૩૭ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

જૂન મહિનાનો ત્રીજો રવિવાર એટલે પશ્ચિમ સંસ્કૃતિનો મહત્વનો ગણાતો ફાધર’સ ડે’. ઠેર ઠેર મનને/ દિલને સ્પર્શી જાય એવા દ્રશ્યો ય જોયા અને એ તમામ માટે દિલથી પ્રાર્થના થઈ ગઈ…“ ઉંમરનો કોઈપણ પડાવ હો, શિરે હર હંમેશ માતા-પિતાનું છત્ર હો…”

જાણીએ છીએ કે જીવનભર તો એ શક્ય નથી જ બનવાનું તેમ છતાં પિતાનો સ્નેહ જીવનભરનું સંભારણું બની રહે એવું દિલથી ઇચ્છ્યું અને દિલથી એમના માટે ‘હેપ્પી ફાધર્સ ડે’ કહેવાઈ ગયું કારણકે માતા -પિતાનું છત્ર આપણા શિરે હોવુ, માતા-પિતાના આશીર્વાદ હોવા એ કેટલી મોટી સમૃધ્ધિ છે એ ક્યાં નથી જાણતા? એ સમૃધ્ધિ સૌના નસીબમાં હો એનાથી વિશેષ કઈ શુભેચ્છા હોઈ શકે?

મોટાભાગે પરિવારોમાં એવું પણ બને કે માતાને જેટલું મહત્વ મળ્યું હશે એટલું મહત્વ પિતાને કદાચ નથી મળતું કારણકે ક્યારેક સામાન્ય પરિવારોમાં બને છે તેમ પિતાની ઘરમાં ઓછી હાજરીમાં જ બાળક પરિપક્વ બની જાય.. અદાંજીત સમય પ્રમાણે માતા કરતા પિતાએ બાળક માટે ફાળવેલો સમય આંગળીના વેઢે ગણી શકાય પરંતુ તેને ખબર છે કે તેની જરૂર બાળક્ને ક્યારે છે? પિતા બાળકનો શ્રેષ્ઠ મિત્ર પણ છે. બાળકના ફતેહમાં તેનુ ગૌરવ પણ છે અને મુશ્કેલીઓમાં માર્ગદર્શન પણ. બાળપણમાં ભલે માતાનું અનુકરણ કરી ઢીંગલા-ઢીંગલીઓ રમતી બાળકી માતાની નજીક હોવા છતાં પરણવાની ઉંમરે પહોંચે ત્યારે જાણે-અજાણે પતિમાં જેની છાયા શોધે તેનું નામ પિતા.

સાવ ચાર વર્ષની ઉંમરે નિર્દોષતાથી શર્ટ-હાફ પેન્ટ અને એ હાફ પેન્ટમાંથી પણ લટકીને બહાર દેખાઇ આવતી ટાઇ પહેરીને, સ્કુલબેગમાં જે હાથ આવે તે ઠાંસો-ઠાંસ ભરીને ટ્રાઇસીકલ પર લટકાવી મગરૂર બની ઓફીસે જવાની અદામાં ઘુમતુ બાળક જેનું અનુકરણ કરે તેનુ નામ પિતા.  પિતાનો લગાવ-પ્રભાવ-અનુરાગ બાળક સાથેના સંબંધનો પાયો છે. જેના ખભે બેસીને દુનિયા જોવાનો લ્હાવો મળે, જીવનની આંટીઘૂંટી સમજવાનું જ્ઞાન મળે એ પિતા. માતા મમત્વથી કેળવે અને પિતા સમત્વબુદ્ધિથી.

ફાધર્સ ડેના દિવસે અલગ અલગ રીતે પિતાની સાથે સમય પસાર કરતાં સૌને જોઈને યાદ આવી ગઈ ૨૦ નવેમ્બરની એ રાત….હોસ્પિટલનો એ આઇ.સી.યુ રૂમ….

લાઈફ સપોર્ટિંગ-વેન્ટિલેટર સીસ્ટ્મ પર મુકાયેલો અને બીજી ઘણીબધી નળીઓથી ઘેરાયેલો એક લગભગ ચેતનાવિહીન દેહ. ખુલ્લી અને કશુંક કહેવા માંગતી એ બે આંખો….આજે આટલા વર્ષે પણ ભૂલાયું નથી અને ક્યારેય નહીં ભૂલાય.

કાયમ પોતાની વાતને એકદમ સચોટ રીતે કહેવાની ટેવ ધરાવતી એ વ્યક્તિ પાસે એ ક્ષણે શબ્દો તો હતા પણ વાચા નહોતી. આંખો કશુંક કહી જતી હતી પણ એના માટે શબ્દો ઉચ્ચારી શકાતા નહોતા. એ ક્ષણ જ સૌથી કપરી હતી કારણકે ખબર નહોતી કે અમારી સામે તાકી રહેલી એ આંખો કઈ ક્ષણે એની જોવાની દ્રષ્ટિ ગુમાવી દેશે.

એ હતા અમારા પપ્પા…

ખબર હતી પાપા તમારી વેદાય વેળાએ તમે તો કશું જ કહેવાને શક્તિમાન નહોતા પણ તમારી આંખો, તમારા ચહેરા પરના ભાવ ઘણું બધું કહી જતા હતા… એ ન ઉચ્ચારાયેલા શબ્દો આજે પણ હું અનુભવું છું અને જીવનભર એ ભાવથી સુરક્ષાયેલી રહીશ એની પણ મને ખબર છે.. એટલે આજે બીજું કશું જ નહીં માત્ર તમારા એ વણ બોલાયેલા શબ્દો…..

“તમે કહ્યું હતું…
હું તારી આસપાસ જ છું…..

ઉગતા સૂર્યના સોનેરી કિરણોમાં હું હોઇશ
પ્રત્યેક નવા દિવસની તાજગીમાં હું હોઇશ
આથમતા સૂર્યની આભામાં હું હોઇશ
સપ્તરંગી મેઘધનુષ્યમાં હું હોઇશ

કારણ તું મને જેટલો પ્રેમ કરે છે
એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું….

જાણું છું મારી વિદાય વેળા નજીક છે પણ 
હું ક્યાંય જવાનો નથી

તારા લંબાવેલા હાથને અનુભવાતી ઉષ્મા હું હોઇશ

તારી આસપાસ અનુભવાતી ઊર્જામાં હું હોઇશ

કારણ તું મને જેટલો પ્રેમ કરે છે

એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું….

આપણે જુદા થવાની વેળા આવી ગઈ છે

પણ હું અને તું ક્યારેય જુદા પડવાના જ નથી…

કારણ તારા પ્રત્યેક પગલાની પગથી હું હોઇશ

તારા પ્રત્યેક શ્વાસની આસપાસ હું હોઇશ

નજર તારી હશે અને દ્રષ્ટી મારી હશે

કારણ તું મને જેટલો પ્રેમ કરે છે 

એનાથી અનેક ઘણો પ્રેમ હું તને કરું છું.”

સાવ સાચી વાત પપ્પા 
તમે કર્યો એટલો પ્રેમ તો તમારા અને મમ્મી સિવાય અમને કોઇ નહી કરી શકે……

આજે ગમે એટલા વર્ષો વિતી જશે પણ આ શબ્દો, એ ભાવ, એ પ્રેમની પ્રતીતિ આજે પણ છે અને હમેશા રહેશે ……કહે છે કે વ્યક્તિની વિદાયવેળાએ કોઈ બંધન ન નડવા જોઈએ…જાણતી હતી તેમ છતાં હર હંમેશ તમે જ મને મળો એવું મેં એ ક્ષણે ઈશ્વર પાસે માંગી લીધું હતું……..

કાવ્ય પંક્તિ- અજ્ઞાત

અનુવાદ- રાજુલ કૌશિક

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 30 શું પ્રેમ પરમ તત્વ છે ?સપના વિજાપુરા

