૩૫ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

મંચ પર ક્યાં પૂર્ણ ભજવાયો હતો હું, કોઈને કયાં સાવ સમજાયો હતો હું,
જે મળ્યાં કિરદાર, એ ભજવી રહ્યો છું,પાત્ર છું, દર પાત્ર બદલાયો હતો હું,
જીંદગી સંવાદ જેવી લાગતી’તી, મૌનમાં પણ ક્યાંક પડઘાયો હતો,
કૈંક ઈચ્છાઓ ઉગે છે અસ્તતામાં, રાતનો રંગીન પડછાયો હતો હું,
કોણ બોલ્યું આ? ક્યાંથી પડઘાયા આ શબ્દો? હજુ તો જાણે અહીં જ હતા અને અચાનક ક્યાં ખોવાયા આ શબ્દો?
આ શબ્દો, આ લાગણી કદાચ કોઈ એક અદાકારની જ નહીં રંગમંચને બોલકો કરતાં હર કોઈ એક અદાકારની હોઈ શકે ને? મોટાભાગે કોઇપણ અદાકારને પૂછો તો આ એક સર્વવિદિત લાગણીની વાત લાગશે. હર હંમેશ કોઇ એક એવું પાત્ર ભજવવાની એમને છેવટ સુધીની ઈચ્છા હોય છે જેનાથી એમનું નામ અમર બની જાય. શ્રેષ્ઠ પાત્ર ભજવ્યા પછી પણ કોઈ પાત્ર ન ભજવી શક્યાનો રંજ પણ રહી જતો હશે ?
એક વ્યક્તિ અનેક રીતે વ્યક્ત થયા પછી અને દરેક કિરદારે બદલાયા પછી પણ એમની ઈચ્છાઓ અધુરી રહી ગયાનો રંજ મનમાં લઈને અસ્ત પામતી હશે ?
ના…રે.. ક્યારેક કોઈ એક એવી વ્યક્તિની ઈચ્છાઓ એક આકાર લઈને, એક ક્યારેય ન ભૂલાય એવી યાદ બની રહેતી ય હોય છે. આવું જ એક ચિરંજીવ નામ, એક કાયમી સંભારણું બનીને નજીકના જ ભૂતકાળમાં ધરતીના પટ પરથી કાયમી વિદાય લઈને ચાલ્યું ગયું.
પણ આથમવાના અંતિમ સમય સુધી પણ એ નામ રાજાપાઠમાં જ જીવ્યું. એશીં વર્ષની ઉંમર પાર કર્યા પછી પણ દાઢી વધારીને, લાંબા રંગીન ઝભ્ભા પહેરીને, ખોડંગાતા દોઢ પગેય નાટક કરતા, નાટકના વિદ્યાર્થીઓ- કલાકારો સાથે ગોષ્ઠિ કરતાં અને ‘ઠીકરી  પારેખ’નો એકપાત્રી વેશ બનાવીને ભજવી આનંદ લેતા ‘રંગીલા રાજા’ના નામથી ખ્યાત જયંતિ પટેલની આ વાત છે અને આ એક નામથી એ થોડા ઓળખાય છે? એમના નામ સાથે તો લેખક-દિગ્દર્શક- નાટ્યકાર, કાર્ટુનિસ્ટ, ભવાઈકાર, ચિત્રકાર, યોગસાધકની ઓળખ પણ જોડાયેલી છે. ગુજરાતી રંગભૂમિ પર પ્રથમ વાર શતપ્રયોગી નાટક ભજવવાનું બહુમાન પણ એમને મળ્યું છે.
૧૯૪૭ -૪૮થી નાટ્યક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી પૈસા કમાવવા મંડપ સર્વિસ ચાલુ કરી ત્યારથી માંડીને એમની અનેક ખાટી-મીઠી યાદોને એમણે ખુલ્લા દિલથી વાગોળતા એમને ક્યાં કેટલી વાર માર ખાવો પડ્યો એ પણ કહેવામાં લહેજત એમણે લીધી છે. સમયથી પહેલાં સમયને પેલે પારની વાત લઈને ભજવેલા નાટકમાં રોષે ભરાયેલા પ્રેક્ષકોએ હૉલમાં તોડફોડ કરી હોય હૉલની બારીઓના કાચ ફોડી નાખ્યા હોય એ વાત પણ એમની પાસે સાંભળવા મળે ખરી હોં……કારણ? એ મહેફીલના માણસ હતા અને મહેફીલ તો ત્યાં જ હોય ને જ્યાં મન ખોલીને વાતો થતી હોય, જે કંઇ સારા- ખોટા અનુભવોને માણવાની મસ્તી હોય. એમણે તો અહંકારને ઓગાળીને આનંદ પામવાની, આનંદ વહેંચવાની કળા આત્મસાત કરી હતી. એમને નજીકથી જાણતી-ઓળખતી વ્યક્તિઓને વિશ્વાસ છે કે એમણે જે નવી દુનિયામાં પ્રસ્થાન આદર્યું છે ત્યાં પણ મોજ-મસ્તીની આબોહવા તો સર્જી જ હશે.
જયંતિ પટેલે ક્યારેક સાવ ખુલ્લા મનથી કરેલી વાતોનો એટલો સાર તો આપણે પામી જ શકીએ કે જીવનમાં દરેક ઘટનાઓ આપણે વિચારી હોય કે ગોઠવી હોય એવી જ રીતે ઘટતી હોય એવું જરૂરી નથી. જીવન એ કોઈ એક લેખકે લખેલી સ્ક્રિપ્ટ તો નથી જ ને ? એ તો નિર્ધારિત દિશાએ પહોંચતા પહોંચતામાં ક્યારેય ક્યાંક કોઈ વળાંક પર આવીને ફંટાઈ પણ જાય. જો એવું થાય તો પણ શું? ફરી એકવાર એ અનિશ્ચિત દિશાએ પણ આગળ વધવામાં ય એટલી જ ઉત્સુકતા હોવી જોઈએ. જીવન મોકળા મને જીવવાનું વલણ સ્વીકારી લઈએ તો હર એક પળ મોજભરી-મસ્તીભરી જ હોય એવું એ શીખવાડી ગયા. જ્યારે જે કિરદાર મળે એ ભજવી લેવાનું કહેતા ગયા.
 
