૩૧ – સંવેદનાના પડઘા- મૃગજળ સીંચીને મેં ઉછેરી વેલ-જિગિષા પટેલ

મેધા સાવ કોરીધાકોર આંખથી નાનાભાઈ સોહમની લાશને છેલ્લીવાર એક નજરે જોઈ રહી હતી. ત્રણ દિવસ પછી ફ્લેટના દરવાજો તોડીને તે એક બે તેના નજીકના મિત્રોને લઈને અંદર આવી હતી. ફ્લેટની અંદર ઘૂસતાં જ નાક ફાટી જાય તેવી સોહમના ત્રણ દિવસ પડી રહેલા શબની વાસ, તેણે છેલ્લા સમય સુધી પીધેલા ને ઢોળાએલા દેશી દારુ ,લઠ્ઠા અને ડ્રગની વાસથી બધાંએ રૂમાલથી પોતાના નાક બંધ કરી દીધા. આઘાતો સહન કરીને સુન્ન થઈ ગયેલ મેધાના મગજને આ બધાની હવે કંઈ અસર થતી નહતી…..

મેધા સિવાય સોહમની અંત્યેષ્ટી કરે એવું કોઈ જ આટલા મોટા શહેરમાં હાજર નહોતુ. તેની ઈચ્છા વિરુદ્ધ, ના છૂટકે સોહમે કરેલા છેલ્લા વર્ષોના તેના વર્તનને ભૂલીને લોહીના સગાઈનો છેલ્લો વહેવાર નિભાવવા તે આવી હતી. સગાંઓ અને ઓળખીતા તો અનેક હતા પણ ડ્રગ અને ચિક્કાર દારુના રવાડે ચડેલા સોહમને કોઈની સાથે સંબધ રહ્યા નહતા .કેટલાય સગા-સંબંધીઓ પાસેથી લીધેલ પૈસા તેણે પાછા નહી આપી દારુમાં ને ડ્રગમાં ઉડાવી દીધા હતા. ત્રણ દિવસથી પડી રહીને ફૂલી ગયેલ અને દુર્ગંધ મારતી સોહમની લાશને જેમતેમ વીંટીને શબવાહીનીમાં નાંખી ત્રણચાર જણે અગ્નિદાહ દઈ દીધો.

સોહમના શરીરને ભસ્મીભૂત કરી નાખતી જ્વાલા જાણે મેધાના પથ્થર બની ગયેલ મનને પણ ખદેડી રહ્યું હતું. ભૂતકાળમાં સરી ગયેલ મેધાને સોહમ અને તેનો નાનો લાડકોભાઈ ઓમ સાથેની બાળપણમાં ગુજારેલ પળો યાદ આવી ગઈ. કેવા સરસ દિવસો હતા એ……..

એ રવિવારે ત્રણ થી છના શોમાં અંદાઝ પિક્ચર જોઈને કામા હોટલમાં જમીને ઘેર આવ્યા હતા અને સીઝનનો પહેલો વરસાદ પડતો હતો .સોહમે જીદ કરી ચાલો બધા વરસાદમાં બાઈક પર ભીંજાતા ભીંજાતા આંટો મારવા જઈએ. મમ્મી ના પાડતી હતી તેને પણ સોહુ ખેંચીને લઈ આવ્યો.પપ્પા-મમ્મીની વચ્ચે મેધા બેઠી. નાનકો ઓમ મમ્મીના ખોળામાં અને સોહમ બાઈક પર આગળ . પપ્પાના બે પગ અને છાતીમાં સચવાએલો સોહમ જોર જોરથી ગાતો હતો.

“જિંદગી એક સફર હૈ સુહાના ……..યહાં કલ ક્યા હો કિસને……. જાના
અને બીજા બધા ઓડલે ઓડલે ઓ……….ઉ ………..ઓડલે ઓડલે ઓ……….ઉ………ગાઈને બધા એટલું બધું હસ્યા હતા કે હસતા હસતા આંખો હર્ષાશ્રુથી ઊભરાઈ ગઈ હતી. વરસાદનાં પાણી સાથે હર્ષાશ્રુ ભળી ગયા.જોરદાર પવનના સુસવાટા સાથે વરસતા વરસાદમાં અમે એકબીજાને એટલા જોરથી બંને હાથથી દબાવીને પકડી રાખ્યા હતા કે અમને એમ કે અમે હંમેશ માટે એકબીજાને આવીજ રીતે ભેટીને એકબીજાની હુંફ અને પ્રેમ સાથે જીવન વિતાવીશું.
..
પણ બધું ખતમ થઈ ગયું……….મેધાને પ્રેમથી આગોશમાં લે તેવું કોઈ રહ્યું નહી…..

