વાત્સલ્યની વેલી ૩૦) ધરમ કરતાં ધાડ પડી !સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !

સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !
કેટલાંક વાચક મિત્રોનો પ્રશ્ન હતો: શું શ્યામ સાન્તાક્લોઝનો બનાવ કોઈને આટલો બધો હચમચાવી દે ખરો? પણ વાસ્તવમાં એ તો ભોજનના છેલ્લા કોળિયા જેવું હતું: ઠાંસી ઠાંસીને ખાધા પછી હવે અજીર્ણ થયું અને બધું ઉલ્ટી થઈને બહાર આવ્યું ! અથવા તો પૃથ્વીનાં પેટાળમાં ચાલી રહેલો ઉલ્કાપાત છેવટે જ્વાળામુખી બનીને બહાર આવ્યો ! શરૂઆતનાં વર્ષોમાં આગળ વધવાની ધગસ અને અહીંની ભૂમિ સાથેની અસંગતતા, અને છતાં બે સંસ્કૃતિનું સર્વોત્તમ લઈને બાળકોનું સુંદર ડે કેર સેન્ટર બનાવવાની તમન્ના અને કુટુંબને પણ સાથે રાખીને આગળ વધવામાં જે સ્ટ્ર્સ હતો એનું જ એ પરિણામ હતું! કોઈએ સાચું જ તો કહ્યું છે કે ઝડપથી જવું હોય તો એકલા દોડો, લાંબે સુધી જવું હોય તો ( કોઈની ) સાથે ચાલો ! પણ મારે તો બધાંને સાથે લઈને ઝડપથી દોડવું હતું!

સંસ્કૃતમાં એક બહુજ સુંદર શ્લોક છે:
સુખસ્ય દુઃખસ્ય ન કઃ અપી દાતા
“ પરઃ દદાતિ” ઇતિ કુબુદ્ધિ: એષા!
(સુખ કે દુઃખ આપણે કોઈ આપતું નથી ! પારકાંઓ કોઈ મને દુઃખ આપે છે એમ માનવું ખોટું છે!)
અહમ કરોમિ ઇતિ વૃથા અભિમાન:
સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ!
( “હું” કરું છું એ પણ એક મિથ્યા અભિમાન છે ; વાસ્તવમાં આપણે જે રીતે વર્તીએ છીએ તેનું પરિણામ જ આપણે ભોગવીએ છીએ!)
અને એ છેલ્લું ચરણ ખરેખર સાચું હતું !
જે સ્ટ્રેસમાંથી અમે પસાર થઇ રહ્યાં હતાં એ ગમ્મે ત્યારે મને અકસ્માતમાં ધકેલી શકે તેમ હતાં!
બાળકો સાથે, બાળકો માટે, બાળકોનું કામ કરવામાં માત્ર સારી ભાવના હોવી એ જ પૂરતું નથી! એને માટે માત્ર ચોપડીયું જ્ઞાન જ પૂરતું નથી! અને માત્ર હાર્ડ વર્ક પણ અપૂરતું જ કહેવાય !
શરૂઆતનાં વર્ષોમાં સ્ટાફ સાથે જે કાંઈક વિચિત્ર બનાવો બન્યા એ વિષય પર પણ જરા પ્રકાશ નાખું:

બે સંસ્કૃતિના સંઘર્ષનું આ દ્રષ્ટાંત જુઓ !

ચારેક વર્ષની જેસિકા ડે કેરમાં છેલ્લા બે વર્ષથી આવતી હતી અને સરસ રીતે ભળી ગઈ હતી !
પણ એની મમ્મીને હવે નવી જોબ હતી એટલે એને રોજ સાંજ પડ્યે જેસિકાને લેવા આવવામાં મોડું થઇ જતું હતું! અમારું સેન્ટર છ વાગે બંધ થાય, પણ હવે રોજ જેસિકાને લીધે થોડી વધારે રાહ જોવી પડે ! મેં જોયું કે બપોરે પાર્ટ ટાઈમ કામે આવતી અઢારેક વર્ષની દલાયલા અને બાવીસેક વર્ષની જેસિકાની મમ્મી સારાં મિત્ર બની ગયાં હતાં અને શનિ રવિ પણ ક્યારેક સાથે જ પસાર કરતાં હતાં. બંને સ્પેનિશ બોલે એટલે પણ એમને આત્મિયતા બંધાઈ હશે !
આમ તો ટીચર્સ માટે બધાં જ બાળકો સરખાં જ હોવા જોઈએ ! એમાં કોઈ બાળક વધારે વ્હાલું હોય તો બીજા બાળકને ઓછું આવી જઈ શકે. વળી આ તો સાવ નાનાં બાળકો હતાં! એ કુમળા છોડને વાળીએ તેમ વળે ! એટલે બધાં જ બાળકો પ્રત્યે સમ ભાવ રાખવો જરૂરી કહેવાય.
પણ બાળ ઉછેરની ફિલોસોફી અને વાસ્તવિકતા વચ્ચે આપણે પ્રયત્ન કરીએ તોયે સહેજ તફાવત રહેવાનો જ! ડાહ્યાં અને શાંત બાળકો ટીચર્સને વધારે ગમે; અને તોફાની બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે,ને કેટલાંક તો વળી ઉત્પાત્યા હોય- બીજાં બાળકોને હેરાન જ કરતાં હોય એટલે એ બાળકો તો ટીચર્સને પોતાના વર્ગમાં રાખવાં પણ ના હોય! એટલે શાંત અને સમજુ જેસિકા પહેલેથી જ સૌની માનીતી હતી! જેસિકાની મમ્મી અને ટીચર હેલ્પર દલાયલાની મૈત્રી અમારાં ડે કેરે સેન્ટરને કોઈ રીતે વાંધાજનક લાગતી નહોતી .
જો કે મોટી કંપનીઓમાં તો અંદર અંદર સોસાયલાઈઝેશન કરવાની મનાઈ હોય છે; અથવા કમ્પનીના ક્લાયન્ટ્સ સાથે પર્સનલ સબન્ધ રાખવાની મનાઈ હોય છે ; સિક્યોરિટીને કારણે ! પણ મારાં મનમાં એવી વાતો ઉતરતી નહીં !બધાં હળીમળીને રહેતાં હોય તેમાં ખોટું શું ?
એટલે જયારે જેસિકાની મમ્મીએ મને પૂછ્યું કે રોજ સાંજે અઢાર વર્ષની ટીચર હેલ્પર દલાયલા સાથે જેસિકાને ઘરે મોકલી શકશો ? ત્યારે મેં ઘણાં આનંદ ઉત્સાહથી હા પાડી.
પણ પછી થોડા જ સમયમાં મુશ્કેલીઓ ઉભી થઇ! નાની ઉંમરની દલાયલા રોજ જેસિકાને લઈને સાંજે એને ઘેર લઇ જતાં લઇ જતાં, ત્યાંજ રાત રહેવા માંડી ! અમેરિકામાં તો અઢાર વર્ષની ઉંમરે એ લોકો સ્વતંત્ર નિર્ણયો લઈને માબાપથી જુદાં રહી શકતાં હોય છે! એટલે પછી તો દલાયલા હવે ત્યાં લિવ ઈન નેનીની જેમ રહેવા લાગી ! પણ લિવ ઈન નેનીને તો પૈસા આપવા પડે! જેસિકાની મમ્મીના મતે એ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી , તેથી એ ભાડું માંગે !
ઘણાં બધાં પ્રશ્નો અને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં! કોણ કોને માટે કેટલું કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા વિના ઘણી ગુંચવણ ઉભી થઇ! સારી ટીચર દલાયલાએ જોબ પર આવવાનું બંધ કર્યું , અને એ જ રીતે જેસિકાનું થયું !
એક વાર પોલીસ પણ વધારે માહિતી લેવા અમારે ત્યાં આવ્યાં!
આપણે ત્યાં દેશમાં તો મોટે ભાગે “ હશે, જે થયું તે થયું” કહીને વાત સમેટી લઈએ ! “ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો !” વડીલો કહે અને બધાં માનીયે જાય ! પણ અહીંયા તો બધ્ધું કાયદેસર થાય! એ બધી કડાકૂટ અને માથાઝીકમાંથી માંડ છુટકારો મળ્યો ! હા,એક સારી સ્ટુડન્ટ જેસિકા ગુમાવી ; અને નવેસરથી નવી ટીચર માટે છાપમાં જાહેરાત આપી ,નવેસરથી નવી ટીચર ખોળીને, એને એકડે એકથી ફરીથી ટ્રેનિંગ આપવાના મોટા કામમાં હું ગુંથાઈ ગઈ!

વાત્સલ્યની વેલીને ઉછેરવામાં આ અજાણ ભૂમિનાં અજાણ ખાતર પાણીએ અમને ઠીક ઠીક સાબદા કર્યા છે! કોઈને વધારે કલાકો કામ મળે અને બાળકને એક જ વ્યક્તિ સ્કૂલમાં અને ઘરમાં સાચવી શકે એવા ઉમદા ભાવથી લીધેલા એ પગલાએ અમને અનેક ગણી વધારે ઉઠબેસ કરાવી હતી! બાળકોને સતત સંભાળતાં સ્ટાફના ખુદના વાત્સલ્ય વેલની વધુ વાત આવતે અંકે !

‘ગુજરાત ગૌરવદિન’ નિમિતે ભજવાયેલ નાટક “અમે દેશી NRI” (એક અવલોકન)

 

 

 

 

 

 

 

 

 


‘ગુજરાત ગૌરવદિન’ નિમિતે તા. ૧૧ અપ્રિલ ૨૦૧૯ રોજે ICC ખાતે ભરચક (houseful) પ્રેક્ષકો વચ્ચે વિવિધ સુંદર કાર્યક્રમો, વિવિધ સંસ્થાઓએ, “બેઠક” સંસ્થાના નેજા હેઠળ રજુ કર્યા. યોજાઈ ગયેલ કાર્યક્રમો પૈકી ભજવાયેલ નાટિકા “અમે દેશી NRI” વિષે થોડું લખવાનું મન થાય છે.

ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સામાજિક, ઐતિહાસિક નાટકોનું બાહુલ્ય રહ્યું. કોમેડી (પ્રહસન) નાટકો ત્રિઅંકી નાટકોના એકભાગ તરીકે રજુ થતાં. ત્યાર પછી એકાંકી નાટકોમાં પ્રહસન (કોમેડી) મુખ્ય શૈલી તરીકે ઈલાયદાં લખાતાં રહ્યાં છે. એમ કહેવાય છે કે “ખડખડાટ અને ઘસઘસાટ” જીવનમાં જરૂરી છે. તે શારીરિક-માનસિક આરોગ્ય માટે જરૂરી ગણાય છે. ત્રિઅંકી નાટકો માટે ૩ થી ૪ કલાકનો સમય જોઈતો હતો. આજના ઉતાવળિયા અને ટેકનોલોજીના યુગમાં એકાંકી નાટકો પોતાનો સંદેશ સફળ રીતે સમાજ ને પહોચાડી શકે! જો સંક્રમણ નહીં તો તે સાહિત્ય નહીં (No communication, No literature) એ ન્યાયે ભજવાતાં નાટકોના લેખકોની જવાબદારી પણ ઓછી નથી. કેટલીકવાર નાટકો ના સંવાદ દ્વિઅર્થી બનાવીને સ્થૂળ ઘાસલેટી હાસ્ય ઉભું કરી સામાજિક સુરુચિ ભંગ કરી સાહિત્યિક લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. એવાં નકારાત્મક નાટકો કે સંવાદો કે વિવાદાસ્પદ અંગભંગ વર્જ્ય છે અને તેવાં નાટકો સમાજની ઉગતી પેઢી માટે નુકશાન કારક છે. આ વાત નાટ્યશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોની થઇ કહેવાય!

અમે દેશી NRI” – એક અવલોકન

ભરચક ICC ઓડીટોરીયમમાં તાળી અને હાસ્યની છોળો વચ્ચે ભજવાયેલ આ નાટકનું શીર્ષક જ ઘણું કહી આપે છે જેમાં દેશ અને NRI શબ્દો વતનથી વિખૂટાપણું દર્શાવે છે છતાં પણ તેમાં સામન્જય છુપાયેલ છે. વતનપ્રેમ અંગે ઘણાં બોલપટ, નાટકો, કવિતાઓ વગેરે આપણે જોઈએ છીએ પરંતુ ખાલી એક-બે કલાક માં જ હાસ્ય અને વતનપ્રેમ નું મિશ્રણ કરી અને નાટકને અંતે ચોટદાર સંવાદો ની રચના કરી વતન માટે હૈયું ભરાઈ આવે તેવો સ્વાભાવિક માહોલ ઉભો કરવા માટે નાટક ના લેખક શ્રીમતી પ્રજ્ઞાબેન તેમજ દીર્ગદર્શક શ્રી મૌનીક ધારિયા અભિનંદન ને પત્ર છે.

પ્રથમ પ્રવેશ થી જ આ નાટક પ્રેક્ષકો ઉપર પોતાની પકડ જમાવે છે. શ્રી શરદ ભાઈ (Nate ઉર્ફે નટુ) બિન્ધાસ્ત અને છેલ છબીલા NRI તરીકે તો જીગીષાબેન પટેલ (Jenny ઉર્ફે જીવી) ના પાત્રમાં પોતાના પુત્ર માટે ‘છોકરી’ પસંદ કરવા ના પ્રયાસોમાં ચોક્કસ લઢણથી સંવાદો રજુ કરી ને પ્રેક્ષકો ને ખડખડાટ હસાવે છે. આ નાટક સમય, સ્થળ અને અભિનય (Time, Place and Action) જાળવી શક્યું છે તેમ કથાવસ્તુ વહેવા ની સાથે સ્પષ્ટ થતું દેખાઈ આવે છે.

બીજા પ્રવેશમાં મુળચંદભાઈ (નરેન્દ્રભાઈ શાહ) તેમજ નીખીલ (અંબરીશ દામાણી) નાં પાત્રો પણ ટેલીફોનીક સંવાદથી એક પરિસ્થિતિ પેદા કરે છે. જેમાં નીખીલની (આજ ના મોટા ભાગ ના યુવાનોની) “છોકરી” ની પસંદગી પર કટાક્ષ કરી પ્રેક્ષકો માં હાસ્ય રેલાવે છે. આ બંને પાત્રો પ્રવર્તમાન બે પેઢી વચ્ચેના સામાજિક ખ્યાલો ને મુખરિત કરે છે. છેવટે, સેજલ (પારુલ દામાણી) નો એક-બે મિનીટ નો અદ્યતન યુવતી તરીકેનો વીજળીવેગી પ્રવેશ થતાં એક પ્રકરણ નો અંત આવે છે.

પરંતુ, નાટક નો સંદેશ અને ગુજરાતી ખુમારી તેમજ વતન તરફ નો ઉચ્ચ કોટી નો પ્રેમ અને તે પણ પૂરી સંવેદન શીલતા અને તેમાં પ્રયોજીત ઉચ્ચ પ્રકાર નાં સંવાદ તત્વ નો નમુનો છેલ્લા પ્રવેશ માં જોવા મળે છે. ગુજરાતી ભાષા ના મૌલિક ઊંડાણને સૂચવતા શબ્દો – “વેવાઈ” તેમજ “કન્યાદાન” થી અંગ્રેજી ભાષા પર થયેલ કટાક્ષ ગુજરાતી ભાષા ની સંપૂર્ણતા ને અભિભૂત કરે છે.

વિઝા કચેરી માં હાજર થયેલ – આનંદીબા (પ્રજ્ઞાબેન દાદભાવાળા), મુલચંદભાઈ (નરેન્દ્રભાઈ શાહ) તેમજ વિઝા ઓફિસર (મૌનીક ધારિયા) વચ્ચે ના સંવાદો માં વ્યક્ત થતું વતન તરફ નું ભારે ખેચાણ તેમજ દેશી NRI ના USA માં વિકાસશીલ અસ્તિત્વ ની ઝાંખી છટાદાર ભાષામાં વ્યક્ત થાય છે જે સમગ્રપણે નાટક ના સંદેશ તત્વ ને જીવંત અને દેદીપ્યમાન બનાવી પ્રેક્ષકો ને ગુજરાતી હોવાની ધન્યતા અને ગૌરવ પ્રદાન કરે છે! નાટક ના લેખક અને મંચન માટે,માઈકની ખામી હોવા છતા  ઉચ્ચ પ્રકાર ની અભિનય ક્ષમતા માટે પ્રજ્ઞાબેન દાદભાવાળા ધન્યવાદ ને પાત્ર છે.નેપથ્યમાં સંગીતે નાટક ને ઓપ આપ્યો છે. તે માટે આશિષ વ્યાસ અને શિવમને અભિનંદન .

(અરૂણકાંત અંજારીઆ)

૩૩ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

આકાશી આંબાને આવ્યો છે મોર અને છે જળબિલ્લોરી

ચાંદાની આંખોમાં છલક્યો તોર અને છે જળબિલ્લોરી.

વરસાદે ભીંજાતા- ન્હાતા છોરાં શો કલશોર મચાવે,

કે ન્હાવા આવે તડકો થૈને ચોર અને છે જળબિલ્લોરી

આજ સુધી મનમાં વૈશાખી બપોરની એક કલ્પના હતી..ધોમધખતો, બળબળતો, શરીરને અડે તો ય તતડી જવાય એવો તાપ. ઘરની બહાર નજર પડે ને આલ્સ્ફાટની સડકોની ગરમી આંખને દઝાડે. જાણે દુર્વાસાના ક્રોધે માઝા ન મુકી હોય એમ પ્રકૃતિ પણ એના પૂર્ણ રૌદ્ર સ્વરૂપે બધુ બાળીને ભસ્મ કરવા ભભૂકતી હોય. આભની અટારીએથી લૂ વરસતી હોય અને ધરતીના પેટાળમાં જાણે લાવા ખદબદતો હોય. સૂર્યદેવની પ્રચંડ ગરમીથી દાઝેલા વૃક્ષો પણ જાણે ઊનાઊના નિસાસા જેવા વૈશાખી વાયરા વિંઝતા હોય. કાકા સાહેબ કાલેલકરે તો એટલે સુધી કહ્યું છે કે ભેંસો દૂધ દોહરાવતી વખતે જેમ આંખો બંધ કરીને નિસ્તબ્ધ ઊભી હોય એમ ઉનાળાનું આકાશ તડકાની સેરો છોડતું ઊભુ રહે છે. દિવસોના દિવસો સુધી આસપાસ ઘુમારાયા કરતો અસહ્ય ઉકળાટ અને વાતાવરણનો બફારો……બાપરે !

જો કે એ ઉનાળાનો તાપ સહીને પણ લૂમેઝૂમે લચી રહેલા એ ફૂલો પણ એવા જ સાગમટે યાદ આવ્યા. કેસૂડો લહેરાય અને ઉનાળો આવે છે એની આલબેલ સંભળાય. એ પછી તો ગુલમહોર, ગુલતોરા અને પીળો ધમરક ગરમાળો, એક બાજુ લાલ પીળા રંગોની છટા અને બીજી બાજુ શ્વેત પણ ખોબામાં લઈને ભગવાનના ચરણે મુક્યા પછી ય ખોબામાં એની સુગંધ વેરતા જાય એવા મોગરા, રાતે  મન મુકીને મહેંકી ઊઠતી રાતરાણી, મધુમાલતી અને મધુકામિની, જૂઈ અને જાસુદ, બારે મહિના ખીલી રહેતી બારમાસી… ધગધગતા ઉનાળાની સાથે પણ કેટ-કેટલી મઘમઘતી યાદો જોડાયેલી છે નહીં?

કેટલાક વર્ષો પહેલાના એવા દિવસોની યાદ આવે ત્યારે એક જ ક્ષણમાં તખ્તો બદલી નાખતી અહીંની ઋતુ સાથે આપોઆપ સરખામણી કર્યા વગર મન ઝાલ્યું રહે ખરું? વૈશાખી વાયરા કોને કહેવાય એ અહીં રહેતા, ઉછરતા બાળકોને શી રીતે સમજાવી શકાય?

મે મહિનામાં ય શીતળતા રેલાવતા આકાશી ગોખમાં છેલ્લા કેટલાય દિવસોથી સૂર્યનારાયણે દેખા જ ક્યાં દીધી છે? અજબ ગજબની અહીંની પ્રકૃતિ છે. હજુ તો હમણાં જ જાણે ઠુંઠા બાવળ જેવા દેખાતા પેલા ઊંચા ઊંચા વૃક્ષો તો જાણે જાદુગરે જાદુઈ છડી ફેરવી ના દીધી હોય એમ અચાનક જ લીલાછમ બનીને મહોરવા માંડ્યા. હજુ તો હમણાં જ જાણે ઘરથી થોડે દૂર દેખાતો રસ્તો અને એના પરથી પસાર થતા વાહનો ય જોયા જ છે સ્તો અને બસ અચાનક જ બે ચાર દિવસમાં  તો એ રસ્તાની આડે લીલોછમ પડદો લહેરાયો અને એની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક જગ્યા શોધીને ફૂટી નિકળેલા પેલા લાલ, પીળા, કેસરી ટ્યુલિપ અને ઠંડા મઝાના વાયરામાં પ્રસન્નતાથી લહેરાતા ડેફોડીલ જોઇને તો મન પણ પ્રસન્ન…….જાણે કોઈ કુશળ ચિત્રકારે પીંછીના લસરકાથી ઈઝલ પર ગોઠવેલા કેન્વાસનું આખેઆખું સ્વરૂપ ના બદલી નાખ્યુ  હોય! પ્રકૃતિની આ કમાલ જોઈને જ તો મનમાં કોઈ એક વણદેખ્યા કલાકારની હાજરી વર્તાય છે ને?

