વાત્સલ્યની વેલી ૩૪) ટીચર મેલાનિની એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!

એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!
મા બાપ આખો દિવસ નિશ્ચિન્ત રહીને પોતાનું કામ કરી શકે એટલે એમનાં બાળકો અમારે ત્યાં બાલમંદિરમાં આવે! પણ એમને સાચવનાર ટીચર્સના જીવન વિષે ક્યારેય વિચાર્યું છે ખરું કે એ લોકો કોણ છે? એ લોકોનુંયે અંગત જીવન છે !
પરંતુ એ વાત કરતાં પહેલાં આપણે આપણી દીકરીઓ વિષે વિચારીએ : ઘણી વખત આપણે આ દેશમાં આપણે બહુ હાડમારી ભોગવી એમ કહેતાં હોઈએ છીએ !
તો તમે ક્યારેય એવી પરિસ્થિતિમાં મુકાયાં છો કે જયારે તમારી સોળેક વર્ષની ,ટીનેજર, યૌવનમાં પગ મુક્તી દીકરી ,તમારી સામે થઇ હોય, તમારું કહ્યું માનતી ના હોય અને ઉદ્ધત બનીને પોતાનું ધાર્યું જ કરતી હોય? એવું બન્યું છે કોઈ દિવસ ?
“હા!” તમે કહેશો; “સંતાનો જયારે હાઈસ્કૂલમાં આવ્યાં એ સમય ઘણો કપરો હતો, પણ જ્યાં ત્યાં એ વર્ષો પણ વીતી ગયાં! “
એ એક એવો સમય છે કે જયારે સંતાનોમાં શારીરિક અને માનસિક ફેરફાર થતા હોય છે.જુવાની ફૂટતી હોય છે એટલે હોર્મોન્સમાં પણ પરિવર્તન આવતું હોય છે. ત્યારે મા બાપ તરીકે આપણું કર્તવ્ય તેઓની સાથે કમ્યુનિકેશનની કડી જોડી રાખવાનું હોય છે. તેઓને હળવેથી સમજાવીને, થોડું પટાવીને, જરાક આંખ આડા કાન કરીને ,ગાડી પાટા પરથી ઉતરી ના જાય તેનું ધ્યાન રાખવાનું હોય છે!
પણ હવે વિચાર કરો કે જેને મા બાપ જ નહોય , એટલેકે મા બાપ હોય પણ એમની પાસે આવો – આવો પાસે બેસીને વાત કરવાનો સમય જ ના હોય- એ સંતાનો શું કરે ?
મેલાનિ અમારે ત્યાં સમર વેકેશન દરમ્યાન પાર્ટ ટાઈમ નોકરી કરવા આવી હતી.
લગભગ અઢી દાયકા પહેલાની આ વાત છે.
ત્યારે છ વર્ષથી મોટાં બાળકો પણ અમારે ત્યાં આવતાં. એમની સાથે દોડાદોડી કરવા, ધીંગા મસ્તી કરવા અમે આ સોળ સત્તર વર્ષની હાઈસ્કૂલમાં ભણતી મેલાનિને હાયર કરી હતી. આમ તો એ નજીકની પબ્લિક સ્કૂલમાં ભણતી હતી, પણ એ કોઈ ફોસ્ટર સંસ્થામાં રહેતી હતી.
સમરમાં હું આ મોટાં બાળકોને પાર્કમાં લઇ જાઉં ત્યારે મેલાનિને પણ મારી સાથે રાખું. મેં આપણે ત્યાં દેશમાં બોર્ડિંગ સ્કૂલમાં ભણતી છોકરીઓ વિષે સાંભળ્યું હતું ,પણ આમ ફોસ્ટર ઇન્સ્ટિટ્યૂશન વિષે ક્યારેય સાંભળેલું નહીં.
“ એ ગવર્મેન્ટ દ્વારા ચલાવાતી હોસ્ટેલ કહેવાય.” મેલાનિએ મને કહ્યું.
એની મમ્મી સાથે એ મારામારી કરતી હતી એટલે એની મમ્મીએ પોલીસ બોલાવેલી અને એ વાતનેય દસકો વીતી ગયેલ ! (એ શા માટે આમ મારામારી કરતી હતી તેનું કારણ પૂછતાં એણે કહેલ કે એની મમ્મીના જુદા જુદા બોયફ્રેન્ડ એને ગમતા નહોતા !)
બે – ચાર ફોસ્ટર ઘરોમાં પોતાનાં પાલ્ય મા બાપ સાથે એ રહેલી ,પણ હવે એ આ ફોસ્ટર હોસ્ટેલમાં રહેતી હતી. એના જીવનના મહત્વના નિર્ણયો આ સંસ્થા જ લેતી હતી. એની મમ્મી એનાં જીવનમાં રત હતી: દારૂ અને નશીલા પદાર્થોમાં ડૂબેલી એ મેલાનિને સાચવી શકે તેવી સ્થિતિમાં નહોતી ! આપણે બધાં અમેરિકન લાઈફ સ્ટાઈલથી અંજાઈ જઈએ છીએ અને ૧૮ વર્ષનો છોકરો સ્વતંત્ર રીતે એના પગ પર ઉભો રહે છે એમ કહીએ છીએ પણ ઘણી વાર એના પાયામાં જે દુઃખ દર્દ છુપાયેલાં હોય છે તેની ખબર જ હોતી નથી!
મેલાનિ મને એટલી બધી ટ્રબલમેકર – અવળચંડી – નહોતી લાગી !
