સંવેદનાના પડઘા-૩૯ શું છે આપણી પરંપરાનું ભવિષ્ય?

અભય અને આર્યા ન્યુયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટી માં સાથે ભણતા હતા.બંન્ને ભારતીય પણ અભયનું મૂળ વતન મદ્રાસ અને આર્યાનું મુંબઈ.ન્યુયોર્કમાં સાથે ભણે ,પ્રોજેક્ટ કરે,એક સાથે રેસ્ટોરન્ટમાં અને ક્યારેક એકબીજાના એપાર્ટમેન્ટમાં પણ સાથે જમે અને સાથે પાર્ટી કરવા પણ જાય.અભય ખૂબ સારો ચિત્રકાર હતો.આર્યાને સામે બેસાડી તેણે તેના અદ્ભૂત ચિત્રો દોર્યા હતા. તે સીધી પીંછીથી જ ચિત્રો બનાવતો.તેની હાથના જાદુ પર આર્યા આફરીન થઈ જતી.ભણવામાં પણ તે ખૂબ હોશિયાર હતો.પણ ચિત્રકળા તેનો પહેલો પ્રેમ હતો.

આમ સાથેસાથે ફરતાં મિત્રતા પ્રેમમાં પરિણમી .આર્યા અને અભય સાથે ફરતાં પણ બંનેના ઘરનો   ઉછેર,રહેણીકરણી ,વિચારસરણી એકદમ જુદા હતા.અભય થોડા રૂઢિચુસ્ત વાતાવરણમાં ઉછેર્યો
હતો જ્યારે આર્યા એકદમ મોર્ડન.

સપ્ટેમ્બર મહિનાની એક સુંદર સાંજે અભય અને આર્યા ફોલના કુદરતે પૂરેલા રંગોને માણતા પાર્કમાં બેઠા હતા.કુદરતે ઝાડના બદલેલા પીળાં,કેસરી અને બદામી રંગોને જોઈ અભય પણ પોતાની પીંછી થી તેવાજ રંગ પોતાના ચિત્રોમાં ભરવા પ્રયત્ન કરી રહ્યો હતો.બેનમૂન રંગોની પાંદડાંની પથારીમાં સૂતેલી આર્યા અને તેની સાથે તેની સુંદરતાને ચાર ચાંદ લગાવતી ,ઢળતા સૂરજની નભમાં ફેલાતી લાલીમાનું અતિસુંદર ,અભયે દોરેલ ચિત્ર જોઈ આર્યા અભયને વેલીની જેમ વિંટળાઈ ગઈ.અભયે તેને આગોશમાં લઈ પૂછ્યું” will you marry me?”

આર્યાએ તેને તે વખતે તો ઉન્માદમાં હા પાડી પણ રસ્તામાં ગાડીમાં જતા અભયને પૂછ્યું કે “આપણે
લગ્ન કરીએ તેના પહેલા થોડો સમય સાથે રહીએ પછી લગ્ન કરીએ તો કેવું? રૂઢિચુસ્ત વાતાવરણમાં
ઉછરેલ અભયના જીવન અંગેના વિચારો ન્યુયોર્કમાં રહેવા છતાં બદલાયા નહોતા.લગ્ન કર્યા વગર લીવ-ઈનમાં રહેવાની વાત તેના ગળે ઊતરતી નહોતી.તેથી તે આર્યાને જવાબ આપ્યા વગર ચૂપ જ રહ્યો.થોડો ઉદાસ પણ થઈ ગયો.આર્યા બોલતી જ રહી અને તે સાંભળતો જ રહ્યો.આર્યા કહે,

“જો અભિ ,હું તને દિલોજાનથી પ્રેમ કરું છું. પણ પ્રેમ કરવો અને આખી જિંદગી સાથે વિતાવવી
તે બંનેમાં બહુ ફરક છે.દિવસના થોડા કલાકો સાથે ગાળવા અને એક જ ઘરમાં રહીને એકબીજાની સાથે હમેશાં રહેવું તે બહુ જુદી વાત છે.આપણા પ્રેમનો ઉન્માદ ઓસરી જાય પછી આપણે સાથે ન રહી શકીએ તો! હું સ્વતંત્ર મગજની ,આત્મનિર્ભર ,મોર્ડન વિચારો ધરાવતી છોકરી છું.મને તારી સાથે રહીને તારું રહનસહન ન ફાવ્યું તો? આપણે બે-ચાર વર્ષ સાથે રહીને જોઈએ પછી ફાવશે તો લગ્ન કરીશું

