વાત્સલ્યની વેલી ૩૩) ફોસ્ટર બાળક ફલીસા !

ફોસ્ટર બાળક ફલીસા !
આપણામાં એક બહુજ સુંદર કહેવત છે: મા તે મા; બીજાં બધાં વગડાનાં વા!
પણ તમે ક્યારેય વિચાર કર્યો છે કે જે બાળકની મા જ ના હોય તેનું શું થતું હશે ?જેની મા મૃત્યુ પામી હોય કે ગરીબ હોવાથી કે કોઈ ગુનો કર્યો હોય તો જેલમાં હોય એવી મા ના બાળકોનું શું થાય છે?
હા , આમ તો બાળકને ઉછેરવાની જવાબદારી પછી બાપ સાંભળે !
પણ બાપ પણ પિક્ચરમાં ના હોય તો? એટલે કે બાપ જીવિત ના હોય અથવા તો જેલમાં હોય કે ક્યારેક પોતે કોઈ બાળકનો બાપ છે એની એને ખબર જ ના હોય: મા એ પોતાની પ્રેગ્નન્સીની વાત અને બાળકના જન્મની વાત બાપથી છુપાવી હોય- એવા સંજોગોમાં બાળકને કોણ સાચવે ?
કોણ ઉછેરે ?
આપણે ત્યાં તો મા બાપ વિહોણું બાળક નજીકનાં સગાંઓ કે દૂરના સબંધીઓ અંદર અંદર સમજીને ઉછેરે! દાદા દાદી કે મામા – માસી કે ફોઈ કે કાકાને ઘેર બાળક ઉછરે , ને મોટો થઈને પોતાનો જિંદગીનો રસ્તો પકડી લે !
લોક લાજે કે દયાની ભાવનાથી એ કપરો સમય જ્યાં ત્યાં નીકળી જાય! પણ એમાં કાંઈ ખોટું થાય- સગાં મારે કે ભૂખ્યો રાખે તો આડોશી પાડોશી વચમાં પડે અને મામલો થાળે પડે કે પછી જેવું બિચારા બાળકનું નસીબ !
પણ અહીં અમેરિકામાં વાત જરા જુદી છે!
ડી સી એફ એસ -Departmental if Children And Family Services આવા કેસોનું ધ્યાન રાખે. બાળકને સાચવનાર સગાં વ્હાલાંનું ઇન્સ્પેક્શન પણ થાય. એ લોકોયે જો પાછાં ડ્રગ્સ લેતાં હોય કે દારૂડિયા હોય તો બાળકોની કસ્ટડી તેમને ના મળે !
જો કે ઘણી વાર તેથી સગાં વ્હાલાં છોકરાને રાખે નહીં ! કારણકે વારંવાર એવી એજન્સીઓ ઘેર જોવા આવે તે કોને ગમે ?
છેવટે એ બાળકોને પછી સાવ અજાણ્યાં ફોસ્ટર હોમ કે ફોસ્ટર આશ્રમોમાં ( બોર્ડિંગ સંસ્થા ) મૂકવાં પડે ! તેથી એ બાળકો છેવટે કોઈ ઇન્સ્ટિટ્યુશન -સંસ્થામાં રહીને મોટાં થાય !
પણ તદ્દન અજાણ્યાં બાળકોને પોતાનાં ઘરમાં રાખવાં તે નાની સુની વાત નથી ;
ક્યારેક ક્યારેક અમારા ડે કેર સેન્ટરમાં આવાં ફોસ્ટર બાળકો પણ આવ્યાં છે. એક લેખમાં મેં ક્રિસ્ટોફર અને લુઈસની વાત લખેલી જેઓના શરીર પર – હાથે , પગે સિગારેટના ડામ હતા અને ડ્રગ્સના નશામાં મા બાપ ચકચૂર રહેતાં હતાં એટલે ગ્રાન્ડમાને બાળકોની કસ્ટડી મળેલી !
પરંતુ કોઈ જાતના સબન્ધ વિના પણ બાળકોને તમે તમારા ઘરમાં રાખી શકો. બદલામાં ગવર્મેન્ટ તમને બાળકનો તમામ ખર્ચ અને મા બાપને થોડા ( ૫૦૦-૭૦૦ ડોલર )દર મહિને આપે !
આ દેશમાં કમનસીબે અસંખ્ય બાળકો આવી રીતે ઉછરે છે!એમાં માનવતાની ભાવનાથી જ બધાં ફોસ્ટર પેરેન્ટ્સ બાળકોને રાખતાં હોય એવું નથી હોતું. તેથી બાળકોને શારીરિક કે માનસિક ત્રાસ થાય તેવું મોટાભાગના બાળકો સાથે બનતું હોય છે !
ફલીસા લગભગ પાંચેક વર્ષની હતી. એનાં પેરેન્ટ્સ વિષે અમને કે એનાં ફોસ્ટર પેરેન્ટ્સને – પાલક મા બાપને -પણ ઝાઝી ખબર નહોતી . પણ ફલીસા થોડી ડિસ્ટર્બ થયેલી છોકરી હોય તેમ અમને પહેલી મુલાકાતે જ લાગ્યું હતું . આ નવાં પેરેન્ટ્સને ઘરે હજુ આગલે જ અઠવાડીએ આવેલી . એ પહેલાં બિચારી ફલીસા કોઈ સામાજિક સંસ્થાના બોર્ડિંગ ઘરમાં રહેતી હતી!!
