલ રાખીને ઊંચે ઉઠવાનું છે, ધ્યેયસિદ્ધિ કરવાની છે. તે માટે પોતાના આગ્રહ, દુરાગ્રહ અને પૂર્વગ્રહોને છોડવાં પડશે. જરૂર પડે પોતાની જાતને બદલવી પડશે.

વાત્સલ્યની વેલી ૪૧) હું ગલુડિયાંને વાંચતા શીખવાડું?

એક સર્વે મુજબ અમેરિકાનાં લગભગ અડધો અડધ બાળકો જયારે પ્રાથમિક સ્કૂલમાંથી બહાર નીકળે છે( અને માધ્યમિક શાળામાં જાય છે) ત્યારે વાંચન શક્તિમાં નબળાં જ હોય છે! સામાન્ય રીતે પાંચ -છ વર્ષનું બાળક થોડું ઘણું વાંચી શકતું હોય છે.

અમારા ડે કેરનાં બાળકો આવે ત્યારે લગભગ બે વર્ષનાં હોયએટલે હજુ બોલતાં શીખતાં હોય, એટલે એ લોકો સ્પષ્ટ રીતે કમ્યુનિકેશન કરી શકે એટલે, (અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારું મુખ્ય ધ્યેય હોય એટલે )અમારી વર્ગ લાયબ્રેરીમાં અમે ઝાઝું કરીને પિક્ચર બુક્સ અને પઝલ્સ વગેરે વધારે પ્રમાણમાં રાખીએ . જેથી તેમનામાં વાંચનની ભૂખ ઉભી થાય . પણ બાળકો જ્યાં કે.જી. માં આવે ત્યાં સુધીમાં સારું એવું વાંચતા શીખી જાય!

ઘણાં વર્ષો પહેલાં – ત્રીસ વર્ષ પહેલાં -એક બાળક અમારે ત્યાં આવ્યો ; જન્મથી એને પોલિયો જેવી કોઈ ખામી હતી ;સેરિબ્રલ પલ્સી . એના વિષે ૨૩ નંબરના લેખમાં મેં લખ્ય્યું છે. એન્ડીને વાંચનનો ભારે શોખ.

“ આને આટલી બધી વાંચનની ભૂખ કોણે જગાડી ?” એક દિવસ મેં જિજ્ઞાસાથી પૂછ્યું . એને ખબર પડી કે અમે ઈન્ડિયાથી આવ્યાં છીએ એટલે એ વિષયનાં પુસ્તકો લાયબ્રેરીમાંથી લઇ આવ્યો ને એ વિષે બધું જાણવા માંડ્યો!અમેરિકા મારે માટે પણ હજુ નવો દેશ હતો અને અમે માંડ માંડ મહેનતથી ડે કેર સેન્ટર શરૂ કરેલું .મારે પણ હજુ ઘણું શીખવાનું હતું .એટલે મેં પૂછ્યું .

આમ તો એન્ડી શરમાળ પ્રકૃતિનો હતો! કદાચ લો સેલ્ફ એસ્ટીમ ( લઘુતા ગ્રન્થિથી પીડાતો) હતો. અને એનું મુખ્ય કારણ એની શારીરિક ( અને અમુક બાબતે માનસિક ) મર્યાદાઓ હતી. એને સ્પેશિયલ પ્રકારના બુટ પહેરવા પડતા , અને બોલે તો મોઢામાંથી જરા જરા લાળ પડતી હતી.. વગેરે વગેરે કારણોથી એ જુદો લાગતો . પણ એનાં મા બાપ એનાં ઉછેરમાં ખાસ ધ્યાન દેતાં. આમ તો એ લોકો મધ્યમ વર્ગનાં હતાં- સાવ સામાન્ય ! પણ એન્ડીને જીવનમાં નાની નાની ચેલેન્જ આપીને એને વિશ્વનું દર્શન કરાવતાં! એટલે કે કેડી કંડારીને ઘોરી માર્ગ તરફ દોરતાં હતાં. હું માનું છું કે કોઈ થેરાપિસ્ટ કે કોઈ સોસ્યલ વર્કર એમને આવું બધું કરવા સમજાવતાં હશે! (આપણે ત્યાં આવું બાળક કદાચ ગાંડામાં ખપી જાય ! અને લોકોય એનાં મા બાપને કોઈ પૂર્વ જન્મના પાપની સજા ભોગવે છે એમ કહીને વગોવે )

મને એ બાળક , એની બેન અને એનાં સમગ્ર કુટુંબમાં ખુબ રસ પડતો . એ વર્ષોમાં અમારે ત્યાં દેશમાંથી અમુક કુટુંબીજનો આવેલાં અને આ દેશમાં બાળ ઉછેર અને ખાસ કરીને આ બાળકથી પ્રભાવિત થયેલાં.

