વાત્સલ્યની વેલી ૩૯) આન્યા અને કિઆનાના ગ્રાન્ડપાપાની વિદાય !

આન્યા અને કિઆનાના ગ્રાન્ડપાપાની વિદાય !

આમ તો બાળકો બે વર્ષનાં થાય એટલે મોટાભાગનાં મા-બાપ બાળકો માટે થોડા કલાકની પ્રિસ્કૂલ શોધે, પછી આખા દિવસનું ડે કેર અને પાંચ વર્ષનું બાળક બાલમંદિરમાં જાય ને ત્યાંથી પ્રાથમિક શાળામાં ! અમારે ત્યાં સામાન્ય રીતે બાળકો ત્રણ ચાર વર્ષ રહે ! જીવનના શરૂઆતનાં ત્રણ- ચાર વર્ષ!

“ બાળકો સાથે આખો દિવસ લમણાંકૂટ કરવાનો કંટાળો નથી આવતો ?” ક્યારેક કોઈ સ્નેહી મિત્ર પૂછે! પણ આજે જયારે હું બાળકો સાથેના મારાં અનુભવો વિષે લખું છું તો યાદ આવે છે કે કેટલું બધું એ બાળકો પાસેથી શીખવાનું મળ્યું છે? નાનાં બાળકોમાં એક સ્વચ્છ, નિખાલસ તર્ક શક્તિ હોય છે, એ દુનિયાને પોતાની શુદ્ધ આંખે જુએ છે, એટલે એમનાં અભિપ્રાયો પણ એવા શુદ્ધ – સત્ય હોય છે.

જો આપણે એમનાં કહેવાં પર ધ્યાન આપીએ તો એ ઘણું બધું શીખવાડી જાય છે!

આન્યા અને કિઆના નામની બે પૌત્રીઓને લઈને એમનાં નાના નાની અમારા સેન્ટરમાં આવ્યાં. બે અને ચાર વર્ષની આ બાળકીઓની કસ્ટડી પંચાવન – સાહીંઠની ઉંમરના આ ગ્રાન્ડપેરેન્ટસ પાસે હતી. બાળકોની જન્મદાત્રી અહીંના ટિપિકલ સમાજની ખાસિયત મુજબ ક્યાંક વધુ સારી જિંદગી બનાવવા જતી રહી હતી; (અને જન્મદાતા બાપનુંયે ઠેકાણું નહોતું )બાળકો પ્રેમ અને હૂંફથી નાના નાની પાસે ઉછરતાં હતાં.

રજીસ્ટ્રેશન અને અન્ય જરૂરી સહી કરાવીને થોડી ઔપચારિક વાતો કરી. નાનીમા નજીકની પબ્લિક સ્કૂલમાં લંચરૂમમાં પાર્ટટાઈમ કામ કરતી અને નાના કોઈ પ્લાન્ટમાં મશીન વર્ક કરતા.( એટલે કે તદ્દન સામાન્ય કુટુંબ;પણ આ પૌત્રીઓને જીવનમાં ખુબ આગળ વધારવાની નેમ!)

ત્રણેક વર્ષ વિત્યાં, હવે આન્યા અને કિઆના પ્રાઈમરી સ્કૂલમાં પહેલાં – બીજા ધોરણમાં આવ્યાં ! પણ અમારું સેન્ટર નજીકમાં જ હોવાથી હજુએ એ લોકો આફ્ટર સ્કૂલ પ્રોગ્રામમાં આવતાં. સવારે ક્યારેક ગ્રાન્ડપા બાળકીઓને મુકવા આવતા , પણ મોટાભાગે તો એ છોકરીઓને નાનીમા જ મુકવા- લેવા આવતી.જો કે કેટલાયે સમયથી અમે ગ્રાન્ડફાધરને ડે કેરમાં આવતા જોયા નહોતા .

પણ અચાનક જ અમે એ છોકરીઓના વર્તનમાં પરિવર્તન જોયું !