વીતી ગયેલ જીવનના એક એક પ્રસંગ ચિત્રપટની જેમ તેની નજર સમક્ષ આવી રહ્યા હતા……
ખૂબ ધામધૂમથી પરણાવી હતી પપ્પાએ તેને .પણ દીકરી લીઝાના જન્મના બે જ વર્ષમાં તો તે પાછી આવી ગઈ !સાલસ સ્વભાવની મરતાંને પણ મેર ના કહે તેવી, કામકાજમાં ,રસોઈમાં હોંશિયાર,ડબલ ગ્રેજયુએટ મેધા પિતાને ઘેર પાછી આવી ત્યારે કુટુંબીઓ અને પાડોશીઓ અને સમાજ આખો નવાઈ પામેલો કે મેધા જેવી દીકરી કોને મળે?તે કેમ પાછી આવી????

પોતાના લગ્નજીવનને ટકાવવા બધું જ ચૂપચાપ સહન કરી સાત વર્ષ સુધી ખૂબ પ્રયત્ન કર્યો પણ સાઈકીક પતિ સાથે રહેવું નામુમકીન હતું. મેં મહિનાના ભરબપોરે તડકામાં ખુલ્લે પગે ઊભી રાખી તે તેને ૫૦૦ વાર મારી ભૂલ થઈ ગઈ એવું બોલાવતો.અને એકવાર મેધાએ ઝઘડો વધે નહી તે માટે તેની વાત માની લીધી પછી તો તેને ફાવતું જડી ગયું. મેધા રોટલી પાતળી કરે તો ‘મારા ટિફિનમાં ત્રણ રોટલી સાવ પાતળી મૂકી તે મને ભૂખ્યો માર્યો ,મારી મા તો મને જાડી ત્રણ રોટલી આપતી.’મેધા કહે “કાલથી જાડી પાંચ રોટલી મૂકીશ “તો કહે આજની ભૂલ માટે “ આખી રાત ઊભી રહે અને બસો વાર બોલ કે ફરી આવું કરીશ નહીં તો જ તને તારી ભૂલ સમજાશે.”સાવ નાની નાની વાત પર તેના બેહૂદા વર્તનને તે સમજી શકતી નહી. જેમ તે ઢીલું મૂકીને તેનો અત્યાચાર સહન કરતી ગઈ તેમ તેમ ,તે તેની પર વધુ હાવી થતો ગયો.

એક દિવસ ઉપેને તેને વાગ્યા ઉપર લગાડવાની ટયૂબ લાવવાનું કીધુ હતું .આખો દિવસ લીઝાને તાવ હતો તેથી તે બહાર નીકળી શકી નહી. ઉપેન ઘેર આવે ત્યારે ૫.૩૦ ના ટકોરે તેને ચા જોઈએ.તે દિવસે બેંકમાંથી આવવાના સમયે મેધાએ ચા તૈયાર જ રાખી હતી .જેવી ચા ઉપેનને આપી અને ઉપેને પૂછ્યું “મારી ટયૂબ લાવી છે તું?” ને હજુ ના કહીને મેધા લીઝાના તાવની વાત કહેવા જાય એ પહેલા તો ઉપેને ગરમ ગરમ ચા તેના મોં પર ફેંકી. મેધા ગરમ ચા થી દાઝી ગઈ .તેના મોં પરને હાથ પરની ચામડી ઉતરી ગઈ .મોં પરની ચામડીની સાથોસાથ તેના હ્દદયમાંથી ઉપેન માટેના પતિ તરીકેની લાગણીના બધા જ સ્તર પણ ઉતરી ગયા અને હવે બહુ થયું !તેની ધીરજનો અંત આવી ગયો અને તે પહેર્યા કપડે લીઝાને લઈને પપ્પાને ઘેર આવી ગઈ. નિર્દોષ મેધા ફરી પાછી ક્યારેય ઉપેનને ત્યાં ગઈ નહી.

