હળવે થી હૈયાને હલકું કરો-10

મિત્રો  15મી ઓગસ્ટ ભારતનો સ્વતંત્રતા દિવસ.
આ સ્વતંત્રતા એટલે શું?,આઝાદી એટલે શું?,
એક મહાન વિચારક અને તત્વચિંતક ડો.ભીમરાવ આંબેડકર સાહેબે
ખુબ જ ગહન અર્થમાં સાચુજ કહ્યું છે કે… “વૈચારિક સ્વતંત્રતા વાસ્તવિક સ્વતંત્રતા છે. જે વ્યકિત સાંકળોમાં બંધાયેલો નથી છતાં પણ તે માનસિક રીતે ગુલામ છે તો તે ખરા અર્થમાં ગુલામ છે, મુક્ત માણસ નથી. જેનું મન મુક્ત નથી, તે જેલમાં ન હોવા છતાં તે કેદી છે અને મુક્ત માણસ નથી. જે વૈચારિક રીતે મુક્ત નથી, તે જીવંત હોવા છતાં મૃત જેવાજ છે. વૈચારિક સ્વતંત્રતા આપણા અસ્તિત્વનો પુરાવો છે. “
હું નાનો હતો ત્યારે ગુલામી એટલે અંગ્રજોનું રાજ્ય એમ જ સમજ્યો હતો,આમ જોવા જઈએ તો સ્વતંત્રતા ખરો અર્થ પરાધીનતામાં સમજાતો હોય છે.લ્યોને આજે હૈયું ખોલી મારી જ વાત કરૂં, હું, બે બહેનો, બે ફૈબા અને મમ્મી એમ પાંચ સ્ત્રીઓ તથા પપ્પા વચ્ચે હું એક જ નાનકડો લાડકો દીકરો.કૉલેજમાં આવ્યો ત્યાં સુધી મને બધાં લોકોના લાડકોડ ગમતાં હતાં. મને મારા ઘરમાં એટલા બધા લાડકોડ કરવામાં આવ્યો છે કે આજે હું મારું એકપણ કામ જાતે નથી કરી શકતો. એક પણ નિર્ણય કોઈના વગર લઇ શકતો નથી.મને મારૂં અસ્તિત્વ જાણે કોઈનો સહારો ઝંખતું હોય એવું લાગ્યા કરે છે. હું સ્વતંત્ર રીતે કંઈ કરી જ નથી શકતો. મને એવું લાગે છે કે શ્વાસ લેવા સિવાય હું કોઈ જ જવાબદારી કે કામ મારી રીતે કે જાતે નથી કરતો. મને એટલો બધો રક્ષિત રાખવામાં આવ્યો છે કે મને પોતાને નથી સમજાતું કે મારી સાથે કેમ આવું કરવામાં આવ્યું? અમારા ઘરમાં મારા પપ્પાના જન્મ બાદ વર્ષો પછી દીકરા તરીકે મારો જન્મ થયો. વળી ઘરમાં અલગઅલગ ઉંમરની આટલી બધી સ્ત્રીઓ. હું તો તેઓ મને જેમ ઉછેરતાં હતાં એમ ઉછરી રહ્યો હતો. હવે મારામાં સમજ આવી છે ત્યારે મારી જાતને અધૂરી અને પરતંત્ર અનુભવું છું. વાંક કોનો હતો એ નથી સમજવું મારે. મને તો એટલી સમજ પડે છે કે છોકરો હોવા છતાં સ્વતંત્રતા કે પોતાની રીતે સમજ કેળવાય એવા કોઈ ગુણો મારામાં છે જ નહીં. પોતાની ઈચ્છા મુજબની કારકિર્દી બનાવતા મિત્રોને જોઉ છું ત્યારે એ બધું સમજાય છે.કોઈ મને રોકવા કે ટોકવાવાળું નથી. પૈસા માટે સંઘર્ષ કરવો પડ્યો નથી,પણ કૉલેજની જિંદગીમાં મારી સાથે ભણતાં બીજાં વિદ્યાર્થીઓને જોઉં છું ત્યારે મારી જાતને હું બહુ પાછળ છું એવું લાગ્યા કરે છે. મારામાં આત્મવિશ્ર્વાસનો અભાવ છે અને દેખાવમાં પણ હું સામાન્ય છું એટલે મારા મિત્રો મને પાછળથી બાબુડો કહીને ખીજવે છે.