વૈશાખની એ ઊના ઊના દિવસોથી સાવ અલગ અહીંનું વાતાવરણ… જાણે બે અલગ જ ઋતુ. અહીંનો વરસાદે ય મનમોજી, એને તો કોઈ ઋતુની પાબંદી ક્યાં નડી છે? એને ક્યાં કોઈ નિયમો નડે છે? એ તો ત્યારે ય ગોરંભાયેલો જ હતો અને એકદમ ધમાકાભેર એ વરસી પડ્યો  અને વરસતો જ રહ્યો અને એ પછી તો એથી ય વધુ આશ્ચર્યની વાત એ બની કે કેટલાય દિવસથી ન દેખાતા સૂર્યનારાયણે પણ અચાનક દેખા દીધી. એ દિવસ સુધીના ઘેરા રાખોડી આકાશનું ઓઢણું હળવેકથી ખસેડીને, ઘેરાયેલા ગગનની ગંભીરતા છેદીને તડકો ય ફૂટી નિકળ્યો. વરસાદની વાછટમાં ભીંજાવાની રાહ જોતા બાળકો જેમ જરાક અમસ્તી છૂટ મળે અને કેવા કૂદી પડે એવી જ રીતે ભીંજાવા દોડી આવેલા બાળકોની જેમ તડકાએ પણ વરસાદમાં ન્હાવા દોટ મુકી. એને જોઈને પેલા લીલાછમ વૃક્ષો ય રાજી રાજી થઈને ચમકી ઊઠ્યા. એમની ચમકદમકથી આખું વાતાવરણ જાણે ઉજ્જવળ-ઉજ્જ્વળ..અને એ જલબિલ્લોરીની સાથે મન પણ બિલ્લોરી .

કાવ્ય પંક્તિ ઉષા ઉપાધ્યાય

Rajul Kaushik
http://www.rajul54.wordpress.com

ગુજરાત ગૌરવ દિવસનો અહેવાલ -તરુલતાબેન મહેતા

‘અમે એવા ગુજરાતી  અમે એવા ગુજરાતી,

જેની અમે ગુજરાતી એ જ વાતથી ગજગજ ફૂલે છાતી ‘

સૌને ગુજરાત ગૌરવ દિનની હાર્દિક શુભેચ્છા !

                 બે એરિયા ગુજરાતી સમાજ નોર્ધન કેલિફોર્નિયા યુ.એસ.એ.દ્રારા  11મી મે 2019ને શનિવારે  ‘ગુજરાત ગૌરવ દિવસ ‘  ની  અનેરી ઉજવણી થઈ.આ કાર્યક્રમનું સુંદર રીતે સંચાલન અને આયોજન ‘બેઠક ‘દ્રારા ‘થયુ હતું .’બેઠક ‘ એટલે ગુજરાતની સઁસ્કૃતિ અને ગુજરાતી ભાષાને પ્રાણ પૂરી સંવર્ધનના સતત  પ્રયત્નો કરતી સંસ્થા ,જેના સઁચાલક પ્રજ્ઞાબેન દાદભાવાળા તથા તેમને સહાયક  કાર્યકરો રાજેશભાઈ , કલ્પનાબેન રધુ તથા નિસ્વાર્થભાવી સ્વંયસેવકોના  અથાક  પ્રયત્નોથી ‘ગુજરાત ગૌરવ દિનની ‘ યાદગાર ઉજવણી થઈ .  સૌને સલામ !
                  ગુજરાત ગૌરવ દિનનો ઉત્સવ ઉજવવા એકત્ર થયેલા  ગુજરાતીઓ કર્મભૂમિ અમેરિકામાં વસવાટ કર્યા છતાં માતૃભૂમિના ઋણને અંતરથી વીસર્યા નથી. સૌ ગુજરાતીઓ ઉમંગથી બે એરિયાના આઈ.સી.સી .કેન્દ્ર મીલ્પીટાસમાં 11મી મેં શનિવારે સવારે  સમયસર આવી ગયા હતા . પરદેશી ભૂમિને પોતાની માની પુષ્પોથી મહેકાવી અને મીઠાં ફળોનું દાન કરતા ગુજરાતીઓ  માના પ્રેમનું ગૌરવ વધારી રહ્યા છે .
  લો,  જુઓ આ રૂડો માહૌલ !  ગુજરાતણનો ગુજરાતી સાડીનો ઠસ્સો અને ખમીરવંતી છાતીવાળા પુરુષો ઝભ્ભો પેન્ટ અને બન્ડીમાં શોભતા  પ્રેક્ષકગૃહની અંદર બહાર ચહલપહલ કરી રહ્યા હતા. .સ્વયંસેવકોએ મહેમાનોને  હસીને આવકારો  આપ્યો . માતૃભાષા ગુજરાતીના મીઠા ટહૂકાનો આનન્દ  સૌની વાતચીતમાં છલકાતો  હતો . મિત્રો,સ્વજનોનું આ સ્નેહ સંમેલન અદ્ભૂત કહેવાય! નદીની રેતમાં રમતા પોતાના નગર કે ગામને પાદરે આવ્યાની ‘હાશ ‘ અનુભવતા   સૌ આજના સાંસ્કૃતિક કાર્યક્રમ માટે ઉત્સુક હતા.  છેલ્લાં તેર વર્ષથી ગુજરાત દિનની ઉજવણીના   વિવિધ કાર્યક્રમો ગુજરાતીઓ રંગતથી માણે છે.
ખાસ મહેમાનઃ Karina R. Dominguez, Vice Mayor,Smt. Sumati Saksena Rao, Consul(Community Affairs, Information & Culture)

સવારે 9થી 12 વાગ્યા સુધીના મનોરંજન અને બે એરિયાના મહત્વના વ્યક્તિઓની માહિતીથી સભર ગુજરાત ગૌરવ દિનનું સોવિનયર હાથમાં લઈ સો વિશાળ પ્રેક્ષાગારમાં પડદો ખૂલવાની પ્રતીક્ષા કરતા હતા.આ સોવિનયર કલ્પનાબેન અને રઘુભાઈ ની મહેનત થી તૈયાર થયું   ગુજરાત દિનની  પત્રિકા કે સોવિનયરરૂપી સંભારણું આવતા વર્ષ પર્યન્ત ગુજરાતી વાચનના રસિયા મમળાવતા રહેશે. સૌ ગુજરાતીઓને સ્વ સમાજ વિષે જાણવાની જિજ્ઞાસા તો હોય ને! તેમજ બધાના ફોટા રઘુભાઈ શાહ એ પાડી આખા સમાંરમને તસ્વીરમાં કાયમ માટે યાદગાર બનાવી દીધો.

 

