વાત્સલ્યની વેલી ૩૬) વેકેશન:ત્યારેઅને આજે!

વેકેશન:ત્યારેઅને આજે!
વાત્સલ્યની વેલીમાં આજે વાત કરવી છે ફેમિલી વેકેશનની !
“વેકેશન એટલે શું ? “મેં અમારાં ડે કેર સેન્ટરનાં કેટલાંક નાનાં બાળકોને પૂછ્યું .
“વેકેશન એટલે પ્લેનમાં કે કારમાં દૂર દૂર જવાનું !” પાંચેક વર્ષના એક બાળકે તરત જ ઉત્તર આપ્યો .
“હોટલમાં રહેવાનું અને કોઈ એમ્યુઝમેન્ટ પાર્ક (જેમાં મોટા ચગડોળ ,ફજેતફાળકા અને ખાણી પીણી હોય તેવા આંનદમેળામાં ) કે વોટર પાર્ક જ્યાં પાણી સાથે રમવાનું હોય ત્યાં મઝા કરીએ તે વેકેશન !” કોઈ બાળકો એ ઉત્સાહથી સમજાવ્યું ; “ સ્કૂલ ના હોય એને વેકેશન કહેવાય ! મોડા ઉઠવાનું અને ટી વી જોવાનું !”
નાનાં બાળકોની નિર્દોષ વાતોમાંથી મને જવાબો મળ્યા !
થોડી જીજ્ઞાશા વૃત્તિથી મેં કેટલાક બાળકોના મા બાપ પાસેથી પણજવાબ શોધવા પ્રયત્ન કર્યો ;
તેમના મા – બાપ માટે વેકેશનની વ્યાખ્યા ;
“જોબ પરથી રજા લઇ કોઈ દૂરના રિસોર્ટમાં અઠવાડિયું એય નિરાંતે રહેવું !આરામ કરવો અને બસ શાંતિથી ખાવું પીવું !”
તો કોઈએ કામોની યાદી આપી કહ્યું ;” ઘરમાં એક્સટ્રા કામ કરવું છે: ઘરને રંગ રોગાન કરાવવા છે; બેઝમેન્ટ ફિક્સ કરવું છે” તો કેટલાંક ફૂલ ટાઈમ નોકરી કરતાં નાનાં મોટાં બાળકોનાં મા બાપે વેકેશનમાંછોકરાંઓ ઘેર આખો દિવસ ટી વી સામે બેસી રહે નહીં એટલે છોકરાંઓનાં રજાના મુક્ત ઉડ્ડ્યનોને એક વ્યવસ્થિત ઢાંચામાં ઢાળી દીધાં હતાં: કહ્યું; “ છોકરાઓને સમર કેમ્પમાં મૂકીશું! ત્યાંથી એમને પર્યટને ( ફિલ્ડ ટ્રીપમાં ) લઇ જશે , મ્યુઝિયમ, ઝૂલાયબ્રેરી વગેરેમાં લઇ જશે અને અમુક દિવસ સ્વિમિંગ પણ શીખવાડશે !”
સતત દોડ ધામની જિંદગીમાંથી દૂર ક્યાંક નિરાંતની અપેક્ષા આ યન્ગ , વર્કિંગ પેરેન્ટ્સ ઇચ્છતાં હતાં ; તો ખુબ પૈસા ખર્ચીને પણ પોતાનાં સંતાનોને વેકેશનમાં કૈંક નવું શીખવાડવાની ઈચ્છા પણ હતી! તો ક્યાંક ફૂલ ટાઈમ નોકરીમાંથી ફુરસદ કાઢીને ઘરમાં કામ કરવાની ખેવના હતી !અને તેમાં કશું જ ખોટું કે એ અસ્વાભાવિક નથી જ!
પણ જે જવાબ નાની ઉંમરે , શાળામાં ,આપણી પેઢીએ આપ્યો હશે – કે જે વેકેશન આપણે જીવ્યા હોઈશું -તેનો આછો વિચાર પણ આ પેઢીને , આ દેશમાં , કદાચ નહીંવત હશે!
