વાત્સલ્યની વેલી ૩૭) એક એક્ઝિટ ઇન્ટરવ્યૂ !ટીચર ક્લોવીની વાત!
ઇન્ટરવ્યૂ તો જયારે કોઈને નોકરીએ રાખીએ ત્યારે લેવાનાં હોય; એ વ્યક્તિ વિષે બધું જાણવા માટે. એ શું ભણેલ છે, જે કામ માટે એને નોકરીએ રાખીએ છીએ તેને માટે શું એ ખરેખર યોગ્ય છે કે માત્ર ચોપડીયું જ્ઞાન જ ધરાવે છે? વળી બાળકોના ક્ષેત્રમાં ભણતર તો જરૂરી છે જ, પણ કોઠાં સૂઝ પણ એટલી જ જરૂરી છે. એટલે નોકરી માટે હાયર કરતાં એ ઇન્ટરવ્યૂ જરૂરી ગણાય!
પણ એક્ઝીટ ઇન્ટરવ્યૂ?
જે નોકરી છોડી દે છે તેની સાથે મુલાકાત કરવાનો શો અર્થ ?
ક્લોવી અમારે ત્યાં થોડા સમય પહેલાં જ આવી હતી. બાળ ઉછેર ક્ષેત્રમાં એણે નજીકની કમ્યુનિટી કોલેજમાંથી એસોસિએટ ડીગ્રી લીધી હતી. પચ્ચીસેક વર્ષની લોકલ શ્વેત અમેરિકન ક્લોવી આદર્શવાદી હતી અને જિંદગી વિષે ઉંચા ખ્યાલો ધરાવતી હતી. જો કે એને આ ફિલ્ડમાં બાળકો સાથે કામ કરવાનો અનુભવ નહોતો.
“ કાંઈ વાંધો નહીં ;” મેં વિચાર્યું ; “ દરેક બાબતમાં ક્યારેક તો ફર્સ્ટ ટાઈમ હોય છે જ! અહીં એને એ First time working with kids અનુભવ અને ટ્રેનિંગ મળશે !”
ક્લોવીને સવારની શિફ્ટમાં કામ કરવાનું હતું.
“ ગમે તેવી ખરાબ વેધર હોય, સ્નો હોય કે સ્ટોર્મ , તારે સાડા છ પહેલાં સેન્ટરનાં બારી બારણાંના પડદા વગેરે ખોલી બાળકોને આવકારવા તૈયાર રહેવાનું!” મેં એને જોબ આપતાં પહેલાં જવાબદારી સમજાવી; “આ એક ખુબ જ મહત્વની જવાબદારી છે…” મેં એ વિષે ઉંડાણથી સમજાવ્યું : એ ન થવાથી કેટલા મોટા પ્રોબ્લેમ્સ થઇ શકે છે:
– પોતાની નોકરીએ મોડાં પહોંચવાથી કોઈ પેરેન્ટ્સ એમની નોકરી ગુમાવે , કોઈબાળક ઠંડીમાં બહાર રહેવાથી માંદુ પડી શકે, બહાર ગાડીઓમાં પેરેન્ટ્સ રાહ જુએ તો ટ્રાફિક જામ થઇ જાય, પોલીસ આવે તો વળી બીજાં પ્રશ્નો ઉભા કરે! વગેરે વગેરે.. આ બધી મુશ્કેલીઓ જો તું ડે કેર મોડું ખોલે તો થઇ શકે છે !
ઉત્સાહથી એણે એ શિફ્ટ સ્વીકારી અને કામે લાગી ગઈ.આમ પણ મુખ્ય ટીચર નિયમ અનુસાર સાત વાગે આવી જાય એટલે ક્લોવીને માથે બીજી કોઈ મુખ્ય જવાબદારી નહોતી. પણ થોડા જ દિવસોમાં પેરેન્ટ્સ તરફથી ફરિયાદ આવવા માંડી. મુખ્ય ટીચર( એ દિવસોમાં એલિઝાબેથ હતી) એણે પણ ફરિયાદ કરી કે ક્લોવી આખો દિવસ વોક્મેનમાં મ્યુઝિક સાંભળે છે! એ વર્ષોમાં વોકમેન નામનું ઇલેક્ટ્રોનિક ગેજેટ બહુ પ્રચલિત હતું. હેડ ફોન કાને લગાડીને ખિસ્સામાં રાખેલ વોકમેનમાંથી એ મ્યુઝિક સાંભળે!