 પ્રેમ પરમ કેવી રીતે બને છે. શું  સ્ત્રી પુરુષ પ્રત્યેનું આકર્ષણ પ્રેમ હોય શકેકે એ ફક્ત શારીરિક આકર્ષણ છે. વિજાતીય પ્રેમથી સૃષ્ટિ ચાલી રહી છે. જો નર  અને માદા  વચ્ચે આકર્ષણ ના હોત  તો આ સૃષ્ટિનો  ક્યારનો અંત આવી ગયો હોત. તો શું આ આકર્ષણ એ પ્રેમ છે? હા આનો  જવાબ મારે તમારી પાસેથી  માંગવો છે.
તો વરસો પહેલાની વાત છે. એક કૉલેજની યુવતી એક કૉલેજના ખૂબ  દેખાવડા એવા યુવાન ના પ્રેમમાં કે આકર્ષણ માં પડી. યુવાન નું નામ રવિ અને અને યુવતી નું નામ નજમા. બંનેની જાતિ જુદી સંસ્કાર જુદા. નજમા  મુસ્લિમ અને રવિ જૈન વાણિયા. બંનેની દોસ્તી દિવસે દિવસે પ્રેમમાં ફેરવાતી ગઈ. નજમા દિલોજાન થી રવિને ચાહવા લાગી. રવિ એની સાથે ખેલ ખેલી રહ્યો હતો એ માસૂમ નજમા ને ખબર ના પડી. જ્યારે નજમાના લગ્નની વાત ચાલી નજમા એ એના પપ્પાને જણાવ્યું કે એ રવિ સાથે લગ્ન કરવા માગે છે. ઘણી માથાકૂટ અને રોકકળ પછી પપ્પા માની ગયા. પણ રવિ ને ક્યાં એની સાથે લગ્ન કરવા હતા. એના માટે  તો આ એક રમત હતી.
એટલે એ રમત નો અંત લાવવા એ દિવસે એ નજમાને ઘરે આવ્યો અને એ બન્ને વચ્ચે શું વાત થઇ એ ખુદા જાણે પણ નજમા એ પોતાના પર કેરોસીન છાંટી  પોતાને આગ લગાવી દીધી. ત્રણ દિવસ સખત પેઈન માં રહી ચોથા દિવસે એ આ દુનિયા છોડી ચાલી ગઈ. આ ૪૫ વર્ષ પછી પણ આ વાત થી એટલું  દુઃખ થાય છે જેટલું ત્યારે થયું હતું. આ જખમ પર ક્યારેય રૂઝ આવી નથી. એ એવો  તાજા છે જેવો ત્યારે હતો.
આને કેવો પ્રેમ કહેવો? શું આ પરમ પ્રેમ હતો રવિ પ્રત્યે? રવિ ને તો પ્રેમ હતો નહિ. તો શા માટે એકપક્ષીય પ્રેમ આટલો બધો મજબૂત કે ઇન્સાન ઈશ્વરે આપેલી આ અણમોલ ભેટ જે આપણું શરીર છે એને કબરમાં દફનાવી દે!! તો પછી ઈશ્વરના પ્રત્યેના પ્રેમનું શું?  શું ઈશ્વર કરતા પણ રવિ ને વધારે ચાહ્યો? મા બાપ કરતા પણ રવિને  વધારે ચાહ્યો.?મા બાપ ની હાલત શું થશે એ એને શા માટે ના વિચાર્યું? નજમા રવિને એ ઓળખી કેમ ના શકીકે પછી એ એક શારીરિક આકર્ષણ  હતું, જેને નજમા પ્રેમ સમજી બેઠી હતી. પ્રેમ અરસપરસ ના હોવો જોઈએ? તો અત્યારે રવિ કેમ જીવિત છે? અને સંસારને બરાબર માણી રહ્યો છે? એને બે સંતાન પણ થયા છે! જો પ્રેમમાં દેહની કુરબાની આપવી પડી તો એ પ્રેમ પરમ શી રીતે કહેવાય? લયલા મજનૂ  ની જેમ જો સાથે આ દુનિયાથી ગયા હોત તો કદાચ દુનિયા યાદ રાખત પણ આ તો નજમા એ અગ્નિદાહ લીધો અને રવિ એ દુનિયામાં મો કરી. કોઈ દિવસ એવા પુરુષ માટે જીવ ના અપાય જેને તમારા જીવની જરા પણ કદર નથી. નજમાએ ભૂલ કરી પોતાના માબાપ અને કુટુંબીજનો ને દુઃખી કર્યા  અને રવિને  પોતાના પ્રેમથી મુક્તિ આપી.
કોલેજકાળ ના દિવસો અલ્લડ હોય છે. ત્યારે યુવાન અને યુવતી ઓ શારીરિક આકર્ષણને પરમ પ્રેમ માનવાની ભૂલ કરી બેસે છે. અને પછી જિંદગીભર પસ્તાઈ છે.વિજાતીય આકર્ષણ ઈશ્વરે બધા પ્રાણીઓમાં મૂકેલું છે. અને એ સમજાય એવી વાત છે. પણપ્રાણીઓ કદાચ આ વાત ને ગંભીરતાથી નથી લેતા પણ ઇન્સાન ને ઈશ્વરે દિલ અને દિમાગ બંને આપેલા છે. તેથી એ પ્રેમ કરતો થઇ જાય છે. અને એટલે લગ્ન વ્યવસ્થા કરવામાં આવી છે.  જો પ્રેમ લગ્નમાં ના પરિણમે તો ” વોહ અફસાના જિસે અંજામ તક લાના ના હો મુમકિન ઉસે એક ખૂબસુરત મોડ દેકે છોડના અચ્છા. ” એ વાક્યને બ્રહ્મવાક્ય બનાવી જિંદગીમાં આગળ વધી જવું જરૂરી છે. કોઈની પાછળ મરવાથી તમે તમારા પ્રેમને પરમ સાબિત નથી કરતા પણ એ તમારી ભીરુતા બતાવે છે. આ સાથે નજમાના એક શેર સાથે અને એક સવાલ સાથે હું વિરમીશ !! 

देकर हीज़्र मुझे खुद खुदा भी परीशां है हशरमें
“क्या होगा गर मर जायेगी एक मासुम बेखता.

ક્યામતના  ખુદા પણ હેરાન છે મને જુદાઈ આપીને
“શું થશે જો એક નિર્દોષ વાંક વિના મરી જશે”
हीज़्र = વિરહ हशर= કયામત बेखता = વાંક વગર

 નજમા મરચંટ 
મારો સવાલ એ છે કે જો પ્રેમ પરમ  તત્વ હોય તો આ પીડા શા માટે? અને મીરાંને શા માટે કહેવું પડ્યું કે જો મૈં  ઐસા જાનતી  પ્રીત કિયે દુઃખ હોય નગર ઢિંઢોરા પીટતી પ્રીત ના કર્યો કોઈ!!

સપના વિજાપુરા 

૨૦૧૯ ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા

‘શબ્દોના સર્જન ‘ પર 2019ના  વર્ષે તરૂલતા મહેતા તરફથી નિબંધ સ્પર્ધા યોજવામાં આવી છે.

આપ સૌ કલમપ્રેમીઓને આ નિબંધ સ્પર્ધમાં ભાગ લેવા માટે આમંત્રણ છે.
(1)  નિબંધ સ્પર્ધાનો વિષય છે: ‘મારા જીવનમાં પરિવર્તન લાવનાર વળાંક બિંદુ
 (ટર્નીંગ પોઈન્ટ ઓફ માય લાઈફ )
કોઈ ઘટના ,પ્રસંગ કે કોઈ વ્યક્તિ સાથેની મુલાકાત વિષે પ્રમાણિકતાથી ,નિખાલસપણે રસપ્રદ ભાષામાં નિબંધ લખાય તેવી આશા છે.સોનુ જીવન અલગ હોય તેથી દરેક નિબંધ મૌલિક રીતે લખાયો હશે.આ નિબંધ આત્મકથાના અંશ જેવો હોય તેવી અપેક્ષા છે.ગાંધીજીની, ગુણવંત શાહની, જ્યંત પાઠકની ,ઇન્દુલાલ યાજ્ઞિકની કે ડો. પ્રતાપભાઈ પડયાની આત્મકથામાં તેમના જીવનના ટર્નીંગ પોઇન્ટની વાત લખેલી છે.દરેક લેખકે પોતાનો
પસંગ લખવાનો છે.એક માત્ર પસંગ આખા જીવનમાંથી ચૂંટીને વિચારપૂર્વક લખશો.

(2)  શબ્દોની મર્યાદા –લઘુત્તમ 800 અને મહત્તમ 1200 

                              800 થી ઓછા કે 1200થી વધુ શબ્દોવાળા  નિબંધ સ્પર્ધાને યોગ્ય નહિ ગણાય.

(3) આ સ્પર્ધાના ત્રણ વિજેતાને ઇનામ મળશે અને બે પ્રોત્સાહક ઇનામ મળશે.
     પ્રથમ  ઇનામ : $ 40 (ચાલીશ ડોલર )
     દ્રિતીય  ઇનામ :$ 30 (ત્રીસ ડોલર)
      તૃતીય ઇનામ ; $ 20 (વીસ ડોલર )
     પ્રોત્સાહક ઇનામ : પ્રથમ $15(પંદર ડોલર)
     પ્રોત્સાહક ઇનામ : દ્રિતીય $15(પંદર ડોલર)

(3) નિબન્ધ જુલાઈ 2019ની 31મી તારીખ પહેલાં મોકલી દેવો ત્યારપછી સ્વીકારવામાં આવશે નહીં.

સૌ મિત્રો તમારી કલમને નિબંધના સ્વરૂપમાં વહેતી કરો.ઉત્સાહથી આ સ્પર્ધામાં ભાગ લઈ આપણી માતૃભાષાને માતબર કરો.ગુજરાતીમાં બોલો ,વાંચો અને લખો જેથી ભાષાનું સંવર્ધન થશે.આવી સ્પર્ધા નિમિતે માતૃભાષામાં સાહિત્ય સર્જવાનો જે મોકો મળે છે તેને વધાવી લો.શુભસ્ય શીઘ્રમ .સૌ શબ્દોના સર્જન કરનારને તેની ઉપાસના માટે શુભેચ્છા !
જય ગુર્જર ગિરા
તરૂલતા મહેતા 14મી જૂન 2019
નોંધ :(યોગ્ય લાગે તે ફેરફાર કરશો।)