નાનકડી વાતમાં રડી પડે ! ફલાણી છોકરી મને રમકડું આપતી નથી, કે પેલાએ મારી ચોપડી લઇ લીધી એમ નાની નાની બાબતોમાં અપસેટ થઇ જાય!અને નાનકડી આ દીકરીઓ જે કાયમ તોફાન મસ્તીમાં મશગુલ રહેતી એ છોકરીઓ હવે ઠરેલ બની ગઈ! સ્કૂલેથી ડે કેરમાં આવીને બધું હોમવર્ક ઝડપથી પતાવી દે! જે છોકરીઓને પટાવીને, પરાણે , પાસે બેસાડીને નિશાળમાંથી આપેલું ઘરકામ કરાવવું પડતું હતું , એ છોકરીઓ જાતે જાતે લેશન કરી લે ! મને લાગ્યું કે આ કંઈક અજુગતું છે! એકદમ આ કેવો બદલાવ ? જો કે હવે તેઓ ફુલટાઇમ ડેકેરને બદલે ફુલટાઇમ સ્કૂલે જતાં હતાં! નવી સ્કૂલ, નવું વાતાવરણ , નવાં મિત્રો અને નવાં ટીચર્સ વગેરેને લીધે પણ છોકરાઓમાં પરિવર્તન આવતું મેં જોયું છે.

આમ તો આપણે બધાં આપણી દુનિયામાં એટલાં બીઝી રહેતાં હોઈએ છીએ કે રોજનું કામ પતાવીએ એટલે બસ ! અને આ બાળકીઓની ગ્રાન્ડમા પણ સવાર સાંજ છોકરીઓને મુકવા અને લેવા આવે ત્યારે ઝાઝી વાત કરવાનો કોઈને સમય પણ ના હોય અને અમેરિકામાં ‘પ્રાયવસી’ ની જીવન શૈલી એટલે કારણ વિના કોઈ એમ ઊંડાણમાં જાયપણ નહીં. પણ સહેજ પ્રયત્ન કર્યો એટલે ( અને આપણે ત્યાં તો આવી જ લાઈફ સ્ટાઇલ છે; લોકો કદાચ ખોટી રીતે પણ એને મૂલવે ) પણ અમે એ છોકરીઓને અને ગ્રાન્ડમાને પૂછ્યું : બધું બરાબર છે ને? Is everything alright?

“ ગ્રાન્ડપા માંદા છે!” છોકરીઓ પાસેથી મને એટલું જાણવા મળ્યું .

એક દિવસ મેં ગ્રાન્ડમા સાથે નિરાંતે વાત કરી.કોઈ અસાધ્ય રોગ બાબત નવાનવા ટેસ્ટ થઇ રહ્યા હતાં પણ કાંઈ પકડાતું નહોતું. વાત કરતાં એમની આંખો પણ ભીની થઇ ગઈ. થોડા સમય બાદ પેટનું કેન્સર ડિટેકટ થયું .

ગ્રાન્ડ્માએ વાત કરી કે છોકરીઓ અચાનક સમજુ અને જવાબદાર બની ગઈ! છોકરીઓ ઘેર જઈને ગ્રાન્ડપા પાસે બેસીને પોતાની ગમતી વાર્તાની ચોપડી વાંચે! ગ્રાન્ડપાને ગમે એટલે માથે હાથ ફેરવે , પગ દબાવે , લોશન લગાડે ! આ જાતની સેવા કરવાની ભાવના એ ભલી ભોળી બાળકીઓમાં ક્યાંથી આવી? કોણે એમને શીખવાડ્યું કે માંદી વ્યક્તિની સેવા આવી રીતે થાય?

એ પ્રસંગે અમને વિચાર કરતાં કરી મુક્યાં!

આ શું દર્શાવે છે? શું આ બાળકોને પણ ખબર છે જીવનમાં સૌથી મહત્વનું શું છે? ગ્રાન્ડપાને ગમતાં ટી વી શો – કાર્ટૂન જોવાનાં અને ગ્રાન્ડપાને ગમતાં સૂપ – સેન્ડવીચ ખાવાનાં!