પપ્પાને ઘેર પાછી આવી અને થોડા જ વખતમાં તેણે અરવિંદ મિલમાં જોબ શરુ કરી દીધી. સોહમને તેની ગર્લફ્રેન્ડ હતી એટલે પપ્પાની ઈચ્છા નહોવા છતાં મેધાએ પપ્પા-મમ્મીને સમજાવી સોહમના લગ્ન તેની ગર્લફ્રેન્ડ સાથે કરવા માટે પપ્પાને મનાવ્યા અને તેના લગ્ન ધામધૂમથી કર્યા.સોહમની પત્ની સુરાલી ખૂબ સુખી ઘરની હતી.તે સંયુક્ત કુટુંબમાં રહેવા માંગતી નહતી .સુરાલીની ઈચ્છા કેનેડા સેટલ થવાની હતી.પપ્પાએ ધમધોકાર ચાલતી ફેક્ટરી છોડીને નોકરી કરવા ગાત્રો થિજાવી દેતી કેનેડાની ઠંડીમાં ન જવા સોહમને સમજાવ્યો પણ તે તો સુરાલીની સાથે કેનેડા જતો જ રહ્યો.

ઓમ હવે પપ્પાને મદદ કરવા એકલોજ હતો.પરતું તે ખૂબ મહેનતુ હતો એટલે અડધા દિવસ તો પપ્પાને ફેક્ટરી પણ આવવા ન દેતો અને કહેતો “પપ્પા હું છું ને તમે બહુ કામ કર્યું હવે આરામ કરો.”
પપ્પા પણ તેની વાત સાંભળતા અને આરામ કરતા.તેની પત્ની પ્રિયા પણ ખૂબ સંસ્કારી હતી અને ઘરમાં સરસ ગોઠવાઈ ગઈ હતી. તેને હવે એક દીકરો પણ આવી ગયો હતો.


મેધાના મહેનતુ સ્વભાવ અને ચીવટપૂર્વકના કામથી તેના બોસ તેના પર બહુ ખુશ હતા. રોજ તે અને મેધા સાથે લંચ કરતા. મેધાના હાથની બનેલ રોજ નવી અને સ્વાદિષ્ટ રસોઈ ખાવાની તેમને ગમતી. તેમને શાંત અને સૌમ્ય મેધા મનમાં વસી ગઈ હતી. બોસ મિસ્ટર અનિમેષ શાહ હજુ કુંવારા હતા. તેમણે મેધાને પ્રપોઝ કર્યું ત્યારે મેધાએ તેમને પૂછ્યું”લીઝા મારી જિંદગી છે તેનું શું ? “ત્યારે તેમણે કીધું” તારી જિંદગીને હું પણ મારી દીકરીની જેમ જ અપનાવીશ તું જરા પણ ચિંતા ન કર.”


મેધાને પણ અનિમેષ ગમતા જ હતા પણ લીઝાને કારણે તેણે તેના મનને પકડીને રાખ્યું હતું. પણ હવે તેના જીવનમાં જાણે વસંત આવી ગઈ હતી. તે ખૂબ ખુશ રહેતી હતી. તે ટાઈમ જોઈને લીઝાને અને ઘરમાં બધાને વાત કરવાની જ હતી ત્યાં તો ભૂકંપ આવી ગયો. એના સપનાનો મહેલ કડડડભૂસ કરતો જમીનદોસ્ત થઈ ગયો.

ઓમ ફેક્ટરીથી રાત્રે આઠ વાગે ઘેર પાછો આવતો હતો અને હાઈવે પર સામેથી આવતી ટ્રકના દારુ પીધેલા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો અને ઓમ પર ટ્રક ફરી વળી. મોટરબાઈક સાથે તે આખો હતો નહતો થઈ ગયો જુવાનજોધ દીકરાને આમ અચાનક ગુમાવતા મમ્મી-પપ્પાની હાલત જોવાય નહીં તેવી થઈ ગઈ. યુવાન પુત્રવધુ પ્રિયા ,તેનો નાનકડો દીકરો ,વહાલસોયા ભાઈની બહેન મેધા અને પિતાની જગ્યા પૂરા કરતા મામાની વહાલી લીઝુ બધાં જાણે એકસાથે સુનમુન થઈ ગયા હતા.