હળવેથી હૈયાને હલકું કરો..-૪

તે દિવસે ઓપેરશન રૂમની લાલ લાઈટ ખુબ બિહામણી લાગી ,આમ પણ હોસ્પિટલ ક્યાં કોઈને ગમે છે ?શુક્રવારની સવારે અમે સૌ ઓપરેશન રૂમની બહાર આશા અને વ્યથાભરી સ્થિતિમાં બેસી રહ્યા ..અમારે ડૉ બહાર આવે તેની રાહ જોવાની હતી..શું થશે ?મારું માત્ર ૧૮ મહિનાનું નાનું બાળક,આજે એની સૌ પ્રથમ જીદગીની વાસ્તવિકતાનો સામનો કરવાનું  હતું,  શું આ નાનકડું શરીર બધું જ ખમી શકશે ખરું ? હે ભગવાન મારા બાળકને કોની નજર લાગી ગઈ ?
આજથી ૧૮મહિના પહેલા અમે સૌ કેટલા આનંદમાં હતા વાહ.. બાબો આવ્યો છે અને ઘરમાં બધાએ પેંડા વહેચ્યા હતા, એટલો તો દેખાવડો છે કે વાત જ ન પૂછો ? ગોરો ગોરો અને ગોળ લડવા જેવું મોઢું અને માખણનો પિંડો જોઈ લો …લાવ પહેલા કાન પાછળ કાળું ટપકું કરી લે..કોઈની નજર ન લાગે, મારા બા બોલ્યા અને હું મારા બાળકને જોઇને ખુબ ઉતેજના અનુભવતી રહી, પોતાનું બાળક હોવું એ દરેકના જીવનની સૌથી એક્સાઇટિંગ મૉમેન્ટ હોય છે.મારી બા કહેતા તારે પણ બહુ વખાણ ન કરવા મીઠી નજર તો માની પણ લાગે સમજી!  અને સાચે જ  જાણે મારા બાળકને મીઠી નજર લાગી ગઈ….ખોળાનો ખુંદનાર દીધો તો ખરો પણ…  આ શું ?
        તમારા બાળકની કિડની કાઢવી પડશે ડૉ. બોલ્યા, અને જાણે વીજળી પડી… કેમ ? એક પણ શબ્દ અમે ઉચારી ન શક્યા ગળું જાણે સુકાઈ ગયું.. માત્ર અમારી આંખો ડૉ. સાહેબને ફાડી ફાડી ને જોઈ રહી.અમારા જીવનનું સૌથી મોટું આશ્ચર્ય ?  સૌથી મોટો ડરામણો પ્રસંગ …આટલા નાના બાળકને કેન્સર કેમ હોય? ડૉ. અમને રિપોર્ટ હાથમાં આપ્યા અને કંપારી છુટી ગઈ, રિપોર્ટ લેતા હાથ પણ ધ્રુજવા માંડ્યો… અને ડૉ. બોલ્યા ડરતા નહિ એક કિડનીથી લોકો આખી જિંદગી જીવે છે.અમે બોલ્યા પણ આટલા નાના બાળકને આટલી મોટી સર્જરી ? અમારું આ નાજુક બાળક કઈ રીતે જીલશે?..એના જીવન માટે કિડની કાઢવી જરૂરી છે… ડૉ.ના એક એક વાક્યો જાણે માથામાં ઘા કરતા હતા. અને પછી શું ? હે તે દિવસે ખુબ રડી ચોધાર આંસુએ રડી .એક બાજુ આંસુનો વરસાદ તો બીજી બાજુ ઘરના પુરુષમાં વ્યથાનો ડૂમો.
મન બોલી ઉઠ્યું.ભગવાન બધું આપીને પછી પાછું કઈ રીતે છીનવી શકે ? અને સમાધાન કરતા મને શંકાને સ્થાન આપી દીધું .આ ડૉ. કિડનીનો વેપાર નહિ કરતો હોય ને ?મારા છોકરાની કિડની કોઈ આરબને …બસ અમારું મન આ વાત ને સ્વીકારવા તૈયાર નહોતું થતું ..અમે ચુપચાપ રિપોર્ટ લઇ ઘરે ગયા,મમ્મી પપ્પાને વાત કરી બીજા અનેક ડૉ.ની સલાહ લીધી,30 ડોક્ટરો પાસે ચેકઅપ કરાવ્યા પછી દર વખતે જવાબ મળ્યો કે કિડની કઢાવી નાખો બાળક જીવી જશે. વાત અહી વાસ્તવિકતાને સ્વીકારી આગળ વધવાની હતી. પ્રયત્ન કર્યા વિના હારી કેમ જવાય ? એના કરતા પરિશ્રમ કર્યા બાદ હાર  સ્વીકારવી પડે તો…., ડૉ. બોલ્યા વિકસેલા વિજ્ઞાન સાથે પરિશ્રમ સફળ થવાની ૮૦% થી ૯૦% ની ખાતરી આપે છે.
મારું મન બોલી ઉઠ્યું નકારાત્મકતા એટલે આત્મહત્યા -જીવનના રંગને ઢોળવાની વાત છે મારે તો જીવનના રંગને જાળવી રાખવા છે. બધાને બધું નથી મળતું કોઈ સ્વીકારનારા હોય તો કોઈ નકારનારા પણ હોય છે પણ નકારાત્મકતા માણસને અભાગીયો બનાવે છે. મારી બા બોલ્યા વાત અમુક પ્રકારના  રસ્તાને માત્ર ઓળંગવાના  છે બેટા અને માનસિક તણાવ એ તો પરિસ્થિતિને સ્વીકારવાની કળા છે. ખૂબ મનોમંથન કર્યા બાદ અમે આ નિર્ણય લીધો મારું બાળક જીવશે એક કિડની સાથે હું એની સારવારના અંતિમ બિંદુ સુધી કોશિશ કરીશ.
આપણે સૌ પુષ્પો જેવા છીએ સુગંધ દેખાતી નથી પણ આસપાસ અનુભવવાતી હોય છે. મિત્રો તમે કોઈએ આવી પરિસ્થિતિ સ્વીકારી હોય તો આવો હળવેથી હૈયાને હલકું કરો.. કદાચ આપનો અનુભવ કોઈકના જીવનને જીવંત બનાવશે.અને રંગોથી ભરી દેશે.
પ્રજ્ઞા દાદભાવાળા

 

