વાત્સલ્યની વેલી ૪૨) માછલી ઘર કેમ નહીં ?

માછલી ઘર કેમ નહીં ?

જયારે આપણે કોઈ નાનકડા બાળકને રમતા જોઈએ છીએ ત્યારે આપણું મન પ્રફુલ્લિત થઇ જાય છે, બરાબર ને ? પણ એ સિવાય બીજો કયો વિચાર આવે છે?

ગમ્મે તેટલું નાનકડું બાળક હોય, પણ આખરે તો એ એક માણસ જ છે – હા , આ માણસ નાનકડું છે અને હજુ એનો પૂર્ણ વિકાસ નથી થયો ; શું એવો વિચાર આવે છે ખરો ? હું માનું છું કે કદાચ એ ક્યૂટ બાળકની નિતાંત નિખાલસતા જોઈને એટલો ગંભીર વિચાર આવતો નહીં હોય!

પણ બાળઉછેર સાથે સંકળાયેલ સંસ્થાઓ અને તેનાં ડિરેકટરોની જવાબદારી એ જ હોય છે;

શું કરવાથી આ ભવિષ્યનાં નાગરિકોને યોગ્ય દિશા ચીંધી શકાય ? અમારી ડિરેક્ટર મીટીંગોમાં લગભગ દર વખતે એ પ્રશ્ન મુખ્ય હોય!

કુંભાર હોય તો ચાકડા ઉપર માટીમાંથી ઘડો ઘડે ; પણ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું ? માર્ગરેટ મીડ Margaret Mead નામની પ્રખ્યાત સમાજશાસ્ત્રીએ કહ્યું કે બાળકોને શું વિચારવું એવું શીખવવાને બદલે કેવી રીતે વિચારવું એમ શીખવાડો ! અર્થાત એક ઢાંચાનાં બીબાંઓ બહાર પડવાને બદલે ( એક જ પ્રકારનાં માણસો ઊભાં કરવાને બદલે) કેવી રીતે માણસ બનાય તે શીખવાડો!

આ આપણી સંસ્કૃતિથી તદ્દન વિરુધ્ધ વિચાર ધારા થઇ!

બાળક જન્મે ત્યારથી આપણે નિયમ પ્રમાણે બધું કરીએ ! ભણી ને પછી આ લાઈનમાં આગળ વધો ; પછી પરણીને નિયમ પ્રમાણે મા – બાપ બની જાઓ !

અલબત્ત , ત્રણેક દાયકા પહેલાં તો દેશમાં એવું જ હતું!

પણ, મેં તો આ દેશનાં બાળકોને ઉછેરવાનું બીડું ઝડપ્યું હતું! બે સંસ્કૃતિ વચ્ચે ક્યારેક હું ગોથાં ખાઈ જાઉં ! અથવા તો બે સંસ્કૃતિના સમન્વયથી કોઈ વધુ સુંદર ફૂલ પણ ખીલી શકે ને?

દોઢેક દાયકા પહેલાંની વાત છે : બાળકોને જરૂરી તમામ ચીજ વસ્તુઓનો ઓર્ડર મુકવાનો હતો . વાસ્તવમાં અમારાં ડે કેર સેન્ટરને ઉચ્ચ ગુણવત્તા માટેનો પ્રતિષ્ઠિત નેશનલ એવોર્ડ ( NAEYC accreditation )મળી રહ્યો હતો; અને તેનાં જ અનુસંધાનમાં શિકાગો સ્થિત એક પાર્ટનર સંસ્થા ( PQCC) ડે કેરનું સંપૂર્ણ રિમાડલિંગ કરી આપતી હતી . અમે બધાં સ્ટાફ અને વાલી સૌ ખુશ હતાં. નિયમ પ્રમાણે દરેકેદરેક ચીજ વસ્તુની બાળકોનાં જીવનમાં શું જરૂરિયાત છે, અને એ ચીજ વસ્તુથી બાળકોનો વિકાસ કેવી રીતે થશે ,કેવી રીતે અમે( સ્ટાફ- ટીચર્સ ) એનો ઉપયોગ કરીશું અને એને માટે જો કોઈ ટ્રેનિંગ વગેરે લીધી હોય તો તે , એમ વગેરે વગેરે લખીને હું રિપોર્ટ તૈયાર કરી રહી હતી. આ એક ખુબ જ આનંદ અને ઉત્સાહનું કામ હતું ! આજે પણ આ લખતાં એ રોમાંચ અનુભવું છું ! જાણે કે સીલ -૬ ની જેમ , અમને કાંઈ પણ ખરીદવાની મંજૂરી (એમણે મંજુર કરેલ નેશનલ પચ્ચીસ કંપનીઓના કેટલોગમાંથી ) ગમે તે ખરીદવાની મંજૂરી મળી હતી!