એન્ડીનાં મા બાપે મને જે સમજાવ્યું તે મને કાયમ માટે સ્પર્શી ગયું .

‘એન્ડી રોજ એના પ્રિય પપી ડોગ ‘લેસી‘ને વાંચી સંભળાવે છે! અમે એને કહ્યું છે કે તારે લેસીને વાંચતા શીખવાડવાનું છે!’

આ એક મહત્વનું જ્ઞાન મને લાધ્યું ! આમ તો આપણી સંસ્કૃતિમાં વૃક્ષમાં વસુદેવ અને પ્રાણીમાં પિતૃઓ જોવાની ભાવના છે જ; પણ એન્ડીનો ગલૂડિયાને વાંચતું કરવાનો પ્રયાસ અમને બધાંને ગમી ગયો ! ‘ તું વાંચતા શીખ ‘ એને બદલે ‘ ગલૂડિયાને વાંચી સંભળાવ’ એ સાયકોલોજી વધારે કામિયાબ નીવડે છે!

ત્યાર પછી દશેક વર્ષ બાદ બાળકોને વાંચનનો પ્રેમ જાગે એ માટે ડોગ થેરપીનાં ઘણાં ઓર્ગેનાઈઝેશનો શરૂ થયાં! Sit Stay Read; Helping Paws ,Tail Wagging Tutors વગેરે વગેરે ..પણ એન્ડીનાં પેરેન્ટ્સે આ બધાની શરૂઆત થઇ તે પહેલાં જ આ ‘ગલુડિયાને વાંચતા શીખવાડો ‘નો પ્રયોગ પોતાનાં બાળકોને સમજાવ્યો હતો!

સાચી હકિકત તો એ છે, કે જો એ મા બાપ રાહ જોવા રહ્યાં હોત તો ઍન્ડીનું બાળપણ જતું રહ્યું હોત!

જીવનમાં બાળકોને ટૂંકા રસ્તા બતાવવા ( quick fix )કરતાં સાચા રસ્તે દોરવા વધુ મહત્વનું છે. પણ તેને માટે સમય અને સમજ બન્ને જોઈએ; જે આજનાં પેરેન્ટ્સ પાસે સમજ( જ્ઞાન) તો છે પણ સમય નથી…

બાળકોને વાંચતા આવડે એટલે જાણે કે અલ્લાદીનનો જાદુઈ ચિરાગ હાથમાં આવ્યો! સમ સમ ખુલજા કહેતાં આખ્ખી દુનિયા હાથમાં આવી જાય!

જો કે, પુસ્તકોનાં વાંચન અને આઈ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઈસનાં વાંચનમાં ઘણો ફેર છે! પુસ્તક એ પુસ્તક છે! એનાં પાનાં ફેરવતાં ફેરવતાં બાળક માં જે જીજ્ઞાશા ભાવ પ્રગટે છે તે આઈ પેડમાં એ જ વાર્તા વાંચવાથી એવા ભાવ ઉભા થતા નથી !

નાનાં બાળકોની પ્રિય વાર્તા ‘બ્રાઉન બેર બ્રાઉન બેર ! ‘એ કોઈ બાળકને વાંચવા આપો !

Brown bear brown bear what do you see? અને બાળક હોંશેથી પાનું ફેરવે ( કદાચ એક કરતાં વધારે પાનાં ફરી જાય!) અને પછી બાળક વાંચે

I see a yellow duck looking at me !

એક વખત એવું બન્યું કે પબ્લિક સ્કૂલમાંથી ફોન આવ્યો;કેટલાંક બાળકો અમારાં ડે કેરમાંથી એ સ્કૂલમાં દર વર્ષે કે જી. અને ફર્સ્ટ ગ્રેડમાં જાય. એમણે પૂછ્યું કે અમુક ભાઈ બેન એક જ ઘરમાં ઉછરેલ છે પણ બન્નેનાં વાંચન લેવલમાં આટલો મોટો તફાવત કેમ?

કારણ સરળ જ હતું: જેનેટ અમારે ત્યાં આવતી , એ ઢીંગલાં ઢીંગલીઓ પાસે બેસીને પોતાની જાતે વાર્તા વાંચતી , જે વાર્તા અમે સ્ટોરી ટાઈમ વખતે સમૂહમાં બાળકોને કહેતાં! પણ એનાથી બે વર્ષ મોટો ભાઈ રોબર્ટો શરૂઆતથી જ ઘેર અન્ય કોઈ પાસે સચવાતો હતો! જેનેટ કડકડાટ વાંચતી !