૩૩ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

હાથી પાછળ કૂતરા ભસે

“હાથી પાછળ કૂતરા ભસે”, આ કહેવતનો ગૂઢાર્થ એવો થાય કે તમે ટીકા કરવાવાળા લોકો પર ધ્યાન ન આપો અને પોતાની મસ્તીમાં ચાલતા રહો. મદમસ્ત હાથી ચાલતો જાય છે અને પાછળ કૂતરા ભસે છે. હાથી પર તેની કોઈ અસર થતી નથી. આ વાર્તા જાણીતી છે.
ળિયુગમાં હાથી અને કુતરાની વાર્તામાં ટ્વિસ્ટ આવે છે. હાથી બેફિકરો હતો. તે ગામમાંથી નિકળે ત્યારે પાછળ કૂતરા ભસ્યા કરતાં. પરંતુ હાથી તેની કદી પરવા કરતો ન હતો. ઘણાં સમય પછી કૂતરાઓના માલિકને થયું કે આમ કેમ ચાલે? તેથી તેમણે કૂતરાઓને ટ્રેનિંગ આપી. હાથી પાછળ એક સાથે કૂતરાઓ ભસતાં. ગામમાં શોરબકોર વધી ગયો. કૂતરાનાં માલિકોએ અફવા ફેલાવી કે હાથીને કારણે કૂતરાઓ ભયભીત બનીને શોરબકોર કરે છે. પરંતુ હાથીને કોઈ પરવા નથી. ગામના લોકો આ શોરબકોરથી કંટાળ્યાં. પણ કૂતરાઓને શું કરી શકે? તેથી તેમણે યુક્તિ કરી. હાથી જ્યાં સૂતો હોય કે આરામમાં હોય ત્યાં જઈને સળી કરવાની શરૂ કરી. પથરાં ફેંકે, કાંકરા ફેંકે, વગેરે. હાથી અકળાતો. તે જોઈને ચતુર માલિકો હાથીને વધુ હેરાન કરવા માંડ્યાં. આખરે હાથી ભાન ભૂલીને નાસભાગ કરવા માંડ્યો. કાંકરીચાળો કરનાર બારણાં વાસી ઘરમાં ભરાઈ ગયા. હાથી ગાંડો થઈ ગયો કહીને તેને બદનામ કરવા લાગ્યાં. આ છે આધુનિક સમાજમાં ટીકાખોરો અને અન્ય વ્યક્તિઓની પરિસ્થિતિ. લખનારે આ વાર્તા ખૂબ વિચારીને લખી છે. આ સંજોગોમાં શું કરવું જોઈએ?
ટીકા એટલેકે નિંદા, એ માનસિકતા છે. એકવાર વ્યક્તિને નિંદા કરવાની ટેવ પડી જાય એટલે જ્યાં સુધી તે કોઈ વસ્તુ, સંજોગો કે વ્યક્તિ વિશે અરે! ખુદ ઈશ્વર માટે પણ પોતાનો અભિપ્રાય નહીં આપે કે ટીકા નહીં કરે ત્યાં સુધી તેને ચેન નહીં પડે. તક મળે, સારી વસ્તુની ખરાબ બાજુ પ્રગટ નહીં કરે તો તે આકળવિકળ બની જશે કે તેને પેટમાં દુખાવો થશે. આ એક પ્રકારની વિકૃતિ કહી શકાય. ટીકા કરવાથી સંબંધો બગડે છે. જ્યારે સામેની વ્યક્તિની ખોટી રીતે કરેલી નિંદાને કારણે પાળેલાં કબૂતરની જેમ નિંદા તેની પર તે વ્યક્તિ દ્વારા પાછી આવે છે ત્યારે તે સમાજમાં ઉઘાડી પડી જાય છે. ત્યારે તે સહન કરવું અઘરું પડે છે.
ટીકા કરનાર બે પ્રકારનાં લોકો હોય છે. મોટે ભાગે સમાજમાં એવા લોકો તમારી આસપાસ જોવા મળશે કે તમે કંઈપણ કાર્ય કરો તેમનો પ્રતિભાવ તમારા માટે નકારાત્મક જ હશે. એમને તમારી ખૂબીઓ, કે જે તેમનામાં નથી તેવા લોકો માટે આ કહેવત સાચી છે. બાકીના કેટલાંક થોડાં લોકોની ગણતરી એવા લોકોમાં કરવી કે જેમની ટીકા મૂલ્યાંકન રૂપે હોય છે. તમને તે ટીકાસ્વરૂપ લાગે અને તમે અવગણો. પરંતુ જો શાંતિથી વિચારો તો જણાશે કે એ ટીકા પોતાનાં વ્યક્તિત્વમાં સુધારો લાવવા માટે જરૂરી છે. અહીં ટીકા સાબુનું કામ કરે છે. માટે લોકોની ટીકાઓને અવગણ્યા વગર સ્વસ્થતાથી સાંભળવાની આદત પાડવી જોઈએ. નિંદાને સહન કરી આગળ વધવું એ જ ડહાપણ છે. જીવનઘડતર માટે ક્યારેક ટીકા ઉપયોગી થઈ પડે છે. સંસ્કૃત વ્યાકરણનાં સર્જક પાણિની મુનિનો જશ તેમના જીવનમાં આવેલ ટીકાકારોને આભારી છે.
એક વાર્તા છે. એક સાધુ નદી કિનારે પથ્થરનું ઓશિકું બનાવી સૂતો હતો. ત્યાંથી પનિહારી નિકળી. એક કહે, સાધુ થયો પણ મોહ ગયો નહીં. ઓશિકા વગર ન ચાલ્યું. પથ્થરનું તો પથ્થરનું પણ ઓશીકું જોઈએ. સાધુએ તે સાંભળી પથ્થર ફેંકી દીધો.  ત્યારે બીજી કહે, સાધુ થયો પણ તુમાખી નહીં ગઈ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો. સાધુ વિચારે કે હવે શું કરવું. ત્યાં ત્રીજી બોલી, મહારાજ બધા તો બોલે રાખે. તમે તમારે હરિ ભજન કરો. પરંતુ ચોથીએ સાચી વાત કરી કે મહારાજ તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું નહીંતર આ લોકોની વાતમાં ધ્યાન ન આપત. સમાજમાં લોકો, ઊંચે જોઇને ચાલો તો કહે અભિમાની છે. નીચે જોઈને ચાલો તો કહે કોઈની સામે જોતો નથી. બધે જોએ રાખો તો કહે, ચકળવકળ જોયે રાખે છે. આંખ બંધ રાખો તો કહે દુનિયા સાથે લેવાદેવા નથી. આંખ ફોડી નાખો તો કહે કર્મોની સજા ભોગવી. લોકોને તમે પહોંચી શકતા નથી. મોરારીબાપુના મત અનુસાર સાધુ પુરુષ હાથી જેવો હોય છે. કૂતરા ભસે પણ પાછું વળી જોતાં નથી.
ડેલ કાર્નેગીએ કહ્યું છે, ટીકા પાળેલા કબૂતર જેવી હોય છે. પાળેલા કબૂતર પોતાના માલિકના ઘેર જ પાછા ફરે છે. ટીકા કરતી વખતે એક આંગળી ચીંધો ત્યારે ત્રણ આંગળી આપણી સમક્ષ પાછું વાળીને નિર્દેશ કરે છે, એ ના ભૂલવું જોઈએ. કોઈની ભૂલ બતાવતાં પહેલાં તેની પ્રશંસા કરી, કદર કરી પછી જે કહેવું હોય તે કહી શકાય. કારણ કે ક્યારેક વાણી જ કબર ખોદતી હોય છે. એક ઈંચની જીભ છ ફૂટના માનવીને ઘાયલ કરવા સમર્થ હોય છે.
ટીકા અને પ્રશંસા સિક્કાની બે બાજુ છે. જીવનમાં આગળ વધવું હોય તેણે પ્રશંસાની સાથે ટીકાને પણ સ્વીકારવી રહી. ટીકાકાર આપણાં દુર્ગુણોને શોધીને રજૂ કરે છે માટે લોકોનાં મંતવ્યોને મૂલવી, આપણી યોગ્ય ભૂલને સ્વીકારી  તટસ્થ રીતે કાર્ય કરતાં રહેવું જોઇએ. કોઇ ગાળ આપે તો તે આપણને ચોંટી જતી નથી પરંતુ તેનો પણ લાભ લેવો જોઈએ. પરંતુ હા, જે ટીકાનો માહોલ ઉભો કરીને નકારાત્મકતા સર્જે છે, સમાજને તોડે છે તેવા લોકોથી ચેતવું રહ્યું. આવનાર પેઢી કોઈથી ડરતી નથી. લોકો શું કહેશે? તે વિચાર્યા વગર પોતાની મસ્તીમાં જીવે છે. “હાથી પાછળ કૂતરા ભસે” કહેવતને સાર્થક કરે છે. આજનાં યુવાનોએ આ કહેવતને પચાવી છે.

૩૬ -સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

કવિતા આજે ફરી એકવાર સજી ધજીને તૈયાર થઈ હતી. માએ દર વખતની જેમ આ વખતે પણ ગરમ નાસ્તા સાથે કોરા નાસ્તા ,એક બે મીઠાઈ ,જ્યુસ,ચા-કોફી બધું જ મહારાજ પાસે તૈયાર કરાવ્યુ હતું. પપ્પા પણ ઓફીસેથી નીકળીને વહેલા આવી નાહી -ધોઈ તૈયાર થઈ ડ્રોઈંગ રુમમાં ગોઠવાઈ ગયા હતા.મમ્મી કવિતાના રુમમાં આવી બોલી,