“ ગ્રાન્ડપા, આઈ લવ યુ !” એ છોકરીઓ કહે , “ મારે મોટા થઈને ડોક્ટર બનવું છે અને પેટ માટેની દવા શોધવી છે!” એ છોકરીઓ કહે!

આ ઘટના દર્શાવે છે કે ગમે યુગમાં, ગમે તેવી ભૌતિક સુવિધાઓ અને સગવડો વચ્ચેય પ્રેમ અને અનુકંપા અકબંધ સચવાયેલાં પડ્યા છે! એ મનુષ્યનો સ્વભાવ છે: પોતાની વ્યક્તિને પ્રેમ કરવાનો! દરેક વ્યક્તિમાં પોતાનાં પ્રિય પાત્રને પ્રેમ કરવાનો સહજ કુદરતી ભાવ છુપાયેલો હોય છેજ! પણ યોગ્ય માર્ગે એનેબહાર કાઢવાનું કામ મા બાપ કે અન્ય મહત્વની વ્યક્તિનું છે!

પણ હા , એ માટેની કમ્યુનિકેશનની લિંક ચાલુ હોવી જોઈએ !

બન્ને બાળકીઓ ગ્રાન્ડપેરેન્ટસ પાસે જ ઉછરતી હતી. મધર્સડે ,ફાધર્સડે અને ક્રિશ્ચમસ પાર્ટી એ બધાં પ્રસંગોએ એ દાદા દાદી જ હાજર હોય! બહુ સામાન્ય કક્ષાનાં દાદા દાદી જીવથીયે વધુ આ ગ્રાન્ડ ડોટર્સને પ્રેમ કરતાં હતાં. પણ હા, આવી કપરી પરિસ્થિતિમાં શું કરવું તેનો તેમને ખ્યાલ નહોતો એટલે એકલાં એકલાં દુઃખના ઘૂંટડા ગળતાં હતાં.

મુશ્કેલીઓ આવે છે પણ એનો પ્રતિકાર કરવાની શક્તિ કે ઉપાય પણ આ દેશમાં ઉપલબ્ધ છે તેનો એમને કદાચ સ્પષ્ટ ખ્યાલ નહોતો.

‘ દુઃખ ક્યારેક વહેંચવાથી સહ્ય બને’ અમે વાત વાતમાં સમજાવ્યું. બાળકોમાં સ્પષ્ટ સમજણ ના હોય એટલે ઘરમાં કોઈ વ્યક્તિ માંદી પડે અથવા તો ડોકટરના- હોસ્પિટલના ચક્કર ચાલુ થઇ જાય કે પછી ઘરમાં ચિંતાનું વાતાવરણ ઉભું થાય તો બાળકો ઉપર એની સ્પષ્ટ અસર વર્તાય છે- એવે સમયે નાનકડાં બાળકોનું અસ્તિત્વ ઘરની બીજી વ્યક્તિઓ ભૂલી જતી હોય છે. બાળકને દુઃખથાય, ઉદાસીનતા અનુભવે , એનાં નાનકડાં મગજમાં આવી પરિસ્થિતિ બદલ ગુસ્સો આવે, ચિંતા થાય પણ સૌથી વધારે તો જાણેકે પોતે કોઈ ગુનો કર્યો છે તેવી ગિલ્ટી ફીલિંગ થાય! આવા સમયે એને સમજાવ્યું હોય તો દુઃખ થોડું હળવું થાય! મેં ગ્રાન્ડમાને સમજાવ્યું.

ડે કેરમાં ઘણી વખત એવા પ્રસંગો બન્યા છે કે અમારે ત્યાં આવતું કોઈ બાળક માંદુ પડ્યું હોય અને અમુક દિવસો સુધી સ્કૂલે આવી શકે નહીં . ખાસ કરીને ક્યારેક તાવ વધી જાય કે શ્વાસની તકલીફ થાય તો હોસ્પિટલમાં એને રહેવું પડે. તો એને માટે Get well Soon ગેટ વેલ સુન નું કાર્ડ બનાવીએ .