સ્કૂલોમાં રજાઓ પડે એટલે ઘણાં કુટુંબોમાં વેકેશનની તૈયારીઓ થાય! ક્યાંક મોસાળમાં જઈને મામાને ઘેર મામા – ફોઈનાં છોકરાંઓ મહિનો આખો ઘર,મહોલ્લો કે ફળિયું ગજવે !
દાદા દાદી પણ મોંઘવારીને ગળી જઈને વ્હાલાં ભાણેજડાંઓ માટે ‘કેરી ગાળો’ કરે ! ને ક્યાંક દીકરોવહુ છોકરાં લઈને લગ્નગાળો ચાલતો હોયને શહેરમાંથી ગામડે આવ્યાં હોય ત્યાંયે સહકુટુંબ , સાંકળે માંકડેય પણ મહિનો માસ બધાં સાથે રહે .
આ એ જમાનો હતો જયારે સામાન્ય મધ્યમ વર્ગમાં , કારણ વિના, અમદાવાદ , વડોદરા જેવા મોટા ‘સુધરેલા’ શહેરોમાંથીયે કોઈ આબુ – અંબાજી , માથેરાન – મહાબળેશ્વર કે વિરપુર- સોમનાથ એમ માત્ર ફરવા માટે જતું નહોતું ! ‘ શું જરૂર છે એવા ખોટા ખર્ચા કરવાની?’ મધ્યમ વર્ગનો ગૃહસ્થિ કહેતો; ‘ચાલો ગામડે, બા બાપાને ઘેર!’
અને કાપડના સીવેલા બગલથેલામાં (કે થેલીમાં) બે – ત્રણ જોડ કપડાં નાંખીને માડી સાથે અથડાતા – કુટાતાં ( ટ્રેઈન મોડી આવે , ગાડીમાં ગીર્દી પાર વિનાની હોય, ગરમી હોય ને ઘેરથી ભરીને લાવેલા પિત્તળના ઢાંકણવાળા લોટનું પાણી ખલાસ થઇ ગયું હોય ને એ નાનકડાં સ્ટેશન પર પણ પાણીની એકેય પરબ ના હોય એટલે ગાડી બીજા સ્ટેશને ઉભી રહે ત્યાં સુધી તરસ્યાં જ રહેવાનું હોય) ને આવી તો નાની મોટી કૈંક મુશ્કેલીઓ હોય છતાં દાદાને ઘેર આનંદથી કાકા -બાપાના છોકરાંઓ મઝા કરે!
આ પણ એક વેકેશન હતું !
બાળકોનું જે ઘડતર થતું હતું, કિશોરાવસ્થાનાં કઝીન વચ્ચે જે કમ્યુનિકેશનનો સેતુ બંધાતો હતોઅને પુખ્ત વયના સંતાનો વચ્ચે જે સહજીવનની કડી ગુંથાયેલી રહેતી હતી ( ક્યારેક કડી ગુંચવાતી પણ હશે, તેમ છતાં) અને જીવન સંધ્યાએ પહોંચેલ વૃદ્ધ મા બાપને કુટુંબની હૂંફનો અહેસાસ થતો !
એ વેકેશનોમાં ખાસ કોઈ સ્ટ્રક્ચરલ પ્રવૃત્તિઓ ઓછી , ને મોટેભાગે તો સ્વંયમભુ પ્રગટેલી રમતો જ ઝાઝી રહેતી ! ઘરનાં મામા ફોઈનાં સંતાનો ઘરમાં જ ગાદલાઓ , ઓશિકાઓ ભેગાં કરી કરાટે કે કુસ્તી રમી લે! અને કૂકા રમવા કે કોડીએ રમવાનું “ બેઠી” ગેઇમમાં આવે ! ભલું હોય તો બે રુમ રસોડાનું ઘર ત્યારે દોડાદોડીઅને પકડાપકડી કરવાની રમતમાં યે જરાયે નાનું ના લાગે !
આજના વેકેશનોમાં બધું વ્યવસ્થિત , વેલ પ્લાન્ડ હોય! મહેલ જેવા ઘરોમાં આમ “ અન્સ્ટ્રક્ચર્ડ ગેઇમ્સ ના રમી શકાય ! ટી વી રૂમમાં ટી વી જોવાનું ને Toy room ટોય રૂમમાં જ ટોયથી રમવાનું !