“ કવિ ,બેટા તૈયાર છું.વાહ! બેટા આ ડ્રેસ તો તને બહુ સરસ લાગે છે. સરસ ! બેટા હમણાં મહેમાન આવશે ,આવે પછી થોડીવાર પછી બોલાવું હો દીકરા.”
આટલું કહી મમ્મી તો બીજી તૈયારી કરવા ઝડપથી રુમની બહાર નીકળી ગઈ……..
કવિતા અરીસાની સામે બેસીને પોતાની જાતને જોઈ રહી હતી.એના માટે આમ તેને જોવા આવતા
આ નહી નહી તો યે પાંત્રીસ – ચાલીસમાં મહેમાન હતા. કોલેજ પૂરી કરી હજુ બી.એસ.સી. નું પરિણામ પણ નહોતું આવ્યું અને આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો તે બાવીસ વર્ષથી શરુ થઈને અત્યારે તેને ત્રીસમું વર્ષ બેસી ગયું હતું પણ તે ચાલુ જ હતો.
પિતાનાો વ્યાપક ધંધો,બંગલા,ગાડી જોઈ અનેક છોકરાઓ અને તેના માતા-પિતા કવિતાને જોવા અને મળવા તૈયાર થઈ જતા. કવિતાની મોટી બંને બહેનોના લગ્ન ખૂબ નામી અને સુખી પરિવારમાં થયા હતા.તેના મમ્મી -પપ્પાને કવિતા માટે પણ તેવા જ સરસ પરિવાર અને જમાઈની આશા હતી પરતું હવે તો કવિતા ચા-નાસ્તાની ટ્રે લઈ જઈને થાકી ગઈ હતી.
બધા આવનાર લોકો સરસ રીતે વાતચીત કરતા અને પછી ઘેર જઈને ફોન કરીને કોઈ કવિતાના શ્યામવર્ણ કે તેની ઊંચાઈ બહુ ઓછી પડે છે કહી ના પાડતા તો કોઈ વળી અમને તો કંઈ વાંધો નથી પણ મારા દીકરાને તે શરીરે જરા ભારે લાગે છે એને જીમમાં મોકલી થોડી શેપમાં લાવી દો ને પછી છ મહિના પછી વાત કરીએ તેમ કહી વાત ટાળી દેતા. બધાંને ઊંચી,પાતળી,અંગ્રેજી માધ્યમમાં ભણેલી,દેખાવડી,સુશીલ છોકરી જોઈએ છે.
અરીસા સામે પોતાની જાતને જોઈ કવિતા પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી.ભગવાને મને આ શ્યામ રંગ,ઓછો દેખાવ,ઓછી ઉંચાઈ આપ્યા છે તેના માટે આમ દર વખતે મારે અપમાનિત થવાનું!!! ફર્નીચરની જેમ બધા મને જોવા આવી નાપસંદ કરે.  મારી અંદર રહેલી મારી કલા,મારું સંગીત, મારા સાહિત્ય પ્રત્યેની રુચિ અને જ્ઞાનની કોઈને કિંમત જ નથી. બસ હવે બહુ થઈ ગયું ! તે કપડાં બદલી રુમ બંધ કરી બેસી ગઈ. તેનું મન આજે ચગડોળે ચડ્યું હતું.શું કહેવું આ સમાજને? કેમ દીકરીઓને જ પરણીને છોકરાને ત્યાં જવાનું? કેમ પિતાનું ઘર દીકરીઓએ જ છોડવાનું? છોકરીને જ જોવા કેમ આવે? છોકરીમાં ગમે તેટલી પૈસા કમાવવાની આવડત હોય તો પણ ઘરની,રસોઈની,બાળકોની જવાબદારી કેમ છોકરીઓની? તેને હવે આજે પોતાની જાતનું પ્રદર્શન નહોતુ કરવું. હજુ વધુ એકવાર તેને તેના સ્વમાનને કચડવું નહોતુ.
મહેમાન આવી ગયા પછી તેની મમ્મી કેટલીય વાર બારણા ખખડાવી તેને બહાર બોલાવવા પ્રયત્ન કર્યો પણ આજે તે એકની બે ન જ થઈ.તે રુમમાં જ રડતી બેસી રહી.
ત્યાં તો આ…… શું???? કોણ ગીતા દત્તના તેનાં ખૂબ ગમતા ગીતને પુરુષના અવાજમાં સરસ રીતે ગાઈ રહ્યું હતું??
“મેરી જાન…….મુઝે જાઁન ન કહો ….. મેરી જાન ….મેરી જાન
 જાન ન કહો …અનજાન મુઝે…..જાન કહાઁ રહેતી હૈ સદા….અનજાને ..ક્યા જાને …જાનકે જાયે કૌન
 ભલા….મેરી જાન….”
કવિતાએ આશ્ચર્ય સાથે બારણું ખોલ્યું તો લાલ તાજા ફુલોના ગુલદસ્તા સાથે તેની સામે કૌશલ ઊભો હતો.કૌશલ તું અહીંયા ક્યાંથી ?તું અહીં ક્યારે આવ્યો?કેમ મારે ઘેર આમ અચાનક આવી ગયો?કૌશલ
જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો
“મને તારા રુમમાં તો આવવા દે .એક કલાક નીચે રાહ જોવડાવી .હવે રુમની બહાર કેટલી રાહ જોવડાવવી છે તારે મને?
“ આવ આવ “કહી કવિતા ,કૌશલને રુમમાં લઈ ગઈ અને પાછી પૂછવા લાગી,
“તું તો અમેરિકા નહોતો?ક્યારે આવ્યો ?અને મારા ઘેર કેવીરીતે?”
કૌશલ કહે “તું મને બોલવા દે તો હું તને કંઈ કહું ને!”
કવિતા કહે “સારું ,સારું લે હવે તું બોલ”
કૌશલે તો બોલવાની શરુઆત કરી તે પહેલાં ઘુંટણીયે પડીને ગુલાબનું એક ફુલ ગુલદસ્તામાંથી
કાઢીને કવિતાની સામે ધરીને પૂછ્યું,
“ Will you marry me?”
કવિતાતો એકદમ અચાનક આઠ વર્ષ બાદ મળેલા તેના કોલેજના સાથે ભણતા કૌશલના સવાલથી
આશ્ચર્યચકિત થઈ ગઈ .તે કંઈપણ બોલ્યા વગર ચુપચાપ બેસી રહી.
કૌશલે હવે વાતની શરુઆત કરી.”જો કવિતા તું જ્યારે કોલેજમાં હતી ત્યારે તેં આ તારું ખૂબ ગમતું
ગીત ટેલેન્ટ ઈવનીંગમાં ગાયું હતું.ત્યારથી જ હું તારા અવાજનો દિવાનો હતો.તે પછી દરેક પીકનીક અને સોશ્યલમાં બધાં  તારી પાસે આ જ ગીત ગવડાવતાં .જે તારા  અવાજમાં સાંભળી મારું દિલ બાગ બાગ થઈ જતું. કોલેજ દરમ્યાન તું  એકદમ શાંત અને ચૂપચાપ રહેતી છોકરી હતી.હંમેશા લાઈબ્રેરીમાં બેસીને વાંચતી હું તને જોઈ રહેતો.હું સંગીતનો પ્રેમી પણ મારા માતાપિતા નાનપણમાં જ ગુજરી ગયેલ અને મામાના ઘેર રહીને ઉછરેલ તેથી સંગીત શીખવાનો મોકો ન મળ્યો પણ અમેરિકા જઈને શીખ્યો. મને તું ,તારો અવાજ ,તારો સાહિત્યપ્રેમ કોલેજથી જ ખૂબ ગમતા પણ તું પૈસાપાત્ર પિતાની મોટરગાડીવાળાની દીકરીને કેવી રીતે કહું કે હું તને પ્રેમ કરું છું.મારા મામાનો મોટો દીકરો અમેરિકા સ્કોલરશિપ લઈ અમેરિકા ભણવા ગયેા હતો .મારું રીઝલ્ટ છેલ્લા વર્ષ માં સરસ આવવાથી તેણે મને પણ અમેરિકા બોલાવ્યો.પી.એચ.ડી કરીને જોબમાં સેટલ થયા બાદ મામાને મળવા અને લગ્ન કરવા અહીં પાછો આવ્યો.હું મનથી તને હમેશાં યાદ કરતો રહ્યો. મામી લગ્નબ્યુરોમાંથી થોડી છોકરીઓના બાયોડેટા લાવ્યા હતા. તેમાં મેં તારો ફોટો જોયો.મને તો ખબર જ નહી કે હજુ સુધી તારા લગ્ન નહી થયા હોય.પણ જેવો તારો ફોટો જોયો કે મેં મામા-મામીને  કીધું મારે આ જ છોકરીને મળવું છે.તારા મમ્મી સાથે વાત કરી અમે અહીં તારા ઘેર આવ્યા. તારી મમ્મીનાં બહુ બોલાવવા છતાં તું નીચે ન આવી એટલે મામા-મામી તો જતા રહ્યા .પણ મેં તારા મમ્મીને આ બધી જ વાત કરી અને હું તારી પાસે આવ્યો અને કૌશલે ફરીથી તેની બાહોં પસારતા પૂછ્યું.
“My love ,Will you marry me????”
અને કવિતા તેની બાહોંમાં સમાઈ ગઈ.
 
