‘ગુજરાત ગૌરવદિન’ નિમિતે તા. ૧૧ અપ્રિલ ૨૦૧૯ રોજે ICC ખાતે ભરચક (houseful) પ્રેક્ષકો વચ્ચે વિવિધ સુંદર કાર્યક્રમો, વિવિધ સંસ્થાઓએ, “બેઠક” સંસ્થાના નેજા હેઠળ રજુ કર્યા. યોજાઈ ગયેલ કાર્યક્રમો પૈકી ભજવાયેલ નાટિકા “અમે દેશી NRI” વિષે થોડું લખવાનું મન થાય છે.
ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સામાજિક, ઐતિહાસિક નાટકોનું બાહુલ્ય રહ્યું. કોમેડી (પ્રહસન) નાટકો ત્રિઅંકી નાટકોના એકભાગ તરીકે રજુ થતાં. ત્યાર પછી એકાંકી નાટકોમાં પ્રહસન (કોમેડી) મુખ્ય શૈલી તરીકે ઈલાયદાં લખાતાં રહ્યાં છે. એમ કહેવાય છે કે “ખડખડાટ અને ઘસઘસાટ” જીવનમાં જરૂરી છે. તે શારીરિક-માનસિક આરોગ્ય માટે જરૂરી ગણાય છે. ત્રિઅંકી નાટકો માટે ૩ થી ૪ કલાકનો સમય જોઈતો હતો. આજના ઉતાવળિયા અને ટેકનોલોજીના યુગમાં એકાંકી નાટકો પોતાનો સંદેશ સફળ રીતે સમાજ ને પહોચાડી શકે! જો સંક્રમણ નહીં તો તે સાહિત્ય નહીં (No communication, No literature) એ ન્યાયે ભજવાતાં નાટકોના લેખકોની જવાબદારી પણ ઓછી નથી. કેટલીકવાર નાટકો ના સંવાદ દ્વિઅર્થી બનાવીને સ્થૂળ ઘાસલેટી હાસ્ય ઉભું કરી સામાજિક સુરુચિ ભંગ કરી સાહિત્યિક લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન થતું જોવા મળે છે. એવાં નકારાત્મક નાટકો કે સંવાદો કે વિવાદાસ્પદ અંગભંગ વર્જ્ય છે અને તેવાં નાટકો સમાજની ઉગતી પેઢી માટે નુકશાન કારક છે. આ વાત નાટ્યશાસ્ત્રના કેટલાક સિદ્ધાંતોની થઇ કહેવાય!
“અમે દેશી NRI” – એક અવલોકન
ભરચક ICC ઓડીટોરીયમમાં તાળી અને હાસ્યની છોળો વચ્ચે ભજવાયેલ આ નાટકનું શીર્ષક જ ઘણું કહી આપે છે જેમાં દેશ અને NRI શબ્દો વતનથી વિખૂટાપણું દર્શાવે છે છતાં પણ તેમાં સામન્જય છુપાયેલ છે. વતનપ્રેમ અંગે ઘણાં બોલપટ, નાટકો, કવિતાઓ વગેરે આપણે જોઈએ છીએ પરંતુ ખાલી એક-બે કલાક માં જ હાસ્ય અને વતનપ્રેમ નું મિશ્રણ કરી અને નાટકને અંતે ચોટદાર સંવાદો ની રચના કરી વતન માટે હૈયું ભરાઈ આવે તેવો સ્વાભાવિક માહોલ ઉભો કરવા માટે નાટક ના લેખક શ્રીમતી પ્રજ્ઞાબેન તેમજ દીર્ગદર્શક શ્રી મૌનીક ધારિયા અભિનંદન ને પત્ર છે.