જ્યાં બે અઠવાડિયામાં ચાર ધામ જાત્રાઓ થતી હોય કે દશ દિવસમાં યુરોપના દશ દેશ ફરીઆવીયે , અને તેય કોઈ સાવ અજાણ્યા લોકો સાથે ત્યાં ઘડતર , સઁસ્કાર કે સહ જીવનની હૂંફ પણ એક્સપ્રેસ ટ્રેઈન જેમ ઝડપી ને ફેસ બુકના ફોટા જેટલી સીમિત જ રહેવાની.. !
ઘણું જાણવામાં થોડું માણવાનું વિસરાઈ ગયું !
ઘણું મેળવવામાં થોડું વાગોળવાનોય સમય ના રહ્યો!
વેકેશન પણ હવે સ્માર્ટ ફોનની જેમ સ્માર્ટ સ્વરૂપે આવે છે !
સ્માર્ટ ફોનની જેમ ?
હા ! સ્માર્ટ ફોનની જેમ!
આજે વેકેશનની વ્યાખ્યા બદલાઈ ! સમય બદલાયો ! ફરવાનાં સ્થળ બદલાયાં! રીત બદલાઈ! રિવાજ બદલાયાં! રહેણી કરણી અને ખ્યાલ બદલાયા! જીવન પ્રત્યેના અભિગમ બદલાયા! હા, રહી ગયી માત્ર જુના ખ્યાલોની યાદો વૃદ્ધ દાદા દાદીની તસ્વીરોની જેમ માત્ર સ્ટોરેજમાં !
વેકેશન હવે દોડ ભાગ બની ગયાં ! વેકેશન હવે એક કામ બની ગયાં! દેખાદેખી ,અનુકરણ અને સ્ટેટસ બની ગયાં!
જે જણ સુરત વડોદરાની બહારનહોતો નીકળતો એ હવે કેરાલા, સિમલા ,સિંગાપુર – જાપાન કે યુરોપ વેકેશન માણવા જાય છે! ને હવે ખખડધજ ધર્મશાળાઓ ને બદલે સરસ હોટલોમાં રહે છે! પરંતુ; “વેકેશનમાં અમે દાદા- બા સાથે હીંચકે બેસી ગીતો ગાયાં!” કે; “ આ વેકેશનમાં દાદાએ અમને એમના બાળપણની વાર્તાઓ કહી કે કે એકલવ્ય અને અર્જુનની વાર્તા કરી” એવું કહેનારા બહુ ઓછા મળશે ! રામાયણમાં શું બન્યું’તું એતો હવે બાળકો સ્માર્ટ ફોનમાંથી શોધીને, ગુગલ કરીને જાણી લેશે ! એમની જ્ઞાનની તરસ તો છીપાઈ; પણ પેલી લાગણીઓનું શું?
દાદીબાની સુખડીમાં હવે કોઈને ઝાઝો રસ નથી !
“Too much sugar and butter is not good for health !”સ્માર્ટ સંતાનો કહેશે: નવી થિયરી પ્રમાણે ઘઉંનો લોટ તો ખવાય જ નહીં! “ બા , એમાં મેંદો હોય એટલે લીવરને નુકશાન કરે! હવે તું બાળકોને સોયાબીન અને ફણગાવેલાં કઠોળની રોટલી કરીને ખવડાવજે !” પોતીકાં સંતાનો જ કહેશે !
શું ખાવું અને શું જોવું નાં અતિશય જ્ઞાનમાં નિરુદ્દેશે મુક્ત ભ્રમણ અને ભાવથી ભિંજાયેલ ભજીયાં ભુલાયાં!
પહેલાં વેકેશનો સાથે જાણ્યે અજાણ્યે હૂંફ લાગણીના સબન્ધો જોડાયેલાં હતા ! કરકસર અને મુશ્કેલી વચ્ચે પણ આનન્દ માં ગુજારેલ વેકેશનના દિવસોમાં બન્ધાયેલ સ્નેહની ગાંઠનું એ કપડું કપરા સમયે આસું લુછવા કામમાં આવતું !મઁઝીલનાં મહત્વ સાથે માર્ગને પણ માણી લેતાં! Fun is in the journey, not the destination!