અભયે કોઈ જવાબ ન આપ્યો અને આર્યાને તેના એપાર્ટમેન્ટ પર ઉતારી સડસડાટ ગાડી ભગાવી પોતાના ઘર તરફ જવા લાગ્યો.પૂરપાટ દોડતી ગાડી સાથે તેનું મગજ પણ જોરથી દોડી રહ્યું હતું.કોઈ અકથ્ય વેદનાથી તેની છાતી ભિંસાઈ રહી હતી.ઘેર પહોંચી કપડાં બદલી તે પથારીમાં પડ્યો પણ તેની ઊંઘ આજે હરામ થઈ ગઈ હતી.
તે વિચારતો હતો પ્રેમનો અર્થ શું? એક બીજામાં પોતાના અસ્તિત્વને ઓગાળી દેવું એજ શું પ્રેમ નથી?એક બીજાને રંગે પૂરેપૂરા રંગાઈ ,જે જેવું છે તેને તેવુંજ તેના બધાં જ ગુણો અને દોષો સહિત સ્વીકારી લેવું તે જ પ્રેમ નહી? અભય જે સંસ્કારમાં અને વાતાવરણમાં ઉછર્યો હતો તેમાં તેને માટે લગ્ન અને પ્રેમ એક પવિત્ર બંધન હતું.શરીરની સાથે બે આત્માનું મિલન હતું.તે આર્યાની આ લીવ-ઈન રીલેશનની વિચારસરણી સાથે જરાપણ સહમત નહતો. આખી રાતના ઉજાગરાથી અભયનું માથું ફાટફાટ થઈ રહ્યું હતું.તે સવારમાં નાહ્યા ધોયા વગર જ આર્યાને મળવા પહોંચી ગયો.તે તો આર્યાને એટલો પ્રેમ કરતો હતો કે તે પોતાનું જીવન આર્યા વગર વિચારી જ નહોતો શકતો. તેણે આર્યાને ભારતીય સંસ્કૃતિમાં લગ્ન એટલે શું? સપ્તપદીના સાતે વચનો સમજાવ્યા.લગ્ન એટલે બે વ્યક્તિએ એકબીજા માટે લીધેલા સમર્પણ ના સૌગંધ.લગ્ન એટલે એકબીજાના સુખ-દુ:ખમાં સરખે સરખા ભાગીદાર.લગ્ન એટલે આજીવન મૈત્રી.લગ્ન એટલે બે વ્યક્તિ સાથે બે પરિવારોનો પણ એકબીજા થકી સ્વીકાર.તેણે આર્યાને પૂછ્યું કે શું તારા માતાપિતા તું લગ્ન વગર મારી સાથે રહીશ તેવું જાણશે તો તેમને ગમશે? આર્યા અભયને પ્રેમ તો બહુ કરતી હતી પણ તેની મોર્ડન વિચારસરણીમાં તેને લગ્ન વગર સાથે રહેવામાં કંઈ ખોટું નહોતું લાગતું.તે લગ્ન કરી બંધનમાં બંધાઈ જવા નહોતી માંગતી.અભય તેને સમજાવી ન શક્યો અને આર્યાને ફરી ક્યારેય ન મળવાનું કહી આંખમાં આંસુ સાથે અને ભારે હૈયે ત્યાંથી ચાલ્યો ગયો.આર્યા જોરથી અભિ ….અભિ ની બૂમો પાડતી રહી….
અમેરિકા જેવા વિકસિત દેશમાં આવીને હંમેશ માટે વસ્યા પછી આ દેશના લોકો ની નવસર્જન માટેની પ્રતિબધ્ધતા,નિયમિતતા,સ્ત્રી પુરુષ સમાનતા,નીતિમત્તા,આત્મનિર્ભરતા, સ્વચ્છતા જેવા ગુણોને સ્વીકારી તે પ્રમાણે જીવન જીવવા આપણે પ્રયત્નશીલ બનીએ છીએ.પરતું શું આપણે આપણી સંસ્કૃતિને અને પરંપરા ને ભૂલીને લીવ-ઈનમાં લગ્ન પહેલાં થોડા વર્ષ સાથે રહી ,એક બીજાને ચકાસી પછી લગ્ન કરવા જોઈએ????? શું આપણા મૂળને આમ સાવ જ મૂળ સાથે ઉખાડી ,બધીજ વાત અને વિચારોનું અનુકરણ (અમેરિકનકરણ ) જરુરી છે?
અભય તો તેના ચિત્રોની દુનિયામાં દેવદાસ બની ખોવાઈ ગયો હતો. આર્યા સાથે તે મળતો નહોતો. પરંતુ આર્યા હંમેશ તેની સાથેજ હતી.આર્યા સાથે ગાળેલ પળોને તે તેજ જગ્યાએ જઈને પોતાના કેનવાસ પર ઉતારી દેતો.ન્યુયોર્કની મોટામાં મોટી આર્ટ ગેલેરીમાં તેનું પ્રદર્શન યોજાયું .જ્યારે ફોલનાં પાંદડા પર સૂતેલી આર્યાનું ચિત્ર ખૂબ ઊંચી કિંમતમાં વેચાયાના સમાચાર આર્યાએ ટી.વી. પર જોયા ત્યારે તેને પોતે પોતાની જાતને જ કોસતી અને અભયના ખરા હ્રદયથી કરેલા પ્રેમને યાદ કરતી આખે આખી વરસી પડી……