વાંચનની ભૂખ જગાડવી અને સાચી રીતે સંતોષવી ! મને વાંચનનો શોખ એટલે ડે કેરનાં બાળકોમાં પણ એ ટેવ પડે.

શિકાગોમાં દર વર્ષે સમર રાઇડિંગ, પુસ્તક મેળા વગેરે થાય, અને નજીકની લાયબ્રેરીમાંથી બાળકોની લાયબ્રેરિયન બાળકો માટે અવનવા રમકડાં , રમતો , પુસ્તકો લઈને પ્રમોશન માટે આવે! આનંદાશ્ચર્યથી અમે આવાં બધાં જ પ્રોગ્રામોમાં રજીસ્ટર થઈએ ! ક્યારેક સમર પ્રોગ્રામને અંતે પીઝા પાર્ટી થાય! બાળકોને સ્કૂલબેગ વગેરે મળે .. આ બધ્ધું શા માટે? કે જેથી કરીને બાળકોનો વાંચન રસ જાગૃત થાય અને જળવાય !

છેલ્લે એન્ડી વિષે જાણ્યું કે લગભગ ચાલીસે પહોંચેલ એન્ડી પુસ્તકો વાંચનમાંથી લેખન અને પ્રકાશન તરફ વળ્યો છે!

વાત્સલ્ય વેલનાં આવાં સુંદર પુષ્પોથી વેલ મ્હેંકે છે!

૪૨ -કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

મૈત્રીની મોસમ તો બારેમાસ….આજે બારમાસીના ફૂલ જેવા એક મિત્રની, એવી મૈત્રીની યાદમાં……….

એક વાર્તાલાપ……..

હેલ્લો, ક્યારે આવ્યા? ખરા છો તમે તો ? આટલા દિવસ થયા આવ્યાને અને મળવાની વાત તો બાજુમાં એક ફોન પણ કરતા નથી?  જો અમે નહીં સારા તમને યાદ કરીને મળવા આવ્યા?

હવે બીજો વાર્તાલાપ-…..

હેલ્લો… અરે વાહ આવી ગયા?  આજે જ તને યાદ કરી અને મને ખબર હતી કે જ્યારે આવશે ત્યારે ફોન તો આવશે જ..

પહેલો  સંવાદ છે એક સાવ જ વ્યહવારિક રીતે  ક્યારેક  પોતાની ફુરસદે  કે સગવડે મળતા નામ પુરતા કહેવાતા સ્નેહી સાથેનો અને બીજો વાર્તાલાપ છે એક અત્યંત નિકટના મિત્ર સાથેનો જેની સાથે પણ ફુરસદે જ અને એકમેકની સગવડે જ મળવાનુ થતુ હોય .

ફરક છે આ બંને વાર્તાલાપના સૂરમાં , બંનેની અભિવ્યક્તિમાં .

કેટલાક લોકો કહેવાતી આત્મિયતાને તમારી પર થોપવાનો પુરેપુરો પ્રયત્ન કરશે અને સામે પક્ષે એવી આત્મિયતાની અપેક્ષા રાખી  જ્યારે મળે ત્યારે ફરિયાદના સૂર સાથે જેટલો  સમય મળ્યો હોય એમાં પણ  કડવાશ ઘોળશે. જેના લીધે ફરી મળવાની ઇચ્છા જ મરી પરવારે.

જ્યારે એક સંબંધ એવો પણ છે જેમાં અપેક્ષા ઓછી અને વિશ્વાસ વધુ છે અને એ સૂર છે મૈત્રીનો. અહીં એવુ પણ નથી કે રોજે રોજ મળીને બંને એકબીજાની પળે પળનો હિસાબ રાખતા હોય. ક્યારેક એવુ પણ બને કે વર્ષમાં બે વાર પણ મળવાનુ ભાગ્યે જ થયુ હોય પણ  આ મૈત્રી નામ પુરતી નથી. અહીં વિશ્વાસની એક બુનિયાદ પર મૈત્રીની ઇમારત છે.