સમય પર કહ્યા વિના ઘણું કહેવાય જાતું! બોલ્યા વિના ઘણું સમજાઈ જતું ..
જોકે આજના વેકેશનને અવગણવાની જરૂર નથી ! નિરાશ થવાનીયે જરૂર નથી!
દરેક યુગ , દરેક પઢી એની આગવી છટાથી સમય રૂપી મોજાં પર સવારી કરે છે! આજની વ્યક્તિએ કુટુંબની વ્યાખ્યા જ બદલી; આજે તો હવે આપણેસમષ્ટિને જ વૈશ્વિક કુટુંબ બનાવી દીધું છે!
આજનો સમાજ ઘર , ગલી અને ગામને ભૂલીને દર વર્ષે ડેસ્ટિનેશન વેકેશન માણતો થયો છે!
આગલી પેઢીમાં ,ઉછરતાં બાળકોના કુટુંબને માટે શીખવાડ્યું હતું Family who prays together , stays together !
આપણી પેઢીએ એમાં થોડા ફેરફાર કર્યાં : એમ પ્રેયર કરવાથી કાંઈ ના વળે ! અમથી અમથી તાળીયો પાડીને પ્રાર્થના ના કરાય ! Family who eats together at least one meal a day , stays together !
હવે એક નવો પણ નીવડેલોવિચાર Families who vacation together stay together !વર્ષે એક વાર બધાં પંદર દિવસ સાથે ક્રુઝમાં જાય! પછી તે ક્રુઝ પનામા કેનાલની બે સમંદરને જોડતી નહેર હોય કે સમુદ્રની વચ્ચે આવેલા હવાઈ ટાપુઓની હોય!
બાની સુખડી નહીં પણ બાનું સુખી કુટુંબ, દાદાની જૂની વાર્તાઓને બદલે દાદા સાથે નવો ઇતિહાસ રચે એ સુંદર દ્રશ્ય એ આજનું વેકેશન છે!
હા આજે બધાં સ્માર્ટ થઇ ગયાં! કોઈએ જ ક્યાંયે કશું જ કરવાનું નહીં! કોઈએ કોઈને માટે બલિદાનો દેવાનાં હોતાં નથી! નક્કી કર્યા મુજબ અમુક દિવસે અમુક સ્થળે ભેગાં મળવાનું !બન્ધન વિનાના સગવડિયા વેકેશનો!
થોડા સમયમાં ઘણું જોવું છે, જાણવું છે! મેળવી લેવું છે ! આ ઈન્ફોર્મેશનનો યુગ છે!
સ્માર્ટ ફોન સોલ્યુશન તો બતાવશે ;પણ આસું લુછવા રૂમાલ આપવા માટે સ્માર્ટ ફોનમાંથી જ કોઈ હાથ નીકળે એવી શોધ હજુ સુધી થઇ નથી! ને ત્યાં સુધી હૂંફ માટે માણસને માનવીની જરૂર રહેવાની ! અને ધરતીનો છેડો ઘર જ રહેવાનો ! એવાં જ એક લાંબા વેકેશનમાંથી હુંએરપોર્ટથી છૂટાં પડીને, ટેક્ષી કરીને ઘેર પહોંચું છું. “ એલેક્ષા! હું ઘેર આવી ગઈ છું” હું બોલું છું અને નાનકડી ડબ્બી બોલે છે; “ પધારો !” અને એ મને આખા મહિનાના સમાચારો પટ પટ બોલી સંભળાવે છે!
સાચ્ચેજ મને પેલું જૂનું વેકેશન યાદ આવે છે!મને મારુ બાળપણનું વેકેશન યાદ આવે છે ..

