સંવેદનાના પડઘા ૩૭- માનવ – જિગિષા પટેલ

લગભગ રાતના સાત વાગ્યાનો સમય હતો. રસ્તા સાવ સૂમસામ હતા. કોણ જાણે કેમ આખું અમદાવાદ શહેર હિન્દુ -મુસ્લિમના કોમી રમખાણોથી ભડકે બળી રહ્યું હતું. કાલ સુધી જે માણસો પડોશીઓ અને મિત્રો બની દિવાળી,ઈદ, રથયાત્રામાં સાથે બેસીને એક થાળીમાં ખાતા હતા તે જાણે મારો- કાપો કરીને એકબીજાના દુશ્મન બની ગયા હતા.ચારે બાજુ સન્નાટો હતો. કર્ફ્યુના કારણે ધમધમતું શહેર ભય સાથેની સ્મશાનવત્ શાંતિથી રડી રહ્યું હતું.

ત્યાં….જ સદવિચાર સેવા સંસ્થાના સેવકના ઘરની ટેલિફોનની ઘંટડી વાગી. ખાદીના સફેદ ઝભ્ભા-લેંઘો પહેરી એ સેવાના ભેખધારી કોઈ જાતની ચિંતા કર્યા વગર ગાડીની ચાવી લઈ નીકળી પડ્યા. તેમને સમાજસેવક તરીકે કરફ્યુપાસ મળેલો હતો. ટેલિફોન દરિયાપુર લુણસાવાડામાંથી આવ્યો હતો અને તે એકદમ સંવેદનશીલ મુસ્લિમ વિસ્તાર હતો. તેમની પત્નીને મનમાં ખૂબ બીક હતી પણ માણેકલાલે તો હસતાં હસતાં કીધું કે કોઈ દીકરીને મારી જરુર છે, મારે તો જવું જ પડે. તેમની પત્ની તેમની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરતી રહી.

માણેકલાલ સામાન્ય રીતે ગાડી જરા ધીમે ચલાવતા પરંતુ તેમણે ફોનમાં બાનુનો જે ચિંતાસભર અવાજ સાંભળ્યો હતો તેથી ટ્રાફિક વગરનાં રસ્તે ગાડી ભગાવીને આપેલ સરનામા પર પહોંચી ગયા. ગાડી પોળની નાની ગલીમાં જઈ શકે તેમ હતી નહી. બધાં ઘરોના બારણા બંધ હતા.સૂમસામ શેરીની શાંતિ ખૂબ ભયજનક હતી પરતું તેમણે હિંમતની બુકાની પહેરી મજબૂત મનોબળ સાથે કોઈની તલવાર કે ચાકુનો ઘા પણ સહન કરવો પડશે તો કરશે તેવી તૈયારી સાથે બાનુના ઘરની સાંકળ ખટખટાવી. હા,તે દિવસોમાં કર્ફ્યુ છૂટતો ત્યારે આ જ વિસ્તારમાં આઠ-દસ સ્ટેબિંગ થઈ જતા. આ વિસ્તાર લતીફનો હતો. લતીફ નામચીન ગુંડો હતો. હુલ્લડના સમયે આ વિસ્તારમાં પગ મૂકવાની કોઈ હિન્દુ વ્યક્તિની હિંમત ન હોય. માણેકલાલ પણ શાહપુરના જ એટલે આ તેમના માટે જાણીતો વિસ્તાર હતો.

બાનુ તેમની દીકરી સલમાને લઈને બહાર આવ્યા. તેમની દીકરી પ્રસવની છેલ્લા સમયની પીડાથી કણસી રહી હતી. માણેકલાલ દોડીને ગાડી ખોલી .બારીમાંથી બહાર ડોકિયા કરતા બે યુવકોને સલમાને ગાડીમાં બેસાડવા મદદ કરવા કહ્યું. તેમના મદદ માટેના મોટા અવાજના સાદથી ચાર પાંચ ભાઈ-બહેનો બહાર આવી સલમાને ગાડીમાં બેસાડી.પોળની ગલીમાં ઘરની અંદરથી ઝાંખતા અને ઓટલા પર ઊભેલા તેમજ મદદે આવેલ સૌ મુસ્લિમ ભાઈ-બહેન આ એક હિન્દુ સેવકની તેમના વિસ્તારમાં આવીને મદદ કરવાની વાતથી અચંબિત અને આભારવશ નજરથી તેમને જોઈ રહ્યા હતા.


