દ્રષ્ટિકોણ 37: હિમ નદી અને વૈશ્વિક ગરમાવો – દર્શના

શનિવારે પ્રકાશિત થતી દ્રષ્ટિકોણ કોલમ હું, દર્શના વારિયા નાડકર્ણી તમને આવકારું છું. આજે આપણે વૈશ્વિક ગરમાવો (ગ્લોબલ વૉર્મિંગ) અને હિમ નદી (ગ્લેશિયર) ઉપર થોડી વાત કરીએ.  તાજેતરમાં હું અલાસ્કાની સફર કરીને આવી અને ત્યાં સુંદર ગ્લેશિયર જોયા. ઘણા વર્ષો પહેલા હું હિમાલય માં પર્વત ચડાવ અભિયાન (માઉન્ટેઇન ક્લાઈમ્બીન્ગ એક્સપીડિશન) ઉપર ગયેલ ત્યારે અમે હિમ નદી ઉપર ચાલીને ગયેલા. તો આ હિમ નદી શું છે?..ઘણા સમયથી પડતો બરફ જયારે ઘટ્ટ થઇ જાય છે અને એક જ જગ્યા ઉપર રહે છે ત્યારે ધીમે ધીમે હિમ નદી બનવાની શરૂઆત થાય છે. પણ તે માત્ર એક જગ્યાએ પડતો બરફ નથી. બલ્કે હિમ નદી એક પાણી ની નદીની જેમ વહે છે અને આખરે હિમ તળાવ (ગ્લેશિયલ લેક) માં, નદીમાં અથવા દરિયામાં  જઈને ઠલવાય છે તેને ગ્લેશિયર તરીકે ઓળખાય છે. હાલ માં હિમનદીઓ વિશ્વના 10% જેટલા ક્ષેત્ર ઉપર છે. જોકે મૉટે ભાગે તેને આપણે જોઈ ના શકીએ કેમ કે પર્વતમાળાઓ વચ્ચે આવેલી હોય છે. 
 હિમ નદી અત્યંત ધીમી ગતિએ વહે છે તે છતાં તે વૈશ્વિક ગરમાવાના સંકેત અને તે વિશેની મહત્વની માહિતી આપે છે. વૈશ્વિક ગરમાવો વધવાને કારણે હિમ નદી પીછેહઠ કરે છે. તેનો મતલબ એ નથી કે તે વાસ્તવિકતામાં ઉંધી ગતિએ વહે છે પરંતુ નીચે વહેતો બરફ પીગળવા લાગે છે અને તેનું ઝડપથી પાણી થતું જાય છે. નવા સંશોધન પ્રમાણે હિમાલય ની હિમ નદીઓ ખુબ ઝડપથી અદ્રશ્ય થઇ રહી છે. નેપાળ અને ભૂતાન માં લગભગ ત્રણ ચતુર્થાંશ હિમનદી ના વિસ્તાર માં ઘટાડો થઇ ગયો છે. 
આ એકદમ ધીમી ગતિએ વહેતી હિમનદીઓ જે નીચે નદીઓમાં મળતી તે સદીઓ અને સદીઓ સુધી નીચે વસેલા ગામડાઓમાં પાણી પૂરું પાડતી. પરંતુ ઝડપથી ઓગળી રહેલ બરફ ને લીધે બે મહત્વની અસર થશે. એક તો, આ ઓગળી રહેલ હિમનદીઓ ને લીધે નીચે રહેલ નદીઓમાં અથવા હિમ તળાવ માં અને તેના આજુબાજુ વસતા ગામડાઓમાં પૂર આવાની શક્યતા વધી રહી છે. બીજું, ધીમે ધીમે વહેતી અને સદીઓ સુધી લોકોને પાણી પહોંચાડતી હિમનદીઓ બહુ ઝડપથી ઓગળી જશે તો ભવિષ્યમાં દુનિયા માં ઠેર ઠેર દુકાળ સર્જાવાની શક્યતા પણ વધી જશે.
હિમનદી ની પીછેહઠ ના ઘણા કારણો છે. પરંતુ અત્યાર સુધી બધી સુવિધા ન હોવાને કારણે હિમનદિની પુરી રીતે ઓળખ અને તેના સંશોધન માં કચાસ રહેલ। વૈજ્ઞાનિકો સેટેલાઇટ ને આધારે તે સંશોધન કરી રહ્યા હતા અને તેથી તે અભ્યાસ માં કચાસ રહેલ અને તેમાં અતિશયોક્તિ પણ થયેલ.  તે જ કારણો ટ્રમ્પ પણ પ્રસ્તુત કરે છે અને કહે છે કે આવું બનતું રહેશે અને તેમાં આપણે કઈ પણ મીનમેખ કરી શકે નહિ. પરંતુ હવે સચોટ સંશોધન કરવાની તાકાત માં વધારો થયો છે અને મોટા ભાગનો અભ્યાસ વૈજ્ઞાનિકો દૂર દૂર પર્વતમાળાઓ વચ્ચે વહેતી હિમ નદીઓ પાસે પહોંચીને ખુબ નજીકથી અને સુસંસ્ફુર્ત સાધનો અને ટેક્નોલોજી દ્વારા કરી રહ્યા છે.  દુનિયા ના મોટા ભાગના વૈજ્ઞાનિકો અને સંશોધન કર્તાઓ હવે સહેમત છે કે હિમ નદીની પીછેહઠ અને ઝડપથી બરફ પીગાળવામાં આપણી રહેણીકહેણી ઘણે અંશે જવાબદાર છે અને આપણે તેમાં ફેરફાર કરવો જોઈએ