 
 
 
 
 
 
 
 

 

 

 

વાત્સલ્યની વેલી ૩૩) ફોસ્ટર બાળક ફલીસા !

ફોસ્ટર બાળક ફલીસા !
આપણામાં એક બહુજ સુંદર કહેવત છે: મા તે મા; બીજાં બધાં વગડાનાં વા!
પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે જે બાળકની મા જ ના હોય તેનું શું થતું હશે ?જેની મા મૃત્યુ પામી હોય કે ગરીબ હોવાથી કે કોઈ ગુનો કર્યો હોય તો જેલમાં હોય એવી મા ના બાળકોનું શું થાય છે?
હા , આમ તો બાળકને ઉછેરવાની જવાબદારી પછી બાપ સાંભળે !
પણ બાપ પણ પિક્ચરમાં ના હોય તો? એટલે કે બાપ જીવિત ના હોય અથવા તો જેલમાં હોય કે ક્યારેક પોતે કોઈ બાળકનો બાપ છે એની એને ખબર જ ના હોય: મા એ પોતાની પ્રેગ્નન્સીની વાત અને બાળકના જન્મની વાત બાપથી છુપાવી હોય- એવા સંજોગોમાં બાળકને કોણ સાચવે ?
કોણ ઉછેરે ?
આપણે ત્યાં તો મા બાપ વિહોણું બાળક નજીકનાં સગાંઓ કે દૂરના સબંધીઓ અંદર અંદર સમજીને ઉછેરે! દાદા દાદી કે મામા – માસી કે ફોઈ કે કાકાને ઘેર બાળક ઉછરે , ને મોટો થઈને પોતાનો જિંદગીનો રસ્તો પકડી લે !
લોક લાજે કે દયાની ભાવનાથી એ કપરો સમય જ્યાં ત્યાં નીકળી જાય! પણ એમાં કાંઈ ખોટું થાય- સગાં મારે કે ભૂખ્યો રાખે તો આડોશી પાડોશી વચમાં પડે અને મામલો થાળે પડે કે પછી જેવું બિચારા બાળકનું નસીબ !
પણ અહીં અમેરિકામાં વાત જરા જુદી છે!
ડી સી એફ એસ -Departmental if Children And Family Services આવા કેસોનું ધ્યાન રાખે. બાળકને સાચવનાર સગાં વ્હાલાંનું ઇન્સ્પેક્શન પણ થાય. એ લોકોયે જો પાછાં ડ્રગ્સ લેતાં હોય કે દારૂડિયા હોય તો બાળકોની કસ્ટડી તેમને ના મળે !
જો કે ઘણી વાર તેથી સગાં વ્હાલાં છોકરાને રાખે નહીં ! કારણકે વારંવાર એવી એજન્સીઓ ઘેર જોવા આવે તે કોને ગમે ?
છેવટે એ બાળકોને પછી સાવ અજાણ્યાં ફોસ્ટર હોમ કે ફોસ્ટર આશ્રમોમાં ( બોર્ડિંગ સંસ્થા ) મૂકવાં પડે ! તેથી એ બાળકો છેવટે કોઈ ઇન્સ્ટિટ્યુશન -સંસ્થામાં રહીને મોટાં થાય !
પણ તદ્દન અજાણ્યાં બાળકોને પોતાનાં ઘરમાં રાખવાં તે નાની સુની વાત નથી ;
ક્યારેક ક્યારેક અમારા ડે કેર સેન્ટરમાં આવાં ફોસ્ટર બાળકો પણ આવ્યાં છે. એક લેખમાં મેં ક્રિસ્ટોફર અને લુઈસની વાત લખેલી જેઓના શરીર પર – હાથે , પગે સિગારેટના ડામ હતા અને ડ્રગ્સના નશામાં મા બાપ ચકચૂર રહેતાં હતાં એટલે ગ્રાન્ડમાને બાળકોની કસ્ટડી મળેલી !
પરંતુ કોઈ જાતના સબન્ધ વિના પણ બાળકોને તમે તમારા ઘરમાં રાખી શકો. બદલામાં ગવર્મેન્ટ તમને બાળકનો તમામ ખર્ચ અને મા બાપને થોડા ( ૫૦૦-૭૦૦ ડોલર )દર મહિને આપે !
આ દેશમાં કમનસીબે અસંખ્ય બાળકો આવી રીતે ઉછરે છે!એમાં માનવતાની ભાવનાથી જ બધાં ફોસ્ટર પેરેન્ટ્સ બાળકોને રાખતાં હોય એવું નથી હોતું. તેથી બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ થાય તેવું મોટાભાગના બાળકો સાથે બનતું હોય છે !
ફલીસા લગભગ પાંચેક વર્ષની હતી. એનાં પેરેન્ટ્સ વિષે અમને કે એનાં ફોસ્ટર પેરેન્ટ્સને – પાલક મા બાપને -પણ ઝાઝી ખબર નહોતી . પણ ફલીસા થોડી ડિસ્ટર્બ થયેલી છોકરી હોય તેમ અમને પહેલી મુલાકાતે જ લાગ્યું હતું . આ નવાં પેરેન્ટ્સને ઘરે હજુ આગલે જ અઠવાડીએ આવેલી . એ પહેલાં બિચારી ફલીસા કોઈ સામાજિક સંસ્થાના બોર્ડિંગ ઘરમાં રહેતી હતી!!
બિચારાં આ બાળકો કોઈ ઘરમાં સ્થાયી રહેવાં તડપતાં હોય છે! એ લોકો દર વર્ષે ઘર અને માં બાપ બદલીને થાકી જતાં હોય છે. ફોસ્ટર કેરમાં રહેતાં એંસી ટકા બાળકો ડિસ્ટર્બ્ડ વર્તન કરતાં હોય છે.
અમારાં ડે કેરમાં જયારે પણ એવો કેસ આવે ત્યારે બિચારાં એ બાળકની દયા ખાવા સિવાય , આંખમાંના આસું લૂછ્યાં સિવાય બીજું કશું જ હું કરી શકી નથી. તેનો મને અફસોસ છે . જયારે કુમળું બાળક હૂંફ અને પ્રેમ ઇચ્છતું હોય ત્યારે ઘર અને ગામ બદલવાનાં?ફલીસા બધાં બાળકોને કારણ વિના હેરાન કરતી . ગમે તે બાળકના રમકડાંથી બનાવેલ મહેલને તોડી નાંખે કે બનાવેલી પઝલને વિખેરી નાંખે કે કોઈના પુસ્તકમાં લીટા કરીને હેરાન કરે ! હાથ ધોવા માટે લાઈનમાં ઉભેલાં બીજા બાળકોને ધક્કા મારે !
માનસિક રીતે, લાગણીઓથી એ એટલી ઘવાઈ ગઈ હતી,પરેશાન થઇ ગઈ હતી કે કોઈની સાથે નિરાંતે પ્રેમથી વાતો કરવાનું તો એને ગમતુંજ નહીં !
પણ અમને એના માટે એક છુપી કૂણી લાગણી હતી . એમાં મને દૂર દેશમાં રહેતાં અમારાં એક સબંધીનાં સંતાનો દેખાતાં હતાં , જેમનો બાપ ગરીબાઈથી કંટાળી સાધુ થઇ ગામને મંદિરે બેઠો હતો! જો કે ગરીબ અભણ મા પોતાનાં બાળકોને માંગી ભીખી , મજૂરી કરીને ઉછેરતી હતી! ( મેં કહ્યું ને ; મા તે મા?)
એક દિવસ અચાનક ફલીસાએ મને કહ્યું કે એ હવે બીજા પેરેન્ટ્સને ઘેર જશે ! એ ખુબ ગભરાઈ ગયેલી હતી અને મોટેથી રડતી હતી.
“ ફલીસા, શું થયું ?” મેં એને ખોળામાં બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવતાં પૂછ્યું .
“ મારે અહીંથી બીજા ઘેર નથી જવું ! ભલે આ મમ્મી મને મારે અને મારી પાસે કામ કરાવે ! મને એનો કોઈજ વાંધો નથી!”
પાંચ વર્ષની ફલીસા એટલું સ્પષ્ટ બોલી શકતી હતી!! એ ગભરાયેલી હતી, પણ એને મારામાં પૂરો વિશ્વાશ હતો.
ચાઈલ્ડ એબ્યુઝ ની શંકાને લીધે ડી સી એફ એસ એ નિર્ણય લીધો હતો કે ફ્લીસએ હવે ત્યાં રહેવું સલામત નથી..ફલીસાની ફોસ્ટર મા, મેં પણ જોયું હતું કે એ વિચિત્ર હતી. મને પણ લાગતું હતું કે પાંચ વર્ષની કુમળી છોકરીને એ ઘરમાં હૂંફ કે પ્રેમ નહોતીજ મેળવતી . એનાં ઓળ્યાં વિનાના વાળ અને એક જ કપડાં વગેરે એની ચાડી ખાતાં હતાં. એટલે ડિરેક્ટર તરીકે મેં એનું હિત “બીજા ઘરે એ વધુ સચવાશે” એમ માન્યું અને ફલીસાને પણ એમ સમજાવ્યું ..
પણ આ બધું એટલું ગહન હતું કે આખી દુનિયા બદલવાનું અમારાં હાથની વાત નહોતી!
બાળકો આવે એટલે એમને એટલો સમય પ્રેમથી, સમજપૂર્વક ઉછેરવા : એટલું હું જરૂર કરી શકું ; એટલું જ અમે કરી શકીએ !
ફલીસા ગઈ પણ અમને ગમગીન કરતી ગઈ! મારે શું કરવાનું હતું? હું શું કરી શકી હોત? એ વિચાર મારા મનમાંથી ખસતો નહોતો .. વાત્સલ્યની વેલીનાં અનેક પુષ્પોએ મને લાગણીથી ભીંજવી છે! અનેક કળીઓએ તેમને ખીલવવા મને વધારે આગ્રહ કર્યો છે.. ક્યારેક મેં એક્સટ્રા – વધારે સંભાળ રાખી છે, ક્યારેક મારુ કર્તવ્ય બજાવીને જ સંતોષ માન્યો છે! ફોસ્ટર કેરનાં બાળકોની પરિસ્થિતિથી હું કાયમ (માનસિક ) રીતે હેરાન જ થઇ છું !
આ ફોસ્ટર બાળક હતું, પણ એક ફોસ્ટર કેરમાં ઉછરતી યુવાન છોકરી અમારે ત્યાં નોકરીએ આવેલી.. તેની વધુ ગમગીન વાત આવતે અંકે !

૩૬ – કવિતા શબ્દોની સરિતા-રાજુલ કૌશિક

સામેની ફૂટપાથ ઉપર સૂતા હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે

સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળે ને, ત્યારે સાલું લાગી આવે.

સરસ મઝાના ક્યારેક કુણા તો ક્યારેક કડક તડકાવાળા, બહાર નિકળવાનું મન થાય એવા દિવસો શરૂ થયા છે. ક્યાંક સંતાઈ ગયેલા ચિપમંક, રૂ જેવા પોચા સસલા તો સમજ્યા પણ સાથે ક્યાંક દરમાં ભરાઈ ગયેલા સાપ પણ દેખા દેવા માંડ્યા છે. પાર્ક, બીચ જેવી જગ્યાઓ પણ માનવ મેદનીથી છલોછલ……..

આવા જ એક દિવસે કિશોરાવસ્થાએ પહોંચેલો એક છોકરો આવીને અત્યંત નમ્રતાપૂર્વક, બીજી કોઈ લાંબી વાત કર્યા વગર એક કાગળ આપી ગયો જેમાં એ શનિ-રવિમાં પાંચ ડોલરમાં ગાડી સાફ કરી આપશે એવું લખેલું હતું. લાંબી કોઈ વાતચીત કર્યા વગર પળવારમાં આવ્યો એવો જ એ જતો પણ રહ્યો. બીજા દિવસે બહાર નિકળ્યા ત્યારે કૉમ્યુનિટીની બહારના ખુલ્લા મેદાનમાં એ અને એના જેવા જ બીજા છોકરાઓને ઊભેલા જોયા. ત્યાં પણ બોર્ડ મુકેલું હતું .

“We wash your car.”

આ કોઈ આજકાલની વાત તો નથી જ. ઉનાળો આવતા વીકએન્ડમાં આવા કેટલાય છોકરાઓ ગાડી સાફ કરી આપવાનું, ઘાસ કાપી આપવાનું કામ કરતા જ હોય છે. આવા પાંચ-પંદર, પચીસ કે પચાસ ડોલરથી શરૂ કરીને ઉનાળો પૂરો થશે અથવા સ્કૂલો શરૂ થશે ત્યાં સુધીમાં એ છોકરાઓ કદાચ થોડી ઘણી રકમ એકઠી કરશે. એમાંથી એમને જીવન નિર્વાહ કરવાનો છે એવું ય નથી હોતું પણ એનાથી કોઈપણ કામ કરવામાં શરમ ન નડવી જોઈએ એવું કદાચ એમને શીખવા મળતું હશે એ વાત નિશ્ચિત.

આવા મહેનતના કામ કરવા પાછળ એક પણ છોકરાને આર્થિક વિટંબણા હતી એવું જરાય નહોતું પણ હા એનાથી સ્વાશ્રયી બનવાની સજ્જતા કેળવવાની ભૂમિકા હતી.

આ દ્રશ્ય જોઈને મન સીધું જ લગભગ પંદર વર્ષ પાછળ ખસી ગયું. એક વયસ્ક દંપતિના ઘરમાં આવી જ કિશોરાવસ્થાએ પહોંચેલા છોકરાને કામે રાખ્યો હતો. કામ શું કરવાનું? તો માત્ર એ વયસ્ક દંપતિની તબિયત સારી ન હોય ત્યારે એમને પાણી આપવાનું, ચા મુકવાની , કોઈ મહેમાન આવે ત્યારે ઘરનું બારણું ખોલીની મહેમાન માટે ચા -પાણી, ઘરમાં હોય એ નાસ્તા કે ઠંડા પીણાની વ્યવસ્થા કરવાની બસ….

ચાર ચોપડી ભણેલા એ દેવજી માટે એને ગમે એવી વાર્તાની ચોપડીઓ આવી ગઈ એ એણે ફુરસદના સમયે વાંચવાની ,થોડું ઘણું  ટી.વી જોવાનું અને કોઈ કામ ન હોય ત્યારે નીચે અને સામે પાર્કમાં રમવાનું વગેરે વગેરે…જો કે મોટાભાગે એને તો ફુરસદ જ રહેતી, ખાલી વચ્ચે વચ્ચે કોઈ નાનું નાનું કામ કરવાનું રહેતુ.