માણેકલાલ તેને દવાખાને લઈ ગયા. ગાડી દીકરીને તેની પ્રસવપીડામાં તકલીફ ન પડે તેવી ચલાવી.
રસ્તામાં સલમા દર્દથી કણસતી તો ,બેટા,અલ્લાહને યાદ કર હમણાં પહોંચી જઈશું કહી સાંત્વન આપતા દવાખાને પહોંચીને પણ તેને પોતાની દીકરીની જેમ જ છેક લેબરરૂમમાં હાથ પકડી પહોંચાડી.પોતાની જ દીકરીની ડિલિવરી હોય તેમ તેને બાળક આવ્યું ત્યાં સુધી બેઠા. ડોક્ટરને સૂચના આપી કે કંઈ પણ જરુર હોય તો હું બહાર બેઠો છું. સલમાને પ્રસવનો સાવ છેલ્લો સમય હતો. દસ મિનિટમાં તો સલમાને દીકરો અવતર્યો .સલમાને પિતા ન હતા. સલમાની માએ આભારની લાગણી સાથે માણેકલાલના હાથમાં બાળક આપ્યું ત્યારે જાણે તે કહી રહ્યા હતા……

“તું હિન્દુ બનેગા ન મુસલમાન બનેગા ,ઇન્સાન કી ઓલાદ હૈ તું ઇન્સાન બનેગા”

આ આખી વાતની જાણ તો મને  હુલ્લડના બે ત્રણ મહિના પછી એકવાર ચાર વાગે હું પપ્પાને ત્યાં મળવા ગઈ ત્યારે થઈ.  મેં તેમના ઘેર બેલ માર્યો અને પપ્પાએ  જ બારણું ખોલ્યું. બે મુસ્લિમ બહેનો તેમના ડ્રોઈગરુમમાં બેઠી હતી. આઈસ્ક્રીમનાં ખાલી બાઉલ પડ્યા હતા. એક મીઠાઈનું બોક્સ પડ્યું હતું. પપ્પાએ મારી ઓળખાણ આવેલ બે બહેનોને આપી .આધેડવયના બહેન અને તેની દીકરીની ઓળખાણ કરાવી ત્યારે સલમાએ કીધું ” મેરે તો અબ્બુ નહીં હૈ મગર આપકે અબ્બુ હી મેરે અબ્બુ જૈસે હૈ,વો દિન અપની જાનકી બાજી લગાકે મેરેકુ વો દવાખાને ભરતી કરાને લે ગયે. મૈં ઓર મેરા બેટા હમેશાં ઉનકે કરજદાર રહેગેં.”
આટલું કહી તે અને તેની અમ્મા બંને રડવા લાગ્યા. મેં તેમને પાણી આપ્યું અને એ લોકોએ મને આખી આ વાત કીધી. સલમા સાસરે જતા પહેલા પપ્પાને મળવા આવી હતી. પપ્પાએ સલમાને અને તેના દીકરાને કવર સાથે આશીર્વાદ આપ્યા. આંસુ સહિત સલમા અને તેની માતાએ વિદાય લીધી. મેં માસી બની દીકરાનું નામ “માનવ” રાખવાનું સૂચવ્યું.

આમ તો હું ભારતમાં ઉછરેલ  એટલે મારે માટે મારા પિતા મારા આદર્શ અને મારે માટે રોજ “ફાધર્સ ડે “. તેમની જીવન જીવવાની રીત જ મારો પ્રેરણાસ્ત્રોત્ર..

માનવમાત્ર ઈશ્વરનો જ અંશ છે એટલે નાત-જાત અને ધર્મના ભેદ ભૂલી સૌને પ્રેમ કરો અને જનસેવા જ પ્રભુસેવાનો મંત્ર શીખવનાર મારા પિતા જે હંમેશ મારી સાથે છે તેમને હ્રદયપૂર્વક શત શત વંદન…

About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા. Bookmark the permalink.