મેં એ આનંદના સમાચાર ડે કેરનાં બધાં પેરેન્ટ્સને આપ્યા અને સૌનાં સજેશન્સ – સૂચનો પણ માંગ્યા .કોઈએ – જાણે કે ડે કેરમાં રમકડાં ઓછાં હોય તેમ – વધારે લેગો બ્લોક્સ , કે વધારે મ્યુઝિકના ઇન્સ્ટરયુમેન્ટ્સ ખરીદવા સૂચવ્યું . કોઈએ ડે કેરનાં પ્લેગ્રાઉન્ડને નવેસરથી સજાવવાનું કહ્યું ; કોઈએ બાળકોનાં પ્રિટેન્ડ પ્લે એરિયા માટે મપેટ – પપેટ થિયેટર જેવું કંઈક વસાવવા સૂચવ્યું. કોઈએ અમુક સૂચનો કર્યા ને કોઈએ તમુક ; બધાનાં સૂચનો મેં ધ્યાનમાં લીધાં.

એમાં બે ત્રણ ઉત્સાહી પેરેંટ્સનાં સૂચનો સુંદર હતાં: ઘણી પ્રિસ્કૂલમાં પાળેલાં પંખી કે પાળેલાં કાચબા કે હેમસ્ટર ( છછૂંદર ) હોય છે. બાળકો સવારે આવે એટલે એ પંખીને હલો કરે , હેમસ્ટરને કંઈક ખવડાવે અને ઘણાં બાલમંદિર માછલી ઘર પણ વસાવે છે. રંગ બે રંગી માછલીઓ ! નાની નાની એક બે ઇંચની માછલીઓ માછલી ઘરમાં દોડાદોડી કરે એટલે બાળકોને ગંમત થાય !

‘આપણે પણ આપણા ડે કેર માટે નાનકડું ( ચારેક ગેલનનું ) માછલીઘર વસાવ્યું હોય તો કેવું ? ‘બે ત્રણ વાલીઓનું સૂચન હતું .

સૂચન સારું હતું;

વ્યાજબી હતું. અમારાં સ્ટાફને પણ એ વિચાર ગમી ગયો !

બીજાં પેટ્સ કરતાં આ માછલીઓ નિરુપદ્રવી ! સાચવણી પણ ઝાઝી કરવાની નહીં! એમાંયે મીઠાં પાણીની નાની ઝીણી ઝીણી ગોલ્ડફિશ વગેરે જોતાં જ દિલ ખુશ થઇ જાય!

પણ મારૂં મન માછલી ઘર માટે તૈયાર નહોતું !

આમ તો એ વિચાર ઉમદા હતો; અમુક ડે કેર સેન્ટરોમાં મેં એક્વેરિયમ જોયાંય હતાં ! નાનાં નાનાં ભૂલકાં ઉત્સાહથી સ્કૂલે આવે અને દિવસ દરમ્યાન ગમે ત્યારે એ ફિશ ટેન્કની પાસે ઊભાં રહીને કાલી કાલી ભાષામાં માછલીઓ સાથે વાતો કરે! કેવું મનોહર દ્રશ્ય ! માછલીઓ અવાજ કરે નહીં ; પણ પાણીમાં સર સર ફરે એટલે બાળકોને ગમ્મ્ત થાય !

