ગઈ કાલે વરસાદે મને ચોમાસું યાદ કરાવી દીધું …ભર ઉનાળે જાણે મોસમ બદલાઈ ..કોઈ પ્રેમિકાની વાત જાણે કોઈએ સાંભળી લીધી ન હોય! મારું મન શરમાઈ બોલી ઉઠ્યું. આમ ખોબો ભરીને વરસો તો સારું લાગે છે હો!
પણ અમેરિકાની આ ઠંડી જાણે બધું થીજવી નાખે છે.ભાગ દોડ,નોકરી મોરગેજ, વીજળી અને પાણીનું બિલ….આમાં મોસમ પણ શું કરે ? જ્યારથી અમેરિકા આવી છું.ત્યારથી વરસાદનો આનંદ ઉત્સવ પહેલા જેવો હવે નથી રહ્યો બસ વરસાદ એક ખરાબ મોસમ બનીને રહી ગયો. પણ સાચું કહ્યું હજી માણેલો વરસાદ ભૂલાતો પણ નથી.બાળપણમાં વરસાદ નામનો આનંદ જાણે કે ઉત્સવ,મેઘરાજાની પધરામણી થાય અને માસુમ હથેળીઓ જીલે ચોમાસું,પગ માટે છમછમ સરવર, પછી ગગન ગરજે અને મોરલા ટહુકે અને માથે ચમકતી વીજ બસ પછી પુછવું જ શું ?મને યાદ છે કોલેજના આ દિવસો.. વરસાદ ની હલકી બુંદો, પડે મારા ચહેરા પર અને પછી ધીરેથી સરકે મારા ગુલાબી હોઠ પર અને રૂ જેવા પોચા મારા ભરાવદાર ગાલ પરથી ટપકી મને ભીંજવી મુકે, અંગ અંગ ને …જાણે સ્પર્શી જાય એ બેશરમ વરસાદ. આહા ! કેવુ રોમેન્ટિક….. રોમેન્ટીક….બસ આવું જ ગઈ કાલે આંખ બંધ કરી ને કલ્પના થી અનુભવી લીધું, મેં મારા મનને કહ્યું વર્ષા એટલે પ્રેમની,રોમાન્સની, યૌવનની ઋતુ,માણી લે..તેને ખાલી છોડી ને લજવીશ નહી પ્લીઝ !!! એને માણજે..અને હું જાણે ભીંજાણી… આ વરસાદમાં યાદોથી.
વરસાદની બુંદો ખંખેરી મન વિચારે ચડ્યું …આમ જોવા જઈએ તો વરસાદનો મહિમા જ જુદો. કોઈને કેફ વરસાદનો તો કોઈને મનનો, દરેકના અર્થ છાપરે છાપરે સાવ નોખાં,ક્યાંક કહેવાય એને અડપલાં,ક્યાંક કહેવાય એને તિખારાં….તો કોઈ માટે વરસાદની બુંદો જાણે અમીછાંટણા, વરસાદ એટલે સંતોષ, જેની એક અલગ જ મ્હેક. પેલી માટી ની સાથે ભળી વાતાવરણને તરબોળ કરી દે અને સૌ કોઈ આ અનોખા મિજાજને માણે.હાશ.. રીલીફ …અને વરસાદ ન આવે તો ઉકળાટ અને બફારો…
વરસાદ એટલે પ્રેમ અને પ્રેમ એટલે વરસાદ, એકમેકમાં ભીંજાવાનો સંબંધ ? આમ જોવા જઈએ તો વરસાદ પ્રેમીઓની મોસમ, વરસાદ વરસતો હોય અને લાગણીઓ કોરી રહી જ ન શકે, પ્રેમીજન દૂર હોય એવા સંજોગોમાં પ્રેમ વરસાદમાં લીલો છમ થાય …પાન લીલું જોયું ને તમે યાદ આવ્યા બસ આ હરીન્દ્ર દવેની પંક્તિ જાણે સંગીતના સૂરમાં સંભળાય.દિલને સ્પર્શીને ભીંજવી નાખે.અને માટીની મ્હેક રોમરોમમાં પસરી જાય. મન તૃપ્ત થતા જ ગરમા ગરમ ખાવાનું મન થઇ જાય, મારા કાઠીયાવાડી જીવને, વરસાદ નો છાંટો પડતા જ ભજીયા યાદ આવી જાય, મગની દાળના ગરમ ભજીયા એમને બહુ ભાવે હો! અને અમારા એ બોલી ઉઠે વાહ …ગરમ ચા સાથે ભજીયા મજા પડી ગઈ !.એક ગૃહિણીની જિંદગીમાં તો બીજું શું નિપજે ? જયારે જયારે વરસાદ આવે હૃદય ભાવુક થઇ જાય કવિતા લખવાનું મન થાય, પણ બાળકોને ઉની ઉની રોટલી પીરસતા હુંફ આપું ત્યાંજ મારી કવિતા જાણે પૂર્ણ થઇ જાય ..શબ્દોની જરૂર જ ન પડે.
આમ લખતા રહીએ તો વરસાદની કવિતાથી ડાયરીઓ ભરાઈ જાય અને પછી લાઈબ્રેરી પણ.. ના મારો અને વરસાદનો તો સંબંધ જ નોખો.વરસાદ સાથે મારો સંબધ પરિવારનો જેવો,ના વરસાદ અમારા પરિવારનો એક હિસ્સો,મારી બે દીકરી અને એમના છબછબીયમાં છમછમ પગલીના અવાજ,વરસાદની હલકી બુંદો જાણે, વીજીળીના ચમકારામાં સંભળાતા એમના તિખારા,અને પલળતા એમના સ્પર્શનો અહેસાસ,અને આ ભયંકર અકળામણમાં જયારે અચાનક વરસાદ નો ઠંડો પવન આવે ત્યારે જ મન બાગ બાગ થઇ જાય …પરિવારની ઘટાટોપ ઘેરી વળેલી હૂંફમાં… વરસાદ આવીને મને ભીંજવી જાય, હરખની હેલી થઈને આવે વરસાદ.. અમેરિકામાં નથી એ છાંટા નથી એ છાલક તોય હું માણું મારો વરસાદ બધા મારી સાથે જ.. ગઈ કાલે તો વરસાદની પણ ખોટ પુરાઈ ગઈ..
વરસાદ મારી પ્રિય ઋતુ છે. મન મૂકીને વરસો મેહુલા
LikeLike
Bahu Saras vaat kahi ! Varsaadma Garam Bhajia ane garam Chaa!
LikeLike