વાત્સલ્યની વેલી ૩૦) ધરમ કરતાં ધાડ પડી !સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !

સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !
કેટલાંક વાચક મિત્રોનો પ્રશ્ન હતો: શું શ્યામ સાન્તાક્લોઝનો બનાવ કોઈને આટલો બધો હચમચાવી દે ખરો? પણ વાસ્તવમાં એ તો ભોજનના છેલ્લા કોળિયા જેવું હતું: ઠાંસી ઠાંસીને ખાધા પછી હવે અજીર્ણ થયું અને બધું ઉલ્ટી થઈને બહાર આવ્યું ! અથવા તો પૃથ્વીનાં પેટાળમાં ચાલી રહેલો ઉલ્કાપાત છેવટે જ્વાળામુખી બનીને બહાર આવ્યો ! શરૂઆતનાં વર્ષોમાં આગળ વધવાની ધગસ અને અહીંની ભૂમિ સાથેની અસંગતતા, અને છતાં બે સંસ્કૃતિનું સર્વોત્તમ લઈને બાળકોનું સુંદર ડે કેર સેન્ટર બનાવવાની તમન્ના અને કુટુંબને પણ સાથે રાખીને આગળ વધવામાં જે સ્ટ્ર્સ હતો એનું જ એ પરિણામ હતું! કોઈએ સાચું જ તો કહ્યું છે કે ઝડપથી જવું હોય તો એકલા દોડો, લાંબે સુધી જવું હોય તો ( કોઈની ) સાથે ચાલો ! પણ મારે તો બધાંને સાથે લઈને ઝડપથી દોડવું હતું!

સંસ્કૃતમાં એક બહુજ સુંદર શ્લોક છે:
સુખસ્ય દુઃખસ્ય ન કઃ અપી દાતા
“ પરઃ દદાતિ” ઇતિ કુબુદ્ધિ: એષા!
(સુખ કે દુઃખ આપણે કોઈ આપતું નથી ! પારકાંઓ કોઈ મને દુઃખ આપે છે એમ માનવું ખોટું છે!)
અહમ કરોમિ ઇતિ વૃથા અભિમાન:
સ્વકર્મ સૂત્રે ગ્રથિતો હિ લોકઃ!
( “હું” કરું છું એ પણ એક મિથ્યા અભિમાન છે ; વાસ્તવમાં આપણે જે રીતે વર્તીએ છીએ તેનું પરિણામ જ આપણે ભોગવીએ છીએ!)
અને એ છેલ્લું ચરણ ખરેખર સાચું હતું !
જે સ્ટ્રેસમાંથી અમે પસાર થઇ રહ્યાં હતાં એ ગમ્મે ત્યારે મને અકસ્માતમાં ધકેલી શકે તેમ હતાં!
બાળકો સાથે, બાળકો માટે, બાળકોનું કામ કરવામાં માત્ર સારી ભાવના હોવી એ જ પૂરતું નથી! એને માટે માત્ર ચોપડીયું જ્ઞાન જ પૂરતું નથી! અને માત્ર હાર્ડ વર્ક પણ અપૂરતું જ કહેવાય !
શરૂઆતનાં વર્ષોમાં સ્ટાફ સાથે જે કાંઈક વિચિત્ર બનાવો બન્યા એ વિષય પર પણ જરા પ્રકાશ નાખું:

બે સંસ્કૃતિના સંઘર્ષનું આ દ્રષ્ટાંત જુઓ !