બિચારાં આ બાળકો કોઈ ઘરમાં સ્થાયી રહેવાં તડપતાં હોય છે! એ લોકો દર વર્ષે ઘર અને માં બાપ બદલીને થાકી જતાં હોય છે. ફોસ્ટર કેરમાં રહેતાં એંસી ટકા બાળકો ડિસ્ટર્બ્ડ વર્તન કરતાં હોય છે.
અમારાં ડે કેરમાં જયારે પણ એવો કેસ આવે ત્યારે બિચારાં એ બાળકની દયા ખાવા સિવાય , આંખમાંના આસું લૂછ્યાં સિવાય બીજું કશું જ હું કરી શકી નથી. તેનો મને અફસોસ છે . જયારે કુમળું બાળક હૂંફ અને પ્રેમ ઇચ્છતું હોય ત્યારે ઘર અને ગામ બદલવાનાં?ફલીસા બધાં બાળકોને કારણ વિના હેરાન કરતી . ગમે તે બાળકના રમકડાંથી બનાવેલ મહેલને તોડી નાંખે કે બનાવેલી પઝલને વિખેરી નાંખે કે કોઈના પુસ્તકમાં લીટા કરીને હેરાન કરે ! હાથ ધોવા માટે લાઈનમાં ઉભેલાં બીજા બાળકોને ધક્કા મારે !
માનસિક રીતે, લાગણીઓથી એ એટલી ઘવાઈ ગઈ હતી,પરેશાન થઇ ગઈ હતી કે કોઈની સાથે નિરાંતે પ્રેમથી વાતો કરવાનું તો એને ગમતુંજ નહીં !
પણ અમને એના માટે એક છુપી કૂણી લાગણી હતી . એમાં મને દૂર દેશમાં રહેતાં અમારાં એક સબંધીનાં સંતાનો દેખાતાં હતાં , જેમનો બાપ ગરીબાઈથી કંટાળી સાધુ થઇ ગામને મંદિરે બેઠો હતો! જો કે ગરીબ અભણ મા પોતાનાં બાળકોને માંગી ભીખી , મજૂરી કરીને ઉછેરતી હતી! ( મેં કહ્યું ને ; મા તે મા?)
એક દિવસ અચાનક ફલીસાએ મને કહ્યું કે એ હવે બીજા પેરેન્ટ્સને ઘેર જશે ! એ ખુબ ગભરાઈ ગયેલી હતી અને મોટેથી રડતી હતી.
“ ફલીસા, શું થયું ?” મેં એને ખોળામાં બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવતાં પૂછ્યું .
“ મારે અહીંથી બીજા ઘેર નથી જવું ! ભલે આ મમ્મી મને મારે અને મારી પાસે કામ કરાવે ! મને એનો કોઈજ વાંધો નથી!”
પાંચ વર્ષની ફલીસા એટલું સ્પષ્ટ બોલી શકતી હતી!! એ ગભરાયેલી હતી, પણ એને મારામાં પૂરો વિશ્વાશ હતો.
ચાઈલ્ડ એબ્યુઝ ની શંકાને લીધે ડી સી એફ એસ એ નિર્ણય લીધો હતો કે ફ્લીસએ હવે ત્યાં રહેવું સલામત નથી..ફલીસાની ફોસ્ટર મા, મેં પણ જોયું હતું કે એ વિચિત્ર હતી. મને પણ લાગતું હતું કે પાંચ વર્ષની કુમળી છોકરીને એ ઘરમાં હૂંફ કે પ્રેમ નહોતીજ મેળવતી . એનાં ઓળ્યાં વિનાના વાળ અને એક જ કપડાં વગેરે એની ચાડી ખાતાં હતાં. એટલે ડિરેક્ટર તરીકે મેં એનું હિત “બીજા ઘરે એ વધુ સચવાશે” એમ માન્યું અને ફલીસાને પણ એમ સમજાવ્યું ..
પણ આ બધું એટલું ગહન હતું કે આખી દુનિયા બદલવાનું અમારાં હાથની વાત નહોતી!
બાળકો આવે એટલે એમને એટલો સમય પ્રેમથી, સમજપૂર્વક ઉછેરવા : એટલું હું જરૂર કરી શકું ; એટલું જ અમે કરી શકીએ !
ફલીસા ગઈ પણ અમને ગમગીન કરતી ગઈ! મારે શું કરવાનું હતું? હું શું કરી શકી હોત? એ વિચાર મારા મનમાંથી ખસતો નહોતો .. વાત્સલ્યની વેલીનાં અનેક પુષ્પોએ મને લાગણીથી ભીંજવી છે! અનેક કળીઓએ તેમને ખીલવવા મને વધારે આગ્રહ કર્યો છે.. ક્યારેક મેં એક્સટ્રા – વધારે સંભાળ રાખી છે, ક્યારેક મારુ કર્તવ્ય બજાવીને જ સંતોષ માન્યો છે! ફોસ્ટર કેરનાં બાળકોની પરિસ્થિતિથી હું કાયમ (માનસિક ) રીતે હેરાન જ થઇ છું !
આ ફોસ્ટર બાળક હતું, પણ એક ફોસ્ટર કેરમાં ઉછરતી યુવાન છોકરી અમારે ત્યાં નોકરીએ આવેલી.. તેની વધુ ગમગીન વાત આવતે અંકે !