હવે મેધાએ મક્કમ મનોબળ સાથે ઘરનું સુકાન સંભાળી લીધું. મમ્મી-પપ્પા જે પથારી પકડીને બેસી ગયા હતા તેમને સમજાવ્યા કે આ સમય નિરાશ થઈ બેસી જવાનો નથી. જે થઈ ગયું છે તેને બદલી શકવાના છીએ નહી તો હવે બધા એક થઈ આગળ વધીએ.પપ્પાને ફેક્ટરી રેગ્યુલર જવાનું ચાલુ કરાવ્યુ. પ્રિયાને પણ જોબ શરુ કરાવી.હવે લીઝા પણ મોટી થઈ ગઈ હતી તેથી મમ્મીને ઘરમાં અને નાનાભાઈને રાખવામાં મદદ કરતી. મેધાને અરવિંદ મિલમાં જોબને ઘણા વર્ષો થઈ ગયા હતાં એટલે ખૂબ સરસ પગાર હતો. તેણે તો ઓમ ગુજરી ગયો તેના ચાર દિવસ પહેલાંજ ,તેને અને પપ્પાને કીધુ હતું કે મેં એક સરસ ત્રણ બેડરુમનો ફ્લેટ મારા માટે જોયો છે તો તે ખરીદી લઉં. થોડી લોન લઈ લઈશ. ઓમ અને પપ્પા તો ના પાડતા હતા પણ તે તો ડિપૉઝિટનાં પૈસા તૈયાર કરીને બેઠી હતી પણ માણસ વિચારે તેવું બંધુ જ કયાં થાય છે!!

હવે ઓમના મૃત્યુને બે વર્ષ થઈ ગયા હતા પણ પ્રિયાની ઉંમરતો હજી અઠ્ઠાવીસની જ હતી. તેથી મેધા અને પપ્પાએ સાથે મળીને તેના બીજા લગ્ન કરાવી દીધા. મા દાદાને તેમનો નાનો લાડકો પૌત્ર પોતાની પાસે રાખવો હતો પણ પ્રિયા તેને છોડે કેવી રીતે? ફરી એકવાર ઘર સાવ સુનુ થઈ ગયું. નાના દીકરાની કિલકારીઓનો સૂનકાર અને દીકરી જેવી વહાલસોયી પ્રિયા વગર મમ્મી ડિપ્રેશનમાં આવી ગયા. પપ્પા દિલ પર પથ્થર મૂકી કોરી આંખોએ બધું જોયા કરતા હતાં. મેધા દરેક પરિસ્થિતિમાં ઢાલ બની બધાની કાળજી રાખતી હતી. પોતાના પગારના પણ બધા પૈસા તે ઘરમાં,માતપિતાની દવાઓ અને છોકરાઓની સ્કૂલ-ટયુશનની ફીમાં આપી દેતી.

ઘરનું વાતાવરણ મેધાએ પરાણે થાળે પાડ્યું હતું અને પપ્પાએ માથામાં ખૂબ દુખાવો થતો હોવાની ફરિયાદ કરી.પહેલા તો મેધા અને મમ્મી સમજ્યા કે પ્રિયા અને તેના દીકરાના જવાથી પપ્પાની આવી હાલત થઈ છે ,પણ ડોકટરને બતાવતા ખબર પડી કે તેમને તો બ્રેઈન ટ્યુમર છે અને તરતજ ઓપરેશન કરાવવું પડશે. મેધાએ ઓફીસમાંથી રજા લઈને મુંબઈ લઈ જઈ પપ્પાને ઓપરેશન કરાવ્યુ. સોહમ તો ફોનથી જ ખબર પૂછતો અને ઉપરથી લિકર સ્ટોરમાં તેને નુકસાન થયું છે તેા  ફેક્ટરી હવે પપ્પા ન ચલાવવાના હોય તો વેચીને અડધા પૈસા મને મોકલાવ તેવી વાત મેધાને કરતો. તેને પપ્પાની તબિયતની સંભાળ રાખવાની વાત અને ઑપરેશનમાં ખર્ચનો કેવી રીતે બંદોબસ્ત કર્યો તે પૂછવાને બદલે આવી વાત કરતા સાંભળી મેધા ખૂબ ગુસ્સે થઈ ગઈ.પપ્પા તો મેધાની વાત ફોન પર ચાલતી હતીને જ પરાણે ઊભા થઈને ખૂબ ગુસ્સામાં સોહમ સાથે વાત કરવા આવ્યા પણ મેધાએ પપ્પાને શાંત રાખવા ફોન જ મૂકી દીધો.પણ આ આઘાત તે સહન ન કરી શક્યા અને તેજ રાત્રે હાર્ટએટેક આવતા દુનિયા છોડી ગયા.


