સંવેદનાના પડઘા-૪૪ શું પુરુષ સ્ત્રીસમોવડીઓ થઈ શકે?

રેનુ રંગનાથનની આજે સુપ્રિમ કોર્ટની જજ તરીકેની શપથવિધિ હતી.હોલ હકડેઠઠ ભરેલો હતો. રેનુના માતા-પિતા ,બંને ડોક્ટરભાઈઓ, ખૂબ નામી વકીલ સસરા જનાર્દન રંગનાથન અને વકીલ પતિ રાજન રંગનાથન અને શહેરની અનેક મોટી હસ્તીઓની સામે શપથવિધિ ચાલી રહી હતી. આજે રેનુની ખુશી હ્રદયમાં સમાતી નહોતી.તે આજે તેના લક્ષને પાર કરી ગઈ હતી.
સામાન્ય દેખાવ છતાં કોટનની કડક સોનેરી બોર્ડરની સફેદ સાડી ,સૌભાગ્યનાં ચિન્હ જેવો ભાલ પર શોભતો કોરા કંકુંનો ચાંલ્લો અને  સેંથામાં પૂરેલ સિંદૂર – ભારતીય પહેરવેશ  સાથે આંતરિક પ્રતિભાથી રેનુનું મુખ પ્રથમ સુપ્રિમ કોર્ટની સ્ત્રીના સન્માન સાથે ઝળહળતું હતું.
રેનુ હૈદરાબાદ નજીકના એક નાનકડા ગામના મદયમવર્ગીય પરિવારમાંથી હતી.બંને ભાઈઓ ડોકટર
થઈ રહ્યા હતા ત્યારે સૌથી નાની બહેન રેનુની પણ ભણી ગણીને વકીલ બનવાની ઈચ્છા હતી.પિતા પાસે દીકરાને દેવા કરીને ભણાવવા પૈસા હતા પરતું દીકરી પાછળ પૈસા તેમને સોનાના દાગીના અને દહેજ માટે વાપરવા હતા.માતાને પોતાની હંમેશ માટે અવ્વલ રહેતી દીકરીના કૌવતની જાણ હતી પરંતુ પતિ અને પરિવાર સામે કંઈ। બોલી  શકતી નહી.
પિતાએ દીકરીને ભણાવવાને બદલે તેના લગ્ન ૧૯ વર્ષે જ નક્કી કરી દીધા.હજુ તો તે કોલેજના બીજા વર્ષમાં જ હતી.તેના બદનસીબ કહો કે સદનસીબ જે છોકરા સાથે લગ્ન નક્કી કર્યા હતા તે લગ્નના આગલા અઠવાડિએ જ એક્સીડન્ટમાં મૃત્યુ પામ્યો. હવે નાના ગામના અભણ લોકો રેનુ માટે નાસમજ વાતો કરવા લાગ્યા. રેનુને અભાગણી સમજીને ,તે અપશુકનિયાળ છે ,જે તેના મંગેતરને લગ્ન પહેલાં જ ભરખી ગઈ!! તેમ કહી કોઈ તેની સાથે સગાઈ કરવા તૈયાર નહોતું થતું.
મજબૂત મનોબળવાળી રેનુના મનમાં આવી વાહિયાત વાતોની કોઈ અસર થતી નહોતી.તેના પિતા આવી વાતોથી દુખી થતા પરંતુ રેનુની પડખે અડીખમ હૂંફ અને પ્રેમ વરસાવતી રેનુની માતા તેની સાથે જ હતી.રેનુએ લોકોની વાતો અવગણી ખૂબ ધગશપૂર્વક ભણવાનું ચાલુ કરી દીધું.કોલેજનાં છેલ્લા વર્ષમાં તે યુનિવર્સિટીમાં ફર્સ્ટ આવી અને આગળ એલ.એલ.બી.કરવા તેને ફૂલ સ્કોલરશીપ મળી.એલ.એલ.બી. માં પણ તે યુનિવર્સિટીમાં ટોપ જ રહી.તે દરમ્યાન તે વકીલ જનાર્દન રંગનાથનના ત્યાં તેમના આસિસ્ટન્ટ તરીકે વકીલાત શીખવા બેંગલોર ગઈ.જનાર્દનભાઈને રેનુ ખૂબ તેજસ્વી લાગી .તેમણે પોતાના પુત્ર માટે આ સુશીલ,સંસ્કારી અને બુધ્ધિશાળી દીકરી તેમની પુત્રવધુ તરીકે તેના પિતા પાસે માંગી લીધી.
હવે રેનુ પરણીને બેંગલોર આવી ગઈ.મધ્યમવર્ગના પરિવારમાં ઉછરેલ રેનુ ઘરના કામકાજ ,રસોઈ
