૪૪ – કવિતા શબ્દોની સરિતા – રાજુલ કૌશિક

બહુ મઝાની વાત બની. હમણાં બે દિવસ પહેલાં ફેસબુક પર પતિને રાખડી બાંધતી પત્નિએ ફોટો શેર કર્યો હતો. શક્ય છે એ ભાઈની બહેન દૂર દેશાવરમાં રહેતી હશે અને ભાઈને સ્વહસ્તે રાખડી બાંધવા આવવાની તક કે શક્યતા નહી હોય અને વળી આ નાનકડા પરિવારમાં અન્ય કોઈ એવી વ્યક્તિ નહી હોય જે એ દૂર રહેતી બહેન વતી રાખડી ભાઈને બાંધી શકે.
અને ત્યારે જ એવો વિચાર આવ્યો કે રક્ષાબંધન એ માત્ર ભાઈ-બહેનનો જ તહેવાર કેમ?
આમ જોવા જઈએ તો રક્ષાબંધન માટે પુરાણથી માંડીને શાસ્ત્રોમાં, ઇતિહાસમાં પણ અનેક અલગ સંદર્ભો જોવા મળે છે.  એવા જ એક સંદર્ભની વાત જોઈએ તો કહ્યું છે કે સિકંદરની પત્નિએ પોતાના પતિના હિંદુ ક્ષત્રુ પોરસને રાખડી બાંધીને પતિને યુદ્ધમાં ન મારવાનું વચન લીધું હતું. મેવાડની રાણી કર્માવતીએ હૂમાયુને રાખડી મોકલીને રક્ષાનું વચન માંગ્યું હતું. હૂમાયુ ક્યાં હિંદુ હતો અને તેમ છતાં એ કાચા સૂતરને તાંતણે બાંધેલી રાખડીનું માન તો એણે ય જાળવ્યું જ હતું ને? ઇતિહાસને ફંફોળીશું તો આવા એક નહીં અનેક ઉદાહરણો મળશે. ઇતિહાસથી આગળ વધીને પુરાણ તરફ જઈએ તો દેવ અને દાનવના યુદ્ધ દરમ્યાન દેવો સામે દાનવોની સર્વોપરિતા જોઈને ઇંન્દ્રની રક્ષા માટે ઇંદ્રાણીએ મંત્રોની શક્તિથી ઉર્જિત રેશમી દોરાને ઇંદ્રના કાંડે બાંધી દીધો. યોગાનુયોગે એ દિવસ શ્રાવણી પૂનમનો દિવસ હતો.
અર્થાત આ નાજુક તાતણાંમાં એટલી તાકાત, એટલી શક્તિ છે જે એક અભયવચન કે કવચ બનીને ક્યાંક કોઈના રક્ષણનું નિમિત્ત બને છે.
અને તો પછી એનો એક અર્થ એવો ય ખરોને કે રક્ષાબંધન એટલે માત્ર ભાઈ-બહેન જ નહીં સંસારના કોઇપણ સંબંધોની રક્ષા કરવાનું બંધન એટલે રક્ષાબંધન?
ભાઈ-બહેન તો સહોદર છે. માતા-પિતા પછી મોટાભાગે ભાઈ-બહેન જેવો અતુટ પ્રેમ તો ભાગ્યેજ કોઈનામાં જોવા મળશે. કદાચ ભાઇ-ભાઈ વચ્ચે સ્નેહની ઉણપ ક્યારેક ઊભી થશે પણ ભાઇ-બહેનના પ્રેમનો તો એ કોઇપણ જાતના વ્યહવાર વગરનો તહેવાર છે. એમાં રક્ષા કરતાંય પ્રેમના, ભાઈ-બહેનના વ્હાલના બંધનની વાત છે. રક્ષા બાંધતી બહેન તો એ સમયે મોટાભાઈ માટે માન-આદર અને નાનાભાઈ માટે ભરપૂર વ્હાલની જ લાગણી જ ઠલવતી હોય છે. એમાં ક્યાંય કોઈ વચન-બંધન કે અપેક્ષા હોતી જ નથી. આ તો સ્નેહ-સંબંધોના બંધનની ગાંઠ છે જે રાખડીરૂપે બંધાઈ રહી છે.
જો રાખડીનો એક અર્થ એવો હોય કે કોઈ વ્યક્તિને પોતાની સુરક્ષા માટે બાંધી લેવી તો ત્યાં વાત માત્ર ભાઈની જ ક્યાં છે? પિતાને તો ક્યારેય રાખડી બાંધી નથી અને તેમ છતાં ક્યારેય પુત્રી હ્રદયમાં આજીવન એની રક્ષા માટે પિતાની બાહેંધરીની ખાતરી હોય છે ને?  
અને પિતાની જેમ જ એવી એક વ્યક્તિ છે જેની સાથે પળે પળ જ નહીં , સાત જન્મ પણ નહીં જન્મ-જન્માંતર સુધી જીવન વિતાવવાનું વચન આપ્યું છે, જેને જીવનના તમામ સુખ-દુઃખમાં સાથ આપવાનું વચન આપ્યું છે, જીવનભર પરસ્પર એકતા, વિશ્વાસ, મનમેળ અને અત્યંત સ્નેહપૂર્ણ વ્યહવાર રાખવાનું વચન આપ્યું છે એની તરફથી પણ વણકહી બાંહેધરી છેડાબંધન સમયે મળી જ જતી હોય છે ને? એટલે જ તો પુરેપુરી નિશ્ચિંત થઈને એ લગ્નવેદી પર સાત ફેરા લે છે ને?
રક્ષાબંધન હોય કે છેડાબંધન, વાત છે દરેક બંધનની,
વળી એક નવો વિચાર- સંબંધોનું બંધન ? સંબંધોમાં બંધન હોય ખરું? એમાં તો માત્ર એકમેકની પરવા હોય. મઝા તો ત્યારે છે જ્યારે સંસારના પ્રત્યેક સંબંધોમાં અને એ પરવાની, એ પ્રેમની, સ્નેહની સૌને ખબર હોય.
એટલે જ બેફામ સાહેબની રચના.. થોડા અલગ શબ્દોમાં
ચાહતમાં એકબીજાની ફિકર હોવી જોઇએ,
આ વાતની તમને-મને ય ખબર હોવી જોઇએ.
આ બહારનું જગત તો વ્યહવારોના ખેલ છે,
દુનિયા ખરી તો દિલની ભીતર હોવી જોઇએ.
 અને એટલે આજે તો આ ભીતરની દુનિયાનું સૌને સ્નેહ મુબારક.
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

1 thought on “૪૪ – કવિતા શબ્દોની સરિતા – રાજુલ કૌશિક

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.