હવે મમ્મી ,મેધા અને લીઝા ત્રણ જણ જ રહ્યા. લીઝા તેની ઓફીસમાં કામ કરતા તેના મિત્ર સાથે પરણીને મદ્રાસ સેટલ થઈ હતી. મમ્મી અને મેધા તેમના દિવસો સામાન્ય રુટીનમાં પસાર કરતા હતા. ત્યાં અચાનક એક દિવસ બાજુમાં રહેતા પડોશી બેને મેધાને પૂછ્યું , “મમ્મીને મળવા કોઈ ચંગીભંગી જેવી વ્યક્તિ તારી ગેરહાજરીમાં કોણ આવે છે? અને તે રોજ મમ્મી સાથે મોટા અવાજે ઝઘડો પણ કરે છે!”

મેધા તો એકદમ અચંબામાં પડી ગઈ અને કહે “મને કંઈ ખબર નથી”. તે દિવસે તે ઓફીસથી લંચ પહેલાં જ પાછી આવી ગઈ.

ઘરમાં પણ કબાટોને બધું અસ્તવ્યસ્ત અને ફેંદાએલ હતું પણ તેને એમકે મમ્મીને થોડું દેખાય છે ઓછું અને થાકી જાય એટલે વસ્તુ લઈને સરખી મૂકી નહી શકતી હોય. મમ્મી પણ હમણાંથી ચૂપચાપ, દુ:ખી અને આખો દિવસ પથારીમાં સૂતેલી અને કંઈ વિચાર્યા કરતી હોય તેવું મેધાને લાગતું પણ મેધા પૂછે તો બધું બરાબર છે તેમ જ તે કહેતી. હવે પડોશીની વાત સાંભળી મેધાએ આજે જ્યારે “મમ્મી તને મળવા કોણ આવે છે ?”એમ પૂછ્યું ,તો મમ્મી ખૂબ રડવા લાગી અને મમ્મીએ જે વાત કરી તે સાંભળીને મેધાના પગ નીચેથી જમીન ખસી ગઈ. તે તો ત્યાં જ બેસી પડી.ધ્રુસકે ધ્રુસકે રડતાં તે મમ્મીને પૂછવા લાગી,

“મમ્મી વીસ વર્ષે આમ એ અચાનક ક્યાંથી આવ્યો?અને તું કહે છે હું મારી સગવડ કરી લઉં અને તારે આ ઘર એને આપી દેવું છે?????હું કયાં જાઉં આટલા વર્ષે? આ મેટ્રોસીટીમાં શહેરની વચ્ચે મને ઘર કયાં મળે? ભાડુ મને કેમ પોસાય?તારું મગજ તો ઠેકાણે છેને મા?”

મેધાને પેલી વાર્તાની મા યાદ આવી ગઈ…..માને મારીને તેનું કાળજું લઈ જતો દીકરો ઠોકર ખાય છે
અને માનું કાળજું બોલે છે ”ખમ્મા બેટા”

એ દિવસે મેધા અનરાધાર વરસી પડી હતી. આભ ફાટે તો થીગડું કયાં મારે?