ઘરની સંભાળ અને વડીલોના સેવા-સન્માન બધામાં જ પારંગત હતી.તેથી પરણીને તરતજ સાસરાના ઘરને ઉપાડી લીધું.સાસરાનો પરિવાર ખૂબ સુખી હતો પણ રેનુના વિચાર અને વર્તન સાદગીપૂર્ણ હતા.ઘરનાં કામકાજ પતાવી તે ઘરમાં આવેલી પતિ અને સસરાની ઓફીસમાં જ બેસતી અને દરેક કેસ અંગે ખૂબ વાંચતી અને વિચારતી અને ડેડી જનાર્દનભાઈ સાથે ચર્ચા અને વિચારવિમર્શ કરતી.રાજેનને પોતાની પત્ની પોતાનાથી વધુ હોશિયાર છે અને તે પોતાથી આગળ નીકળી જશે એ વાત ગમતી નહી.તેના લીધે પતિ-પત્નીમાં અનેકવાર ચડભડ થતી.પરતું સમજુ રેનુ પુરુષસહજ અહંકારને સમજી હમેશાં પોતાની વાત છોડી તેના અહંકારને પોષતી.
રેનુના ત્યાં પુત્રનો જન્મ થયો પછી તો રાજેને તેને દીકરાની સંભાળ રાખવાના બહાને ઓફીસ પણ બંધ કરાવી પણ રેનુએ કેસના સ્ટડી અને વાંચન પોતાના રુમમાં પણ ચાલુ રાખ્યા.હવેતો અઘરા કેસમાં જનાર્દનભાઈ જ રેનુને ઓફીસમાં બોલાવી તેની સલાહ લેતા. તેની બુધ્ધિમતા પર ઓવારી જઈ જનાર્દનભાઈ હવે પોતાની સાથે કોર્ટમાં રેનુને લઈ જવા લાગ્યા.રાજેન પિતા સામે કંઈ બોલી શકતો નહી.
રેનુની સાદગી અને સૌમ્યતા છતાં તે જ્યારે ગુંચવાએલ કેસની જોરદાર દલીલો કોઈએ વિચાર્યા પણ ન હોય તેવા મુદ્દે કરતી ત્યારે આખી કોર્ટ અચંબિત રહી જતી.જેમ જેમ સમય સરતો ગયો તેમ તેમ રેનુ રંગનાથનના અતિ ઉમદા વકીલાતની ચર્ચા  ચારેકેર  ફેલાવા લાગી.હવે તો આખા ભારતમાં તેના નામનો ડંકો વાગી ગયો. આટલા ઊંચા પદ પર પહોંચ્યા છતાં તે રાજનની બધીજ લાગણીઓનો વિચાર કરતી અને તેને કોઈ વાતની ઠેસ ન પહોંચે તેનું પૂરતું ધ્યાન રાખતી.
જ્યારે સુપ્રિમકોર્ટમાંથી તેને જજ બનવાનું આમંત્રણ મળ્યું ત્યારે તે પત્ર વાંચીને જનાર્દન રંગનાથનની
આંખમાં પણ આનંદના આંસુ હતા.તેના પિયરના ગામના લોકોને પણ રેનુના સુપ્રિમ કોર્ટની જજ બનવાના સમાચાર મળ્યા ત્યારે જેને આપણે લોકો અભાગણી કહેતા હતા તે આજે આપણા ગામનું ગૌરવ બની ગઈ છે તેથી પોતાની કરેલ વાતો પર શરમિંદગી અનુભવવા લાગ્યા.
આજે રેનુ જ્યારે પહેલી સુપ્રિમ કોર્ટની સૌથી નાની ઉંમરની જજ બની છે ત્યારે એક વિચાર મનને હલબલાવી મૂકે છે……… સ્ત્રી ખરેખર પુરુષ કરતા ચડિયાતી નથી?????
એક હકારાત્મક અભિગમ સાથે જીવતી સ્ત્રી એક સાથે કેટલા ઘોડા પર સવારી કરેછે…….
તે ઘર સંભાળે છે…..રસોઈ કરેછે…….બાળકને જન્મ આપેછે…….પતિ અને તેના કુંટુંબીજનો અને બાળકો સંભાળે છે……પિતા અને પતિના ઘરની આબરૂ સાચવી એને ઉજાગર કરેછે….આજ કાલ તો લગભગ બધીજ સ્ત્રીઓ બહારનું કામ પણ પુરુષ સમોવડી થઈ કરે છે ત્યારે તે વકીલ ,ડોકટર,પત્રકાર ,એન્જિનીયર ,એકટર કે રાજકારણી હોય તોપણ સંપૂર્ણ જવાબદારીપૂર્વક પોતાનું કામ કરે છે………..અને બધા કરતા સૌથી મોટું કામ દરેકના મન અને લાગણી સાચવવાનું કામ ,પોતાની લાગણીની પરવા કર્યા વગર….. શું પુરષ સ્ત્રીના અને પોતાના કામ કરીને સ્ત્રી સમોવડીયો થઈ શકે??