ચારેક વર્ષની જેસિકા ડે કેરમાં છેલ્લા બે વર્ષથી આવતી હતી અને સરસ રીતે ભળી ગઈ હતી !
પણ એની મમ્મીને હવે નવી જોબ હતી એટલે એને રોજ સાંજ પડ્યે જેસિકાને લેવા આવવામાં મોડું થઇ જતું હતું! અમારું સેન્ટર છ વાગે બંધ થાય, પણ હવે રોજ જેસિકાને લીધે થોડી વધારે રાહ જોવી પડે ! મેં જોયું કે બપોરે પાર્ટ ટાઈમ કામે આવતી અઢારેક વર્ષની દલાયલા અને બાવીસેક વર્ષની જેસિકાની મમ્મી સારાં મિત્ર બની ગયાં હતાં અને શનિ રવિ પણ ક્યારેક સાથે જ પસાર કરતાં હતાં. બંને સ્પેનિશ બોલે એટલે પણ એમને આત્મિયતા બંધાઈ હશે !
આમ તો ટીચર્સ માટે બધાં જ બાળકો સરખાં જ હોવા જોઈએ ! એમાં કોઈ બાળક વધારે વ્હાલું હોય તો બીજા બાળકને ઓછું આવી જઈ શકે. વળી આ તો સાવ નાનાં બાળકો હતાં! એ કુમળા છોડને વાળીએ તેમ વળે ! એટલે બધાં જ બાળકો પ્રત્યે સમ ભાવ રાખવો જરૂરી કહેવાય.
પણ બાળ ઉછેરની ફિલોસોફી અને વાસ્તવિકતા વચ્ચે આપણે પ્રયત્ન કરીએ તોયે સહેજ તફાવત રહેવાનો જ! ડાહ્યાં અને શાંત બાળકો ટીચર્સને વધારે ગમે; અને તોફાની બાળકોનું વધારે ધ્યાન રાખવું પડે,ને કેટલાંક તો વળી ઉત્પાત્યા હોય- બીજાં બાળકોને હેરાન જ કરતાં હોય એટલે એ બાળકો તો ટીચર્સને પોતાના વર્ગમાં રાખવાં પણ ના હોય! એટલે શાંત અને સમજુ જેસિકા પહેલેથી જ સૌની માનીતી હતી! જેસિકાની મમ્મી અને ટીચર હેલ્પર દલાયલાની મૈત્રી અમારાં ડે કેરે સેન્ટરને કોઈ રીતે વાંધાજનક લાગતી નહોતી .
જો કે મોટી કંપનીઓમાં તો અંદર અંદર સોસાયલાઈઝેશન કરવાની મનાઈ હોય છે; અથવા કમ્પનીના ક્લાયન્ટ્સ સાથે પર્સનલ સબન્ધ રાખવાની મનાઈ હોય છે ; સિક્યોરિટીને કારણે ! પણ મારાં મનમાં એવી વાતો ઉતરતી નહીં !બધાં હળીમળીને રહેતાં હોય તેમાં ખોટું શું ?
એટલે જયારે જેસિકાની મમ્મીએ મને પૂછ્યું કે રોજ સાંજે અઢાર વર્ષની ટીચર હેલ્પર દલાયલા સાથે જેસિકાને ઘરે મોકલી શકશો ? ત્યારે મેં ઘણાં આનંદ ઉત્સાહથી હા પાડી.
પણ પછી થોડા જ સમયમાં મુશ્કેલીઓ ઉભી થઇ! નાની ઉંમરની દલાયલા રોજ જેસિકાને લઈને સાંજે એને ઘેર લઇ જતાં લઇ જતાં, ત્યાંજ રાત રહેવા માંડી ! અમેરિકામાં તો અઢાર વર્ષની ઉંમરે એ લોકો સ્વતંત્ર નિર્ણયો લઈને માબાપથી જુદાં રહી શકતાં હોય છે! એટલે પછી તો દલાયલા હવે ત્યાં લિવ ઈન નેનીની જેમ રહેવા લાગી ! પણ લિવ ઈન નેનીને તો પૈસા આપવા પડે! જેસિકાની મમ્મીના મતે એ એપાર્ટમેન્ટમાં ભાડે રહેતી હતી , તેથી એ ભાડું માંગે !
ઘણાં બધાં પ્રશ્નો અને કોઈ વ્યવસ્થિત જવાબ નહીં! કોણ કોને માટે કેટલું કામ કરે છે એની કોઈ સ્પષ્ટતા વિના ઘણી ગુંચવણ ઉભી થઇ! સારી ટીચર દલાયલાએ જોબ પર આવવાનું બંધ કર્યું , અને એ જ રીતે જેસિકાનું થયું !
એક વાર પોલીસ પણ વધારે માહિતી લેવા અમારે ત્યાં આવ્યાં!
આપણે ત્યાં દેશમાં તો મોટે ભાગે “ હશે, જે થયું તે થયું” કહીને વાત સમેટી લઈએ ! “ ભૂલ્યા ત્યાંથી ફરી ગણો !” વડીલો કહે અને બધાં માનીયે જાય ! પણ અહીંયા તો બધ્ધું કાયદેસર થાય! એ બધી કડાકૂટ અને માથાઝીકમાંથી માંડ છુટકારો મળ્યો ! હા,એક સારી સ્ટુડન્ટ જેસિકા ગુમાવી ; અને નવેસરથી નવી ટીચર માટે છાપમાં જાહેરાત આપી ,નવેસરથી નવી ટીચર ખોળીને, એને એકડે એકથી ફરીથી ટ્રેનિંગ આપવાના મોટા કામમાં હું ગુંથાઈ ગઈ!

વાત્સલ્યની વેલીને ઉછેરવામાં આ અજાણ ભૂમિનાં અજાણ ખાતર પાણીએ અમને ઠીક ઠીક સાબદા કર્યા છે! કોઈને વધારે કલાકો કામ મળે અને બાળકને એક જ વ્યક્તિ સ્કૂલમાં અને ઘરમાં સાચવી શકે એવા ઉમદા ભાવથી લીધેલા એ પગલાએ અમને અનેક ગણી વધારે ઉઠબેસ કરાવી હતી! બાળકોને સતત સંભાળતાં સ્ટાફના ખુદના વાત્સલ્ય વેલની વધુ વાત આવતે અંકે !

2 thoughts on “વાત્સલ્યની વેલી ૩૦) ધરમ કરતાં ધાડ પડી !સ્ટાફ સાથે મુશ્કેલી- જેસિકા અને દલાયલા !

  1. ગીતાબેન,આપણે હમેશાં બધાનું સારું થાય એવીજ ભાવના રાખતા હોઈએ છીએ એટલે કાયદાકીય વસ્તુનો વિચાર આવતો જ નથી.પરતું હમેશાં દિલથી વિચારતા આપણા જેવા લોકોને આવું કંઈ થાય ત્યારે સમજાય કે દિલ સાથે દિમાગથી પણ વિચારવું જોઈએ.

    Liked by 1 person

  2. Thanks Jigishaben ! આ તો સુખી માણસના પહેરણ જેવું છે! જે લોકો લાગણીથી કરે છે ત્યાં આવા ગોટાળાઓ થાય છે; અને જે લોકો બહુ વિચારીને કરે છે ત્યાં બાળકો માત્ર પૈસા કમાવાનો ધંધો બની જાય છે! એટલે આપણે તો ભાઈ ધીમે ધીમે ચાલીએ ( અને ચાલતાં રહીએ ) એટલે બસ !

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.