૩૬ -સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

કવિતા આજે ફરી એકવાર સજી ધજીને તૈયાર થઈ હતી. માએ દર વખતની જેમ આ વખતે પણ ગરમ નાસ્તા સાથે કોરા નાસ્તા ,એક બે મીઠાઈ ,જ્યુસ,ચા-કોફી બધું જ મહારાજ પાસે તૈયાર કરાવ્યુ હતું. પપ્પા પણ ઓફીસેથી નીકળીને વહેલા આવી નાહી -ધોઈ તૈયાર થઈ ડ્રોઈંગ રુમમાં ગોઠવાઈ ગયા હતા.મમ્મી કવિતાના રુમમાં આવી બોલી,
“ કવિ ,બેટા તૈયાર છું.વાહ! બેટા આ ડ્રેસ તો તને બહુ સરસ લાગે છે. સરસ ! બેટા હમણાં મહેમાન આવશે ,આવે પછી થોડીવાર પછી બોલાવું હો દીકરા.”
આટલું કહી મમ્મી તો બીજી તૈયારી કરવા ઝડપથી રુમની બહાર નીકળી ગઈ……..
કવિતા અરીસાની સામે બેસીને પોતાની જાતને જોઈ રહી હતી.એના માટે આમ તેને જોવા આવતા
આ નહી નહી તો યે પાંત્રીસ – ચાલીસમાં મહેમાન હતા. કોલેજ પૂરી કરી હજુ બી.એસ.સી. નું પરિણામ પણ નહોતું આવ્યું અને આ સિલસિલો ચાલુ થઈ ગયો હતો તે બાવીસ વર્ષથી શરુ થઈને અત્યારે તેને ત્રીસમું વર્ષ બેસી ગયું હતું પણ તે ચાલુ જ હતો.
પિતાનાો વ્યાપક ધંધો,બંગલા,ગાડી જોઈ અનેક છોકરાઓ અને તેના માતા-પિતા કવિતાને જોવા અને મળવા તૈયાર થઈ જતા. કવિતાની મોટી બંને બહેનોના લગ્ન ખૂબ નામી અને સુખી પરિવારમાં થયા હતા.તેના મમ્મી -પપ્પાને કવિતા માટે પણ તેવા જ સરસ પરિવાર અને જમાઈની આશા હતી પરતું હવે તો કવિતા ચા-નાસ્તાની ટ્રે લઈ જઈને થાકી ગઈ હતી.
બધા આવનાર લોકો સરસ રીતે વાતચીત કરતા અને પછી ઘેર જઈને ફોન કરીને કોઈ કવિતાના શ્યામવર્ણ કે તેની ઊંચાઈ બહુ ઓછી પડે છે કહી ના પાડતા તો કોઈ વળી અમને તો કંઈ વાંધો નથી પણ મારા દીકરાને તે શરીરે જરા ભારે લાગે છે એને જીમમાં મોકલી થોડી શેપમાં લાવી દો ને પછી છ મહિના પછી વાત કરીએ તેમ કહી વાત ટાળી દેતા. બધાંને ઊંચી,પાતળી,અંગ્રેજી માધ્યમમાં ભણેલી,દેખાવડી,સુશીલ છોકરી જોઈએ છે.
અરીસા સામે પોતાની જાતને જોઈ કવિતા પોતાની જાત સાથે જ વાત કરી રહી હતી.ભગવાને મને આ શ્યામ રંગ,ઓછો દેખાવ,ઓછી ઉંચાઈ આપ્યા છે તેના માટે આમ દર વખતે મારે અપમાનિત થવાનું!!! ફર્નીચરની જેમ બધા મને જોવા આવી નાપસંદ કરે.  મારી અંદર રહેલી મારી કલા,મારું સંગીત, મારા સાહિત્ય પ્રત્યેની રુચિ અને જ્ઞાનની કોઈને કિંમત જ નથી. બસ હવે બહુ થઈ ગયું ! તે કપડાં બદલી રુમ બંધ કરી બેસી ગઈ. તેનું મન આજે ચગડોળે ચડ્યું હતું.શું કહેવું આ સમાજને? કેમ દીકરીઓને જ પરણીને છોકરાને ત્યાં જવાનું? કેમ પિતાનું ઘર દીકરીઓએ જ છોડવાનું? છોકરીને જ જોવા કેમ આવે? છોકરીમાં ગમે તેટલી પૈસા કમાવવાની આવડત હોય તો પણ ઘરની,રસોઈની,બાળકોની જવાબદારી કેમ છોકરીઓની? તેને હવે આજે પોતાની જાતનું પ્રદર્શન નહોતુ કરવું. હજુ વધુ એકવાર તેને તેના સ્વમાનને કચડવું નહોતુ.
મહેમાન આવી ગયા પછી તેની મમ્મી કેટલીય વાર બારણા ખખડાવી તેને બહાર બોલાવવા પ્રયત્ન કર્યો પણ આજે તે એકની બે ન જ થઈ.તે રુમમાં જ રડતી બેસી રહી.
ત્યાં તો આ…… શું???? કોણ ગીતા દત્તના તેનાં ખૂબ ગમતા ગીતને પુરુષના અવાજમાં સરસ રીતે ગાઈ રહ્યું હતું??
“મેરી જાન…….મુઝે જાઁન ન કહો ….. મેરી જાન ….મેરી જાન