એટલામાં તો રખડી રખડીને જેનો ગોરો વાન કાળો પડી ગયો હતો ,સિગરેટ પીને જેના દાંત પીળા થઈ ગયા હતા, ડ્રગ અને દારુને રવાડે ચડી હાડપિંજર જેવું શરીર,લાલ આંખો અને બદબૂ મારતું બદન અને મેલાઘેલા કપડાંવાળો સોહમ તેમના ઘરમાં મમ્મીએ આપેલ ચાવીથી ઘર ખોલી ઘૂસી આવ્યો .તેનો આવો ભિખારી જેવો દેખાવ જોઈ બે મિનિટ તો મેધા તેને ઓળખી જ ન શકી.  પણ એતો આવીને મેધાને “નીકળ અમારા ઘરની બહાર “એમ કહી તેને ઢસડીને બહાર કાઢવા લાગ્યો.તેની બૂમાબૂમ સાંભળી પડોશીઓ ભેગા થઈ ગયા.બધાંએ તેને અહીં ફરી આવશે તો પોલીસને સોંપી જેલ ભેગો કરવાની ધમકી આપી ,ધોલધપાટ કરી ભગાડી મૂક્યો કારણકે બધા મેધાને ખૂબ સારી રીતે જાણતાં હતા.

મેધા પથ્થર બની ગઈ હતી! કંઈ સમજાતું નહોતુ.તેની પાસે ન કોઈ મૂડી હતી ન કોઈ બચત.ઘર પરિવાર અને માતા-પિતા પાછળ તેણે બધું જ ન્યોછાવર કરી દીધું હતું.

સોહમને સુરાલીએ પાંચ વર્ષથી પોતાના ઘરમાંથી કાઢી મૂક્યો હતો. લીકર સ્ટોરમાં નુકસાન ગયું. મિત્ર બધું દેવું તેને ઓઢાડીને જતો રહ્યો. જે પત્નીને લીધે પોતાના માબાપ અને કુટુંબને છોડ્યું હતું તેણે તેને જ રોડ પર મૂકી દીધો. સાવ નિરાધાર અને એકલો અટૂલો પરદેશમાં તે દારુ અને ડ્રગને રવાડે ચડી ભિખારીની દશામાં જીવન ગુજારતો હતો.ચોરી કરીને પૈસા મારીને તે જેમતેમ કરી ભારત ભાગી આવ્યો હતો.

તેણે આવીને મેધાને ખબર નપડે તેમ મમ્મી પાસેથી પૈસા લેવા માંડ્યા.”આ ઘર તો પપ્પાનું છે તેના પર તો મારો હક્ક છે મેધા તો કમાય છે એટલે તે તો બીજે રહી શકે.હવે હું આવી ગયો છું તારું દયાન રાખવા જેવી મીઠી અને લોભામણી વાતો કરી માની લાગણીને ખોતરવા લાગ્યો.”પહેલેથી જ થોડી સામાન્ય બુધ્ધિની મા તેને ઘરમાં મેધાથી છાનામાના પેાષતી રહી.

પણ તે દિવસના મારામારીના બનાવ પછી તે પાછો આવી શકે તેમ હતો નહી.

છેવટે તેના વ્યસનની હવસ તેનો જીવ લઈને રહી.તેને લોહીના સગાઈને નાતે વળાવીને મમ્મીને ન્હાવા ઉઠાડવા મેધા ગઈ તો સોહમના મોતના સમાચાર સાંભળી મા પણ ત્યાંજ ઢળી પડી …..મેધા માને વળગીને જોર જોરથી રડતી રહી મા…..ઓ ….મા
મને આમ એકલી છોડીને ના જા ના…..જા….

સુખ હમેશાં ડોકિયું કરીને મેધાના જીવનમાંથી ચાલ્યું ગયું….

મેધા આખી જિંદગી સુખની શોધના મૃગજળ સીંચીંને જીવનવેલ ઉછેરતી રહી……About Rajul Kaushik

“Languages create relation and understanding” Rajul Kaushik Mother Tongue: Gujarati. Free Lance Column Writer: Gujarati Newspaper and Magazines. Reviews on Film, Drama and Cultural function, Articles on women empowerment. Contact: rajul54@yahoo.com Mobile:508 581 0342 Related Websites: https://rajul54.wordpress.com/ https://www.facebook.com/rajulshah1954
This entry was posted in જીગીષા પટેલ, સંવેદનાના પડઘા. Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s