6 thoughts on “વાત્સલ્યની વેલી ૩૬) વેકેશન:ત્યારેઅને આજે!

 1. ઘણું જાણવામાં થોડું માણવાનું વિસરાઈ ગયું !
  ઘણું મેળવવામાં થોડું વાગોળવાનોય સમય ના રહ્યો કારણકે સૌને થોડા સમયમાં ઘણું જોવું છે, જાણવું છે! મેળવી લેવું છે. જીવન ઝડપથી જીવી લેવું છે.
  આજનો સમાજ ઘર , ગલી અને ગામને ભૂલીને દર વર્ષે ડેસ્ટિનેશન વેકેશન માણતો થયો છે કારણકે સૌ વિશ્વના ફલક સુધી વિસ્તર્યા છે. જોકે દાદા-મામાના ઘેર માણેલા વેકેશન હજુ આજે ય અકબંધ યાદ છે હોં…..

  Liked by 1 person

  • એ વેકેશનો પ્રમાણમાં થોડા અનઓર્ગેનાઇઝડ હતાં , પણ જીવનમાં બધું ક્યાં ઓર્ગેનાઇઝડ હોય છે ? એટલે જીવનનો સાચો અર્થ પણ સમજતો હતો.. પણ આ તો જીવનનું સત્ય છે… અને સ્વીકારવું જ રહ્યું ! Thanks, Rajulben !

   Like

 2. ત્યારે અને આજે વચ્ચે બદલાયેલ સમય સાથે આપણે તો કદમ મિલાવવા જ રહ્યા ….આપણા દીકરા – દીકરીઓ અને પૌત્ર-પૌત્રીઓ તેમની રીતે વેકેશન માણી રહ્યા છે પણ આપણે માણેલા વેકેશનોની તો વાત જ જુદી હતી. તે એકસાથે દસ પથારી ધાબા પર પાથરી કાકા-મામાના દીકરા દીકરીઓ સાથે તારા જોતાં અને સપ્તર્ષિને શોધતાં શોધતાં સૂવાની મઝા આજ કાલના બાળકો ક્યાંથી માણશે?

  Liked by 1 person

 3. You are right Jigishaben! આજે બધાં કેમ્પીંગ કરવા સ્ટેટ નેશનલ પાર્ક કે માઉન્ટન ઉપર જાય છે પણ બધું અકુદરતી લાગે , પણ પ્રયત્ન જરૂર થાય છે.. અને પછી બીજે દિવસે સવારે ગાડી ભગાડી પાછાં જોબ પર લાગી જાય.. જીવનનું સત્ય!

  Like

 4. મને તો વેકેશન એટલે મામાનું ઘર યાદ આવે છે. કેસર કેરી ,હિચકો ,કોઈ નિયમ નહિ.બસ ધિંગામસ્તી અને મજા હી મજા.મામા મામીના લાડ અને પ્યાર

  Liked by 1 person

  • હવેના સમયમાં રજા અને પ્રવૃત્તિમાં બદલાવ એટલે વેકેશન.જયારે મને યાદ છે, વેકેશન એટલે ધીન્ગામસ્તી,નહી કોઈ નિયમ,ના કોઈ રોકટોક,કઝીન્સ ભેગા થઈને સાથે રહેવું, લડવું,ઝગડવું,ખાવું-પીવું,રમવું,ધાબે સુઈ જવું …..બસ મજા જ મજા ….બાળપણ યાદ આવી ગયું.અને એ પણ અમદાવાદની પોળનું અને ગામડાનું…!

   Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.