પ્રથમ પ્રવેશ થી જ આ નાટક પ્રેક્ષકો ઉપર પોતાની પકડ જમાવે છે. શ્રી શરદ ભાઈ (Nate ઉર્ફે નટુ) બિન્ધાસ્ત અને છેલ છબીલા NRI તરીકે તો જીગીષાબેન પટેલ (Jenny ઉર્ફે જીવી) ના પાત્રમાં પોતાના પુત્ર માટે ‘છોકરી’ પસંદ કરવા ના પ્રયાસોમાં ચોક્કસ લઢણથી સંવાદો રજુ કરી ને પ્રેક્ષકો ને ખડખડાટ હસાવે છે. આ નાટક સમય, સ્થળ અને અભિનય (Time, Place and Action) જાળવી શક્યું છે તેમ કથાવસ્તુ વહેવા ની સાથે સ્પષ્ટ થતું દેખાઈ આવે છે.
બીજા પ્રવેશમાં મુળચંદભાઈ (નરેન્દ્રભાઈ શાહ) તેમજ નીખીલ (અંબરીશ દામાણી) નાં પાત્રો પણ ટેલીફોનીક સંવાદથી એક પરિસ્થિતિ પેદા કરે છે. જેમાં નીખીલની (આજ ના મોટા ભાગ ના યુવાનોની) “છોકરી” ની પસંદગી પર કટાક્ષ કરી પ્રેક્ષકો માં હાસ્ય રેલાવે છે. આ બંને પાત્રો પ્રવર્તમાન બે પેઢી વચ્ચેના સામાજિક ખ્યાલો ને મુખરિત કરે છે. છેવટે, સેજલ (પારુલ દામાણી) નો એક-બે મિનીટ નો અદ્યતન યુવતી તરીકેનો વીજળીવેગી પ્રવેશ થતાં એક પ્રકરણ નો અંત આવે છે.
પરંતુ, નાટક નો સંદેશ અને ગુજરાતી ખુમારી તેમજ વતન તરફ નો ઉચ્ચ કોટી નો પ્રેમ અને તે પણ પૂરી સંવેદન શીલતા અને તેમાં પ્રયોજીત ઉચ્ચ પ્રકાર નાં સંવાદ તત્વ નો નમુનો છેલ્લા પ્રવેશ માં જોવા મળે છે. ગુજરાતી ભાષા ના મૌલિક ઊંડાણને સૂચવતા શબ્દો – “વેવાઈ” તેમજ “કન્યાદાન” થી અંગ્રેજી ભાષા પર થયેલ કટાક્ષ ગુજરાતી ભાષા ની સંપૂર્ણતા ને અભિભૂત કરે છે.
વિઝા કચેરી માં હાજર થયેલ – આનંદીબા (પ્રજ્ઞાબેન દાદભાવાળા), મુલચંદભાઈ (નરેન્દ્રભાઈ શાહ) તેમજ વિઝા ઓફિસર (મૌનીક ધારિયા) વચ્ચે ના સંવાદો માં વ્યક્ત થતું વતન તરફ નું ભારે ખેચાણ તેમજ દેશી NRI ના USA માં વિકાસશીલ અસ્તિત્વ ની ઝાંખી છટાદાર ભાષામાં વ્યક્ત થાય છે જે સમગ્રપણે નાટક ના સંદેશ તત્વ ને જીવંત અને દેદીપ્યમાન બનાવી પ્રેક્ષકો ને ગુજરાતી હોવાની ધન્યતા અને ગૌરવ પ્રદાન કરે છે! નાટક ના લેખક અને મંચન માટે,માઈકની ખામી હોવા છતા ઉચ્ચ પ્રકાર ની અભિનય ક્ષમતા માટે પ્રજ્ઞાબેન દાદભાવાળા ધન્યવાદ ને પાત્ર છે.નેપથ્યમાં સંગીતે નાટક ને ઓપ આપ્યો છે. તે માટે આશિષ વ્યાસ અને શિવમને અભિનંદન .
(અરૂણકાંત અંજારીઆ)
નાટક તો સારું હતું જ પણ આ વિવેચન તો ખરેખર સુંદર છે !
LikeLike