ક્લોવીની દલીલ હતી કે બાળકોની સંભાળ રાખવામાં હાથ ,પગ અને આંખની જરૂર હોય છે! સવારના પ્હોરમાં બાળકોને બાથરૂમમાં લઇ જવા હોય કે હાથ ધોવડાવવાનાં હોય કે બ્રેકફાસ્ટ સર્વ કરવાનો હોય કે આવી રહેલ બાળકનાં કોટ ,સ્કાર્ફ ગ્લવ્ઝ કાઢીને ખીંટીએ લટકાવવાનાં હોય તેમાં હેડ ફોન કોઈ રીતે અવરોધ કરતાં નથી !
“અને બાળકો કાંઈ પૂછે છે તો મને બધું જ સંભળાય છે!” એણે દ્રઢતાથી કહ્યું ! મારી પાસે કોઈ દલીલ નહોતી કે હું એને સમજાવી શકું! એણે એનો હેડફોનનો વપરાશ ચાલુ જ રાખ્યો ! હવે ?
હવે શું કરવું ?
ડોસી મરે એનો વાંધો નહોતો; જમડા ઘર ભાળી જાય તેનો ડર હતો!!
મને સમજાતું નહોતું કે કોકડું કઈ રીતે ઉકેલવું !એક ટીચર જો મનસ્વી રીતે વર્તે તો બીજાં બધાં સ્ટાફ ઉપર પણ અવળી અસર પડે ! અને બીજી બધી રીતે એ ક્વોલિફાઈડ હતી એટલે ઉતાવળમાં જે તે પગલું પણ સંસ્થા માટે યોગ્ય નહોતું !
પણ દર અઠવડીયાની જેમ એ શુક્રવારે જયારે હું ક્લોવી સાથે ઓફિસમાં બેસીને વીતેલા અઠવાડિયાની વાતો કરતી હતી ત્યારે મને લાગ્યું કે એનું ધ્યાન બીજે ક્યાંક હતું. ચેક લઈને એ ઓફિસની બહાર નીકળી ;( આ એ વર્ષોની વાત છે જયારે ઓન લાઈન પેયમેન્ટ શોધાયેલ નહોતાં! દર અઠવાડિયે બધાં એમ્લોઇના કલાકોની ગણતરી અગાઉથી કરીને, કહેવાનાં – ચર્ચા કરવાના મુદ્દાઓ લખી રાખીને સમસ્યાઓનો સર્જનાત્મક ઉકેલ ચર્ચવાની પદ્ધતિ રાખેલી) ક્લોવી દિવસ પૂરો કરીને નીકળી ગઈ, પણ પ્રશ્ન તો ઉભો જ હતો: વોકમેનનો !
સોમવારે અચાનક જ મારી આંખ ઉઘડી! કાંઈક અજુગતું થઇ શકે છે! મને લાગ્યું ; અને અમારાં ઘરેથી આંઠ માઈલ દૂર આવેલ અમારી સ્કૂલે પહોંચી ગઈ! હા, ક્લોવી આવી જ નહીં !
ભગવાનની કૃપાથી અમે એક મોટી મુસીબત માંથી બચી ગયાં! ડે કેર સમયસર ખુલ્યું ના હોત તો ?પણ ડે કેર પર એના સમય મુજબ બાળકોને આવકારવા હું હાજર હતી!! અને ત્યાર પછી બીજી બેક અપ હેલ્પ પણ તૈયાર જ હતી!
જિંદગીમાં આવા અનેક નાના મોટા પ્રસંગોએ ક્યારેક કોઈ ટેલિપથીથી ડિઝાસ્ટર ઘટતાં પહેલાં ગંધ આવી જાય છે! અને ભગવાન ઉગારી લે છે!
જીવનમાં કોઈ આપણને રંગ ભેદ કે જાતિ ભેદ કે ધર્મ કે એવાં તેવાં ડિસ્ક્રિમેશન ભેદભાવથી જુએ છે એમ માનવને બદલે એ બધાથી ઉપર થઈને આવી રીતે કામ કરીને સફળ થવાનો આનંદ અનેરો છે!
એક વખત આવા જ એક એક્ઝીટ ઇન્ટરવ્યૂમાં મેં એ બેનને સીધું જ પૂછ્યું હતું; “જયારે તમે અહીંથી જાવ છો તો તમારી થોડી કૉમેન્ટ્સ ,કંપ્લેઇન્સ કે કોમ્પ્લિમેન્ટ્સ મને આગળ વધવામાં મદદરૂપ થશે !” અને એ બહેને મને પ્રામાણિક રીતે એમનો અભિપ્રાય આપેલો ; ( જે ઇન્ડિયન લોકો માટે,ઇન્ડિયન સ્ત્રી માટે અને ઇન્ડિયન સંસ્કૃતિ માટે હતી! હું આભી બનીને સાંભળી જ રહી . જો કે એ કૉમેન્ટ્સ હું ક્યારેય ભૂલી નથી . બસ , એમાંથી પ્રેરણા લેવા પ્રયત્ન કર્યા છે)અને અનેક કારણોમાંથી એક એ કારણ પણ હતું કે મને નેશનલ લેવલે હરીફાઈ કરવાનું મન થયેલ.