હવે કોઈ વાંકદેખા કે વિઘ્ન-સંતોષીએ બાળમજૂરી ધારા હેઠળ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે અહીં એક બાળકને કામે રાખવામાં આવ્યો છે. કોઈપણ જાતના બખેડામાં ન પડવા માંગતા એ દંપતિએ એ છોકરાને મહિનો પુરો થાય એ પહેલા જ આખા મહિનાનો પગાર અને બીજું ઘણું બધુ આપીને ઘરમાંથી વિદાય આપી. ઘરના છોકરાની જેમ જ સચવાતા એ છોકરાને બીજા જ દિવસથી સામેના પાર્ક પર ચાની લારીએ ભર તડકામાં ચા સાથે બે-ચાર બ્રેડના ટુકડા ખાઈને કામ કરતો જોયો અને વિચાર આવ્યો કે ક્યાં ગયા એ બાળ-મજૂરી નિમિત્તે એ દેવજીનું હિત જોનારા? એ જ હિતેચ્છુને હાથમાં દૂધની લોટી લઈને મંદિરની બહાર બેઠેલા ભૂખ્યા છોકરાઓ તરફ નજર પણ નાખ્યા વગર ભગવાનને દૂધ ચઢાવવા જતા ય જોયા છે.

આવા દ્રશ્યો એક જ જગ્યાએ જોવા મળે એવું થોડું છે? જે દેવજી ઘરમાં રહીને ઘરનું ઉત્તમ ખાવાનું પામતો હતો એ જ દેવજી પાર્કની બહાર ઊભેલી જાત-જાતની લારીઓ પર જે વધ્યું હોય એ ખાવાનું ખાતો થઈ ગયો. આ તો એક દેવજી છે જેને આપણે ઓળખીએ છીએ પણ એવા તો કેટલાય દેવજીઓ હશે જેમને પોતાનું પેટ ભરવા કેવી ય વેઠ કરવી પડતી હશે. વેઠ કરીને ય પેટ ભરવાની શક્તિ કે સાથ આપે એવા સંજોગ હોય તો ગનીમત નહીં તો ભીખ માંગવાનું જ બાકી રહે ને?

એક તરફ પશ્ચિમમાં બાળકોને સ્વાશ્રયી બનવા મહેનતકશ બનવાની, શક્ય હોય એ તમામ કામ કરવાની તાલિમ આપવાની પ્રણાલી છે એ જોઈને એમની વિચારધારા માટે આનંદ થાય છે અને બીજી બાજુ ખરેખર જેમને જીવન નિર્વાહ માટે થઈને પણ કમાવાની જરૂર છે એમને પેટની આગ ઠારવા ખાવાના બદલે આમ-તેમ ઠેબા ખાતા જોઈએ છીએ ત્યારે ત્યારે કવિ કહે છે એમ સાલુ લાગી તો આવે જ છે. ધાનના ઢગલા વેડફાતા હોય એવા સ્થળોની બહાર કણ માટે હાથ લાંબો કરતાં બાળકો માટે ય લાગી તો આવે જ છે.

અને આ આખી વાત મનમાં અફળાવાનું કારણ ૧૨ જૂન. હમણાં અનાયાસે વાંચવામાં આવ્યુ કે આ દિવસને બાળ મજૂરી વિરોધ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ ઉજવવાનો દિવસ છે?

ના, આ તો જસ્ટ એક સવાલ…….

કાવ્ય પંક્તિ- મુકેશ જોશી

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

પ્રેમ પરમ તત્વ : 29 : કવિતાપ્રેમ : સપના વિજાપુરા

 “ઈતની શિદ્દતસે મૈને તુમ્હે પાનેકી કોશિશ કી હૈ કી હર ઝર્રે ને મુજેહ તુમસે મિલાનેંકી સાજીશ કી હૈ.  કિસી ચીજકો અગર દિલસે  ચાહો તો પૂરી  કાયનાત ઉસે તુમસે મિલાનેંકી કોશિશ મેં લગ જાતી  હૈ.

હા તો મેં એવી  શિદ્દતથી કવિતા ને ચાહી હતી. બચપણથી કવિતા લખવાનો શોખ. મારી બહેનને કહેતી કે કોઈ પણ શબ્દ આપ અને હું કવિતા બનાવીશ. અને બનાવતી પણ ખરી. કોલેજ કાળમાં તો આ પ્રેમ યુવાની માં આવી ગયો હતો. જેમ મુગ્ધ પ્રેમીકા પોતાના પ્રેમીને ચાહે એટલી હદ સુધી કવિતાનું ગાંડપણ મને વરી ચૂક્યું હતું. પણ આ દુનિયા મનની વાત જબાન પરલાવવા દે? કદી નહિ, જે કાંઈ કવિતા બની એ મનમાં રૂંધાઈ ને દફન થઇ ગઈ. લખાતી તો કોઈને બતાવતી નહિ અને બતાવતી તો હાંસી ને  પાત્ર બનતી. 

પણ આકાશ માંથી પંક્તિઓ આવ્યા કરતી. જાણે કોઈ આકાશવાણી અથવા એમ કહું કે વહી આવી જતી, એમ પંક્તિઓ ઉતરતી જતી. લખવાનું ભાન હતું નહિ એટલે સચવાઈ પણ નહિ.પણ વિચાર પણ કવિતા રૂપે આવતા. મનગમતી વાત પ્રાસમાં બોલવાની પણ આદત બનતી ગઈ. મજા આવતી ગઈ. પણ એ કવિતાઓ ફરી એકવાર અમેરિકા જેવા યાંત્રિક દેશમાં યંત્ર અને મશિન ના અવાજમાં એ આકાશવાણી ક્યાંય દબાઈ ગઈ. પણ ઈશ્વરનુ કામ ઇશ્વર કરવાનો  છે. બત્રીશ વરસ મશીન વચ્ચે દબાયેલી એ કવિતા હ્રદયમાં ઊર્મી બની ઊભરાવાં લાગી. અને હવે એને કાગળ અને કલમ મળી ગયાં. તથા કૉમ્પ્યુટર પણ ખરું.

જે હ્રદયમાં પ્રેમ છે, વેદના છે, સંવેદના છે,ભાવના છે. એ હ્રદયમાં કવિતાનું ઉદ્ભવસ્થાન છે.કહે છેને ” હર દિલ જો પ્યાર કરેગાવોહ ગાના ગાયેગાદિવાના સેંકડોમે પહેચાના જાયેગા.કવિતા ઉદ્દભવતી હતી પણ એને પણ મઠારવી પડે છે. બસ ગઝલ શીખવાનું શરૂ કર્યુ. હવે કવિતા લયબધ્ધ થવા લાગી. જેમ જેમ શોખ વધતો ગયો એમ એમ બસ એમાં નીખાર આવતો ગયો. હું ગદ્ય માં પણ લખું છું  પણ કવિતા એ મારો પ્રથમ પ્રેમ છે. જ્યારે જ્યારે હું કોઈ મોટા કવિની કવિતા વાંચું ત્યારે આંખમાં આંસું આવી જાય .. જેમ કે કલાપીની આ પંક્તિઓ મારા હૃદયને વલોવી જાય,
તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો,
છૂટ્યો તે ને અરર ! પડી ફાળ હૈયા મહીં તો
રે રે ! લાગ્યો દિલ પર અને શ્વાસ રૂંધાઇ જાતાં
નીચે આવ્યું તરુ ઉપરથી પાંખ ઢીલી થતાંમાં.
આ કવિતા શું છે?
અસ્તવ્યસ્ત શબ્દોને

હરોળમાં મૂકીને

હ્રદયમાં કોતરેલી વાતને

અચાનક વાચા આપવી!!

અમથા અમથા

વલોવાતા શબ્દોને

કલમ આપવી!!

કોઈની યાદ ને

વરસો સુધી છૂપાવી

ફરી એને શબ્દો થકી

વાગોળવી!!

હ્ર્દયદ્વારને ખુલ્લાં મૂકી

શબ્દોના વાવાઝોડાને 

પ્રવેશવા દેવો.

આ કવિતા શું છે?

એક કવિની વેદના!!