008
મનોરંજન કાર્યક્રમ અનેક સંસ્થાઓ તથા ગ્રુપના સહકારથી થયો હતો.. પ્રથમ  શરૂઆત સમૂહપ્રાર્થનાથી થઈ.સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા — ભૂમિ રાવલ, ભાર્ગવ રાવલના નેતૃત્વ હેઠળ ગ્રુપમાં પ્રાર્થના પ્રસ્તુત કરી નાનામોટા સૌએ સૂરમાં ભાવપૂર્ણ પ્રાર્થના ગીત ગાયું ,કાર્યક્રમનું સંચાલન કરતા પ્રજ્ઞાબેન દરેક સંસ્થાના કલાકારોના નામ બોલી ઓળખ આપી. સરગમ ગ્રુપે ગુજરાતનું ગૌરવ ગાથા પ્રસ્તુત કરતુ કવિ નર્મદનું ગીત પ્રસ્તુત કરી આજના ગૌરવ દિવસમાં ઉત્સાહ વધાર્યો, બે એરીયા વૈષ્ણવ પરિવાર માં સરગમ સંગીત ગુપ ચાર વષઁ થી સંગીત ની સેવા આપે છે. શશિકાંત વ્યાસના ના માગદશઁન હેઠળ પલક  વ્યાસ  ગાયકી, આશિષ વ્યાસ તબલા અને શિવમ વ્યાસ હામોનિયમ સંગત સાથે સંગીત શિખવાડે છે. તો શારદા સ્કૂલ ઓફ સંગીતના સુરમય ગીતોથી સૌના મન ડોલી ઊઠ્યા.આણલ અંજારિયા અને અચલ અંજારિયા નવીનતા સભર સંગીત લઈને આવ્યા છે.ગુજરાતી સંગીત ને નવા રંગ રૂપે માણવાની પણ એક મજા છે.આણલ બાળકોને સંગીત શીખડાવે આણલ અંજારિયા, સંગીત શિક્ષા વિશારદ છે.તેમના માર્ગદર્શન હેઠળ બાળકોએ ખુબ સુંદર રજૂઆત કરી ગુજરાતી ભાષા નવી પેઢીના હાથમાં સુરક્ષિત છે તે પુરવાર થયું.
ગરબા વગર ગુજરાતી  અધુરો છે.ગુજરાત ગૌરવ દિવસ એટલે ગુજરાતની અસ્મિતાને ઉજવવાનો દિવસ હીનાબેન અને રીનાબેન દેસાઈએ તેમના સહિયર ડાન્સ ટ્રુપ સાથે ગરબા અને રાસની રમઝટ બોલાવી, રીનાબેનની આ સંસ્થા દ્વારા ગુજરાતની કળા અને સંસ્કૃતિના વારસાને ફેલાવી વાઇબ્રન્ટ ગુજરાતી સંસ્કૃતિને  ગતિમય રાખે છે.
સૌથી ઉત્સાહભરી રજૂઆત તો ટ્રાય વેલી સિનયોર ગ્રૂપના સિનિયરોની રહી, એક હાસ્ય સભર ગુજરાતી કવ્વાલી રજૂ કરી મનોરંજન પૂરું પાડ્યું .સીનયરના મુખે ગવાતી કવાલીના શબ્દો ‘અમે  આશિક રે ‘થી પ્રેક્ષકો રસમાં તરબોળ થઈ કાર્યક્રમને માણતા હતા.ઘડપણ બહુ જ દોહ્યુલું હોય છે.માણસ સાહીઠ વર્ષ વટાવે પછી બલ્ડપ્રેશર , ડાયાબીટીસ , વા , કોલેસ્ટ્રોલ , બાયપાસ સર્જરીજે બધું જાણે વણ માગ્યા મહેમાનની જેમ આવે છે. પરંતુ આ વાસ્તવિકતાને સ્વીકારતા આપણા સિનિયરો પોતાના જીવનને સંગીત દ્વારા લીલું છમ રાખ્યું .આ કવાલ્લીના રચયિતા છે,મેઘલતાબેન મહેતા
          ત્યારબાદ વાર્ષિક સન્માન અને પુરસ્કાર માટે માનવંતા મહેમાનો સ્ટેજ પર  આવ્યાં . મુ.સુરેશભાઈ પટેલ અને મુ.શાન્તાબેન પટેલને હસ્તે નામાંકિત સિદ્ધિ હાંસલ કરનારા સૌને ઍવોડઁ આપવામાં આવ્યા. વાઇસ મેયર કરીના ડૉમિનગેઝ અને શ્રીમતી સુમતિ સક્સેના રાવ (કન્સલ્ટન્ટ કોમ્યુનિટી ઑફ એફેર ઈન્ફોરમેસન અને ક્લચર)આ કાર્યક્રમમાં પધારી ગુજરાતી સમાજને પ્રોત્સાહન આપ્યું.શ્રી નઁદશઁકર શાસ્ત્રીનો ,શ્રી રમેશભાઈપટેલ શ્રી અને શ્રી મતિ બનઝારાનો   શ્રી નેમિષ અનારકટનો સુપેરે પરિચય કલ્પનાબેન રધુ તથા રાજેશભાઈ શાહ દ્રારા અપાયો.
              સૌ આતુરતાપૂર્વક  રાહ કોની  જોતા હતા? નાટકની  . રંગમંચ પર પ્રસ્તુત થયું  ગુજરાતી નાટક ‘અમે દેશી એન.આર.આઈ ‘.  રંગભૂમિનો પડદો સરરર કરતો ખૂલી ગયો ને પ્રેક્ષકો તાનમાં મચલી ઉઠ્યા.વાહ શું સ્ટેજની સજાવટ ! પૂજા કરતી ગૃહિણી શ્લોકોથી
વંદના કરતી ફરતી દેખાઈ .જીવી અને નટુ  દીકરાના લગ્ન માટે આકાશ-પાતાળ ને બદલે પૂર્વ ને પશ્ચિમને એક કરતા  સર્વે કન્યાની શોધ કરી રહ્યા છે.અમેરિકન  સીટીઝન દીકરો લગ્નની વાતથી ભડકે છે.પણ મોમની લાગણીને ખાતર છેવટે દાદીમાની વાત માની કન્યાને જોવા તૈયાર થાય છે.પૌત્રના લગ્ન માટે અમેરિકાના વીઝા માટે  કૉન્સોલન્ટમાં   પહોંચેલા આનંદીબા અને વેવાઈનું દશ્ય એટલે હાસ્યની લ્હાણી સાથે ગુજરાતની અસ્મિતા અને ગૌરવ. હાસ્યપ્રધાન નાટકનો ગુજરાતીઓના ગૌરવનો સંદેશ પ્રંશસનીય છે.નાટકના દરેક દ્રસ્યો હાસ્યથી ભરપૂર છે.સંવાદો દિવસો સુધી લોકો યાદ કરી હસે તેવા.
           ‘બેઠક રંગમંચનાં સર્વ કલાકારોએ  શરદભાઈ દાદભાવાળા ,જીગીષા પટેલ ,અંબરીશ દામાણી ,પારૂલ દામાણી ,પ્રજ્ઞા દાદભાવાળા ,યતીન ત્રિવેદી, મૌનીક ધારિયા,નરેન્દ્ર શાહે  પાત્રને અનુસાર ઉત્તમ અભિનય કરી નાટકને અથ થી ઇતિ રસપ્રદ બનાવ્યું છે.અભિનેતા અને અભિનેત્રીઓએ પાત્રોને જીવંત કર્યા છે.મૌનીક ધારિયા પ્રથમવારના દિગદર્શક તરીકે સફળ રહ્યા .હર્ષા ત્રિવેદીએ મંચ સુંદર સજાવ્યો.  નાટકના લેખિકા અને આર્ટ દિગદર્શક અને કલાકાર પ્રજ્ઞાબેન દાદભાવાળાને અભિનન્દન। એમના આનંદીબાના પાત્રને ‘દુબારા કહેવાનું મન થાય તેવું નાટક હતું પણ સમયની ઘન્ટડી વાગી .
       રાજેશભાઈ શાહે આભારવિધિ કરી.રેણુબેન અને રાજેન્દ્રભાઇ વખારિયાના સૌજન્યથી લોબીમાં લન્ચ-બોક્સનું વિતરણ થયું. પૂરી અને શ્રીંખન્ડના આસ્વાદમાં ભળ્યો હતો નાટકનો રસ.આવનાર ગુજરાત ગૌરવ દિનની ચાતકની જેમ રસિયા ગુજરાતીઓ પ્રતીક્ષા કરશે. સૌને ખૂબ અભિનન્દન અને શુભકામના!
જય જય ગરવી ગુજરાત સદા ઝળહળતી રહે જ્યોત  !!!
તરૂલતા મહેતા 2019 ગુજરાત દિન 
(પ્રારંભની વિનોદ જોશીની પઁક્તિ ફેરફાર સાથે છે)

પ્રેમ એક પરમ તત્વ ૨૭ઃ જાત સાથે પ્રેમ.સપના વિજાપુરા

આત્મા પરમાત્મા છે. આપણે એક પરત્માનો અંશ છીએ.આપણું શરીર એક મંદિર છે અને આત્મા એમાં વસતો ઈશ્વર છે. તો પછી આપણે આપણા મંદિરની કાળજી લેવાની કે નહીં? યુવાની આવતા અલ્લડપણું આવી જાય છે. દરેક વસ્તુની અવગણના કરતા શીખી જઈએ છીએ. બેફિકરાઈ થી દરેક વસ્તુને માપીએ છીએ. એમાં આપણું શરીર પણ આવી જાય છે.ભગવાને દીધેલી આ અણમોલ ભેટને આપણે સાચવી શકતા નથી.ધીમે ધીમે ઉંમર વધતી જાય છે. જે તબક્કામાં લગ્ન થાય છે. જિમ્મેદારી વધી જાય છે. હવે આપણે તનતોડ મહેનત કરીએ છીએ. આ ‘તનતોડ’ શબ્દમાં ‘તન’ આવે છે જે આપણા શરીર માટે છે આ તનતોડ મહેનત ફરી એકવાર ભગવાને આપેલી એ અમૂલ્ય ભેટને રેંસી નાખીએછીએ. પછી બાળકો થાય છે, એના ભવિષ્યના પ્લાંનિંગ માં પ્રૌઢાવસ્થા ગુજરી જાય છે. શરીર પ્રત્યે કોણ ધ્યાન આપે? ફરી આપણે આપણા મંદિરની અવગણના કરીએ છીએ!
હવે આવ્યો જિંદગીનો અહમ હિસ્સો એ છે વૃદ્ધાવસ્થા!! હવે સ્વાસ્થ્ય બગાડવા માંડ્યું. હવે ડાયાબિટિસ બ્લડપ્રેસર, થાઇરૉઇડ જેવા રોગના ભોગ બની ગયા. પહેલેથી  પ્રકૃતિ આળસુ તો હતી હવે રોગના બહાના મળ્યાં.જિંદગીભર કસરત વ્યાયામ કર્યા નહીં, હવે ક્યાંથી શરીર ચાલે? આપણે કામ અને લોકોને ખુશ કરવામાં જિંદગી કાઢી નાખીએ છીએ,પણ ક્યારેય આપણા દિલમાં થાય છે કે ઈશ્વરે જે મને અદ્ભુત ભેટ આપી છે એની પણ હું કાળજી લઉં?એક સાચી અને કડવી વાત છે કે કોઈને પડી નથી કે તમારી તબિયત તમારું સ્વાસ્થ્ય કેવું રહે છે, એની ફક્ત તમને અને તમને  પડી હોવી જોઈએ.ખાલી દેખાવ માટે નહીં કે હું કેવી દેખાવ છું જાડી કે પાતળીપણ એટલા માટે કે આ મંદિરની જવાબદારી તમને સોંપવામાં આવી છે. અને તમે શરીરના દરેક પુર્જાની સંભાળ એ રીતે રાખો જે રીતે મંદિરની સંભાળ પૂજારી રાખે છે.

આમ કરવાથી વૃદ્ધાવસ્થામાં તમારા બાળકોને ઓછામાં ઓછી તકલીફ આપશો અને બાળકો પણ ખુશ થશે કે માતાપિતા તંદુરસ્ત છે.અને બુઢાપામાં બેઠાડું જીવનથી આવતી બીમારીઓને પણ અવગણી શકશો. આ જંગ જવાની થી  ચાલુ થવી જોઈએ. નિયમિત જીવન, નિયમિતઆહાર, નિયમિત વ્યાયામ એ જીવનનો એક ભાગ હોવો જોઈએ. ટી વી સામે બેસી ભોજન કરતા માણસોને કહેવાનું કે ટી વી સામે બેસીને વ્યાયામ પણ થાય છે.અને તમારી જાતને દરેક જાતના માનસિક દબાણથી અને નિરાશાથી પણ દૂર રાખો.

આજ્કાલ યુવા પેઢી પોતાના શરીર માટે જાગૃત થઈ ગઈ છે. જીમ મા જાય છે પોષ્ટિક ખોરાક લે છે એમાં મોટે ભાગે ઓર્ગેનિક આહાર હોય છે. જીવનમાં નિયમિતતા પણ રાખે છે. ત્યારે ખરેખર આ યુવા પેઢી માટે ગર્વ થાય છે.આપણું શરીર જેટલું સ્વસ્થ રહેશે એટલું આપણું મન આધ્યાત્મિકતા તરફ વળશે.

પત્ની,પતિ બાળકો અને માં બાપ કરતા પણ તમારા શરીરને વધારે પ્રેમ કરો. ખબર નથી આપણે કેટલું જીવવા ના છીએ પણ જેટલું જીવીએ એ તંદુરસ્તી સાથે જીવીએ. તમે અને ફક્ત તમે  તમારા શરીર માટે જવાબદાર છો, જેથી તમારા શરીરને સૌથી વધારે પ્રેમ કરવાની જવાબદારી પણ તમારી છે.યોગા, વ્યાયામ, યોગ્ય ઉંઘ અને યોગ્ય આહાર ખાઈને આ મંદિરને મજબૂત અને અણિશુદ્ધ રાખો.