5 thoughts on “સંવેદનાના પડઘા-૪૪ શું પુરુષ સ્ત્રીસમોવડીઓ થઈ શકે?

 1. નારી તુ નારાયણી અમસ્તું કહેવાયું છે?
  શક્ય છે કોઈ એકાદ વિરલો એવો પાકે જે કદાચ સ્ત્રી સંભાળતી હોય એમાનાં આંશિક કામોને ન્યાય આપી શકે પણ એક જીવને નવ નવ મહિના કોખમાં પોષીને જીવન આપવાનું નિમિત્ત તો ઈશ્વરે પણ માને જ બનાવી છે ને?
  સંસારને સમતોલ રાખીને પોતાના કાર્યક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરતી નારીને સલામ અને તારી અભિવ્યક્તિ માટે અભિનંદન.

  Liked by 1 person

 2. સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એટલે પુરુષ પ્રકૃતિના નિયમ મુજબ સૌ કોઈ પોતાની રીતે શ્રેષ્ઠ છે.સમોવડી બનવાની લ્હાયમાં અસ્તિત્વને ગુમાવાનું નથી.વાત, વાત સ્ત્રીઓના સમોવડી હોવાની…!! અરે, તમે તો પુરુષની સર્જક છો.
  સર્જકનું સ્થાન ભગવાનની સાથે ગણવામાં આવે છે .”સ્ત્રી સમોવડિયો પુરુષ”? તો પછી પુરુષ સમોવડી સ્ત્રી શું કામ? ક્યારેય કોઈએ સાંભળ્યું છે ?નું પોતાનું એક અલગ અસ્તિત્વ છે. બહુ સરળ રીતે વિચારીએ તો સ્ત્રી એ સ્ત્રી છે અને પુરુષ એ પુરુષ. બંને પોતપોતાની રીતે અલગ છે અને પોતપોતાની રીતે ઉત્તમ છે.કોઈ પણ સ્ત્રીનું સ્ત્રી હોવું એ જ અદભૂત વાત છે. તો પછી સરખામણી શું કામ?…જે સ્ત્રી પુરુષને પોતાના કરતા ચઢિયાતો કે ઉત્તમ માને છે એવી સ્ત્રીઓ દ્વારા જ “પુરુષ સમોવડી” શબ્દ સમાજમાં આવ્યો છે.ઓએ પોતાનો જ સ્ત્રી તરીકેનો સ્વીકાર કરવો જરૂરી છે.જે સ્ત્રી પોતાના અસ્તિત્વ સાથે, પોતાના સ્ત્રીત્વ સાથે ખુશ છે, જે પોતાના સ્ત્રીત્વને માણે છે અને જાણે છે એ ક્યારેય પોતાના અસ્તિત્વને પુરુષ સાથે competition માં નહિ મુકે. પોતાના અસ્તિત્વને સ્વીકારીને આગળ વધતી સ્ત્રીઓને “પુરુષ સમોવડી” એવા લેબલની જરૂર નથી. જીગીશાબેન વાર્તા ખુબ સરસ છે.સ્ત્રીના હકારાત્મક અભિગમને સલામ ……..