વાસ્તવમાં એ મને ઠરેલ અને પ્રેમાળ લાગેલી! (એનું સાચું કારણ મને ત્યારે સમજાયું નહોતું; અને સમજાયું ત્યારે ઘણું મોડું થઇ ગયેલ)!! મેં એને પહેલે દિવસે જ, નોકરી આપતાં પહેલાં જ, અલબત્ત પ્રેમથી – કહેલું કે આટલાં નીતિ નિયમમાં હું બાંધછોડ નહીં કરું: ગાળાગાળી કે કોઈ અપશબ્દ કે એવાં જેસ્ચર – હાવભાવ નાનાં બાળકો પર બહુ માઠી અસર ઉભી કરે છે ,એવું કાંઈ પણ હું ચલાવી લઈશ નહીં !વગેરે વગેરે.
મેં જોયું કે બાળકો સાથે એ એવી ભળી ગઈ હતી કે એ ફોસ્ટર ફેસીલિટીમાંથી આવે છે એવું લાગે જ નહીં! આ ઉંમરની કિશોરીઓ (અને કિશોરો ) પ્રેમ માટે તડપતાં હોય છે ! મેલાનિએ બે ત્રણ મહિના અમારાં ડે કેરમાં કામ કર્યું .
ત્યારે પછી , એનાં ગયાં પછી, ઘણા સમય બાદ ફોસ્ટર બાળકો વિષે અચાનક જ કોઈ લેખ મારા વાંચવામાં આવ્યો : હવે મને સમજાયું જે મને ત્યારે ૧૯૯૪ના સમર વેકેશનમાં નહોતું સમજાયું!
મેલાનિએ મને વાત વાતમાં કહેલું; “ હું એટલાં ફોસ્ટર ઘરોમાં રહી છું કે મને મારાં બાળપણનું , મારાં ઉછેરનું , કે મારી પ્રાથમિક શાળાનું કાંઈ સારું યાદ રાખવા જેવું બન્યું હોય એવું કાંઈજ યાદ નથી !અહીંયા આ બાળકોને રમતા જોઉં છું તો મારાં દિલમાં એક કાણું પડેલું હોય તેમ મને લાગે છે!”
જોકે ત્યારે હું ‘મારાં’ બાલ સંભાળ કેન્દ્ર – બાલમંદિર અને ‘મારાં’બિઝનેસ અને ‘મારાં’પરિવાર અને ‘મારાં’પ્રશ્નોમાં એવી ડૂબેલી હતી કે મેલાનિની આ વાતો પર વિચારવાનો સમય જ નહોતો!!
ઊંડે ઊંડે એ મારી પાસે નોકરી કરતાં કશુંક વધુ ઇચ્છતી હતી?
“મને ખબર જ નથી કે કુટુંબ એટલે શું? કુટુંબ કેવું હોય?” એણે એક વાર કહેલું.
હા, ત્યારે અમે અમારાં ડે કેર સેન્ટરની ઉપર રહેતાં હતાં. ક્યારેક હું એને અમારાં એપાર્ટમેન્ટમાં ઉપર પણ મોકલું ! ડાઇનિંગ ટેબલ પર બેસીને અમારાં સંતાનો ક્યારેક ખાતાં પીતાં હોય કે કોઈ પ્રોજેક્ટ કરતાં હોય ( મોટા ભાગે સમર વેકેશનમાં હું અમારાં છોકરાવને દેશમાં દાદા બાને કાગળ લખવા કહું !જો કે દરેક પ્રોજેક્ટ શરૂ કર્યો હોય તે પૂરો થવો જરૂરી નથી!!) કે ક્યારે ટી વી જોતાં હોય!
સાંજે છેલ્લું છોકરું ઘેર જાય એટલે અમે- ક્યારેક હું અને મારી સાથે કુટુંબનાં અન્ય સભ્યો પણ હોય- અમે મેલાનિ અને અન્ય સ્ટાફ ને ગુડનાઈટ કહીને અમારાં એપાર્ટમેન્ટ તરફ ઉપર જઈએ ને હવે મને યાદ આવે છે, મેલાનિના ચહેરા ઉપરના એ અગમ્ય ભાવ !
મેલાનિ મને ખુશ રાખવા આટલી મહેનત કેમ કરતી હતી!!
અહીંના નિયમો પ્રમાણે સરકાર અઢાર વર્ષના છોકરાઓને આમ ફોસ્ટર સંસ્થાઓમાં રાખે , પણ પછી એ લોકોએ પોતાનો રસ્તો પોતાની જાતે જ શોધી લેવો પડે !
એટલે કે અઢાર વર્ષની ઉંમર થાય એટલે નોકરી વિનાનો યુવાન હોમલેસ બની જાય! રસ્તાનો ભિખારી ! અને આવી યુવાન છોકરીઓ આડા માર્ગે ચઢી જાય!
હું વિચારમાં પડી ગઈ: બાળકને જન્મ આપ્યાં પછી, એ પગ ભર થાય ત્યાં સુધી બીજી કોઈ સુખ સગવડ ના આપે તો ચાલશે , પણ હે પ્રભુ , તું એમને મા બાપ વિનાનાં નોધારાં ના કરીશ ! અને હા, ગમે તેટલા પ્રશ્નો હોય, પણ બેમાંથી એક પેરન્ટને સમજુ બનાવજે કે જે પોતે બાળકના હિતને સમજીને પોતે દારૂ,ડ્રગ્સ અનેકંકાસથી દૂર રહી બાળકને સુંદર બાળપણ જીવવાની તક આપે! મેલાનિ જેવી કેટલીયે છોકરીઓ હજુ આજે પણ દિલમાં એક કુટુંબની ઈચ્છાઓ લઈને ફરતી હશે …..હવે આંખના આસું ખાળી શકાય તેમ નથી! વાત્સલ્યની વેલીમાં બસ આજે આટલું જ!