ખાસ કરીને નવાં આવતાં બાળકોને આ રંગ બે રંગી માછલીઓ એક જાતની હૂંફ આપે ! નાનકડી માછલીઓ સાથે એ પાણીની ટેન્ક પણ રંગીન લાઈટોથી એવી સુંદર લગતી હોય કે નાનું બાળક જેને મમ્મીથી છૂટાં પડવાની એન્ઝાયટી હોય અને ભેંકડા તાણીને રડતું હોય એ પણ સ્તબ્ધ થઇને રડવાનું ભૂલી જાય! માછલીઓ ઊંઘે નહીં એટલે આખો દિવસ એકવેરિયમમાં ફરતી જ હોય! બાળકોનેય પ્રાણી જગત વિષે જાણવાનું મળે !સહેજ મોટાં બાળકો એ માછલીઓ જોઈને પેલી મર્મેઈડને યાદ કરે – કે જે માછલી અડધી માણસ અને અડધી માછલી હતી!

લો ! આ તો શા માટે માછલી ઘર ખરીદવું તે માટેનો લેસન પ્લાન પણ તૈયાર થઇ ગયો !

પણ વરસો પહેલાંના એ દિવસની યાદે મેં માછલીઘરનો વિચાર પડતો મુક્યો !

‘Why not ? Whats wrong to have a small fish tank ?’

જેમનું સૂચન હતું એમને જાણવું હતું.

ત્યારે તો મેં ;”શનિ રવિ સ્કૂલમાં હીટર પંચાવન કે સાહીઠ ડીગ્રીથીયે ઓછું હોય છે એટલે માછલી ઘરનો આઈડિયા બરાબર સેટ નથી થતો “એમ જણાવ્યું , પણ ખરું કારણ શું હતું?

ચારેક દાયકા પહેલાં, જયારે અમે હજુ આ દેશમાં નવાંસવા આવેલાં હતાં અને કોઈ કાર્નિવલ – મેળામાંથી ગોલ્ડફિશ અમને ઇનામમાં મળેલી ! મેળામાં તો જાત જાતની રમત હોય; બોલ લઈને સામેના ટેડીબેરને આંટી દો અને ઇનામમાં નાનકડી એક બે ઈંચની ગોલ્ડફિશ મેળવો ! બે સુંદર સોનેરી માછલીઓ નાનકડી ડબ્બી જેવા કશાકમાં લઈને અમે ઘેર આવ્યાં .આપણે ત્યાં દેશમાં તો આવું બધું ક્યાં જોયું હોય? અરે એની કલ્પનાય કરવી મુશ્કેલ! હા ,મેળામાં ફજેત ફાળકામાં બેસો અને પછી આવી કોઈ રમતો રમો અને ઇનામમાં શંકરનું ડમરુ કે વાંસની સળીયોમાંથી બનાવેલ સાપ જેવા કોઈ રમકડાં ઇનામમાં મેળવો ! આ બધું શ્રાવણ મહિનાનાં સાતમ આંઠમના મેળામાં ખાસ માણવા મળે !

પણ જીવતી જાગતી માછલી? આવું સરસ ઇનામ તો અમારી કલ્પનાનીએ બહાર હતું!આનંદ ઉત્સાહથી અમે પેટ સ્ટોરમાં ગયાં અને માછલી માટેનો ખોરાક અને નાનકડું માછલીઘર ખરીદ્યું ! વાહ ! અમારી ખુશીનો પાર નહીં ! ઘેર આવ્યાં. એને ટ્રાન્સફર કરી, થોડું ફિશ ફૂડ – પાવડર જેવું કંઈક- ખવડાવ્યું અને ઘેર મહેનાન આવ્યાં હોય તેમ, અમારાં નાનકડાં બેઉ બાળકોએ એની આસના વાસના કરી. બે ત્રણ દિવસમાં એ માછલીઓ જાણેકે ઘરની – કુટુંબની સભ્ય બની ગઈ !

પણ ચોથે દિવસે ગજબની વાત બની!

એક માછલી પાણી ઉપર સ્થિર ,પણ આંખો ખુલ્લી , બસ એમને એમ તરતી રહી! મોડેથી ખબર પડી કે એ નાજુક નમણી માછલીનો જીવ ચાલ્યો ગયો છે! સુંદર સ્વાદિષ્ટ રસોઈમાં કાંકરો આવે તેમ આનંદના વાતાવરણમાં શોક ફેલાઈ ગયો! ત્રણ અને ચાર વર્ષનાં અમારાં સંતાનો સાથે અમે પણ દુઃખ શોકની લાગણી અનુભવી ! અને બીજે દિવસે બીજી માછલીયે સ્વધામ સીધાવી!