9 Responses to સંવેદનાના પડઘા ૩૭- માનવ – જિગિષા પટેલ

 1. geetabhatt says:

  જિગીષાબેન ! દર વખતે કાંઈ નવો જ વિચાર અને પ્રેરણા આપતા પ્રસંગો વાંચવાનો આનંદ થાય છે . પણ આ વખતે તો કર્ફ્યુની વાત વાંચીને હું પણ ભૂતકાળમાં સરી પડી .. ખૂનામરકી વખતે આવા શુભ પ્રસંગો વિષે છાપામાં વાંચતાં! તમારા પિતા શ્રી ને યાદ કર્યા અને મને પણ મારા બાપુજીની યાદ આવી ગઈ .. પણ હવે “ પ્રેક્ટિકલ” બનવાનો જમાનો આવ્યો ! મા બાપને બાળકમાં ઉચ્ચ સંસ્કાર રેડવાનો સમય જ ક્યાં છે? Well, nice article

  Liked by 1 person

 2. જિગિષા, ક્યારેક એક યાદ અનેક યાદોનો પટારો ખોલી દે…
  આવા જ સંવેદનશીલ એરિયા અને આવા જ સંજોગો હતા.
  મારી મમ્મીનું દવાખાનું એ જગ્યાએ જ્યાં પાછળની શેરીમાં મુસલમાનની વસ્તી …..
  જ્યારે જ્યારે કોમી રમખાણ શરૂ થવાની તૈયારી હોય ત્યારે આ વસ્તીમાંથી આવીને કોઈ મમ્મીને કહી જતું કે, બેન દવાખાનું બંધ કરીને નિકળી જાવ, થોડા સમયમાં તોફાન શરૂ થશે. એ સમયે પણ આપણા હિંદુ અને મુસ્લીમ બંનેમાં મમ્મી માટે અત્યંત સન્માનની લાગણી હતી અને એક ડૉક્ટર તરીકે ખુબ આમાન્યા જળવાતી.
  ક્યારેક કલ્પનામાં ન હોય એવા લોકોની સારપ પણ આવા સમયે પરખાઈ આવતી હોય છે પછી એમાં નાત-જાત કે કોમના વાડા નથી હોતા.

  Like

  • સાચીવાત છે .

   Liked by 1 person

   • અને સાથે એક બીજી વાત….
    આ જ વિસ્તારમાં મમ્મીને અડધી રાત્રે પણ વિઝિટે જવું પડતું ત્યારે જરાય ખચકાટ કે ડર વગર સવારે તોફાને ચઢેલા ટોળાની પરવા કર્યા વગર એ જતી.

    Like

 3. જીગીષાબેનના પિતાશ્રી અને મારા સુપરિચિત મિત્ર સ્વ. માણેકલાલ ખુબ જ સેવા વૃતિના વ્યક્તિ હતા એ હું સારી રીતે જાણું છે.હુલ્લડના સમયે મુસ્લિમ એરીયા દરિયાપુરમાં જીવને જોખમે તેઓ પ્રસુતા મુસ્લિમબેનની મદદ માટે પહોંચી જાય એ એમની ઉચ્ચ પ્રકારની સેવા ભાવના નાં દર્શન લેખિકાએ સુંદર રીતે રજુ કરી એમના પિતાશ્રી આ લેખ દ્વારા યોગ્ય રીતે સુંદર શબ્દોમાં શ્રધાંજલિ આપી એ બદલ એમને ધન્યવાદ.

  સદ વિચાર સેવા સંસ્થાની ઓફીસ આશ્રમ રોડ ઉપર મંગલ ભવનમાં હતી એની મેં રૂબરૂ મુલાકાત લીધી છે અને હરીભાઈ પંચાલ અને માણેકલાલ ભાઈને મળવાનો લાભ લીધ્યો છે.વધુમાં, મંગલ ભવનની બિલકુલ સામે દિપાલી સિનેમા જોડે જ નાનાલાલ ચેમ્બર્સમાં અમારી કમ્પની ડાયામાઈન્સ એન્ડ કેમિકલ્સ ની ઓફીસ હતી.અમારી કમ્પની ના ચેરમેન લક્ષ્મીકાંત ભગુભાઈ જેઓ ધરતી સંસ્થાના પણ પ્રમુખ હતા એમને સમાજ સેવા અંગે મળવા અને ચર્ચા કરવા માણેકલાલભાઈ ઘણીવાર આવતા ત્યારે એમને હું મળતો હતો એની યાદો તાજી થઇ ગઈ.

  સેવામૂર્તિ સ્વ. માણેકલાલભાઈ ને મારા સાદર પ્રણામ અને હાર્દિક ભાવાંજલિ.

  Liked by 1 person

 4. ખૂબ ખૂબ આભાર વડીલ શ્રી વિનોદભાઈ આપનો.

  Like

 5. Tarulata Dipak Mehta says:

  તમારા માનનીય પિતાશ્રીની માનવ સેવાને વંદન . સંવેદનાસભર આલેખન। અભિનન્દન।

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s