બાળકો સાથે કામ કરતાં કરતાં અમે પણ ઘણું ઘણું શીખી રહ્યાં હતાં! આ એક ઘણું જ સેન્સિટિવ ક્ષેત્ર હતું, એમાં ઘણાં પડકારોનો સામનો કરવો પડતો હતો, પણ આખરે તો એ બધું બાળકોના હિતાર્થે જ હતું! આપણી સંસ્કૃતિ કહે છે કે અતિથિને આવકાર , અને જાય ત્યારેય એને બારણાં સુધી વળાવવા જવાનું કહે છે! આ પ્રત્યેક વ્યક્તિ માટે સત્ય છે. આંગણે આવેલને બે ઘડી સાંભળો ,પાણી આપો અને જાય ત્યારે “ આવજો !” કહી વિદાય આપો! આપણી સંસ્કૃતિ મનુષ્ય સાથે પશુ પંખી અને વનસ્પતિનેય પ્રેમ કરવાનું કહે છે; જો કે હવે બધું બદલાઈ રહ્યું છે! અને ટેક્નોલોજીના આ જમાનામાં ફેસ ટુ ફેસ મળવાનું ઓછું થઇ જતાં સમસ્યાઓ પણ વધી ગઈ છે. ડે કેરમાં બાળકોનાં ઉછેરમાં પણ બદલાવ આવવા માંડ્યાં છે. કેટલીક વાત કહ્યા વિના માત્ર બોડી લેંગ્વેજથી સમજાતી હતી તે હવે રૂબરૂ મળ્યા વિના કેવી રીતે સમજાય ?
નવી પેઢીને એમના નવા પ્રશ્નો છે પણ બાળકો હજુ આજે પણ જન્મે પછી હૂંફ ઝંખે છે, સ્પર્શ ઝંખે છે, પ્રેમ માંગે છે: જેટલો પ્રેમ,હૂંફ,સ્પર્શ હજારો વર્ષ પહેલાં આદિ માનવનું બાળક ઝંખતું હતું! કેટલાક મૂલ્યો અચલ છે, શાશ્વત છે! બાળપણ એવું જ એક શાશ્વત સત્ય છે!
કુમળાં બાળકોનાં જીવનનાં પાયામાં અમી સિંચનનો લ્હાવો અમે વરસો સુધી લીધો ! અને એ આહ્લલાદક અનુભવોનો રોમાંચ આજે પણ અનુભવું છું !!
Khub Saras Geetaben! Your experiences with children are very precious and throws light on how to deal with such problems! Very interesting too. 👍🙏
LikeLiked by 1 person
ગીતાબેન,કોઈ ઘટના બનવાની હોય તેનો અણસાર આવી જવો કે હું તમારા માટે જેવું વિચારું તેવાે જ વિચાર તમને આવે એને આપણે ટેલીપથી કહીએ છીએ.આવી ટેલીપથી થકી બનેલ ઘટનાનું સરસ વર્ણન કર્યું.બાળકો સાથે કામ કરી તેમને પ્રેમ અને હૂંફ આપવાનું સેવાનું કામ તમે પૈસા કમાવવાની સાથે કર્યું છે તે ખરેખર ખૂબ ધીરજ માંગી લે તેવું છે.
LikeLiked by 1 person
સરસ….. કુમળાં બાળકોનાં જીવનનાં પાયામાં અમી સિંચનનો લ્હાવો અમે વરસો સુધી લીધો ! અને એ આહ્લલાદક અનુભવોનો રોમાંચ આજે પણ અનુભવું છું !!, આના જેવું બીજું સુખ શું હોઈ શકે ?
LikeLiked by 1 person
સિક્સ્થ સેન્સ- જેને આપણે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ. એ ક્યારેક આપણને કશુંક બનવાના એંધાણ આપી જ દે છે.
જ્યારે પોતાના એક બાળકને સાચવાનું પણ અઘરું લાગતું હોય ત્યાં અન્યના અનેક બાળકોને સંપૂર્ણ જવાબદારી અને
પ્રેમથી સાચવવા કેટલા અઘરા હોઈ શકે એ સમજી શકાય છે.
કુમળા બાળકોમાં સિંચેલા અમીની શીતળતા તમારા સુધી રેલાઈ જ હશે ને?
LikeLiked by 1 person
Thanks Jayvantiben , jigishaben , Prgnaben , Rajulben and all for your positive feed back.
LikeLike