 જાન ન કહો …અનજાન મુઝે…..જાન કહાઁ રહેતી હૈ સદા….અનજાને ..ક્યા જાને …જાનકે જાયે કૌન
 ભલા….મેરી જાન….”
કવિતાએ આશ્ચર્ય સાથે બારણું ખોલ્યું તો લાલ તાજા ફુલોના ગુલદસ્તા સાથે તેની સામે કૌશલ ઊભો હતો.કૌશલ તું અહીંયા ક્યાંથી ?તું અહીં ક્યારે આવ્યો?કેમ મારે ઘેર આમ અચાનક આવી ગયો?કૌશલ
જોરથી હસવા લાગ્યો અને કહેવા લાગ્યો
“મને તારા રુમમાં તો આવવા દે .એક કલાક નીચે રાહ જોવડાવી .હવે રુમની બહાર કેટલી રાહ જોવડાવવી છે તારે મને?
“ આવ આવ “કહી કવિતા ,કૌશલને રુમમાં લઈ ગઈ અને પાછી પૂછવા લાગી,
“તું તો અમેરિકા નહોતો?ક્યારે આવ્યો ?અને મારા ઘેર કેવીરીતે?”
કૌશલ કહે “તું મને બોલવા દે તો હું તને કંઈ કહું ને!”
કવિતા કહે “સારું ,સારું લે હવે તું બોલ”
કૌશલે તો બોલવાની શરુઆત કરી તે પહેલાં ઘુંટણીયે પડીને ગુલાબનું એક ફુલ ગુલદસ્તામાંથી
કાઢીને કવિતાની સામે ધરીને પૂછ્યું,
“ Will you marry me?”
કવિતાતો એકદમ અચાનક આઠ વર્ષ બાદ મળેલા તેના કોલેજના સાથે ભણતા કૌશલના સવાલથી
આશ્ચર્યચકિત થઈ ગઈ .તે કંઈપણ બોલ્યા વગર ચુપચાપ બેસી રહી.
કૌશલે હવે વાતની શરુઆત કરી.”જો કવિતા તું જ્યારે કોલેજમાં હતી ત્યારે તેં આ તારું ખૂબ ગમતું
ગીત ટેલેન્ટ ઈવનીંગમાં ગાયું હતું.ત્યારથી જ હું તારા અવાજનો દિવાનો હતો.તે પછી દરેક પીકનીક અને સોશ્યલમાં બધાં  તારી પાસે આ જ ગીત ગવડાવતાં .જે તારા  અવાજમાં સાંભળી મારું દિલ બાગ બાગ થઈ જતું. કોલેજ દરમ્યાન તું  એકદમ શાંત અને ચૂપચાપ રહેતી છોકરી હતી.હંમેશા લાઈબ્રેરીમાં બેસીને વાંચતી હું તને જોઈ રહેતો.હું સંગીતનો પ્રેમી પણ મારા માતાપિતા નાનપણમાં જ ગુજરી ગયેલ અને મામાના ઘેર રહીને ઉછરેલ તેથી સંગીત શીખવાનો મોકો ન મળ્યો પણ અમેરિકા જઈને શીખ્યો. મને તું ,તારો અવાજ ,તારો સાહિત્યપ્રેમ કોલેજથી જ ખૂબ ગમતા પણ તું પૈસાપાત્ર પિતાની મોટરગાડીવાળાની દીકરીને કેવી રીતે કહું કે હું તને પ્રેમ કરું છું.મારા મામાનો મોટો દીકરો અમેરિકા સ્કોલરશિપ લઈ અમેરિકા ભણવા ગયેા હતો .મારું રીઝલ્ટ છેલ્લા વર્ષ માં સરસ આવવાથી તેણે મને પણ અમેરિકા બોલાવ્યો.પી.એચ.ડી કરીને જોબમાં સેટલ થયા બાદ મામાને મળવા અને લગ્ન કરવા અહીં પાછો આવ્યો.હું મનથી તને હમેશાં યાદ કરતો રહ્યો. મામી લગ્નબ્યુરોમાંથી થોડી છોકરીઓના બાયોડેટા લાવ્યા હતા. તેમાં મેં તારો ફોટો જોયો.મને તો ખબર જ નહી કે હજુ સુધી તારા લગ્ન નહી થયા હોય.પણ જેવો તારો ફોટો જોયો કે મેં મામા-મામીને  કીધું મારે આ જ છોકરીને મળવું છે.તારા મમ્મી સાથે વાત કરી અમે અહીં તારા ઘેર આવ્યા. તારી મમ્મીનાં બહુ બોલાવવા છતાં તું નીચે ન આવી એટલે મામા-મામી તો જતા રહ્યા .પણ મેં તારા મમ્મીને આ બધી જ વાત કરી અને હું તારી પાસે આવ્યો અને કૌશલે ફરીથી તેની બાહોં પસારતા પૂછ્યું.
“My love ,Will you marry me????”
અને કવિતા તેની બાહોંમાં સમાઈ ગઈ.
 
 
 
 
 
 
 
 
 

 

 

 

3 thoughts on “૩૬ -સંવેદનાના પડઘા- જિગિષા પટેલ

  1. પ્રિય પાત્ર શોધવા જતા મળતું નથી.એક કુદરતનો યોગ હોય છે. આવું સાચે જ થાય તો કેવી મજા પડે નહિ ?

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.