જે લોકો પોતાની જાતને પ્રેમ કરતા નથી એની હાલત કેવી થાય છે! ઘણીવાર દુનિયા તરફથી મળેલા દુઃખ અને નિરાશા માણસને પોતાની જાત સાથે નફરત કરતા કરી દે છે. વ્યક્તિ પોતાના જીવનનો અંત પણ લાવવા માગે છે. આજકાલની તણાવ વાળી જિંદગી વધારે પડતું પ્રેશર પોતાનેબધા કરતા ઊતરતા સમજવા લાગે છે અને ઈશ્વરે આપેલી આ મહા મૂલ્ય ભેટને બલી ચડાવે છે.જે  ખૂબ મોટો ગુનો કરે છે. ફકત ઈશ્વરનો નહીં પણ પોતાના સગાંવહાલાં નો પણ ગુનો કરે છે. કારણકે આપઘાત એ અપરાધ છે.ઈંગ્લિશમાં એક કહેવત છે.” LOVE THY SELF’કદાચબાઈબલનું વાક્ય છે. તમારી જાતને પ્રેમ કરો.આ પ્રેમ પરમ   કહેવાય કારણકે જાતને પ્રેમ કરશો તો દુનિયાના બીજા સંબંધોને પ્રેમ કરી શકશો.સદા મુસ્કુરાતા રહો અને સવારે ઊઠી દર્પણ સામે જોઈને કહો કે“હું મને પ્રેમ કરું છું.” આ હું પણ કહું છું કે ,” સપના, હું તને પ્રેમ કરું કરું છું.”

સપના વિજાપુરા

વરસાદ શબ્દો બની ટપકે તો

             ગઈ કાલે વરસાદે મને ચોમાસું યાદ કરાવી દીધું …ભર ઉનાળે જાણે મોસમ બદલાઈ ..કોઈ પ્રેમિકાની વાત જાણે કોઈએ સાંભળી લીધી ન હોય! મારું મન શરમાઈ બોલી ઉઠ્યું. આમ ખોબો ભરીને વરસો તો સારું લાગે છે હો!
પણ અમેરિકાની આ ઠંડી જાણે બધું થીજવી નાખે છે.ભાગ દોડ,નોકરી મોરગેજ, વીજળી અને પાણીનું બિલ….આમાં મોસમ પણ શું કરે ? જ્યારથી અમેરિકા આવી છું.ત્યારથી વરસાદનો આનંદ ઉત્સવ પહેલા જેવો હવે નથી રહ્યો બસ વરસાદ એક ખરાબ મોસમ બનીને રહી ગયો.  પણ સાચું કહ્યું હજી માણેલો વરસાદ ભૂલાતો પણ નથી.બાળપણમાં વરસાદ નામનો આનંદ જાણે કે ઉત્સવ,મેઘરાજાની પધરામણી થાય અને માસુમ હથેળીઓ જીલે ચોમાસું,પગ માટે છમછમ સરવર, પછી ગગન ગરજે અને મોરલા ટહુકે અને માથે ચમકતી વીજ બસ પછી પુછવું જ શું ?મને યાદ છે કોલેજના આ દિવસો.. વરસાદ ની હલકી બુંદો, પડે મારા ચહેરા પર અને પછી ધીરેથી સરકે મારા ગુલાબી હોઠ પર અને રૂ જેવા પોચા મારા ભરાવદાર ગાલ પરથી ટપકી મને ભીંજવી મુકે, અંગ અંગ ને …જાણે સ્પર્શી જાય એ બેશરમ વરસાદ. આહા ! કેવુ રોમેન્ટિક….. રોમેન્ટીક….બસ આવું જ ગઈ કાલે આંખ બંધ કરી ને કલ્પના થી અનુભવી લીધું, મેં મારા મનને કહ્યું વર્ષા એટલે પ્રેમની,રોમાન્સની, યૌવનની ઋતુ,માણી લે..તેને ખાલી છોડી ને લજવીશ નહી પ્લીઝ !!! એને માણજે..અને હું જાણે ભીંજાણી… આ વરસાદમાં યાદોથી.
               વરસાદની બુંદો ખંખેરી મન વિચારે ચડ્યું …આમ જોવા જઈએ તો વરસાદનો મહિમા જ જુદો. કોઈને કેફ વરસાદનો તો કોઈને મનનો, દરેકના અર્થ છાપરે છાપરે સાવ નોખાં,ક્યાંક કહેવાય એને અડપલાં,ક્યાંક કહેવાય એને તિખારાં….તો કોઈ માટે વરસાદની બુંદો જાણે અમીછાંટણા, વરસાદ એટલે સંતોષ, જેની એક અલગ જ મ્હેક. પેલી માટી ની સાથે ભળી વાતાવરણને તરબોળ કરી દે અને સૌ કોઈ આ અનોખા મિજાજને માણે.હાશ.. રીલીફ …અને  વરસાદ ન આવે તો ઉકળાટ અને બફારો…
વરસાદ એટલે પ્રેમ અને પ્રેમ એટલે વરસાદ, એકમેકમાં ભીંજાવાનો સંબંધ ? આમ જોવા જઈએ તો વરસાદ પ્રેમીઓની મોસમ, વરસાદ વરસતો હોય અને લાગણીઓ કોરી રહી જ ન શકે, પ્રેમીજન દૂર હોય એવા સંજોગોમાં પ્રેમ વરસાદમાં લીલો છમ થાય …પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા બસ આ હરીન્દ્ર દવેની પંક્તિ જાણે સંગીતના સૂરમાં સંભળાય.દિલને સ્પર્શીને ભીંજવી નાખે.અને માટીની મ્હેક રોમરોમમાં પસરી જાય. મન તૃપ્ત થતા જ ગરમા ગરમ ખાવાનું મન થઇ જાય, મારા કાઠીયાવાડી જીવને, વરસાદ નો છાંટો પડતા જ ભજીયા યાદ આવી જાય, મગની દાળના ગરમ ભજીયા એમને બહુ ભાવે હો! અને અમારા એ બોલી ઉઠે વાહ …ગરમ ચા સાથે ભજીયા મજા પડી ગઈ !.એક ગૃહિણીની જિંદગીમાં તો બીજું શું નિપજે ? જયારે જયારે વરસાદ આવે હૃદય ભાવુક થઇ જાય કવિતા લખવાનું મન થાય, પણ બાળકોને ઉની ઉની રોટલી પીરસતા હુંફ આપું ત્યાંજ મારી કવિતા જાણે પૂર્ણ થઇ જાય ..શબ્દોની જરૂર જ ન પડે.
        આમ લખતા રહીએ તો વરસાદની કવિતાથી ડાયરીઓ ભરાઈ જાય અને પછી લાઈબ્રેરી પણ.. ના મારો અને વરસાદનો તો  સંબંધ જ નોખો.વરસાદ સાથે મારો સંબધ પરિવારનો જેવો,ના વરસાદ અમારા પરિવારનો એક હિસ્સો,મારી બે દીકરી અને એમના છબછબીયમાં છમછમ પગલીના અવાજ,વરસાદની હલકી બુંદો જાણે, વીજીળીના ચમકારામાં સંભળાતા એમના તિખારા,અને પલળતા એમના સ્પર્શનો અહેસાસ,અને આ ભયંકર અકળામણમાં જયારે અચાનક વરસાદ નો ઠંડો પવન આવે ત્યારે જ મન બાગ બાગ થઇ જાય …પરિવારની ઘટાટોપ ઘેરી વળેલી હૂંફમાં… વરસાદ આવીને મને ભીંજવી જાય, હરખની હેલી થઈને આવે વરસાદ.. અમેરિકામાં નથી એ છાંટા નથી એ છાલક તોય હું માણું મારો વરસાદ બધા મારી સાથે જ.. ગઈ કાલે તો વરસાદની પણ ખોટ પુરાઈ ગઈ..

૨૯ – કહેવત – ગંગા – કલ્પના રઘુ

ચા કરતાં કીટલી ગરમ

આ કહેવત કટાક્ષ વ્યક્ત કરે છે. મારાં જ ઉદાહરણથી સમજાવું. મારાં પતિ અમદાવાદમાં ડૉક્ટર. ઘરમાં જ ક્લિનિક. કોઇ પેશન્ટ કસમયે ઇમરજન્સી વગર દવા માટે આવે તો તેમનો ગુસ્સો જાય. બપોરે આરામના સમયે, એક પેશન્ટે ઉપરાઉપરી બેલ માર્યો. મેં ઉપલા માળે લોબીમાં આવીને જોયું કે કોઈ ઇમરજન્સી ન હતી. તે જાણીને મેં કહ્યું, “ડોક્ટરને આવતાં થોડી તો વાર લાગે ને? આટલાં બધાં બેલ? થોડી રાહ તો જુઓ”. ઉંઘમાંથી ઉઠેલી હું થોડી અકળાયેલી હતી. ત્યાં તો એ ભાઈ બોલ્યાં, અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે! અહીં મારાં પતિ કરતાં મારાં ગરમ સ્વભાવની વાત છે.

એક બીજી વાત. એક કરોડપતિ શેઠ હતાં. સમાજમાં તેમનું મોટું નામ. તેઓ સ્વભાવે સરળ. આથી નાત, પરિવાર અને ગામમાં પૂછાય અને પૂજાય. તેમનો મુનીમ અત્યંત ક્રોધી, અક્કડ અને લુચ્ચો માણસ. પરંતુ શેઠનાં મુનીમ તરીકે રોફ મારવામાં પાવરધો. શેઠનું કામ હોય તો મુનીમના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે. તે પોતે જાણે શેઠ હોય તેમ વરતે. એક દિવસ એક વિધવા, શેઠ પાસેથી મદદ માંગવા આવેલી. મુનીમે તેને પૂરી વાત સાંભળ્યા વગર તગેડી મૂકવાની પેરવી શરૂ કરી, ત્યાં જ બહારથી શેઠ આવ્યાં. તેમણે ગરીબ બાઇની વાત સાંભળી અને તેને મદદ કરવાનું કહ્યું. બાઇ શેઠના પગમાં પડી. મુનીમનાં સ્વભાવ માટે સૌ બબડ્યાં કે અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે.