બધા કારણો અહીં પ્રસ્તુત નહિ થઇ શકે.  પરંતુ વૈજ્ઞાનિકો ના મત અનુસાર છેલ્લા 200 વર્ષ દરમ્યાન વીજળી ઉત્પાદન અને ઇંધણ નો ઉપયોગ ખુબ વધી ગયો અને તેની પર્યાવરણમાં અસર વર્તાય છે.  ઉપરાંત માનવ પ્રવૃત્તિ ને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં 40 ટકાનો વધારો થયો છે, અને અન્ય વાયુઓ, જેમ કે મિથેન (કુદરતી ગેસ) પૃથ્વીની સપાટીથી ફેલાયેલી ગરમીને શોષી લે છે, અને આ તાપને લીધે પર્યાવરણમાં ગરમાવો વધતો જાય છે. ગ્રીન હાઉસ ગેસ તરીકે ઓળખાતી આ ગરમી-ફસાવતી વાયુઓ ને કારણે આબોહવામાં વધતું જતું ઉષ્ણતામાન આ ગ્લેશિયર ના પીછેહઠનું એક મુખ્ય કારણ છે. તે ઉપરાંત માણસની પ્રવૃત્તિ ના બીજા નાના મોટા કારણો પણ તે માટે જવાબદાર છે.  જેમ કે ભોજન માં વધતો જતો મીટ નો વપરાશ પણ પર્યાવરણ માટે હાનિકારક છે. 
આવતા અંકે આપણે પોતે ગ્લોબલ વોર્મિંગ (વિશ્વિક ગરમાવો) ને વધતો અટકાવવા માટે અને પર્યાવરણ ના રક્ષણ માટે શું કરી શકીએ તે વિષે થોડી વાતો કરીશું। પરંતુ આ અંકે થોડી ગ્લેશ્યર હિમ નદી ઉપર ની માહિતી પ્રસ્તુત કરી છે. અને બેક ફોટા મુકું છું. હિમ નદી નું દ્રશ્ય એટલું અદભુત અને ભવ્ય છે કે અમારી શિપ જયારે માર્જારી હિમ નદીની એકદમ સામે પહોંચી અને ત્યાં બે કલાક ઉભી રહી ત્યારે એક સમયે ડેક ઉપર લગભગ 60 થી 70 લોકો મુગ્ધ બનીને એ દ્રશ્ય ને નિહાળી રહ્યા હતા. એકદમ નીરવ શાંતિ થી. અને અચાનક ગાજવીજ ના ભડાકા સાથે હિમ નદી નો બરફ તૂટવાનો અવાજ આવ્યો અને બરફ તૂટીને દરિયામાં જવા લાગ્યો। અને એક સાથે આખી જનતા ના મુખ માંથી  ઓહ્હ્હ ના ઉદગાર સરી પડ્યા અને આંખ મટકયાં વગર અમે આ કુદરતની અદભુત છટાને નિહાળી રહ્યા. તો રહ્યો એક માત્ર સવાલ. શું આ પ્રકૃતિની બક્ષીશ અને સુંદરતાને બચાવવાની આપણી કોઈ જવાબદારી નથી? અને એક બીજો સવાલ. જો એ જવાબદારી આપણે બહુ ઓછી મહેનત થી નિભાવી શકીએ તો આપણે તેવી થોડી મહેનત કેમ ન કરીએ?
હેલન કેલરે એક વખત કહેલું – હું બધું કરી શકતી નથી; પરંતુ હું કંઈક કરી શકું છું; અને હું બધું કરી શકતી નથી એવા કારણસર હું જે કાંઈ કરી શકું તે કરવાનો ઇનકાર કરીશ નહીં.

1 thought on “દ્રષ્ટિકોણ 37: હિમ નદી અને વૈશ્વિક ગરમાવો – દર્શના

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.