3 thoughts on “વાત્સલ્યની વેલી ૩૪) ટીચર મેલાનિની એક માત્ર ઈચ્છા ! મારુ પણ એક કુટુંબ હોય!

  1. કેટલાય દંપતિ સંતાનો માટે ટળવળતા હોય છે અને ઈશ્વર એમનો ખોળો ખાલી રાખે છે, જ્યારે એવા કેટલાય મેલાનિ જેવા બદનસીબ હશે જે દિલમાં એક હસતા રમતા પરિવાર માટે ટળવળતા હોય ત્યારે સાચે જ થાય કે ઈશ્વર કેમ સમતુલન જાળવી નહી શકતા હોય?

    Liked by 1 person

  2. ગીતાબેન , તમારા દરેક લેખ દ્વારા અમે અહીંના બાલમાનસ અંગે જાણકારી મેળવી શકીએ છીએ.બાળકો અને માતા-પિતાના સંબંધો જાણી આપણી અને અહીંની સંસ્કૃતિ વચ્ચેનો ભેદ જાણી શકીએ છીએ. તમે તેમના માનસને સમજીને એક ડે-કેરના ડિરેક્ટર તરીકે કરેલ સાઈકોલોજીકલ અભ્યાસ ખરેખર રસપ્રદ અને કરુણ પણ છે.

    Liked by 1 person

  3. As I wrote in last article #33’s comment box, ફોસ્ટર પેરેન્ટ્સ એ આપણાં સમાજમાં આ રીતે – પ્રચલિત નથી પણ પ્રશ્નો તો છે જ .વળી અમે એપાર્ટમેન્ટ્સ ભાડે પણ આપીએ એટલે ક્યારેક જુવાન છોકરીઓને જે રીતે મજબૂરીથી રહેતાં જોઈએ એ આપણને વિચારતાં કરી દે ! આપણે ત્યાં મા – બાપ નામની ઢાલ હોય છે જે બોયફ્રેન્ડ /જમાઈને ચકાસે છે.. અહીં તો ભર્યું નાળિયેર ! ને છેવટે બાળકો પર એની અસર .. If I can change one thing : that would be “ dating kids get approval from their parents and check both parties family background .. આપણે ત્યાં વધુ પડતું ઇન્વોલમેન્ટ છે; અહીં બધું સ્વતંત્રતાને નામે સ્વચ્છન્દ છે! Thanks , Jigishaben , Rajulben and all..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.