સંવેદનાના પડઘા ૪૧ પ્રિય સખા

વિરાજ અને વિરલના લગ્ન થઈ રહ્યા હતા.લગ્નની વેદી પર સપ્તપદીની પ્રતિજ્ઞાઓ લેવાઈ રહી હતી.વિરલ ગંભીર,ઓછાબોલો અને સાફ દિલવાળો છોકરો હતો.તે બધી પ્રતિજ્ઞા સાંભળી તે મુજબ જીવન જીવવા વિચારી રહ્યો હતો.તો વિરાજ તો તેની સપનાંની દુનિયામાં મસ્ત હતી……

લગ્ન કરીને આવ્યા પછી પણ વિરલ માટે વિરાજને એક જ ફરિયાદ હતી કે વિરલ જરાપણ રોમાન્ટિક નથી. તેને અને વિરલને ઉંમરમાં સાત વર્ષનો ફરક હતો.તેથી વિરાજને લાગતું કે આ ઉંમરના ફરકને કારણે તે હજુ યુવાનીની માદકતા અનુભવે છે.જ્યારે વિરલ ઉંમર સાથે ગંભીર અને જવાબદાર બની ગયો છે.વિરાજને તો બીજા યુગલોની જેમ નવરાત્રીમાં ગરબા અને ક્રિસમસમાં ડાન્સ કરવા જવું હોય.વિરલને ન દાંડિયા રમતા આવડે ન ડાન્સ કરતા આવડે કે ન અંતાક્ષરીમાં પ્રેમભર્યા ગીતો ગાતા આવડે.રમતિયાળ,રંગીન સ્વભાવની ચુલબુલી વિરાજ મનમાં અને મનમાં વિચારે ભગવાન !આતે કેવો પતિ તે મને આપ્યો છે કે જેનામાં રોમાન્સનો ર પણ નથી!મને નથી કોઈ લગ્નતિથિ પર ભેટ આપતો કે નથી કોઈ દિવસ સાથે રહીને શોપીંગ કરવા લઈ જતો.

પરતું વિરલ વિરાજને ખૂબ પ્રેમ કરતો.હા ,પણ તે ગળચટાં શબ્દોથી તેનો પ્રેમ વ્યક્ત ન કરતો.તેનું વિરાજ પ્રત્યેનું વર્તન જ પ્રેમનો ઈઝહાર હતો.તે વિરાજને જોઈએ તેટલા પૈસા આપતો.વિરાજ પર તેના તરફથી કોઈ પાબંદી ન હતી.વિરાજને તે હમેશાં ખૂબ સાચવતો.સંયુક્ત પરિવારના કોઈ પણ નિર્ણયમાં હંમેશ વિરાજની પડખે રહેતો.વિરાજને ગમતી દરેકપવૃત્તિમાં તેને સપોર્ટ કરતો.વિરાજને ન ગમતી કોઈ ચીજ તે ન કરતો.એટલે સુધી કે વિરાજને બધા જ વ્યસનોની ખૂબ ચીડ હતી. લગ્ન પહેલા ક્યારેક તે મિત્રો સાથે ,બિઝનેસનાં લોકો સાથે ડ્રીંક્સ પાર્ટી કરતો.વિરાજને દારુના નામથી જ નફરત હતી.વિરલને ગમે તે જ કરવાનું માનતા વિરલે ડ્રીંક્સ લેવાનું જ બંધ કરી દીધું.

વિરલ પોતાના ધંધાના કામમાં ખૂબ વ્યસ્ત હોય અને થાકીને સૂઈ જાય તો પણ વિરાજ ફરિયાદ કરતી અને રિસાઈ જતી.વિરલ તેને સમજાવતો કે “જો વિરા ,હું ખૂબ થાકી ગયો છું આપણે રજાના દિવસે શાંતિથી બેસીશું, ફરવા જઈશું”પણ વિરાજને તો એમજ લાગતું કે તેનો પતિ બીજાના જેવો નથી.

સમયના વહેણ તો વહેતા ગયા.વિરાજને બે બાળકો થયા. તેમના ઉછેરમાં પણ વિરલનેા પૂરો સાથ રહ્યો. જીવનની બધીજ ચડતીપડતીમાં,સુખદુ:ખમાં વિરલે હંમેશ માટે વિરાજને સપોર્ટ કર્યો. તેની માંદગીમાં પણ ખડે પગે દિવસરાત તેની સેવા કરતો.ઘરનાં કામમાં કે વિરાજનાં બિઝનેસમાં પણ તેને બધીજ મદદ કરતો.જીવનની બધી લીલીસૂકી વિરાજે વિરલ સાથે રહીને જોઈ લીધી.

