વાત્સલ્યની વેલી ૪૧) હું ગલુડિયાંને વાંચતા શીખવાડું?

એક સર્વે મુજબ અમેરિકાનાં લગભગ અડધો અડધ બાળકો જયારે પ્રાથમિક સ્કૂલમાંથી બહાર નીકળે છે( અને માધ્યમિક શાળામાં જાય છે) ત્યારે વાંચન શક્તિમાં નબળાં જ હોય છે! સામાન્ય રીતે પાંચ -છ વર્ષનું બાળક થોડું ઘણું વાંચી શકતું હોય છે.

અમારા ડે કેરનાં બાળકો આવે ત્યારે લગભગ બે વર્ષનાં હોયએટલે હજુ બોલતાં શીખતાં હોય, એટલે એ લોકો સ્પષ્ટ રીતે કમ્યુનિકેશન કરી શકે એટલે, (અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એ જ અમારું મુખ્ય ધ્યેય હોય એટલે )અમારી વર્ગ લાયબ્રેરીમાં અમે ઝાઝું કરીને પિક્ચર બુક્સ અને પઝલ્સ વગેરે વધારે પ્રમાણમાં રાખીએ . જેથી તેમનામાં વાંચનની ભૂખ ઉભી થાય . પણ બાળકો જ્યાં કે.જી. માં આવે ત્યાં સુધીમાં સારું એવું વાંચતા શીખી જાય!

ઘણાં વર્ષો પહેલાં – ત્રીસ વર્ષ પહેલાં -એક બાળક અમારે ત્યાં આવ્યો ; જન્મથી એને પોલિયો જેવી કોઈ ખામી હતી ;સેરિબ્રલ પલ્સી . એના વિષે ૨૩ નંબરના લેખમાં મેં લખ્ય્યું છે. એન્ડીને વાંચનનો ભારે શોખ.

“ આને આટલી બધી વાંચનની ભૂખ કોણે જગાડી ?” એક દિવસ મેં જિજ્ઞાસાથી પૂછ્યું . એને ખબર પડી કે અમે ઈન્ડિયાથી આવ્યાં છીએ એટલે એ વિષયનાં પુસ્તકો લાયબ્રેરીમાંથી લઇ આવ્યો ને એ વિષે બધું જાણવા માંડ્યો!અમેરિકા મારે માટે પણ હજુ નવો દેશ હતો અને અમે માંડ માંડ મહેનતથી ડે કેર સેન્ટર શરૂ કરેલું .મારે પણ હજુ ઘણું શીખવાનું હતું .એટલે મેં પૂછ્યું .

આમ તો એન્ડી શરમાળ પ્રકૃતિનો હતો! કદાચ લો સેલ્ફ એસ્ટીમ ( લઘુતા ગ્રન્થિથી પીડાતો) હતો. અને એનું મુખ્ય કારણ એની શારીરિક ( અને અમુક બાબતે માનસિક ) મર્યાદાઓ હતી. એને સ્પેશિયલ પ્રકારના બુટ પહેરવા પડતા , અને બોલે તો મોઢામાંથી જરા જરા લાળ પડતી હતી.. વગેરે વગેરે કારણોથી એ જુદો લાગતો . પણ એનાં મા બાપ એનાં ઉછેરમાં ખાસ ધ્યાન દેતાં. આમ તો એ લોકો મધ્યમ વર્ગનાં હતાં- સાવ સામાન્ય ! પણ એન્ડીને જીવનમાં નાની નાની ચેલેન્જ આપીને એને વિશ્વનું દર્શન કરાવતાં! એટલે કે કેડી કંડારીને ઘોરી માર્ગ તરફ દોરતાં હતાં. હું માનું છું કે કોઈ થેરાપિસ્ટ કે કોઈ સોસ્યલ વર્કર એમને આવું બધું કરવા સમજાવતાં હશે! (આપણે ત્યાં આવું બાળક કદાચ ગાંડામાં ખપી જાય ! અને લોકોય એનાં મા બાપને કોઈ પૂર્વ જન્મના પાપની સજા ભોગવે છે એમ કહીને વગોવે )

મને એ બાળક , એની બેન અને એનાં સમગ્ર કુટુંબમાં ખુબ રસ પડતો . એ વર્ષોમાં અમારે ત્યાં દેશમાંથી અમુક કુટુંબીજનો આવેલાં અને આ દેશમાં બાળ ઉછેર અને ખાસ કરીને આ બાળકથી પ્રભાવિત થયેલાં.

એન્ડીનાં મા બાપે મને જે સમજાવ્યું તે મને કાયમ માટે સ્પર્શી ગયું .