કાવ્ય પંક્તિ – મુકેશ જોગી.
જયંતિ પટેલની યાદો
સૌજન્ય – રંગભૂમિના રંગભીના સંભારણા
Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

10 thoughts on “૩૫ -કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

  1. ખૂબ જ સુંદર લેખ. ધન્યવાદ.
    અહંકારને ઓગાળી આનંદ પામવાની અને આનંદ વહેંચવાની કળા, એક કલાકારની જિંદગીની આછી પણ ગહન ઝાંખી.

    Liked by 1 person

  2. રાજુ,વાહ,વાહ,બહુ જ સરસ ,જયંતિ પટેલના વ્યક્તિત્વનો ,તેમના વિચારોનો આબેહૂબ પરિચય તે આપ્યો.હ્રદયપૂર્વક
    અભિનંદન.મને તો જાણે મારા ઘરના હિંચકા પર બેસીને ,થિયેટરમાં તેમના થકી થયેલ તોફાનોની હસતાં હસતાં કરેલી વાતોની યાદ આવી ગઈ.

    Liked by 1 person

    • જયંતિકાકા હતા જ એવી જ વ્યક્તિ જે સાચે જ ગમતાનો ગુલાલ કરીને જીવ્યા.

      Like

  3. Reblogged this on રાજુલનું મનોજગત and commented:

    મંચ પર ક્યાં પૂર્ણ ભજવાયો હતો હું, કોઈને કયાં સાવ સમજાયો હતો હું,
    જે મળ્યાં કિરદાર, એ ભજવી રહ્યો છું,પાત્ર છું, દર પાત્ર બદલાયો હતો હું,
    જીંદગી સંવાદ જેવી લાગતી’તી, મૌનમાં પણ ક્યાંક પડઘાયો હતો,

    Like

  4. સરસ લેખ. ” જીવનમાં દરેક ઘટનાઓ આપણે વિચારી હોય કે ગોઠવી હોય એવી જ રીતે ઘટતી હોય એવું જરૂરી નથી. જીવન એ કોઈ એક લેખકે લખેલી સ્ક્રિપ્ટ તો નથી જ ” એકદમ સાચી વાત.

    તખ્તા પર આવી ઊભો છું, ને રોજ હું વેશ બદલું છું,
    સંવાદો કોઈ જ યાદ નથી, ને તોય હું રોલ ભજવું છું.

    વારાફરતી પાત્રો આવે, કોઈ ટકે, કોઈ વહી જાય છે,
    ક્યાંથી શરૂ ને ક્યાં ખતમ, વિચારી મનને મૂંઝવું છું.

    હસતાં, રડતાં, પડતાં, ઊઠતાં, મળેલ મંચને ગજવું છું.
    પડદો પડતાં, વેશ ઉતારી, અજ્ઞાત રહીને વિરમું છું.

    Liked by 1 person

  5. તમે જયંતીભાઈ પટેલ, નાટ્ય કલાકારની વાત કરી. તો આ રહી મારી કેટલીક સ્મૃતિઓ:

    જયંતિ પટેલનું એક નાટક ‘મસ્તરામ’ હું હાઈસ્કુલમાં હતો (૧૯૫૫) ત્યારે જોયેલું. તે પછી ૧૯૬૬માં એક મિત્ર દ્વારા રૂબરૂમાં મળ્યા. પછી મને કહે: ‘ચાલો ન્યુ યોર્ક નાટક જોવા જઈએ’. તે નાટક એપેરશન સ્ટાઇલનું
    મૂંગું અંધારામાં ભજવાય, જુદા જુદા રંગોની લાઈટોથી ઇફેક્ટથી પાત્રો આવે ને જાય. એ ઝેકોસ્લોવાકિયાનું નાટક યાદગાર હતું. તે પછી જયંતીભાઈ એમની પુત્રીને ત્યાં આવેલા વેસ્ટમોન્ટ, ઇલિનોયમાં, ૧૯૮૦માં. હું પણ એ જ ગામમાં. મારો સંપર્ક કર્યો. જૂની નવી ઘણી વાતો કરી.

    જયંતીભાઈ શોખીન ખરા. નવા પ્રયોગો જોવામાં રસ. નવું જાણવામાં રસ. મને કહે, તમારા મિત્ર સેમ પિત્રોડા (મારી નજીકમાં રહેતા) જોડે મુલાકાત કરાવો. મૅ કહ્યું હું ગોઠવીશ. પણ તે પહેલા તો એ જાતે જ જઈ આવ્યા. ખૂબ ઉત્સાહી જીવ.

    Liked by 1 person

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.