આ ગ્રાન્ડપા માટે પણ બધાં બાળકોએ કાર્ડ બનાવ્યાં. એનાં લીધે એ લોકોને પોતાનાં ગ્રાન્ડપાપા વિષે વાત કરવાની તક મળી. આન્યા અને કિઆનાનું દુઃખ ઓછું તો ના થયું પણ મુંઝવણ ઓછી થઇહશે ! થોડી સમય બાદ એમનાં ગ્રાંડપાએ કાયમની ચિર વિદાય લીધી.. અને થોડા જ દિવસમાં આન્યા અને કિઆનાપણ આવતાં બંધ થયાં. આમ પણ બે વર્ષનું બાળક છ વર્ષનું થાય, સ્કૂલે જાય એટલે સ્વાભાવિક રીતે જ આ માળો છોડીને ઉંચે ઉડ્ડયન કરવા તૈયાર થાય.. એટલે આવકાર સાથે વિદાય પણ જોડાયેલી જ હોય. પણ આ કેસમાં ગ્રાન્ડપાની ચિર વિદાય અમને બધાંને સ્પર્શી ગઈ!

વાત્સલ્યની વેલીમાં પ્રેમ સાથે વિરહ કે વિદાયની વાંસળી પણ સંભળાતી હોય છે… પણ પ્રેમ અને હૂંફના પવનથી વેલી કાયમ ખીલતી રહી છે!

This entry was posted in Uncategorized by geetabhatt. Bookmark the permalink.

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)

3 thoughts on “વાત્સલ્યની વેલી ૩૯) આન્યા અને કિઆનાના ગ્રાન્ડપાપાની વિદાય !

 1. Thank you, Geetaben. I enjoyed uplifting
  reading about the love coming from Grandparents.
  I wrote yesterday something about વાત્સલ્ય.
  Not exactly related to your narration, but there is
  a common thread among human beings
  and animals about વાત્સલ્ય. So here it is.

  વાત્સલ્ય

  ‘હળવેથી કૂદકા મારજે ઓ માડી,
  હું નિર્દોષ તારું બચ્ચું’.
  વાંદરીનું માંદુ બચ્ચું બોલે.
  માડી બોલે: ‘મને ખબર છે, બેટા.
  તું આરામ કરી લે.
  ધાવી લે જેટલું ધવાય,
  પછી મારા પેટની ચિંતા કરીશું’’.

  મમ્મી, મને ઉછાળી ઉછાળી રમાડો ના,
  મને તકલીફ થાય એવું જમાડો ના,
  તમારા હેત પ્રીતથી પોષાઉ છું.
  મારા શૈશવ પર વારી જાઉં છું.
  મને વિશ્વાસ છે,
  આરામથી હું જીવી જાણું છું.

  વાત્સલ્યના તાંતણે બંધાયેલા જીવ,
  વાત્સલ્યના અભાવે ગૂંચવાયેલા જીવ,
  બેમાં ફરક કેમ કરી પરખાય?
  એક ફકીર બને,
  એક ફકીરનો દુશ્મન બને,
  એક આતંક કરે
  એક આત્મહત્યા કરે.
  વાંદરાં માણસની કેટલામી પેઢી?

  ભરત ઠક્કર (વ્હીટન, ઈલિનોય)

  Liked by 1 person

 2. વાત્સલ્યથી પોષાયેલ બાળક કે પશુ , અરે વનસ્પતિ પણ ખીલે છે ! પ્રેમનો આ પ્રભાવ છે! ને એના અભાવે કોઈ ટેરરિસ્ટ બને છે! તમે અછાંદસ કાવ્યમાં લખ્યું તે કેટલું સાચું છે! Thanks Bhartbhai ! ( we lived in Skokie , &!chicago for 40 years.. brought back those winter memories!)

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.