આ વાત માત્ર આ શેઠની નથી. સમાજમાં ઠેર ઠેર અત્યારે આ જ ચાલી રહ્યું છે. શેઠ નીચેના માણસોને પોતે કંઈક નહીં પણ સર્વસ્વ છે તેવી પ્રદર્શનવૃત્તિનો નશો હોય છે. આમેય માનવમાત્રને દેખાડો કરવાની આદત હોય છે. પોતે છે તો બધું જ ચાલે છે. તેમના વગર બધું અટકી પડે તેવા મદમાં ભાન ભૂલીને સત્તાનો દેખાડો કરવાનું માનવ ચૂકતો નથી. ચા કરતાં કીટલી ગરમ અનુસાર બૉસ મોટેભાગે સારા, સમજુ અને ઉદાર હોય છે. ખાસ કરીને ભારતમાં સરકારી નોકરીમાં વધુ પ્રમાણમાં આવા બનાવો બને છે. સાહેબનો આસિસ્ટન્ટ કે પટાવાળો વધુ અકડાઈ કરે છે. લોકોનાં કાગળિયા દબાવી રાખે, નાની નાની બાબતો પર જરૂર વગરની બૂમાબૂમ કરે. ઓફિસના બીજા લોકો પણ તેમના સ્વભાવથી ટેવાઇ જાય અને કહે, જવા દો ને એમને તો આદત જ છે! રોફ જમાવવાની. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમજ ટ્રાફિક પોલીસમાં આ ઉક્તિ વધુ લાગુ પડે છે. જેને કારણે આમજનતા હેરાન થાય છે. પોલિટિશિયનો કે કલાકારોનાં બોડીગાર્ડનું વલણ કલાકારો કરતાં પણ ગરમ મિજાજી હોય છે. ધર્મગુરુઓમાં પણ તેમના મુખ્ય ચેલા “ચા કરતાં કીટલી ગરમ” જેવો વ્યવહાર કરતાં હોય છે. ઘણીવાર અયોગ્ય પાત્રને સત્તા સોંપાઈ જાય ત્યારે તેઓ એનું પ્રદર્શન કરતાં હોય છે. ઘણીવાર સત્તાનો નશો માણસને આંધળો બનાવી દે છે અને તે જરૂર વગરનો વટ મારે છે.

ઉનાળામાં સૂર્યનો તાપ જેટલો બાળે છે તેના કરતાં તેનાથી તપેલી રેતી વધુ દઝાડે છે. આમ પોતાની લાયકાત કરતાં પણ વધુ સારું પદ મેળવનાર હલકા માણસની હલકી વૃત્તિ, મિજાજ ક્યારેક લોકો માટે અસહ્ય બની જાય છે. અસંસ્કારી લોકો અચાનક મળી ગયેલી સત્તાનો ભાર સહન કરી શકતાં નથી. માલિક કરતાં ચોકીદાર, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડર દોઢડાહ્યા હોય છે. તેમની ગેરહાજરીમાં બોસ થઈ બેસે છે.

મોદીજીના રાજમાં હવે કીટલી ગરમ નથી રહી. મોદીજીએ સ્વચ્છ ભારતની ઘોષણા કરીને ઝૂંબેશ ઉઠાવી છે ત્યારે ઠેરઠેર ચા કરતાં કીટલી ગરમ ના રહે તે માટેના પ્રયત્નો શરૂ કર્યાં છે. દરેક જગ્યાએ જ્યારે હાથ નીચે કામ કરનાર વ્યક્તિનું માનસિક પ્રદૂષણ દૂર થશે ત્યારે વ્યક્તિ, સંસ્થા, કુટુંબ અને સમાજની સાથે પર્યાવરણ સુધરશે અને સ્વચ્છ, સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બનશે.

સંવેદનાના પડઘા- ૩૨ મા ના વહાલની અનુભૂતિ

મા ના વ્હાલની સંવેદનાને શું શબ્દોથી વર્ણવી શકાય?ભગવાનને નરી આંખે આપણે જોઈ શકીએ છીએ?નહીં ને ! તે સચ્ચિદાનંદ આનંદની માત્ર અનુભૂતિ જ કરી શકાય.એવીરીતે માના પ્રેમની પણ અનુભૂતિ જ હોય , તેનું શબ્દોમાં વર્ણન કરવું નામુમકીન છે.
                 આજે મધર્સ ડે હતો.મારા દીકરા અને પુત્રવધુએ મને ભેટ સાથે શુભેચ્છા પાઠવી અને તેઓ એક્સરસાઈઝ કરવા જીમ ગયા.મને પણ મારી વ્હાલી મા યાદ આવી ગઈ અને એની યાદમાં આંખો ટપકવા માંડી.વિચારતી હતી જેના વગર જરા પણ ચાલતું નહોતુ તે પ્રેમાળ ચહેરો ક્યારેય જોવા નહી મળે?? મોં ધોવા અને આંસુ ખાળવા બાથરુમમાં ગઈ.મને બધા કહે છે તું આબેહૂબ તારી મા જેવીજ દેખાય છે.અને આ શું !! આજે મારી માને જોવા ઇચ્છતી મારી આંખો ,મારો ચહેરો આયનામાં જોઈ ચમકવા લાગી!.મને પણ મારા ચહેરામાં છૂપાએલ તેનો ચહેરો,મારી આંખોમાં તેના જેવા જ બ્રાઉન રંગની કીકી.તેના મારી ઉંમરે જ આછા થઈ ગએલ વાળ પણ મારા જેવાજ. અને હું મારા ચહેરામાં જ માને જોવા લાગી.કલાકેક સુધી આયના સામે ઊભી રહીને મારામાં જ માને જોઈને જાણે મા સાથે વાતો કરતી રહી અને મનથી જ ખુશ થતી રહી.
                  મા સાથેનો મારો લગાવ એટલો હતો કે તેના મૃત્યુ પછી તે આ દુનિયામાં નથી એ મારું મન માનવા જ તૈયાર નહોતુ.હું બે ત્રણ વર્ષ સુધી તેના મૃત્યુ પછી રોજ રાત્રે તેની સાથે વાતો કરતા ખૂબ રડતી. તેની વિદાય તો ભારતમાં થઈ હતી પણ જાણે અમેરિકાના મારા રુમમાં તે સદેહે મોજુદ ના હોય તેમ હું રોજ તેની સાથે વાતો કરતી. તે મારી ફ્રેન્ડ,ફીલોસોફર,ગાઇડ અને ગુરુ હતી.તેની યાદ હમેશાં અનરાધાર વહેતું ચોમાસું બનીને જ આવે છે.હજુ સપનામાં હું તેની સાથે તે મારી સામે હાજર હોય તેમ જ વાતો કરુછું. મારા જીવનમાં તે હંમેશ મારું અભિન્ન અંગ બનીને રહી છે.તેનો કોઈ પર્યાય ખરેખર નથી.તેની વિદાયે અમારા ભારત જવાના ઉત્સાહને ઓગાળી નાંખ્યો છે.બેટા તું ક્યારે પાછી આવીશ?કહી વિદાય આપનાર અને ભારત જઈએ ત્યારે આપણી રાહમાં વ્યાકુળ થઈ બંગલાના વરંડામાં પરોઢિયે ચાર વાગે આંટા મારતી મા વગરનું ભારત જવું હવે ચંદ્ર વગરની અમાસની રાત જેવું ભેંકાર લાગે છે.વેદાન્તની વાસ્તવિકતા જાણવા છતાં ભગવાનને પૂછતી હતી કે આ વળી કેવું કે એકવાર છોડીને ગએલ માનવ ક્યારેય જોવા જ ન મળે?
            હું આખેઆખી માના વહાલના દરિયામાં ન્હાતી હોવ તેમ માની યાદમાં ખોવાઈ ગઈ. મારી મા સાથેના મારા કંઈક નોખા જ સંબધ હતા.અમારી વચ્ચે જનરેશનગેપ ઓછો હતો.મારી ઉંમરના દરેક પડાવને તે ખૂબ સરસ રીતે સમજતી અને તે સમયની જીવન જીવવાની શ્રેષ્ઠ રીત મને કારણો સહિત સમજાવી શીખવતી.બોલવા ચાલવાની મીઠાશ ,હ્રદયની નિર્મળતા અને નિખાલસતા,સમાજની દરેક વ્યક્તિને પોતાના સ્વાર્થ વગર ઉપયોગી થવું અને જીવનમાં આધ્યાત્મિકતા ને પોતે પોતાના જીવનમાં જીવી તેવીજ રીતે અમને જીવવા પ્રેર્યા.અમારા બધા ભાઈબહેનોમાં આત્મવિશ્વાસ તેણે ઠાંસી ઠાંસીને ભર્યો.જિંદગી જીવવાના મૂળભૂત સિધ્ધાંતોને તેણે એટલી સહજતાથી અમારામાં રોપ્યા હતા કે જીવનની ઝંઝાવાતની ક્ષણોમાં પણ અમે અડગતાથી હિંમત અને ગૌરવથી જીવ્યા. સાસરાના અમારા કરતા એકદમ જુદાજ વાતાવરણમાં પોતાના આત્મગૌરવને હણાયા વગર કેવીરીતે સંયુક્ત પરિવારમાં પ્રેમપૂર્વક રહેવું તે શીખવ્યું.
              માતાપિતાના દાંપત્યજીવનની કેમેસ્ટ્રી એટલી અદ્ભૂત હતી કે તેનાથી અમને સ્વસ્થ બાળપણ અને યૌવન જીવવા મળ્યું જેનો અમારા વિકાસમાં બહુ મોટો ફાળો રહ્યો.મારા પિતાના સામાજિક,રાજકીય ,ધંધાકીય અને ધાર્મિક સંસ્થાઓના જોડાણ અને તેને લીધે ઘરમાં રહેતી અવર જવર ને તે પ્રેમથી નવાજતી.મારા પિતાના દરેક કાર્યને ખભેખભા જોડી સ્વીકારતી અને પૂરતો સપોર્ટ કરતી.તેની જીવન જીવવાની રીત જ અમારી પ્રેરણારુપ પાઠશાળા હતી.માના દિવસની શરુઆત નિયમિત કસરત,સ્વાધ્યાય ને પ્રાર્થના થકી પ્રભુ સાથે જોડાણથી થતી.પણ આ પૂજાપણ સામાન્ય લોકો કરતા તેવી પૂજારુમની કે મંદિરમાં કંકુ-ચોખા કે દૂધ ચડાવવાની નહતી.વિદ્વાન ગુરુઓ પાસે તે આપણા વેદો,ઉપનિષદો,જૂદાજુદા ગ્રંથો પરના ભાષ્યો અને ગીતાના જુદા જુદા વિદ્વાનોએ કરેલા વિવેચનો ભણતી અને અમને પણ તે શીખવતી. સમાજમાં પ્રસરેલી ધાર્મિક અંધશ્રદ્ધા ,દહેજ ,બાળલગ્નો ,ખોટા રીતરિવાજ અને નાતજાતના વાડાઓ સામે નીડરતા પૂર્વક વિરોધ તે કરતી અને તેની સાચી સમજણ અમને આપતી.રસોઈકળામાં એટલી પારંગત કે દિવાળી ,લગ્ન કે પાર્ટી સમયે તેને બધા મિત્રો,પાડોશીઓ અને અંગત સગાંઓ પોતાને ઘેર લઈ જવા લાઈન લગાડતા.અમને બંને બહેનોને પણ તેમાં પારંગત કરી.
                તે પોતે શિક્ષિકા અને જરુર પડે ટયુશન પણ કરતી.સ્ત્રીઓ માટે આત્મનિર્ભરતા ખૂબ જરુરી છે તે નાનપણથી જ સમજાવ્યું હતું તેથી અમે બંને બહેનો પણ આત્મનિર્ભર બન્યા.જીવનમાં આગળ વધવા માટે અને હજારો લોકોમાંથી જુદા તરી આવવા માટે જરુરી બધું જ શીખવ્યું .ભરપૂર આત્મવિશ્વાસ સાથે બદલાની ભાવના વગર સમાજોપયોગી બની દરેક માનવમાં પ્રેમ અને ભગવાનનો અંશ જોઈ પોતે પોતાનું જીવન જીવી અને તેવું જીવતા અમને શીખવ્યું.
દરેક જન્મે આ જ મા મળે તેવી અંત:કરણ પૂર્વકની પ્રભુને પ્રાર્થના