જિંદગીમાં શરતોને આધીન ઘણુંબધું હોય છે. ન કહેવાય કે ન સહેવાય એવી સ્થિતિ હોય ત્યારે તેનો બોજો અસહ્ય થઇ પડે છે.પણ જ્યારે તમારી સમજ એ શરતોને આધીન ન થાય ત્યારે તમારે તમારી રીતે રસ્તો કાઢવો જ પડે.’ મેં હવે એક મનોવૈજ્ઞાનિકની સલાહ લીધી છે. એમની મદદથી હું ધીમેધીમે મારી એક જ પ્રકારે ઘડાયેલી માનસિકતા સામે હું લડી રહ્યો છું. બીજા ઉપરની મારી નિર્ભરતા મારે છોડવી છે. અલગ અનુભવો, અલગ પરિસ્થિતિઓમાં પણ નિર્ણયો લેવાની અને વર્તવાની મારી ઈચ્છા છે હવે એ જ એક જ ઘરેડમાં ન જીવવાની મને સમજ આવી છે પણ એ મારી જાતને ક્યારે ટટ્ટાર કરશે એની મને ખબર નથી.
મારો જે ઉછેર થયો એની સામે મને કોઈ ફરિયાદ નથી. હું જેવો છું એની સામે પણ મને કોઈ સવાલો નથી. પણ હવે મને મારી રીતે, મારી સમજ પ્રમાણે જિંદગી જીવવી છે. રોજિંદી જિંદગીમાં જે વસ્તુઓ ક્યારેય નથી તે કરી મારે શીખવું છે,ભૂલો કરવી છે. પોતાની જાતને શોધવાની એક યાત્રા મારે કરવી છે! મારી પાસે આમ દેખીતી રીતે જોવા જાઓ તો કોઈ કમી નથી. હું મારા પોતાની અંદરના જ અસ્તિત્વ સાથે પોતાની જ સ્વતંત્રતા માટે લડી રહ્યો છું. સ્વતંત્રતા એટલે કોઇની પણ રોકટોક સલાહવગર વિચારો કે દ્રષ્ટિકોણ રજૂ કરી શકું તેવો એક હકારાત્મક થરથરાટ મને જોઈએ છે.મારી જિંદગીના નિર્ણય હું ખુદ લઇ શકું તેવો એક અભિગમ મને જોઈએ છે.
મારી વાણી પોતાને નહીં મળતી સ્વતંત્રતાને કારણે કોઈવાર અસ્વસ્થ થઈ જાય છે. પણ મને મારી સમજદારી એને સ્વચ્છંદ થતાં રોકે છે. મુક્ત વાતાવરણમાં કે મોકળાશમાં જ ચિત્રકાર કેનવાસ પર પોતાની કળાને છૂટી મૂકીને અદભુત ચિત્ર રચી શકે અને સાહિત્યકાર બેનમૂન સાહિત્ય સર્જી શકે.એ વાત મને સમજાઈ ગઈ છે. આમ ગમતું કામ કરવાની આઝાદી માણસની અંદર રહેલા શ્રેષ્ઠને બહાર લાવવાની તક પૂરી પાડે છે…
આજે ૧૫ઓગસ્ટે એટલું તો જરૂર કહીશ કે આઝાદી વ્યકિતથી લઇને સમષ્ટિ સુધીનો આ એક અભિગમ છે, જીવનનું મૂળભૂત તત્વ સ્વતંત્રતા એ સુખ સુધી પહોંચવાનો એક પર્યાય છે એ ભુલવાનું નથી.સ્વાધીન હોવું એ માત્ર પરાધીન હોવાનો વિરોધી શબ્દ નથી,પરાધીનતા અસ્તિત્વને થતી ગૂંગળામણ પણ છે. એને કઈ રીતે દૂર કરવી, ક્યા રસ્તે આગળ વધવું એ નિર્ણય જ તમારી સમજદારીમાં સમાયેલો છે. સ્વાધીનતા લઇ જાય છે માનવીને એક મુકત મુકામ તરફ અને માટે જ સ્વતંત્રતા અપેક્ષિત છે.
આજે અહી ભારત દેશની વાત કરૂં તો સ્વતંત્રતા સાથે આજે આપણી પાસે વૈચારિક આઝાદી વર્તાય છે અને વૈચારિક આઝાદી જ આપણા અસ્તિત્વ નો પુરાવો છે.
મિત્રો અહી હળવે થી હૈયાને હલકું કરો, બસ તમારા ડૂમાને ખોલી વાત કરશો તો કદાચ તમારી વાત બીજાને માટે દીવાદાંડી બને અને કોઈને ઉજાસ મળી જાય, આમતો જિંદગી અનુભવે જ શીખાય છે. પછી એ તમારો અનુભવ હોય કે મારો.
પ્રજ્ઞા દાદભાવાળા

1 thought on “હળવે થી હૈયાને હલકું કરો-10

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s