ઘરમાં કોઈનું મૃત્યુ થયું હોય તેવો ઘેરો શોક વ્યાપી ગયો! જે જગ્યાએ માછલીનું એકવેરિયમ હતું એ જગ્યા જાણેકે ભેંકાર લગતી હતી ! આમ પણ આપણે બધાં શાકાહારીઓએ આવું થોડું જ જોયું હોય? આપણે ત્યાં દેશમાં તો એ વખતે કુતરાં પાળવાનોયે રીવાજ નહોતા !( જો કે, આજે આ લખતાં એ દિવસોને યાદ કરીને રમૂજ થાય છે: ) અમે તો જાણે એની શોકસભા ભરી !!

બસ! એ જ વિચારે એક્વેરિયમનો આઈડિયા પડતો મુક્યો. બાળકો માછલી સાથે રમે , વાતો કરે, એને ખવડાવે ને પછી આ માછલીઓ એટલી નાજુક હોય કે સહેજ વધુ ફિશ ફૂડ ટેન્કમાં નંખાઈ જાય તો એ મરી જાય! બાળકોને ઘણી વખત તેમની પ્રિય ઢીંગલી કે ટ્રક ભાંગી જાય કે ખોવાઈ જાય તો યે દુઃખ થતું હોય છે તો માછલી મરી જવાનું દુઃખ થાય જ ને? ખીલતાં ઉછરતાં બાળકોને આવા શોકની લાગણીથી દૂર રાખ્યાં હોય તો કેવું?

શા માટે એ કુમળા મગજમાં’ “તને ગમતી ફલાણી ઢીકણી માછલી તો મરી ગઈ !”એમ મૃત્યુ વિષે કારણ વિના સમજાવવું ? મેં વિચાર્યું .

કેટલાક વાલીઓ મારાં એ વિચારો સાથે સંમત નહોતાં થયાં , કહે ,મૃત્યુ વિષે જાણવું પણ જરૂરી છે, એ વાસ્તવિકતા છે!

જે હોય તે! અમે માછલીઘર વસાવ્યું નહીં!

હા, પણ તેને બદલે બધાં બાળકો, વાલીઓ અને સ્ટાફને ખુશ કરવા અને ડે કેરનાં એવોર્ડને સેલિબ્રેટ કરવા એક નવો જ માર્ગ લીધો !

અમે બધાંયે બાળકોના મ્યુઝિયમમાં ગયાં હતાં.. વાત્સલ્ય વેલીમાં બે સંસ્કૃતિનો સમન્વય કરવાનો એ નમ્ર પ્રયાસ હતો ..

( kids & staff; Geeta Bhatt in the middle.)

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

3 thoughts on “વાત્સલ્યની વેલી ૪૨) માછલી ઘર કેમ નહીં ?

 1. બે સંસ્કૃતિનો સમન્વય કરવાનો એ નમ્ર પ્રયાસ હતો ..,કેવી રીતે માણસ બનાય તે શીખવાડો! આ વાત ખુબ ગમી ….

  Liked by 1 person

 2. બાળકોને શું વિચારવું એવું શીખવવાને બદલે કેવી રીતે વિચારવું એમ શીખવાડવાથી બાળકમાં મૌલિકતાનો વિકાસ જરૂર થાય. એક જ ઢાંચામાં જીવતા આપણા સંસ્કારની સામે પશ્ચિમની આ વિચારધારા ખરેખર અમલમાં મુકવા જેવી તો ખરી જ.

  Liked by 1 person

  • Thanks Rajulben & Pragnaben , Jigisha and all! Actually બાળકો સાથે કામ કરતાં ડગલે ને પગલે મને આપણા દેશની લાઇફસ્ટાઇલ ( એ વર્ષોમાં ) અને અહીંની જીવન રીત ની સતત સરખામણી થઇ જાય . ને પછી બન્ને વચ્ચેથી બાળકોને જે હિતાવહ હોય , અમને પણ અનુકૂળ હોય તેવી રીત અપનાવવાનો પ્રયાસ કરીએ .. તમે સૌ એને આવકારો છો તેથી આપ સૌ સાથે વાગોળવાનો આનંદ થાય છે ..Thanks for yr positive feedback !

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.