વાત છે  મળ્યા એની મઝા માણો જેવી વિચારસરણી ધરાવતા બે અંગત મિત્રોની . આજે યાદ પણ નથી કે પ્રત્યેક્ષ્ ક્યારે મળ્યા હતા. કેટલાય વર્ષો પસાર થઈ ગયા રૂબરૂ મળ્યાને. હા, ક્યારેક ફોન પર કે મેઇલ પર ખબરની આપ લે થઈ જાય બસ પણ એથી કરીને કોઇને કોઇના માટે કોઇ ફરિયાદ નથી કે નથી કોઇ અપેક્ષા. જ્યારે મળે ત્યારે ,જે હાલમાં મળે ત્યારે જંગલમાં પણ મંગલ કરી લઈએ છીએ .જ્યારે મળીએ ત્યારે આખે આખો સાગર ઉલેચાઇ જાય એવી રીતે  બંને એકબીજા સામે ઠલવાઇ જઈએ છે અને ફરી  ક્યારે મળીશુ એનો વિચાર કર્યા વગર જ છુટા પડીએ છીએ. કોઇ અપેક્ષા નથી એકમેક માટે અને છતાં ગળાબૂડ વિશ્વાસ છે કે જ્યારે જરાક હાથ લંબાશે ત્યારે ત્યાં ક્યાંક  એકબીજાની આસપાસ જ મળી રહેશે. અને એ મળવા માટે પણ ફિઝીકલ પ્રેઝન્સની જરૂર નથી.  અહીં વાત થવી એ મળ્યા જેટલુ જ મહ્ત્વનુ છે એવી ક્યારેય ન થયેલી  સમજૂતી છે . મારી ડાયરી તારી પાસે અને તારી ડાયરી મારી પાસે જેવી અંગતતા છે. કહેવાનો મતલબ કદાચ કોઇની સાથે ન વહેંચી શકાય એવી વાતની અહીં આપ-લે થાય તો પણ એ આગળ વધીને બીજે ક્યાંય નહી જાય એવી ખાતરી છે. મૈત્રી એક એવી સેઇફ ડીપોઝીટ વોલ્ટ છે, એવુ લોકર છે જેમાં તારી -મારી અતિ ખાનગી જણસ એ જોઇન્ટ એકાઉન્ટ્ની માફક સચવાયેલી રહેશે એવો વણ લખ્યો કરાર છે.

છેલ્લા ક્યારે મળ્યા કે હવે ક્યારે મળીશુ એનુ કોઇ રજીસ્ટર પણ નથી એકબીજા પાસે . જરૂર પણ નથી એવા કોઇ રજીસ્ટરની.કારણકે અહીં હેપ્પી ફ્રેન્ડશીપ ડે વિશ કરવાવાળી ફોર્માલિટી નથી પણ જ્યારે મળ્યા ત્યારે ફ્રેન્ડશીપની હેપ્પીનેસ ફીલ કરવાની માનસિકતા છે બંનેમાં .  ક્યારેક નક્કી કરીને પણ ન મળી શકાય અને  ક્યારેક સાવ જ અણધારી મુલાકાત થઈ જાય. પણ અહીં કોઇ લેખાજોખા નથી કે નથી કોઇ રાવ ફરિયાદ. મળાય તો એનો આનંદ -ન મળાય તો એનો કોઇ અફસોસ નહી.

આવી મૈત્રી  સમજવા માટે તો સુરેશભાઇ દલાલની એક રચના કાફી છે.

તું વૃક્ષનો છાંયો છે, નદીનું જળ છે. ઊઘડતા આકાશનો ઉજાસ છે:
તું મૈત્રી છે.

તું થાક્યાનો વિસામો છે, રઝળપાટનો આનંદ છે, તું પ્રવાસ છે, સહવાસ છે:
તું મૈત્રી છે.

તું એકની એક વાત છે, દિવસ ને રાત છે, કાયમી સંગાથ છે:
તું મૈત્રી છે.

હું થાકું ત્યારે તારી પાસે આવું છું, હું છલકાઉં ત્યારે તને ગાઉં છું, હું તને ચાહું છું :
તું મૈત્રી છે.

તું વિરહમાં પત્ર છે, મિલનમાં છત્ર છે,તું અહીં અને સર્વત્ર છે:
તું મૈત્રી છે.

તું બુદ્ધનું સ્મિત છે, તું મીરાનું ગીત છે, તું પુરાતન તોયે નૂતન અને નિત છે:
તું મૈત્રી છે.

તું સ્થળમાં છે, તું પળમાં છે;તું સકળમાં છે અને તું અકળ છે:
તું મૈત્રી છે.

આવી દોસ્તી -આવા દોસ્ત માટે બીજુ તો શું કહી શકાય ? હા આટલુ ચોક્કસ કહી શકાય.

એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પળ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે, હું ઊંઘ માં પણ તારી સાથે વાત કરું છુ..

અને છેલ્લે.. મૈત્રીદિને મળેલો એક સરસ મેસેજ..

“કુંડળી મેળવ્યા વગર સ્થાપિત થતો અને આજીવન કાયમી રહેતો સંબંધ એટલે મિત્રતા.”