4 thoughts on “સંવેદનાના પડઘા-૩૯ શું છે આપણી પરંપરાનું ભવિષ્ય?

 1. જિગિષા,
  સ્વતંત્ર વિચારો ધરાવતી આર્યા અને પરંપરાગત માન્યતા ધરાવતા અભયનો પ્રેમ- એકબીજાની સાથે રહેવાની લાગણી અને તેમ છતાં બંનેના પોતપોતાના તર્કબધ્ધ વિચારો, માન્યતાઓના લીધે વિચ્છેદની ખુબ સરસ વાત.

  Liked by 1 person

 2. બહુ કઠિન પ્રશ્ન રજૂ કર્યો છે ! પ્રેમ અને સમર્પણની વ્યાખ્યા બદલાઈ રહી છે.. પ્રેમ અને સમ ( some – not all ) અર્પણ દેખાય છે , જે આ જમાનાની દેન છે.. જો કે એ સાચો પ્રેમ હોત તો બંને એક બીજાને જરૂર મીસ કરત અને ક્યાંક સમજૂતી પણ થઇ શકી હોત!

  Liked by 1 person

 3. અત્યારની પેઢી આ સમસ્યા ભોગવી રહી છે. લગ્નને આપણા સંસ્કારો ગણીએ તો કોઈ પણ સંસ્કારો એમ જલ્દી ઉખેડી શકાતા નથી.even flirt કરતો છોકરો અંતે તો લગ્ન કરે જ છે.બીજી તરફ સ્ત્રી નો એક ભય દેખાય છે.(લગ્ન કરી બંધનમાં બંધાઈ જવા નહોતી માંગતી ) નવી પેઢીમાં નૈતિક મૂલ્યો હવે એમની વ્યાખ્યા બદલી રહયા છે.અભયે પવિત્ર અને સુંદર સંબંધોની છબીને બગડવા દીધી નહિ અને ગરિમાપૂર્વક અલગ થઈ ગયો.

  Like

 4. પ્રેમની વ્યાખ્યા બદલાઈ ગઈ છે.ભારતીય સંસ્કૃતિ શું કહે છે? ભારતમાં જન્મ્યા હોય અને લગ્ન વિષે પાશ્ચાત્ય સંસ્કૃતિના વિચારો ધરાવે.અને બંનેના વિચારોમાં અસમાનતા હોય એ લગ્નનો અંત સારો ના આવે.પ્રેમની સાથે લગ્નની વ્યાખ્યા પણ બદલાઈ રહી છે.આ સંજોગોમાં લગ્ન ના થાય તે જ હિતાવહ છે.આંધળો પ્રેમ ભેગા રાખે તો આવકાર્ય છે,છુટા ના પાડે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.