વાત્સલ્યની વેલી ૨૯) શ્યામ સાન્તાક્લોઝ અને ગોરો ગેરી ! વધુ એક ફટકો !

વધુ એક ફટકો !

મહાન વિજ્ઞાની આલ્બર્ટ આઇન્સ્ટાઇને કહ્યું છે કે ‘ જો હકીકત તમારી થિયરીમાં ફિટ ના થાય , તો હકીકત બદલો ( તમારી થિયરી નહીં )If the facts don’t fit the theory then change the facts! અમે પણ અમારા આદર્શો પ્રમાણે જીવનની હકીકતોને બદલવા પ્રયત્ન કરતાં હતાં : ડે કેર સેન્ટરમાં હવે ઘણાં પ્રોગ્રામો , ઘણી સેવાઓ ઘટાડીને માત્ર પાયાની સેવાઓ જ અપાતી હતી. જેથી કરીને સખત ટેનશન અને દોડાદોડીમાં થોડો ઘટાડો થાય! એટલે કે છોકરાંઓને સ્કૂલમાંથી લાવવાં – લઈજવાની સુવિધા બંધ કરી હતી. બીજા પણ ઘણાં પ્રોગ્રામો બંધ કર્યા હતાં;પણ ડે કેરમાં બે ચાર વાર્ષિકોત્સવો :ઉનાળામાં એવોર્ડ ઉત્સવ, પછી હેલોવીન , પછી ક્રિશ્ચમ્સ પાર્ટી , અને મધર્સ ડે વગેરે અમે પુરા ઉત્સાહથી ઉજવતાં.
ક્રિશ્ચમસ પર બાળકો ક્રિશ્ચમસ કેરોલ – ગીતો ગાય, ડાન્સ કરે,ડે કેરની એક ટીચર કાયમ સાન્તા બને ;અને સાન્તા ક્લોઝને હાથે બધાં બાળકોને ગિફ્ટ મળે!ઘણાં બાળકો માટે તો આ તેમનાં જીવનની પહેલી જ ક્રિશ્ચમસ પાર્ટી હોય! મા બાપ અને અન્ય કુટુંબી જન સૌ ઉત્સાહ ઉમંગથી આ પ્રોગ્રામમાં જોડાય! અને આ સમગ્ર પ્રસંગ એટલો તો મનોહર સુંદર લાગે !! બાળકો અને સૌને આનંદ કિલ્લોલ કરતાં જોઈ હું પણ આપણા દેશમાં મારાં બાળપણ કે એવી કોઈ અગમ્ય વાતોમાં ખોવાઈ જાઉં !મને પોતાને પણ આવાં સેલિબ્રેશન ખુબ ગમે એટલે એની પાછળ કરેલી અથાગ મહેનત સફળ થતી લાગે.
પણ ડિસેમ્બર ૧૯૯૪ માં કાંઈક જુદું બન્યું ! ડે કેરના પાંચ વર્ષ પૂરાં થયાં હતાં એટલે મેં કોઈ પ્રોફેશનલ સાન્તાક્લોઝને હાયર કરવાનું વિચાર્યું. અમારે ત્યાં ટપાલમાં જાહેરાતો આવતી હતી તેમાંથી કોઈને ફોન કરીને સાન્તાક્લોઝને બોલાવેલ. પણ ત્યાંયે કદાચ બે સંસ્કૃતિ વચ્ચેની, કે ભાષાની કોઈ ગેરસમજ થઇ હશે! વળી ત્યારે ઇન્ટરનેટ કે વેબસાઈટ જેવું તો કાંઈ હતું નહીં ! મેં ફોન પર બધી માહિતી આપેલ પણ એ કંપનીના માણસો સમયસર આવી શક્યાં નહીં! ભૂલાં પડયાં ;વળી હોલીડેનો ટ્રાફિક અને છેવટે સવા કલાક મોડાં આવ્યાં ત્યાં સુધીમાં બધાંની ધીરજની અવધિ આવી ગઈ હતી!અને સેંતાક્લોઝને જોઈને તો બધાં સ્તબ્ધ બની ગયાં !
શિકાગોમાં તે દિવસે ભયંકર ઠંડી હતી; બહાર સ્નો વર્ષા પણ ચાલુ જ હતી. લગભગ સો જેટલાં આબાલ વૃદ્ધથી લગભગ હજાર સ્કવેર ફૂટનો હોલ ભરચક હતો ! અમે બધાં ગીતો ત્રણ વાર ગાઈ ચૂક્યાં હતાં; બાળકોએ કાલી ભાષામાં સાન્તાને લખેલ પત્રો પણ વાંચી સંભળાવ્યાં હતાં; મેં અને અન્ય ટીચર્સે રજૂ કરવાની મહત્વની આઈટમ પણ રજૂ થઇ ચુકી હતી અને હવે કેક , સ્વીટ શરૂ થઇ ગયેલ ત્યારે ફાઈનલી સાન્તા ક્લોઝનું આગમન થયું .. પહેલાં સેંતાના સાથીદારો રેન્ડિયર વગેરેની હેટ અને શિંગડા સાથે પ્રવેશ્યાં , હા, એ સરસ હતું , અને એ લોકોએ નોર્થ પોલનાં દ્રશ્યવાળું બેકગ્રાઉન્ડ અને સાન્તા ક્લોઝને બેસવાનું સિંહાસન ગોઠવ્યાં ત્યાં સુધી બધાં ઉત્સુકતાથી સાંતાની રાહ જોઈ રહ્યાં .. પણ જ્યાં હો હો હો એમ કહેતા, ઘંટડી વગાડતા છ ફૂટ ઉંચા , જાડા , લાલ કોટ ને કાળા બૂટમાં સાન્તા પ્રવેશ્યા ત્યારે ઘણાંના ચહેરા વિલાઈ ગયાં!! પૂરો અમેરિકન, બ્લાન્ડ ,ચાર વર્ષનો બોલકો , વાચાળ બાળક ગેરી નિર્દોષતાથી સહજ સ્વાભાવિક રીતે મોટેથી બોલ્યો; “ આ તો બ્લેક સાન્તાક્લોઝ છે !”Oh no! He is black!
અમારે ત્યાં ઝાઝાં હિસ્પાનીક – મેક્સિકન બાળકો અને કોકેઝિયન – વ્હાઇટ બાળકો આવે. બધાં મધ્યમ વર્ગનાં; એટલે સામાન્ય નોકરી કરે! સાન્તા સાથે ફોટો પડાવવાના પૈસા કાંઈ બધાંયને ના પરવડે, પણ બધાંયે હોંશે હોંશે એ પોલેરોઇડ ફોટાઓ માટે પૈસા આપેલાં! એ જમાનામાં ઇન્સ્ટન્ટ પોલેરોઇડ ફોટાઓ પ્રચલિત હતાં.. આફ્રિકન અમેરિકન સાન્તા સાથે ફોટા પડાવવા કોઈ ઉત્સુક નહોય તે સ્વાભાવિક છે. દર વર્ષે સાન્તાકોઝ કેવા હતા એ બાબતની રમુજી ચર્ચાઓ ટોક રેડિયોમાં અમે સાંભળતાં; પણ આજે એ
હકીકત એ હકીકત બનીને ઉભી હતી! હું મુંઝાઈ ગઇ હતી!
જ્યાં ત્યાં પ્રોગ્રામ પત્યો અને બધાં વિખરાયાં, પછી મેં મુખ્ય બારણાં બહાર નજર કરી તો એક બે ફોટાઓ થોડે દૂર સ્નોનાં ઢગલાઓમાં છુપાયેલ પડેલ હતાં! એમનો એક ફોટો ગોરા ગેરી અને શ્યામ સાન્તાનો હતો! બીજા પણ બે ફોટા પોલેરોઇડ પ્રિન્ટને ફાડી નાંખવા પ્રયત્ન કરેલ, ચિમળાયેલાં દૂર પડ્યાનું યાદ છે.
મને ખબર નથી કે મારાં મન પર એની શી અસર થઇ.. બપોરે સાડા ત્રણ વાગ્યે પ્રોગ્રામ શરૂ થયો ત્યારે જે ઉત્સાહ , ઉમંગ અને આ દેશમાં અમે જે પ્રાપ્ત કર્યું હતું અને હજુ વધુ જે નજીકની ક્ષિતિજે જ દેખાઈ રહ્યું હતું તે સૌનો મને ગર્વ હતો! જાણે કે હું કોઈ ઉચ્ચ શિખરો સર કરી રહી હતી.. તે બે જ કલાકમાં સખત ટેનશનમાં , સ્ટ્રેસ નીચે દબાઈ ગઇ હતી; અને ગેરી અને સાન્તાનો ફોટો, પાછળ બેકગ્રાઉન્ડમાં ઉત્તર ધ્રુવ, સ્નો વગેરે જોઈને હું કોઈ અગમ્ય કારણથી ભાંગી પડી !
પાર્ટી પુરી થઇ ગઇ હતી; બધાં વિખરાઈ ગયાં હતાં, અમારાં ટીનેજર થઇ રહેલ સંતાનો ઉપર એપાર્ટમેન્ટમાં ઘરની પાર્ટીની ( અને પોતાની પ્રેઝન્ટની ) રાહ જોઈ રહ્યાં હતાં.. પણ હું જાણેકે મારી જાતને સાવ – સાવ જ એકલી અટુલી મહેસુસ કરતી હતી.. ડે કેરમાં અંદર આવી , બારણું બંધ કરી, પડદાં પાડીને હું ધ્રુસ્કેને ધ્રુસકે રડી પડી! કદાચ એ આટલાં વર્ષોના સ્ટ્રેશનું પરિણામ હતું? કદાચ પંદર વર્ષ વતનથી દૂર રહ્યાં પછી, અને કુટુંબી જનોને વતનમાં બે વખત મળ્યાં પછી, હું મારી સફળતાને કોઈ બિરદાવે તેમ ઇચ્છતી હતી, એટલે એ સૌને મીસ કરતી હતી? કે અમેરિકન સમાજમાં પ્રવાહની વિરુદ્ધ સંસ્કૃતિને જાળવવા મથતી હું બે સંસ્કૃતિઓ વચ્ચે ગોથાં ખાતી હતી?
વાત્સલ્યની વેલડીને અમૃતમય બનાવવાની મારી ઘેલછાએ જાણે કે મને ભવસાગરમાં ડુબાડી દીધી હતી! પૈસો , પ્રતિષ્ઠા અને પાવર ! એજ તો માનવીના લોભામણાં વસ્ત્રો છે! પણ એની અંદર એક સામાન્ય સહજ નાજુક હૈયાનો માણસ વસે છે એ ઘણી વાર આપણે ભૂલી જતાં હોઈએ છીએ ! ઉમાશંકર જોશીએ ક્યાંક કહ્યું છે ને: માનવીના હૈયાને નંદવામાં ( તૂટવામાં ) વાર શી? આનંદવામાં વાર શી?
એક અંધકાર મય ગુફામાં હું છું તેમ મને લાગતું હતું! પણ વાત્સલ્ય વેલડીને અમૃત સીંચીને સુગંધી બનાવવા
ભગવાને મારે માટે શું ઇચ્છ્યું હતું તેની સુંદર વાત આવતા અંકે !