‘એન્ડી રોજ એના પ્રિય પપી ડોગ ‘લેસી‘ને વાંચી સંભળાવે છે! અમે એને કહ્યું છે કે તારે લેસીને વાંચતા શીખવાડવાનું છે!’

આ એક મહત્વનું જ્ઞાન મને લાધ્યું ! આમ તો આપણી સંસ્કૃતિમાં વૃક્ષમાં વસુદેવ અને પ્રાણીમાં પિતૃઓ જોવાની ભાવના છે જ; પણ એન્ડીનો ગલૂડિયાને વાંચતું કરવાનો પ્રયાસ અમને બધાંને ગમી ગયો ! ‘ તું વાંચતા શીખ ‘ એને બદલે ‘ ગલૂડિયાને વાંચી સંભળાવ’ એ સાયકોલોજી વધારે કામિયાબ નીવડે છે!

ત્યાર પછી દશેક વર્ષ બાદ બાળકોને વાંચનનો પ્રેમ જાગે એ માટે ડોગ થેરપીનાં ઘણાં ઓર્ગેનાઈઝેશનો શરૂ થયાં! Sit Stay Read; Helping Paws ,Tail Wagging Tutors વગેરે વગેરે ..પણ એન્ડીનાં પેરેન્ટ્સે આ બધાની શરૂઆત થઇ તે પહેલાં જ આ ‘ગલુડિયાને વાંચતા શીખવાડો ‘નો પ્રયોગ પોતાનાં બાળકોને સમજાવ્યો હતો!

સાચી હકિકત તો એ છે, કે જો એ મા બાપ રાહ જોવા રહ્યાં હોત તો ઍન્ડીનું બાળપણ જતું રહ્યું હોત!

જીવનમાં બાળકોને ટૂંકા રસ્તા બતાવવા ( quick fix )કરતાં સાચા રસ્તે દોરવા વધુ મહત્વનું છે. પણ તેને માટે સમય અને સમજ બન્ને જોઈએ; જે આજનાં પેરેન્ટ્સ પાસે સમજ( જ્ઞાન) તો છે પણ સમય નથી…

બાળકોને વાંચતા આવડે એટલે જાણે કે અલ્લાદીનનો જાદુઈ ચિરાગ હાથમાં આવ્યો! સમ સમ ખુલજા કહેતાં આખ્ખી દુનિયા હાથમાં આવી જાય!

જો કે, પુસ્તકોનાં વાંચન અને આઈ ફોન કે અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઈસનાં વાંચનમાં ઘણો ફેર છે! પુસ્તક એ પુસ્તક છે! એનાં પાનાં ફેરવતાં ફેરવતાં બાળક માં જે જીજ્ઞાશા ભાવ પ્રગટે છે તે આઈ પેડમાં એ જ વાર્તા વાંચવાથી એવા ભાવ ઉભા થતા નથી !

નાનાં બાળકોની પ્રિય વાર્તા ‘બ્રાઉન બેર બ્રાઉન બેર ! ‘એ કોઈ બાળકને વાંચવા આપો !

Brown bear brown bear what do you see? અને બાળક હોંશેથી પાનું ફેરવે ( કદાચ એક કરતાં વધારે પાનાં ફરી જાય!) અને પછી બાળક વાંચે

I see a yellow duck looking at me !

એક વખત એવું બન્યું કે પબ્લિક સ્કૂલમાંથી ફોન આવ્યો;કેટલાંક બાળકો અમારાં ડે કેરમાંથી એ સ્કૂલમાં દર વર્ષે કે જી. અને ફર્સ્ટ ગ્રેડમાં જાય. એમણે પૂછ્યું કે અમુક ભાઈ બેન એક જ ઘરમાં ઉછરેલ છે પણ બન્નેનાં વાંચન લેવલમાં આટલો મોટો તફાવત કેમ?

કારણ સરળ જ હતું: જેનેટ અમારે ત્યાં આવતી , એ ઢીંગલાં ઢીંગલીઓ પાસે બેસીને પોતાની જાતે વાર્તા વાંચતી , જે વાર્તા અમે સ્ટોરી ટાઈમ વખતે સમૂહમાં બાળકોને કહેતાં! પણ એનાથી બે વર્ષ મોટો ભાઈ રોબર્ટો શરૂઆતથી જ ઘેર અન્ય કોઈ પાસે સચવાતો હતો! જેનેટ કડકડાટ વાંચતી !

વાંચનની ભૂખ જગાડવી અને સાચી રીતે સંતોષવી ! મને વાંચનનો શોખ એટલે ડે કેરનાં બાળકોમાં પણ એ ટેવ પડે.