સપના વિજાપુરા

કવિતા હ્ર્દયમાં વાવાઝોડાની જેમ આવે છે. અને શબ્દો રૂપે કાગળ પર ઊતરે છે. જેમ આંખો મૌન રહીને પણ વાત કરી શકે છે એ રીતે કવિતા વાતો કરીને પણ મૌન રહી શકે છે. હ્ર્દયની મથામણ ને બહાર લાવી શકે છે. જે કવિ છે એને સ્પંદન છે. એ દુનિયાને જુદી નજરથી જુએ છે. ઉષા સમયે પંખીનો ક્લરવ કદાચ ઘણાને માથું ચડાવતો હશે. એ કલરવ કવિને કવિતા સુઝાડેછે. કોઈ ગરીબનો પસીનો જોઇ બીજા નાક બંધ કરતા હશે ત્યારે કવિ એ પરથી કવિતા લખી શકે છે.કોઈ કદરૂપા માણસને જોઈ લોકો મોઢું ફેરવી લેતા હશે,  ત્યારે કવિ એને ઈશ્વરની રચના કહી કવિતા લખતો  કે લખતી હશે. દરેક ભાષામાં કવિતાઓ લખાઈ છે. ફારસી, ઉર્દૂની કવિતાઓ આપણા દેશમાં ઘણી પ્રચલિત થઈ છે. ઇંગ્લિશ, સ્પેનિશ, ફ્રેન્ચ ભાષા સિવાય ઘણી વિદેશી ભાષામાં કવિતા લખાઈ છે. કવિતા વાંચવાળાનો વર્ગ જુદો છે. મારા એક મિત્ર મને હમેશા કહે છે કે આ ગાંડા લોકોનું કામ છે. પણ આ આ ગાંડા લોકો કેટલાં લાગણીથી તરબતર છે એ એની કવિતાઓ વાંચો તો  ખબર પડે. હું કવિતા ને પ્રેમ કરું છું અને કવિતા મારો પ્રથમ પ્રેમ છે. અને મને કવિતા ઈશ્વર સુધી લઈ જાય છે તેથી એને હું પરમ માનું છું

સપના વિજાપુરા

હળવેથી હૈયાને હલકું કરો-૩

જેન્તી એ જેન્તી નીચે આવ,…..
“ભાઈ કોઈ ઉપર જાવ પેલો જેન્તી એની રૂમમાં એકલો છે…  કોઈ એ છોકરાને બચાવો .. એની માં ને આપણે શું જવાબ દેશું ?… એ જેન્તી નીચે આવ ..”
પણ લાકડાનો દાદરો તો સળગી ગયો હતો ઉપર કેવી રીતે કોઈ જાય ? અને કોણ જાય ? બધે આગની જ્વાળા,કાળઝાળ ગરમી ને કાળા ડીબાંગ વાદળ સમ ધુમાડો, માનવ મેદનીની અસહ્ય અકળામણો, લોકોની દોડાદોડ, કારમી ચીસો, તે દિવસે બધા ડરથી ધ્રુજી ગયા.
           આ ધડાકાથી આખું બિલ્ડીંગ નીચે ઉતરી ગયું હતું. અને પછી વધુ ધમાકા ,બધાને અગનગોળો બિલ્ડીંગમાં આવ્યો તેવું લાગ્યું હતું અને જેન્તી એકલો એની રૂમમાં સંતાઈને બેઠો હતો.  ..અકળામણ, અજંપો અને અજાણ્યો ડર.. આગ એટલી વિકરાળ હતી કે મોટા પણ ડરી જાય આ તો માત્ર ૧૨ વર્ષનો બાળક માં બાપ વગર એકલો પોતાની રૂમમાં ડરથી છુપાઈને ખાટલા નીચે ભરાણો હતો. આખું બિલ્ડીંગ એના નામની બુમ પાડી એને નીચે બોલાવતા હતા. જેન્તી પ્રભુદાસ બિલ્ડીગમાં બીજે મળે એકલો ડરથી ફફડતો હતો.
 તે દિવસે આખું મુબઈ શહેર ધ્રુજી ઉઠ્યું હતું. આ વાત ૧૯૪૪ના દિવસે મુંબઈના બંદર (ડોકયાર્ડ) ખાતે ફોર્ટ સ્ટિકિન (Fort Stikine) નામના માલવાહક જહાજમાં અકસ્માતે આગ લાગી હતી. વિક્ટોરિયા ડૉકમાં લાગેલી ભીષણ આગ અને ધડાકાને આજેય ઘણા ભૂલી શક્યા નથી. એસએસ ફોર્ટ સ્ટિકિન જહાજમાં પ્રસરેલા દાવાનળે અનેકને ધ્રુજાવી દીધા, રૂની ગાંસડીઓ, વિસ્ફોટકો તેમ જ યુદ્ધ-સામગ્રી સાથે સોનાથી ભરેલ જહાજ બ્રિટનથી ભારત આવ્યું પણ વિસ્ફોટમાં સોનું ડૂબી ગયું, ઊડી ગયું અને ન જાણે ક્યાંનુ ક્યાં ફંગોળાઈ ગયું..૧૦૦ કિલોમીટર સુધી સ્ટીમરના ધડાકાએ કેટલાય વિસ્તારોને ધરતીકંપ જેવો અનુભવ કરાવ્યો હતો. ઘણાના ઘરમાં ધડાકામાં ઉડીને સોનાની પાટ પણ આવી હતી ….આ પાટ નહોતી અગ્ન ગોળો હતો ..મોત લઈને આવ્યો હતો.
       ત્યારે જેન્તી જુની હનુમાન ગલીમાં એની માં સાથે રહેતો હતો..જેન્તીના પિતાનું પોતાનું પ્રભુદાસ બિલ્ડીગ, તે દિવસે ઘરમાં એ સાવ એકલો હતો. આમ પણ પિતા તો બાળપણમાં જ ગુજરી ગયા હતા બા વધારે સમય જાત્રા કરવા જતા.પાડોશી જ એમનો પરિવાર એટલે જેન્તીની માં પાડોશીને ઘર અને જેન્તીને સોપી બે દિવસ બહારગામ જાત્રાએ ગયા હતા.ત્યાં અચાનક સ્ટીમર ફાટી અને આંખુ મુબઈ ભડકે બળવા માંડ્યું. ચોમેર ફફડાટ વચ્ચે ભાગદોડમાં અને અફડાતફડીમા બિલ્ડીંગના સૌ કોઈ જીવ બચાવવા ભાગ્યા, નીચે પહોંચ્યા  પછી બધાને ધ્યાન ગયું કે જેન્તી દેખાતો નથી.અરે એ છોકરો તો એની રૂમમાં સુતો હતો …અને બસ સૌએ ભેગા મળી બુમો પાડી. જેન્તીએ અવાજ સાંભળ્યો બારીમાંથી દેખાયો. મોઢું કાળું થઇ ગયું હતું. તે સતત ખાંસતો પણ નીચે કેવી રીતે જાય? નીચે જવા ગયો તો દાદર લાકડાનો હતો સળગી રહ્યો હતો. લોકો બુમો પાડીને એને બોલાવતા હતા નીચે આવ, નીચે આવ… જીવ કોને વ્હાલો ન હોય ,તે દિવસે જેન્તીએ પોતાનો જીવ બચાવવા પોતે જ હિમંતથી નિર્ણય લીધો અને નાસીપાસ થયા વગર કોથળો પહેરી ઉપરથી કુદયો. એની પાસે બીજો કોઈ વિકલ્પ પણ ન હતો, છેલ્લી ઘડીએ પોતાની મેળે એકલા જ જીવ બચાવવાનો ઉપાય શોધ્યો..લોકોએ ઝીલી લીધો ખુબ વાગ્યું પણ જીવ બચી ગયો.
    “I learned that courage was not the absence of fear, but the triumph over it. The brave man is not he who does not feel afraid, but he who conquers that fear.” — Nelson Mandela
“મને ખબર પડી કે હિંમત ભયની ગેરહાજરી નથી, પરંતુ તેના પરનો વિજય છે. બહાદુર માણસ તે છે જે ડરતો નથી, પણ તે ડર જીતી લે છે. “- નેલ્સન મંડેલા
         દરેક વ્યક્તિ અલગ અલગ વસ્તુથી ડરે છે કોઈ પોતાથી જ ડરે છે તો પ્યારથી ડરે છે, દરવાજો ખુલ્લો હોય તો ડરે છે અને બંધ દરવાજામાં ડર લાગે છે, જંગલથી ડરે છે, અને મંગલથી પણ ડરે છે. કાતિલ વીંછીથી કોમળ પીંછીથી. કૂતરાથી ડરે છે, કૂતરાથી બીવાવાળા બિલ્લીથી પણ ડરે છે.તો કોઈ બિલ્લીથી ડરનાર ઉંદરથી પણ ડરે છે. બોમ્બથી ડરે છે અને બોમ્બથી બચવા જે ખાડામાં છુપાવાનું હોય એની ગૂંગળામણથી પણ પણ લોકો ડરે છે. કોઈને ઊડી જવાનો, પડી જવાનો, વાગી જવાનો, ખોવાઈ જવાનો,લપસી પડવાનો, ડૂબી જવાનો  આવા અનેક  ફોબિયા ક્યાંક કોઈ દરેકમાં અંશે હોય જ છે ઝીરો ફોબિયા, આરો ફોબિયા, આર્ટ ફોબિયા, હોમો ફોબિયા જેવા અંગ્રેજીમાં જેટલા ફોબિયા નામના શબ્દો છે.એ બીજું કઈ નહિ પણ માણસનો ભય છે  મનમાં સતત ભય… ભય… ભય..! ધ્યાનથી વિચારો, આપણા સૌની અંદર નાના-નાના કેટલા ‘ભય’ છુપાઈને બેઠા છે? જેને કશાનો ભય ન હોય એવો માણસ આજે હોવો અસંભવ છે. આપણે સૌ જુદા જુદા ડર, ભય કે ખોફના ડિપાર્ટમેન્ટલ સ્ટોર છીએ. નાનપણમાં માં નો પાલવ પકડીએ છીએ એ ભયના સૂચક છે.
            વાત ભયને દુર કરવાની છે આપણામાં રહેલી શક્યતાઓ ને માત્ર જાણી લેવાથી માણસ ભય પર વિજય મેળવે છે.અદભુત ચમત્કારિક શક્તિ ધરાવતું  આપણું અર્ધજાગ્રત મન ભયથી પ્રેરિત નકારાત્મક વિચારને દુર કરી આપણને વિજય આપી શકે છે .
      વાત સ્વીકારની છે, હકારની છે. આવી કોઈ પરિસ્થિતિમાં તમે ઘેરાયા હો તો ક્યારેક હૈયાને અમારી પાસે હળવું કરજો તમારી વાતોથી એક વ્યક્તિ પણ કે કોઈ માર્ગ મેળવશે અથવા જીવન માણશે તો જીવન ધબકતું લાગશે.
પ્રજ્ઞા દાદભાવાળા