  Liked by 1 person

 3. Interesting point! સ્ત્રીઓની સાથે પુરુષોની સરખામણી થઇ જ શકે નહીં ! સ્ત્રીઓ જે મોરચા સાંભળી શકે છે તે પુરુષ ક્યારેય સાચવી શકે જ નહીં! જો કે આજની પેઢીમાં , અહીં સ્ત્રીઓને ઘરની વ્યક્તિઓનો સાથે વધારે પ્રમાણમાં મળે છે- પહેલાની પેઢી કરતાં ! એ આનંદની વાત છે.. થોડી ટેક્નિકલ ખામીઓને બાદ કરતાં , વિચાર બીજ સરસ છે!

  Liked by 1 person

 4. ખૂબ સરસ વાર્તા.આધુનિક યુગમાં રેનુ જેવું જીવન જીવતી સ્ત્રી કેટલી? પતિ અને પરિવાર ,રસોઈ અને વડીલોની સંભાળની સાથે પુરુષનું કામ કરે ત્યારે તે પુરુષ સમોવડી કહેવાય.આજે સ્ત્રી જયારે પુરુષનું કામ કરે છે ત્યારે તેનો પુરુષ તેની પત્નીના ભાગનું કામ કરે છે.તો આમાં સ્ત્રીએ શું ધાડ મારી?
  અંતમાં તમે જે પ્રશ્ન મૂક્યો છે,’ પુરષ સ્ત્રીના અને પોતાના કામ કરીને સ્ત્રી સમોવડીયો થઈ શકે??’…..
  જો પુરુષ પણ સ્ત્રી સમોવડી બનવાનું બીડું ઝડપશે તો….ચોક્કસ ત્યારે કળિયુગનો અંત હશે!!!!!!
  આજે સ્ત્રી પ્રકૃતિ વિરુદ્ધ જઈ રહી છે …જો પુરુષ પણ તે રસ્તે જશે તો વિનાશ નક્કી જ સમજો.પરિસ્થિતિનો સ્વીકાર અલગ વાત છે,પરંતુ સમાજની હાલત અને તેના પરિણામો……..ભગવાન બચાવે …..!!!

  Liked by 1 person

 5. પુરુષ પણ જરૂર સ્ત્રી સમોવડીયો થઇ શકે. બલ્કે હું તેવા પુરુષોને જાણું છું જેમણે પોતાની મેળે કોઈક સંજોગોને અનુસરીને એકલે હાથે બાળકોનો ઉછેર કર્યો છે અને કામ માં પણ યશ અને નામ કેળવ્યું છે. હું એવા પુરુષને પણ ઓળખું છું જેમણે પોતાના બંને માતા અને પિતા નું છેલ્લી ઘડી સુધી પ્રેમથી ધ્યાન રાખું છે અને સેવા કરી છે. તેથી હું માની ના શકું કે સ્ત્રી ની જેમ સંજોગ આવે તો પુરુષ પણ દરેક ક્ષેત્રે પ્રેમ અને આદર થી પોતાની ફરજ નિભાવી અને નિપુણતા ન કેળવી શકે. પણ સમાજ ની માન્યતાઓ અને બાળકોને તેવી કેળવણી મળતી ન હોવાથી આવા પુરુષો હંમેશા જોવા નથી મળતા। પરંતુ દુનિયા બદલાઈ રહી છે અને વધુ ને વધુ સ્ત્રી ની માફક પુરુષ પણ સંજોગો આવે તો દરેક ક્ષેત્રે કુશળતાથી ફરજ નિભાવી શકે છે.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.