About geetabhatt

I started as a lecturer in Gujarati ( in India ) and running a Child care center in Chicago ( owner /director ) I love writing ( published a couple of books, a CD on lullaby ( gujrati halarda for little girls)free lance writer . Living between California and Chicag)
This entry was posted in ગીતાબેન ભટ્ટ, ચિન્તન લેખ, માહિતી લેખ, વાત્સલ્યની વેલી. Bookmark the permalink.

4 Responses to વાત્સલ્યની વેલી ૩૩) ફોસ્ટર બાળક ફલીસા !

 1. ગીતાબેન, અત્યંત હૃદયદ્રાવક વાત.
  ઘરમાં પૂરતો સ્નેહ મળતો હોય એવા બાળકોને પણ મા-બાપની બદલી થતાં જો સ્કૂલ, શહેર બદલવાનું આવે તો એમના માટે પણ સંજોગો સ્વીકારવા કપરા હોય છે ત્યારે માંડ એક પરિસ્થિતિમાં ગોઠવાતા બાળક માટે તો વારંવાર નવા સંજોગો અને તે પણ સુખદ હશે કે કેમ એની શંકા હોય ત્યાં જવાનું કેટલું ત્રાસદાયક લાગતું હશે ?
  ઈશ્વર એમની રક્ષા કરે…..

  Liked by 1 person

 2. ગીતાબેન , ખરેખર હ્રદયને હચમચાવી મૂકે તેવી વાત છે. મા-બાપ ના પ્રેમથી વંછીત રહેતા આવા બાળકોના મનની પરિસ્થિતિનો વિચાર કરતા જ દિલ રડી ઊઠે છે.તમારા આ લેખોથી અમેરિકન સંસ્કૃતિની ઘણી અજાણી વાતો જાણવા મળે છે.

  Liked by 1 person

 3. Pragnaji says:

  ગીતાબેન વાંચતા વાંચતા આંસુ આવી ગયા ….વાંચતી હતી ત્યારે અનેક એવા હાથો જાણે મને કહેતા ન હોય કે અમને પણ કુટુંબના પ્રફૂલ્લિત વાતારવણમાં પ્રેમ અને સમજદારીપૂર્વક ઉછરવાનો અધિકાર છે.

  Liked by 1 person

 4. geetabhatt says:

  Thank you friends ! Some 4-5 readers call me and talked about this article . ફોસ્ટર પેરેન્ટ્સ એ આપણાં સમાજમાં બહુ પ્રચલિત નથી – આ રીતે – પણ પ્રશ્નો તો છે જ . તેથી હવેના લેખમાં મોટાં છોકરા છોકરીઓ વિષે લખ્યું છે.. These are all true stories , only I changed the name to keep their identity closed

  Like

Leave a Reply to Jigisha Patel Cancel reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s