શિકાગોમાં દર વર્ષે સમર રાઇડિંગ, પુસ્તક મેળા વગેરે થાય, અને નજીકની લાયબ્રેરીમાંથી બાળકોની લાયબ્રેરિયન બાળકો માટે અવનવા રમકડાં , રમતો , પુસ્તકો લઈને પ્રમોશન માટે આવે! આનંદાશ્ચર્યથી અમે આવાં બધાં જ પ્રોગ્રામોમાં રજીસ્ટર થઈએ ! ક્યારેક સમર પ્રોગ્રામને અંતે પીઝા પાર્ટી થાય! બાળકોને સ્કૂલબેગ વગેરે મળે .. આ બધ્ધું શા માટે? કે જેથી કરીને બાળકોનો વાંચન રસ જાગૃત થાય અને જળવાય !

છેલ્લે એન્ડી વિષે જાણ્યું કે લગભગ ચાલીસે પહોંચેલ એન્ડી પુસ્તકો વાંચનમાંથી લેખન અને પ્રકાશન તરફ વળ્યો છે!

વાત્સલ્ય વેલનાં આવાં સુંદર પુષ્પોથી વેલ મ્હેંકે છે!

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

7 Responses to વાત્સલ્યની વેલી ૪૧) હું ગલુડિયાંને વાંચતા શીખવાડું?

 1. Kalpana Raghu says:

  અદ્દભૂત ગીતાબેન,બાળક ઈશ્વરનો અવતાર ગણાય.બાળકના મનોજગતમાં તમે કેટલા બધા ઊંડા ઉતર્યા છો! એન્ડીની વાત વાંચીને તમને અભિનંદન આપવાનું મન થાય જ.તમે શીખતાં ગયા અને શીખવતા ગયા એ અનુભવો વાંચવા જેવા છે.ખૂબ સરસ! તમારી સાથે તમારા સહયાત્રી સુભાષભાઇને પણ અભિનંદન!

  Liked by 1 person

 2. ગીતાબેન,વાત્સલ્યવેલીને તમે જે માવજતથી ઉછેરી છે તે ખરેખર સરાહનીય છે.બાળઉછેરની નાની નાની બાબતોનું તમે જે રીતે ધ્યાન રાખ્યું છે તેવાત આજના દરેક યુવાનોએ પોતાના બાળકોના ઉછેર માટે જાણવા જેવી છે.બાળકોમાં વાંચનનો શોખ કેવી રસપ્રદ રીતે કેળવવો તે ગમી ગયું.ગલુડિયાંને વાંચતા શીખવવાની વાત પણ ગમી.

  Liked by 1 person

 3. sapana53 says:

  વાંચન બાળપણ થી જો બાળક ના લોહીમાં ભેળવવામાં આવે તો એ શોખ આગળ જતા જ્ઞાનના દરવાજા ખોલી દે છે. બાળકો સાથે પુસ્તકાલયમાંથી પુસ્તક લાવી ઘરમાં રાખવા ભલે વાંચે કે ના વાંચે પણ પુસ્તકો આજુબાજુ રાખવા

  Liked by 1 person

 4. ગીતાબેન,
  તમારા પ્રત્યેક લેખમાં બાળકને સમજવાની, બાલમાનસને કેળવવાની એક નવી જ દિશા ખુલે છે. આજે તો વળી આ ગલુડીયા થકી પણ બાળકને કેળવી શકાય એ વાત ખુબ ગમી. કોઈપણ વાતમાં બાળકને રસ લેતું કરવું એ દરેક વખતે નવી રીત શીખવાની આપણને પણ જરૂર તો હોય છે જ.

  Liked by 1 person

 5. geetabhatt says:

  Thanks Kalpnaben, Sapnaben,Jigishaben and Rajulben and all !હું સવારથી સાંજ બસ આનું આ જ કામ કરું તેથી , અને આપણે સૌ એવાં વાતાવરણમાંથી આવીએ છીએ જ્યાં મહેનત કરવાનું આપણને બાળપણથી શીખવાડવામાં આવ્યું હતું . નવું નવું જાણવાની , સમજવાની જિજ્ઞાસા અને સારું હોય તે જીવનમાં મુકવાની ટેવ તેથી બાલ ઉછેર ક્ષેત્રમાંથી ઘણું શીખવાનું મળ્યું . ઘણું એ સૌનેય જાણવા મળ્યું.. તેમાંથી બાળકોની વાતો લખતાં મને આનંદ આવે છે , ને તમે સૌ આવકારો છો તેથી વધુ આનંદ આવે છે

  Like

 6. Mina patel says:

  Hello testimg

  Like

 7. Mina patel says:

  Geetaben you are so talented you have in your day care taken on physically challenged children this must take more of your time and to teach them to read per my experience I have not come across many day care where they teach them to read you have done a wonderful job highly impressive we love to read your articles of your real life experiences and the challenges you have been thru this is why you have been so successful keep writing.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s