હવે જિંદગીના છેલ્લા પડાવ પર પહોંચી વિરાજ નજર કરે છે તો તેને સમજાય છેકે તેને કેવો જીવનસાથી મળ્યો છે!તેની આસપાસની દુનિયા જોવે છે ત્યારે તેને સમજાય છે કે તે કેટલી નસીબદાર છે કે વિરલ જેવો પતિ તેને મળ્યો કે જેણે લગ્નના દિવસથી આજ સુધીના પિસ્તાળીસ વર્ષમાં કેટલો સુંદર રીતે તેનો સાથ નિભાવ્યો છે!!!

આજે માણસનો પોતાના જીવન સાથેનો સંબધ સપાટી પરનો થઈ ગયો છે.એમાં દંભ દેખાડો વધી ગયા છે.પોતે ખાસ અલગ પ્રકારની જિંદગી જીવે છે તેનો દેખાડો કરવા રોજ લોકો હબી સાથેના ફોટા ફેસબુક પર મૂકે છે.આ દેખાડાવૃત્તિના આક્રમણમાં સાચા સ્નેહનું ખૂન થઈ જાય છે.આ વાત અનુભવે સમજાય છે.નવજીવનમાં ડગ માંડતા દરેક યુગલે સમજવું જોઈએ કે કીમતી ચીજવસ્તુની આપ લે પ્રેમનું પ્રતિક છે પ્રેમ નહી.પોતાના પ્રિયજનના હ્રદયમાં જોવું જોઈએ.નિર્મળ નજરે ત્યાં જોશો તો ક્યારેય ભૂલ નહી થાય.

આજે ફ્રેન્ડશીપ ડે ના દિવસે વિરાજને તેના લગ્નની સપ્તપદીની સાતમી અને આખરી પ્રતિજ્ઞા યાદ આવી ગઈ,

“ સખે સપ્તપદી ભવ।” ( સાતમે પગલે પ્રતિજ્ઞા કરો કે હમેશાં એકબીજાના મિત્ર બનીને રહીશું )

તેના જીવનમાં પ્રેમ અને સમજદારીપૂર્વક સાહચર્ય નિભાવવાવાળો મિત્ર તો વિરલ જ હતો.વિરલે પ્રેમના માધુર્ય અને ઉષ્માથી વિરાજ સાથે આજીવન મિત્રતા નિભાવી હતી.આદર્શ લગ્નજીવન એજ તો
કહેવાય જે લગ્નજીવનમાં અમુક દિવસ નહી પણ ક્ષણેક્ષણ લગ્નના ઉત્સવ જેવી લાગે.જ્યાં આવું તાદાત્મ્ય હોય ત્યાં ‘આઈ લવ યુ’ કે ‘આઈ મિસ યુ ‘ જેવા શબ્દોની જરુર નથી પડતી.બંને જણ મૌન હ્દયની ભાષામાં વાતચીત કરે છે.

વિરાજને પૂર્ણપણે સમજાઈ ગયું પ્રેમ એ અનુભૂતિનો વિષય છે. પ્રદર્શનનો નહી.પોતાના
પ્રિય સખા વિરલને પામીને આજે તે જીવનનો સાચો આનંદ માણી રહી હતી.

This entry was posted in Uncategorized. Bookmark the permalink.

5 Responses to સંવેદનાના પડઘા ૪૧ પ્રિય સખા

 1. Kalpana Raghu says:

  દરેક લગ્ન પ્રેમલગ્ન નથી હોતા.પરંતુ લગ્ન કર્યા પછી જો પતિ પત્ની એકબીજાને સમજી શકે તો સોનામાં સુગંધ ભળેછે.

  Liked by 1 person

 2. sapana53 says:

  પતિ મિત્ર બની જાય તો જીવન એક સુંદર ઘટના બની જાય. ખરેખર આ સપ્તપદીની સાતમી પ્રતિજ્ઞા સ્રર્વ એ આ ઉંમરે પાળવા જેવી છે. સરસ જિગીષા

  Liked by 1 person

 3. મઝા એમાં જ છે જ્યારે બે ભિન્ન પ્રકૃતિ ધરાવતી વ્યક્તિઓ પણ એક બીજાની પૂરક બની રહે.
  લગ્નમાં ઉભય ૧+૧ = ૨ નહીં પણ એક+એક= ઐક્ય બની રહે.
  સપ્તમે સખાનો સંબંધ જ સૌથી સાચો…..

  Liked by 1 person

 4. Jayvanti Patel says:

  Khub Saras vaat Kahi Jigishaben!
  Prem is to experience, not to exhibit!

  Liked by 1 person

 5. Kaushik Shah says:

  જિગીષા તારી વાત માં ઘણી વાતો અને યાદો સમાયેલી છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s