૩૨ – કવિતા શબ્દોની સરિતા- રાજુલ કૌશિક

God is not everywhere so he created mother.

આ વાત ખુબ જાણીતી છે. નાનપણથી સાંભળતા આવ્યા છીએ સાથે એ પણ જાણીએ છીએ કે મા એ જ ઈશ્વરની સૌથી સુંદર રચનામાંથી એક છે. આપણું અસ્તિત્વ જેને આભારી છે એ માતાનો સ્વીકાર એટલે ઈશ્વરનો, ઈશ્વરના હોવાપણાનો સ્વીકાર. ખુદ ઈશ્વરને પણ અવતાર લેવા માટે માની કોખ વગર ક્યાં ચાલ્યું છે?

ઈશ્વર અને ભગવાન. આ બે માત્ર શબ્દો નથી એક વિશ્વાસ છે. ઈશ્વર નિરાકાર છે જ્યારે ભગવાનનું એક સ્વરૂપ છે, સ્વરૂપની દ્રષ્ટીએ એ સાકાર છે.  ઈશ્વર એક શક્તિ છે અને ભગવાન એક વિશેષ વ્યક્તિત્વ છે જેમાં કદાચ ઈશ્વરનો અંશ છે. એ વિશેષ વ્યક્તિ પોતાના કર્મો થકી, પોતાના જ્ઞાન થકી ભગવાન તરીકે પ્રસ્થાપિત થાય છે, એમનામાં દૈવી તત્વનું પ્રાગટ્ય થાય છે પરંતુ એના માટે પણ પહેલાં તો એમને ય જન્મ લેવો જ પડે છે અને માટે જ કોઈ પણ ધર્મ, કોઈપણ સંસ્કૃતિની વાતમાં માનું સ્થાન સૌથી ટોચે રહેવાનું. આપણા રામ -કૃષ્ણ, મહાવીર કે બુધ્ધની વાત હોય કે ઈશુ ખ્રિસ્ત અને મહંમદ પયગંબરની વાત હોય, એમનો ભગવાન તરીકેનો સ્વીકાર તો એમના કર્મો કે જ્ઞાનનો આવિર્ભાવ છે પણ એ પહેલાં તો એ સૌ પણ એક માનવ છે અને મા પોતાના અંશમાંથી જે નવા અંશને જન્મ આપે એ માનવ.

મા વિશે આજ સુધી જેટલું કહેવાયું છે, જેટલું લખાયું છે એનો કોઈ હિસાબ નથી. મા બનવું એક અદભુત, એક અદ્વિતીય અનુભવ છે, એ કોઈપણ વિજેતા અનુભવે એના કરતાંય વધુ રોમાંચક, આનંદદાયક અનુભૂતિ છે.

કવિ શ્રી બરકત વીરાણી ‘બેફામ’ની પોતાની માતા પ્રત્યેના માન, ભાવ અભિવ્યક્ત કરતી એક રચના અહીં મુકી છે…..

ઇશ્વર જેવો કોઇ મહાન કલાકાર નથી–
એ માનવીને સર્જે છે, પણ માનવીની નીચે પોતાનું નામ નથી લખતો;
અને લખે છે ત્યારે માતાનું નામ લખે છે.
પણ માતાય ઇશ્વરની મહાનતાનું પ્રતીક છે–
એ બાળકને એના પિતાનું નામ આપી દે છે.
મા ઉદરમાં નવ મહિના
એના બાળકનો ભાર વેઠે છે…
માત્ર એ નવ મહિનાનો બદલો આપવા
ધારું તોય મારા નેવું વરસ પણ એ કંઇ વિસાતમાં નથી…

કવિની વાત તો સાવ સાચી જ તો… દુનિયાભરનું સુખ માની ઝોળીમાં ઠાલવી દઈને પણ મા કરતાં તો ઊણા જ છીએ. મા સાથે જીવન વિતાવવું, એના તમામ સુખની પરવા કરવી એ તો આપણી સંસ્કૃતિ છે જ પણ આપણાથી અલગ પરંપરા અને સંસ્કૃતિમાં ઉછરેમા સંતાનોને એમની માતા માટે આભાર વ્યક્ત કરવાનો દિવસ એટલે મધર’ડે જે હજુ તો ગઈકાલે જ ગયો.. 

પ્રત્યેક મા માટે ખુબ લાગણીસભર આ દિવસ પસાર થયો જ હશે એ પણ સાચું પણ જ્યારે આ દિવસે એક એવી માતાને મળવાનું થયુ ત્યારે સાચે જ મન આદરથી નમી ગયું અને એક વધુ વાત મનમાં નિશ્ચિત થઈ ગઈ કે ખરે જ ઈશ્વર જેવા સર્જકે માતાનું સર્જન કરીને એની શ્રેષ્ઠતા પુરવાર કરી છે.  મા બનવાની, મા હોવાની ભાવના જાણે કે દરેક સ્ત્રીના હ્રદયના ખૂણામાં ઈશ્વરીય વરદાન બનીને ધબકતી જ હશે.

કોઈપણ મા પોતાના સંતાન માટે તો પાલવ જ નહીં પ્રાણ પણ પાથરી દે પણ આ એક એવી વ્યક્તિ હતી કે જેમણે એક પણ સંતાનને પોતાના ઉદરમાં પોસ્યું નથી કે નથી પોતે એમને જન્મ આપ્યો પરંતુ એના પ્રત્યેક સંતાન માટે એ મા કરતાં ય અદકેરો ભાવ અનુભવે છે. વાત છે એક બાલાશ્રમની જ્યાં તરછોડાયેલા બાળકોને બારણાની બહાર મુકેલા પારણામાં કોણ મુકી જાય છે એની પણ તપાસ કર્યા વગર એ બાળકને અહીં સમાવી લેવામાં આવે છે. બાળક જો છોકરો હોય તો એને ભણાવવાથી માંડીને એ પોતાના જીવનમાં સ્થાયી થાય ત્યાં સુધીની જવાબદારી અહીં લેવામાં આવે છે. બાળક જો છોકરી હોય તો એને ભણાવવાથી માંડીને પરણાવવા સુધીની જવાબદારી અહીં લેવાય છે. એટલું જ નહીં પણ પરણેલી દિકરી પિયરમાં રહેવા આવે એમ એ પરણાવેલી દિકરીઓ પણ અહીં વેકેશન ગાળવા આવે છે. દિકરીના ત્યાં સંતાન થાય અને માવતર જે વ્યહવાર કરે એવા બધા જ વ્યહવાર અહીં સાચવવામાં આવે છે.

વર્ષે એકાદ બે મહિના માટે એ મા પોતાની જ દિકરીને મળવા આવે તો છે પણ મન તો એમનું એ બાલાશ્રમના માળવે જ હોય છે. વાત જો  માત્ર કણોપકર્ણ સાંભળી હોય તો કદાચ એમની  ભાવનાની સચ્ચાઈનો અંશ કદાચ ન પામી હોત પણ સીધે સીધી થતી વાતમાં એમની વાણીમાં ભળેલો સાચુકલો ભાવ પણ અનુભવ્યો છે. એ જાણે છે કે અમેરિકાસ્થિત પોતાની દિકરી સુખી છે અને એના સુખને સાચવવાવાળો એનો પતિ તો છે જ પણ પેલા અનાથ દિકરા-દિકરીઓની ખાલી ઝોળીમાં તો એમણે જ સુખ ઠાલવવું પડશે. દિકરીને મળવા એ કદાચ ખાલી હાથે આવશે પણ પેલા સંતાનો માટે તો એ અહીંથી પાછા જતાં શક્ય હોય એટલું લઈ જ જશે.

એમને જોઈને અનુભવ્યું કે માત્ર લોહીના સગપણ કરતાંય લાગણીના સગપણે પણ મા બનવું એક અદભુત ભાવના છે. માની તો કદાચ પણ પોતાના સંતાનો તરફ સેવેલી અપેક્ષા પુરી થશે પણ અહીં તો અપેક્ષારહિત વ્હાલની વાત છે. મધર ટેરેસા પણ ત્યારે જ બની શકાય જ્યારે હ્રદયમાં સાવ અજાણ્યા માટે પણ માતૃત્વ છલોછલ હોય અને એટલે જ એટલે જ એ પોતાનું સર્જન નથી એવા બાળકોની મા બની રહ્યા. મા માટે આભારની લાગણી વ્યક્ત કરવાના આ મધર્સ’ડે પર આવી માતાનું ગૌરવ અનેકઘણું વધી જાય અને મા પ્રત્યેની શ્રદ્ધાનો પાયો વધુ નક્કર, વધુ અચળ બનતી જાય છે.